રઘુનાથજી દવે એટલે કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતોના માનવી. રઘુનાથજી એક મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતા. કરોડો રૂપિયાનો વહીવટ તેમની રાહબરી નીચે થતો હતો. કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય આખરી નિર્ણય ગણાતો. કંપનીનાં માલિક રાજનભાઈ કોઠારી પણ તેમના નિર્ણયને ક્યારે ય ફેરવતા નહીં. આ બાબતે કંપનીમાં ઘણી વખત ચર્ચાઓ પણ થતી કે રઘુનાથજીએ માલિકને પણ વસમાં કરી લીધા છે. એ માલિક છે તેમણે પણ રઘુનાથજીનાં નિર્ણયને અનુમતિ આપતા પહેલાં આપણી સાથે ચર્ચા કરવી જોઈએ.
રાજનભાઈ કોઠારીને એમે જ કંઈ રઘુનાથજી પર આટલો ભરોસો નહોતો. ભૂતકાળમાં કેટલી ય પરીક્ષઓમાંથી રઘુનાથજી પાસ થયેલાં હતા. એક વખત રઘુનાથજીની આકરી પરીક્ષા થાય એવો બનાવ બન્યો. રાજનભાઈ કોઠારીના એક નજીકના મિત્રએ ૧૦૦ કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડર ભર્યું હતું. તેને પૂરો વિશ્વાસ હતો કે એ રાજનનો મિત્ર છે એટલે ટેન્ડર તો તેને જ મળશે, પણ તેના બદલે બીજી કંપનીનું ટેન્ડર પાસ થયું. આખો ય પ્રશ્ન રાજનભાઈ પાસે આવ્યો. રાજનભાઈએ વિચાર્યું કે વિના કારણ રઘુનાથજી મારા મિત્રનું ટેન્ડર નામંજૂર ન કરે; મારે કારણ જાણવું પડશે. રાજનભાઈએ રઘુનાથજીને ચેમ્બરમાં બોલાવ્યા અને પૂછ્યું કે `તમે મારા મિત્રનું ટેન્ડર શા માટે નામંજૂર કર્યું? મેં આજ સુધી તમારા નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો પણ આજે મારે માટે કારણ જાણવું છે.`
`રાજનભાઈ —`
રાજનભાઈએ રઘુનાથજીને કહ્યું હતું કે `તમારે મને સાહેબ કે બોસ નહીં કહેવાનું તમારે મને રાજન કહેવાનું હું તમારાથી નાનો છું.` ત્યારે રઘુનાથજીએ કહ્યું હતું, કે “તમે નાના છો એ વાત સાચી, પણ આ કંપનીનાં માલિક છો, એ વાત પણ મારે ધ્યાનમાં રાખવી પડે; તો હું તમને રાજનભાઈ કહીશ.”
`— તમે અત્યાર સુધી મારા કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો; તો આ માટે પણ કારણ જાણવાનું રહેવા દો.`
` ના મારે કારણ જાણવું છે.`
`રાજનભાઈ તમારા મિત્રએ મને બે કરોડની ઓફર કરી હતી; મારા સિદ્ધાંતને જાણતા હોવા છતાં; જે માણસ મને પૈસાની ઓફર કરે એ બીજું શું ન કરી શકે; એમ માનીને મેં એ નામંજૂર કર્યું. મેં કંઈ ખોટું નથી કર્યું; મેં આ કંપની પ્રેત્યેની મારી નૈતિક જવાબદારી નિભાવી છે.`
પણ આજે હકીકત જુદી હતી. રઘુનાથજીની ફરજનિષ્ઠાની કસોટી થાય એવી વાત હતી. રાજનભાઈનો દીકરો દીપેન વિદેશમાં અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો અને રાજનભાઈએ તેને રઘુનાથજી પછીની કંપનીમાં પોસ્ટ આપવાની સૂચના આપી હતી. રઘુનાથજી દીપેનના બધાં જ અપલખણ જાણતા હતા એટલે તો તેને વિદેશ અભ્યાસ માટે મોકલ્યો હતો. દીપેનનું કંપનીમાં જોડાવાથી કંપનીને ખૂબ નુકશાન થવાની ભીતિ રઘુનાથજીને દેખાતી હતી. એક નિર્ણય કરીને એ રાજનભાઈની ચેમ્બરમાં ગયા અને કહ્યું.
`રાજનભાઈ, હું દીપેનને કંપનીમાં તમે કહી એ પોસ્ટ પર નિમણૂંક નહીં આપી શકું.`
`રઘુનાથજી, તમે કોને અને કોના માટે ના કહો છો એ ખબર છે ને? તમારી નોકરી પણ જઈ શકે છે. તમારે એક વરસ બાકી છે, શાંતિથી નોકરી કરો ને. “હું મારો નિર્ણય નહીં બદલું.”
`તો, રાજનભાઈ, આ મારું રાજીનામું; તમે પણ દીપેનનાં અપલખણ જાણો છો; તમને આ બધી ખબર છે; છતાં આવો આગ્રહ શા માટે? પુત્રપ્રેમ અને બિઝનેસ સાથે ન રાખો તો સારું. “હું મારો નિર્ણય નહીં બદલું” એમ કહીને રઘુનાથજીએ રાજીનામું રાજનભાઈને આપ્યું.
રાજનભાઈએ એક ક્ષણ રઘુનાથજી સામે જોઈને રાજીનામું ફાડી નાખ્યું.` રઘુનાથજી, એક વરસ પછી હું તમારી જેવો માણસ ક્યાં શોધીશ કે જે વ્યક્તિ કંપનીનાં હિત માટે માલિકને પણ સાચી હકીકત જણાવી શકે; સિદ્ધાંત માટે પોતાની નોકરી પણ છોડી શકે.`
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com