
રવીન્દ્ર પારેખ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 8માંના વિદ્યાર્થીએ, અઠવાડિયા પહેલાં થયેલી ધક્કામુક્કીનો બદલો, 10માંના વિદ્યાર્થીની, તીક્ષ્ણ હથિયાર(બોક્સ કટર)થી હત્યા કરીને લીધો. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો એ ઘટના ચોંકાવનારી ને તીવ્ર આઘાત આપનારી છે, એ સાથે જ સ્કૂલોના કારભાર બાબતે ચિંતા વધારનારી પણ છે. સ્કૂલમાં મૃતક વિદ્યાર્થી ઘવાઈને 38 મિનિટ સુધી લોહી નીંગળતી હાલતમાં, મદદની રાહ જોતો પડી રહ્યો, પણ કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની દરકાર ન કરી, એટલું જ નહીં, મૃતકની માતા આવી ને તેણે પોતાના દીકરાને હોસ્પિટલ પહોંચાડવા મદદ માંગી, પણ કોઈ વહારે ન આવ્યું. એવું ન હતું કે સ્કૂલ કેમ્પસમાં કોઈ હતું નહીં. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ હતા જ, પણ કોઈને મદદ કરવાનું ન સૂઝ્યું. માતા દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી, ત્યાં સુધીમાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું. સમયસર સારવાર મળી હોત તો મૃતકને બચાવી શકાયો હોત, પણ સ્કૂલ અને કેમ્પસની બેદરકારીને લીધે વિદ્યાર્થીને મરવાનું થયું. એમ લાગે છે, જાણે મૃતકને મરવા માટે જ છોડી દેવાયો હતો. એ રીતે એ હત્યા જ નહીં, સામૂહિક હત્યા પણ છે.
સ્કૂલના આચાર્ય, શિક્ષકોમાંથી કોઈનું જ રૂંવાડું ફરક્યું નહીં, એ તો ઠીક, એક શિક્ષિકાએ તો ત્યાં સુધી કહ્યું કે હથિયાર મારવાની ઘટના સ્કૂલની બહાર બની છે. મતલબ કે તેની જોડે સ્કૂલને કોઈ લેવાદેવા નથી, એવું? ને બહાર એટલે સ્કૂલના પાર્કિંગમાં જ ને ! ઘટના બહાર બની, પણ વિદ્યાર્થી તો સ્કૂલનો હતો ને ! એ પણ જવા દો, સ્કૂલ કેમ્પસમાં, સ્કૂલનો જ વિદ્યાર્થી 38 મિનિટ સુધી લોહીલુહાણ હાલતમાં પડી રહ્યો તે સ્કૂલને દેખાયું હતું કે કેમ? દેખાયું હતું, તો તેનો જીવ બચાવવાની ફરજ સ્કૂલની હતી કે કેમ? સિક્યુરિટી ગાર્ડે સ્કૂલને અને પોલીસને જાણ કરી, પછી પણ કોઈ ઘાયલ વિદ્યાર્થી સુધી ન પહોંચ્યું એ ગુનાહિત બેદરકારી છે. જો કોઈ જવાબદારી સ્કૂલની ન હતી, તો પાર્કિંગમાં ટેન્કર બોલાવીને લોહીના ડાઘ ધોવડાવવાનું સ્કૂલની ફરજમાં કઈ રીતે આવ્યું? પુરાવા જોડે છેડછાડ કરવાની સ્કૂલની ફરજ હતી, એમ?
આ મામલે પોલીસ પણ સક્રિય ઓછી જ જણાઈ છે, એટલે જ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે, બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જે વિદ્યાર્થીએ હત્યા કરી તેણે કટર નજીકની સ્ટેશનરીની દુકાનેથી ખરીદ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ રાબેતા મુજબ સ્કૂલ સામે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. વાલીઓએ સ્કૂલમાં ઘૂસી તોડફોડ કરી ને આચાર્ય સહિત શિક્ષકોને ઠમઠોર્યા છે. રાજકીય પક્ષો પણ વિરોધમાં જોડાયા છે. શોકસભામાં સ્કૂલ બંધ કરવાની વાતો પણ થઈ છે. રેલીઓ નીકળી છે, બંધ પળાયો છે ને સંચાલકો સામે ગુનો નોંધી, સરકાર હસ્તક વહીવટ ચાલે એવી માંગ પણ કરાઈ છે. આટલું બન્યું, પણ સ્કૂલે DEOને જાણ કરવાનું મુનાસિબ માન્યું નથી. આ સ્કૂલ સામે અગાઉ પણ ફરિયાદો થઈ છે, પણ વિદ્યાર્થીની થયેલ હત્યા સંદર્ભે ભયંકર નિષ્ઠુરતા દાખવીને સ્કૂલે આડો આંક વાળી દીધો છે. જો કે, DEOએ પોતાની રીતે તો સ્કૂલને નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહી રિપોર્ટ કરવા જણાવ્યું છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના નિર્દેશ મુજબ DEOએ પોતે સ્કૂલની મુલાકાત લીધી, પણ ત્યાં મેનેજમેન્ટના સભ્ય કે શૈક્ષણિક સ્ટાફ જોવા ન મળતા પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો, તો સુરતના DEOએ તો વિદ્યાર્થીઓની સલામતીની વ્યવસ્થા ગોઠવવાનો પત્ર તમામ સ્કૂલોને મોકલ્યો છે. જો કે, ઘણા DEOને અઘરું થાય એવું ઘણું ઘણું થઈ રહ્યું છે –
સેવન્થ ડેનો 19 ઓગસ્ટ ને મંગળવારનો મામલો થાળે પડવાની વાત તો દૂર રહી, બાલાશિનોરના પ્રાથમિકના ધોરણ આઠના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને ચપ્પુના પાંચ ઘા મારી દીધાની ઘટના 21મી ને ગુરુવારે સામે આવી છે. એ સાથે જ ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થીએ મિત્રોને બોલાવીને હુમલો કરાવ્યાના સમાચાર પણ છે. એ જ 21મીએ ઉત્તરાખંડના કાશીપુરમાં, ધોરણ 9ના વિદ્યાર્થીએ એક શિક્ષકની પીઠ પર ગોળી મારી દીધી હતી. કેમ? તો કે, શિક્ષકે પૂછેલા પ્રશ્નનો જવાબ ન આવડતા શિક્ષકે તેને લાફો માર્યો હતો. બે દિવસ પછી વિદ્યાર્થીએ ટિફિનબોક્સમાં સંતાડી રાખેલી પિસ્તોલમાંથી ગોળી મારી હતી. 22 ઓગસ્ટે સાબરકાંઠાના વડાલીની શેઠ સી.જે. હાઈસ્કૂલમાં ધોરણ 7ના બટકા વિદ્યાર્થીને છોટિયો કહીને ચીડવ્યા બાદ ૩ વિદ્યાર્થીઓએ ન્હોર મારીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 4 મહિના પહેલાં પણ આ જ રીતની ધમકી અપાતાં વિદ્યાર્થીના વાલીએ શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું, પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. એ જ દિવસે વડોદરા આજવા રોડ પર આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 7ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થી પર ચાકુ સ્કૂલે લાવવાનો આક્ષેપ મૂક્યો હતો. વિદ્યાર્થીએ વર્ગના વિદ્યાર્થીને બેંચ પાસેથી ખસવાનું કહેતાં તેણે ઉશ્કેરાઈને ચહેરે નખ માર્યા હતા. તેની પાસે ચાકુ પણ હતું જે તે બીજા વિદ્યાર્થીઓને બતાવતો રહેતો હતો. આ અંગે મેડમનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમણે ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો. એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી. આની સામે સ્કૂલના પ્રવક્તા કહે છે કે આક્ષેપ ખોટો છે. બેગમાં કોઈ ચાકુ ન હતું, આ તો સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ છે. હશે, એવું જ હશે, પણ પ્રવક્તાશ્રીને પૂછી શકાય કે મેડમે શેનો ફોટો પાડીને વાલીને મોકલ્યો હતો? શનિવાર 23 ઓગસ્ટે અમદાવાદના રાયખડમાં આવેલી આઈ.પી. મિશન સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ ભૂતપૂર્વ મિત્રે ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીને મેસેજમાં, ‘તું હિસાબ મેં બાત કર ….. તેરી ફિલ્ડિંગ મૈને પહલે સે હી સેટ કર લી હૈ …’ જેવી વાત કરી હતી. આ ભાષા વિદ્યાર્થિની છે કે ટપોરીની તે નક્કી કરવાનું મુશ્કેલ થઇ પડે એવું છે. વિદ્યાર્થીએ પિતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.
ઉત્તરાખંડની ઘટનાને બાદ કરતાં બાકીની બધી ઘટનાઓ ગુજરાતની છે. ગરવી ગુજરાતની આ વરવી વાતો 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન છાપાંમાં આવેલી નોંધ માત્ર છે. એ સિવાય પણ કંઇ બન્યું હશે ને મીડિયા સુધી નહીં પહોંચ્યું હોય એમ બને. જે બન્યું છે તે ઓછું જોખમી છે, એવું નથી. એ દુ:ખદ છે કે સેવન્થ ડેના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા 8ના વિદ્યાર્થીએ કરી, પણ હત્યા કરતાં પણ જે બેદરકારી સ્કૂલ અને ત્યાં હાજર સૌએ દાખવી છે તે વધારે હિંસક અને ઘાતક છે. 9,000 વિદ્યાર્થીઓની સ્કૂલના આચાર્ય, તેના શિક્ષકો, તેના વિદ્યાર્થીઓ, તેના વાલીઓ આટલાં સંવેદનહીન અને વિવેકહીન હોઈ શકે એ હત્યા કરતાં વધુ આઘાત આપનારી બાબત છે. 38 મિનિટ સુધી ઘાયલ વિદ્યાર્થી લોહીલુહાણ પડી રહે છે ને કોઈને જ તેની મદદે આવવાનું સૂઝતું નથી એ લાગણીશૂન્ય થઈ રહેલાં જગતનો જીવંત પુરાવો છે. હવે તો કોઈ, કોઈનું ખૂન કરતું હોય તો તેને રોકવાને બદલે, એ ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારવાનું વધારે મહત્ત્વનું અને સમાજ સેવાનું કામ ગણાય છે. આપણે હવે એટલા સ્વાવલંબી થઇ ગયા છીએ કે કોઈની મદદની, લાગણીની, સેવાની જરૂર જ ન રહી હોય તેમ એકલપેટા જીવવાનું ગૌરવ લઈએ છીએ. કાલ ઊઠીને આંસુ જ ન આવે એવી સ્વસ્થતા સૌ ધારણ કરી લે તો નવાઈ નહીં !
બીજી જે ઘટનાઓ બની છે તે જોઈએ તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હથિયાર ફરજિયાત હોય તેમ સૌ શસ્ત્ર સજ્જ છે. અમેરિકામાં તો શસ્ત્રની છૂટ છે, પણ ભારતમાં ય હોય તેમ વિદ્યાર્થીઓ ચપ્પુ, પિસ્તોલ રાખવા લાગ્યા છે. નજીવી બાબતમાં હથિયાર ચલાવવાનું પણ ફાવી ગયું છે. કોઈ ધમકી આપે છે, તો કોઈ ખરેખર તેનો ઉપયોગ પણ કરે છે. કેમ જાણે હથિયાર વગર જીવાય એમ જ ન હોય એવા ગુંડારાજમાં સૌ રહેતાં ન હોય ! દુ:ખદ એ છે કે એ રેલો બાળકો સુધી આવ્યો છે. તે કોઈ પુખ્તવયના ન લે એવું અચૂક નિશાન સાધે એવા શિક્ષિત છે. સ્કૂલમાં બીજું કંઇ શીખે કે ન શીખે, પણ હથિયાર વાપરવાનું તો સૌ શીખવા લાગ્યાં છે.
માબાપ પણ બાળકોનું જતન કરે છે. તે સ્કૂલે લંચબોક્સની સાથે એ પણ જોઈ લેતાં હશે કે સંતાને ચપ્પુ કે પિસ્તોલ કે અન્ય શસ્ત્ર લીધું તો છે ને ! એક વાર ચોપડાં ભૂલી જશે તો ચાલશે, પણ જાત બચાવતું શસ્ત્ર લેવાનું ન ભૂલાય એ તો જોવું પડશે ને ! હજારો લાખોના ખર્ચ પછી હવે શિક્ષણ સંસ્કારની જ નહીં, અગ્નિસંસ્કારની ગરજ પણ સારે છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑગસ્ટ 2025