ગ્રંથયાત્રા – 10
લાકડાનાં ખપાટિયાં ખોડીને બનાવેલી વાડ. બાજુમાં ઊભો છે એક છોકરો. પાસે ભોંય પર સફેદ રંગનો ડબ્બો. છોકરાના હાથમાં રંગ કરવાનું બ્રશ. આવી, સાવ મામૂલી લાગે એવી સામગ્રી. પણ દુનિયા આખીની નવલકથાઓમાં અમર, અપૂર્વ, અદ્વિતીય, પાત્ર અને પ્રસંગ તેમાંથી નિપજાવ્યાં એક અમેરિકન સર્જકે. એનું નામ માર્ક ટ્વેન. અને પેલા છોકરાનું નામ? યુરપ-અમેરિકામાં લાખો છોકરાઓનું જે હોય છે તે, ટોમ. ટોમ સોયર.
અમેરિકન સાહિત્યની અમર નવલકથા ‘એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’નો આ ટોમ ભારે તોફાની. આન્ટ પોલીના ઘરમાં રહે. સાવકો ભાઈ સીડ, ડાહ્યો ડમરો, પણ ભારે ચુગલીખોર. ટોમનાં તોફાનોની રોજ ચાડી ખાય કાકી પાસે. પરિણામે ટોમને મળે સજા, સીડ ને પડે મજા. ઘરમાં એક છોકરી, મેરી. મિસિસિપી નદીને કિનારે આવેલા એક નાના ગામમાં એ બધાં રહે. ગામનું નામ સેન્ટ પીટર્સબર્ગ. ગામ એટલું નાનું કે બધાં એકબીજાને ઓળખે.
ટોમને નિશાળ સાથે બારમો ચંદ્રમા. ગુટલી મારી ભિલ્લુઓ સાથે ગિલ્લીદંડા રમે. ગામનો ઉતાર ગણાતો હકલબરી ફિન ટોમનો જિગરજાન દોસ્ત. રાતે ઘરમાં બધાં સૂઈ જાય પછી ટોમ ભાઈ ભાગે, અને હક સાથે તોફાનમસ્તીના રોજ નવા ખેલ માંડે. ટોમ તોફાન મસ્તી કરે, પણ એવી રીતે કે પકડાય નહિ. હા, પેલો સીડીયો ચાડી ખાય ત્યારે જુદી વાત. એક દિવસ ટોમે નિશાળમાં દાંડી મારી ને ઊપડ્યો તરવા. પણ ઘરમાં સીડે વાતનો ધજાગરો ફરકાવ્યો. કાકી રાતી પીળી. ટોમને સજા કરી: લે આ રંગનું ડબલું ને બ્રશ. સાંજ સુધીમાં ઘરની આખી વાડ રંગાઈ જવી જોઈએ.
હવે આવી ઊઠવેઠ કરવાનો તો ટોમને ભારે કંટાળો. પણ ગાતાં ગાતાં, હસતાં હસતાં વાડ રંગવા માંડ્યો. જાણે ગોળનું ગાડું ન મળ્યું હોય! જોતજોતામાં તો ડઝનબંધ દોસ્તારો ઘેરી વળ્યા. બધા કહે: ‘અમનેય રંગવા દે ને ટોમ!’ એક ને કહ્યું, પાંચ લખોટી આપ, બીજા પાસેથી લીધી દસ કોડી, ત્રીજા પાસેથી લીધી લંગરની દોરી, અને બદલામાં બધાને વાડ રંગવાનો ‘લહાવો’ થોડી થોડી વાર આપ્યો. અને ટોમ ભાઈ થોડે દૂર, ઝાડની છાયામાં જઈને નિરાંતે બોરાં ને જમરૂખ ખાવા લાગ્યા. સાંજ પડી. રંગેલી વાડ જોઇને કાકી ખુશ. ખાઈ પીને, આરામ કરીને ટોમ ભાઈ પણ ખુશ ખુશ.
ટોમની સ્કૂલમાં બેકી થેચર નામની એક ફૂટડી છોકરી પણ ભણે. ગામના ન્યાયાધીશની એકની એક દીકરી, એટલે ભારે એંટુ. પણ આ કુડી ટોમની આંખમાં વસી ગઈ. બેકી પણ પાણી પાણી. પણ પછી ટોમ ભાઈએ જરા બાફ્યું. કહે, એમી લોરેન્સ પણ મને તારા જેટલી જ ગમે છે. બસ, બેકીએ તો કરી કિટ્ટા. આ દુઃખ દૂર કરવા ટોમ એક રાતે હકને લઈ પહોંચી ગયો ગામના કબ્રસ્તાનમાં, જંતરમંતર ને મેલી વિદ્યા શીખવા. ત્યાં ગુંડાઓને હાથે એક ડોક્ટરનું ખૂન થતું જોઈ ગયા બંને. ગુંડાને એમ કે અહીં કોઈ હાજર નથી એટલે ખૂન કોણે કર્યું તે ખબર નહિ પડે.પણ આ બધ્ધું ટોમ અને હકે છુપાઈને જોયેલું. પણ બંનેને ગુંડાની બીક. એટલે નક્કી કર્યું કે જોયું તેની વાત કોઈને ન કરવી.
પછી નિશાળ, ને કાકી, ને સીડથી વાજ આવીને ટોમે ત્રણ દોસ્તોની ચાંચીયા ટોળી બનાવી. હક તો હોય જ, ને ત્રીજો હતો હાર્પર. નદીની વચમાં આવેલા જેક્સન ટાપુ પર જઈ આખી દુનિયા સામે બહારવટું માંડવાનાં સપનાં જોવા લાગ્યા. પણ સાંજ સુધીમાં તો ગામ આખામાં કકળાટ. ત્રણ છોકરાઓ ગયા ક્યાં? કોઈએ કહ્યું કે નદીમાં તરતા જોયેલા. બસ, થઈ રહ્યું. લોકોએ માની લીધું કે ત્રણે ડૂબી મૂવા. નદીમાં તેમનાં મડદાંની શોધાશોધ. પણ શબ મળ્યાં નહિ એટલે સવારે ગામના દેવળમાં બધા ભેગા થયા અને ત્રણેના આત્માને શાંતિ આપવા પરમ કૃપાળુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા લાગ્યા. એ જ વખતે ત્રણે છોકરાઓ આરામથી ચાલતા ચાલતા દેવળમાં દાખલ થયા. ગામ લોકો તો ડઘાઈ ગયા. આ છોકરાઓ ખરેખર જીવે છે કે પછી આ તેમનાં ભૂત છે?
બસ, તે દિવસથી ત્રણે છોકરા ગામ લોકો માટે હીરો બની ગયા. પણ પેલી બેકી, ટોમ તો જાણે મગતરું હોય એમ જ વર્તે. એક દિવસ રિસેસમાં માસ્તરની ચોપડી લઈને બેકી વાંચવા બેઠી. ટોમને થયું, મોટી ભણેશરી ન જોઈ હોય તો! બિલ્લીપગે પહોંચ્યો બેકી પાસે અને તેના હાથમાંની ચોપડી ખેંચી. ગભરાયેલી બેકીએ બમણા જોરથી સામી ખેંચી. એટલે ચોપડી ગઈ ફાટી, થયા બે ટુકડા. રિસેસ પછી પોતાની ચોપડીના હાલ જોઈ માસ્તર તો રાતાપીળા. બેકીને સજા કરવા જતા હતા ત્યાં ટોમે ઊભા થઈને કહ્યું, કે ચોપડી બેકીથી નહિ, મારાથી ફાટી છે. માસ્તરે ટોમને સજા કરી. બીજાં છોકરાં હસતાં હતાં, પણ બેકી મનમાં રડતી હતી. ના, ના. છોકરો છે તો સારો. હું તેને હડેહડે કરતી હતી તો ય પોતે ગુનો ઓઢી લઈ મને બચાવી લીધી. આજથી આપણે બે …
પણ એ બેના મન મળે ન મળે ત્યાં તો આડું આવ્યું વેરી વેકેશન. વળી એ જ વખતે પેલા ડોકટરના ખૂનનો કેસ પણ અદાલતમાં નીકળ્યો. સાક્ષી તરીકે હાજર થઈ ટોમે કહ્યું કે ડોક્ટરનું ખૂન બદમાશ ગુંડા જોએ કર્યું છે, અને ખૂન કરતો મેં તેને નજરોનજર જોયો હતો. આ બોલ કાને પડતાં જ જો અદાલતમાંથી ભાગી છૂટ્યો. ટોમ અને હકના પેટમાં પડી ફાળ. હવે નક્કી આ ગુંડો આપણો જીવ લેવાનો. પણ સખણો બેસી રહે તો એ ટોમ શાનો. કાર્ડિફ હિલ પરના એક ભૂતિયા બંગલામાં મોટો ખજાનો દાટ્યો છે એવા વાવડ મળતાં બંને દોસ્તો ત્યાં પહોંચ્યા. ત્યાં વેશપલટો કરેલો ગુંડો જો એક જોડીદાર સાથે આવી પહોંચ્યો. ટોમે તેને તરત ઓળખી લીધો. પણ એ બંનેનું ટોમ તરફ ધ્યાન નહિ. કારણ તેમને ઉતાવળ હતી છસ્સો ડોલર ભરેલી એક કોથળી બંગલામાં સંતાડવાની. પણ તેમ કરવા જતાં બંને ગુંડાના હાથમાં બંગલામાં દાટેલો ખજાનાનો પટારો આવી પડ્યો. બંનેએ પોતાનો ચોરીનો માલ ‘નંબર ટુ, અંડર ધ ક્રોસ’ સંતાડવાનું નક્કી કર્યું. ટોમ અને હક એ બધી વાત સાંભળી ગયા.
પછી સ્કૂલની પિકનિક દરમ્યાન ટોમ અને બેકી બધાથી અલગ થઈ એક ગુફામાં જાય છે, પણ ભૂલાં પડી જાય છે. સાથેનું ખાવાનું ખૂટી પડે છે. પોતાની પાસેની મીણબત્તીઓ બાળી બાળીને બહાર નીકળવાનો રસ્તો શોધે છે. હવે છેલ્લી મીણબત્તી બળતી હતી. તેના અજવાળામાં થોડે દૂર એક માણસ દેખાય છે. પણ ટોમને જોઈ એ તો મુઠ્ઠીઓ વાળી નાસવા લાગે છે. કારણ એ હતો ગુંડો જો. છેવટે મીણબત્તી બુઝાવાની તૈયારીમાં હતી ત્યાં એક ડોકાબારી દેખાય છે. ટોમ અને બેકી તે વડે ગુફામાંથી બહાર આવે છે. ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે બેકીનો જજ બાપ ગુફાનું મો બંધ કરાવી દે છે, અને અંદર છુપાયેલો ગુંડો જો મરી જાય છે. ટોમ અને હક તેણે છુપાવેલો ખજાનો શોધી કાઢે છે.
ગામની એક વિધવા બાઈ બંનેને રહેવા ઘર આપે છે અને તેમના ભણતરનો બધો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવે છે. કારણ અગાઉ બંને દોસ્તોએ આ બાઈનો જીવ બચાવેલો. પણ ટોમ અને હક વિનયપૂર્વક તેની ઓફર નકારે છે અને કહે છે કે હવે અમારા બધા જ પ્રશ્નો જાતે ઉકેલી શકીએ એટલા પૈસા અમારી પાસે છે. પોતાને મળેલો મોટો ખજાનો પેલી વિધવા બાઈને બતાવે છે. તેને ઘરેથી પાછા ફરતાં બંને દોસ્તો ભવિષ્યની યોજનાઓ ઘડે છે : હવે તો બનવું છે એવા ચાંચીયા, કે જેના નામ માત્રથી આખી દુનિયા થથરે.
આ અદ્ભુત કથાનો એવો જ અદ્ભુત અનુવાદ કર્યો છે આપણા સમર્થ સર્જક ધીરુબહેન પટેલે.
XXX XXX XXX
20 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com