
ચંદુ મહેરિયા
ભારતમાં પાર્લામેન્ટના મેમ્બરને સેલરી મળે છે, પરંતુ પંચાયતના સભ્યને મળતી નથી. દેશના પ્રધાન મંત્રીને પગાર મળે છે પણ ગામના સરપંચને મળતો નથી! લોકતંત્રના પાયાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કોઈ જ પગાર ન મળે પણ ટોચનાને મળે તે જરી વિચિત્ર લાગે છે, નહીં? એટલે પંચાયતથી પાર્લામેન્ટ અને સરપંચથી વડા પ્રધાન સુધીના લોકપ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ કે કેમ અને કેટલો તે સવાલ હંમેશાં ચર્ચાતો રહ્યો છે.
આઝાદીના સાડા સાત દાયકે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર માટે દલા તરવાડી નીતિ ચાલે છે. આ માનનીયો પોતાનો પગાર પોતે જ નક્કી કરે છે અને વધારે છે. વળી તેમાં ગાંધી-વૈધ્યનું સહિયારાપણું અડીખમ છે. પગાર વધારાના મુદ્દે સત્તાપક્ષની સાથે વિરોધપક્ષ પણ બરાબરનો જોડાયેલો હોય છે. ગુજરાત જેવામાં તો હાલ પગાર વધારાની માંગણી જ ક્ષીણ વિરોધ પક્ષના ધારાસભ્યો કરે છે.
લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું વેતન છેલ્લે ૨૦૧૮માં વધારવામાં આવ્યું હતું. તેના સાત વરસો પછી ૨૦૨૫માં સાંસદોના પગાર-ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર વધારાની સરાહનીય બાબત એ છે કે વેતન વૃદ્ધિ પારદર્શી પ્રક્રિયાથી કરવામાં આવી છે. વરસે ૩.૧ ટકાના દરે સાત વરસનો કુલ ૨૪ ટકા પગાર વધારો કર્યો છે, જે વાજબી લાગે છે.
૨૦૧૮માં તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલી દર પાંચ વરસે આપોઆપ સાંસદોના વેતનમાં વૃદ્ધિ થાય અને તેને મોંઘવારી તથા ફુગાવા સાથે જોડવામાં આવે તેવો પ્રસ્તાવ લાવ્યા હતા. ફાયનાન્સ બિલ ૨૦૧૮થી સંસદ સભ્યોનાં વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ ૧૯૫૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારાથી સાંસદોના વેતનની પ્રક્રિયાને બિનરાજકીય અને પારદર્શી બનાવવામાં આવી છે અને વેતન માટેનું વ્યવસ્થિત તંત્ર ઊભું કરવામાં આવ્યું છે.
સાંસદોને મહિને જે રૂ. ૧ લાખ પગાર મળતો હતો, તેમાં છેલ્લા સુધારાથી રૂ. ૧.૨૪ લાખ મળે છે. પગારમાં અન્ય ભથ્થાં ઉમેરતાં માસિક રૂ.૨.૮૬ લાખ થાય છે. સાંસદોને મતવિસ્તારની દેખરેખ માટે રૂ.૮૭,૦૦૦, કાર્યાલય ખર્ચ માટે રૂ.૭૫,૦૦૦ અને સંસદની બેઠક ચાલુ હોય ત્યારે દૈનિક રૂ. ૨,૫૦૦ ભથ્થું પણ આપવામાં આવે છે. માનનીયોને આવાસ ઉપરાંત વીજળી, પાણી, ટેલિફોન, ઈન્ટરનેટ, હવાઈ અને રેલવે મુસાફરી સાવ નિ:શુલ્ક કે નજીવા દરે મળે છે.
લોકશાહીનું પારણું ગણાતા યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં મધ્યયુગમાં સાંસદોના ખર્ચા લોકફાળાથી પૂરા થતા હતા. સત્તરમી સદીમાં તે પ્રથાનો અંત આવ્યો. છેક વીસમી સદીના આરંભ સુધી હાઉસ ઓફ કોમન્સના મેમ્બર્સ અવેતનિક હતા. ઈ.સ. ૧૮૩૮માં સાંસદોને વેતન મળવું જોઈએ તેવો પ્રસ્તાવ સૌ પ્રથમ વખત આવ્યો હતો. ૧૮૭૦ થી ૧૮૯૫ દરમિયાન સંસદમાં પાંચ વખત તેના પર ચર્ચા થઈ હતી. વીસમી સદીના આરંભે લેબર પાર્ટીના ઉદય સાથે સાંસદોના પગારની માગણી બળવત્તર બની. ૧૯૧૧માં પહેલી વખત હાઉસ ઓફ કોમન્સના સભ્યોને ૪૦૦ પાઉન્ડ વાર્ષિક વેતન મળતું થયું. એ સમયે યુ.કે.માં માથાદીઠ આવક ૭૦ પાઉન્ડ હતી. વર્તમાનમાં (એપ્રિલ ૨૦૨૫માં) યુ.કે.માં સાંસદોને વરસે ૯૩,૯૦૪ પાઉન્ડ વેતન-ભથ્થા મળે છે. જો કે હાઉસ ઓફ લોર્ડસના સભ્યોને કોઈ વેતન મળતું નથી.
ભારતની પહેલી લોકસભાના સભ્યોને માસિક રૂ. ૪૦૦ પગાર મળતો હતો. આજે તે વધીને રૂ. સવા લાખ અને ભથ્થા સાથે લગભગ ત્રણ લાખ થયો છે. અત્યાર સુધીમાં અગિયાર વખત સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભ્યોના પગાર વધારા સાથે સરેરાશ ૪૦ વખત સાંસદો-ધારાસભ્યોના પગારમાં વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર અને રાજ્યોના કર્મચારી-અધિકારીને હાલમાં સાતમા વેતન આયોગની ભલામણો મુજબના પગારો મળે છે. એટલે કે તેમના વેતનમાં માત્ર સાત જ વખત વધારો થયો છે જ્યારે જનપ્રતિનિધિઓએ મનમાની આચરીને ખુદના પગારો ચાળીસ વખત વધાર્યા છે.
લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગાર-ભથ્થાં તર્કસંગત પણ જોવા મળતા નથી. કેટલાક રાજ્યોની વિધાનસભાના સભ્યોના પગારો લોકસભા-રાજ્યસભાના સભ્યો કરતાં વધારે છે. તો ક્યાંક વડા પ્રધાન કરતાં મુખ્ય મંત્રી વધારે પગાર મેળવે છે. તેલંગણા(જ્યાં હાલમાં કાઁગ્રેસની સરકાર છે)ના મુખ્ય મંત્રીને મહિને રૂ.૪,૧૦,૦૦૦ પગાર મળે છે. જે દેશના તમામ મુખ્ય મંત્રીઓમાં સૌથી વધુ છે. ગુજરાતના મુખ્ય મંત્રીને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં રૂ.૪૪,૦૦૦ ઓછો પરંતુ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં રૂ. ૬૬,૦૦૦ વધુ પગાર મળે છે. એક મોટી મહાનગરપાલિકા જેવા દિલ્હીના મુખ્ય મંત્રીનો પગાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં તો વધારે છે જ, કદાચ દેશમાં બીજા ક્રમે સૌથી વધુ પગાર તે મેળવે છે.
પંચાયતી રાજ લોકતંત્રની આધારશિલા છે પરંતુ ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યોને કોઈ પગાર મળતો નથી. સરપંચને ઘણી નાણાંકીય સત્તાઓ મળી છે, પરંતુ તે ખુદ અવેતનિક છે. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને સમિતિના સભ્યોને નજીવું માનદ્દ વેતન મળે છે. જો ધારાસભ્યો અને સાંસદોને પગાર-ભથ્થાં મળતા હોય તો પંચાયતના સભ્યોને કેમ નહીં તેનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી.
દુનિયાના બીજા લોકશાહી દેશોએ લોકપ્રતિનિધિઓના પગારોમાં વૃદ્ધિ માટે તટસ્થ સભ્યોની સમિતિની રચના કરી છે અને તેની ભલામણો પરથી પગારમાં વધારો થાય છે. પરંતુ ભારતમાં આજે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર વધારાનો નિર્ણય તેઓ પોતે જ કરે છે. પરિણામે સાદગીના સંકલ્પ સાથે દિલ્હીમાં સત્તાનશીન થયેલી આમ આદમી પાર્ટીએ પહેલા જ સત્તાકાળમાં ધારાસભ્યોના પગારમાં ૪૦૦ ટકાનો વિક્રમી વધારો કર્યો હતો. ચૂંટાયેલા સભ્યોને ઘર ખર્ચ ઉપરાંત રાજકીય કામકાજ માટે નાણાંની જરૂર હોય છે એટલે તેમને પગાર તો મળવો જ જોઈએ એવી દલીલ સ્વીકારીને પણ કહેવું પડે છે કે ચૂંટણીઓમાં લખલૂટ નાણાં વહાવનારને પ્રજાના કરવેરાનાં નાણાંમાંથી જીવન ગુજારા માટે પગાર-ભથ્થા આપવા જોઈએ નહીં કે તેમના વિલાસી મોજશોખ પૂરા કરવા માટે.
જનપ્રતિનિધિઓ જે સમાજ સેવા કરે છે તે નિ:સ્વાર્થ ભાવે કરે છે કે સેવાને બદલે મેવા મેળવવા માટે કરે છે? જો સાંસદો-ધારાસભ્યો વેતન ભથ્થા મેળવે છે તો તે વેતન મેળવતા અધિકારી-કર્મચારી જેવા ગણાય. તો તેમની શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા અને પગારભોગી જાહેરસેવકોને લાગુ પડતા ડિસિપ્લિન એન્ડ કન્ડકટ રુલ્સ તેમને લાગુ પાડવા ન જોઈએ?
વેતન મેળવતા સરકારી અધિકારી – કર્મચારીઓના કામના કલાકો અને કામકાજની સાથે લોકપ્રતિનિધિઓની તુલના રસપ્રદ છે. ‘ધ એન્યુઅલ રિવ્યુ ઓફ સ્ટેટ લોઝ’ નામક પી.આર.એસ. લેજિસ્લેટિવનો ૨૦૨૩નો અહેવાલ જણાવે છે કે ૨૦૨૩ના વરસમાં રાજ્યોની વિધાનસભાઓની બેઠકો આખા વરસમાં ૨૩ દિવસ જ મળી હતી. એટલે ૩૬૫ દિવસમાં તેઓએ ૨૩ જ દિવસ વિધાનસભામાં હાજરી આપી છે. બાર રાજ્યોની વિધાનસભાઓએ સો કલાકથી ઓછું કામ કર્યું છે. લગભગ ૪૫ ટકા વિધેયકો રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે મંજૂર થયા હતા એટલે ચર્ચાનો પર્યાપ્ત સમય મળ્યો નથી. ૨૦૨૩માં લોકસભાનું શિયાળુ સત્ર ૪૩ કલાક ૨૭ મિનિટ જ ચાલ્યું હતું. તેની ઉત્પાદકતા ૪૦ .૦૩ ટકા જ હતી. શું આ હકીકતોથી તેમની પગાર માટેની કોઈ પાત્રતા જણાય છે ખરી?
લોકપ્રતિનિધિઓને નાણાંકીય અગવડો ન વેઠવી પડે અને તેઓ કાયદા ઘડવાનું તેમનું કામ મોકળાશથી કરી શકે, પોતાનો સંપૂર્ણ સમય તે જે હેતુ માટે ચૂંટાયા છે તેના માટે ખર્ચે તે માટે તેમને પગાર-ભથ્થા મળવા જોઈએ, તેમ કહેનાર પણ તેમની ધારાકીય કામગીરીથી નિરાશ થાય છે.
જ્યારે રાજકારણમાં ધનબળનો મોટો ઉપયોગ થાય છે અને સામાન્ય આર્થિક સ્થિતિની વ્યક્તિએ ચૂંટાવું દુષ્કર બન્યું છે, ત્યારે લોકપ્રતિનિધિઓને વેતન આપવું તે લોકોના નાણાંનો દુર્વ્યય છે. દેશમાં કરોડો લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય, લાખો યુવાનો બેરોજગાર હોય, અપાર મોંઘવારી હોય, ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આટલી બધી સગવડો અને પગાર-ભથ્થાં આપવાં કેટલા ઉચિત છે તેવો સવાલ હંમેશાં થતો રહેવાનો.
e.mail ; maheriyachandu@gmail.com