માનવી કુદરતના ક્રમને ભેદીને, વાતાવરણને ભેદી બહાર જવા મથે છે. આપણી પોતાની યુદ્ધશૈલીની દૃષ્ટિએ ઉપયોગી એવાં સંરક્ષણ સાધનો ઉપર આધાર રાખતી સંરક્ષણ વ્યવસ્થા આવશ્યક છે
ડૉ. વિક્રમ સારાભાઈ
ભારત હજુ પરમાણુ બોમ્બ ક્લબમાં પ્રવેશ્યું નહોતું એ વર્ષોની એક સાંભરણ. અમે અમદાવાદમાં સર્વોદય મંડળના ઉપક્રમે ત્યારે નાગરિક અને પરમાણુ શક્તિ પર એક જાહેર વિમર્શ યોજ્યો હતો. નારાયણ દેસાઈ અને જયન્તિ દલાલ વગેરે એને સંબોધવાના હતા. એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ ત્યારે અમદાવાદમાં હતા અને એમણે પણ (માત્ર હાજર રહેવાની શરતે) સામેલ થવાનું સ્વીકાર્યું હતું.

પ્રકાશ ન. શાહ
અને હા, ભૂલી ગયો, વક્તાઓમાં એક જનસંઘના વસન્ત ગજેન્દ્ર ગડકર પણ હતા. એમણે ચર્ચામાં એક તબક્કે કહી નાખ્યું કે આપણે અણુશક્તિમાંથી બોમ્બ નહીં બનાવીએ તો શું ભજન ગાવાના મંજીરા બનાવીશું? એક મોટી બાબતમાં લગભગ બચકાના એવો લોકરંજની પ્રતિભાવ એમનો હતો. (અલબત્ત, આગળ ચાલતાં ઇંદિરાજી સહિત રાજકારણીઓના મોટા હિસ્સાને આ ભૂમિકા અનિવાર્ય લાગવાની હતી.)
અણુશક્તિના શાંતિમય ઉપયોગ અને અગ્રતા વિવેકને ધોરણે અપેક્ષિત વિમર્શમાં એ જો કે એક અણધાર્યો ફણગો ફૂટ્યો હતો. પણ જયન્તિ દલાલે એમની હંમેશની દક્ષ શૈલીએ તરત દરમ્યાન થઈ કહ્યું હતું – આપણા શ્રોતાઓમાં વિક્રમભાઈ પણ છે એનો જરી લિહાજ કરીએ.
પાછળથી, જયન્તિભાઈને ત્યાં વિક્રમભાઈને મળવાનું થયું, રંજનબહેનના હાથની એમને ભાવતી દાળઢોકળી પર, ત્યારે મેં કહ્યું કે તમે હોદ્દાની રૂએ જાહેર ચર્ચામાં મૌન ઈષ્ટ ગણ્યું હોય તો પણ તમારો એકંદર વૈચારિક અભિગમ તમારે કોઈક રીતે તો સમજાવવાની તક લેવી જોઈએ. એમણે જવાબમાં મને આઈ.આઈ.ટી.(મદ્રાસ)ના એમના પદવીદાન પ્રવચનની એક નકલ થમાવી હતી. (મધુ રાયના અનુવાદમાં પછીથી એ ‘નિરીક્ષક’માં પ્રગટ થયું પણ હતું.)
સરસ, સમીચીન શીર્ષક હતું એમના દીક્ષાન્ત અભિભાષણનું, ‘વિજ્ઞાનયુગમાં વિખેરાતો માનવી.’ 1968-69માં એ વાત કરી રહ્યા હતા : ‘છેલ્લાં પાંચ વર્ષોમાં દુનિયામાં અદ્દભુત પરિવર્તનો આવી ગયાં છે. નેહરુ, કેનેડી, ખ્રુશ્ચોફનાં નામ શાંત થઈ ગયાં છે. શસ્ત્રસરંજામથી લચી પડતાં રાષ્ટ્રો હજી વધુ ને વધુ શસ્ત્રો પોતાની પીઠ પર લાદ્યે જાય છે.
દુનિયાભરમાં ઠેર ઠેર હિંસા ને ખૂનામરકી વ્યાપી ગયાં છે. ચંદ્રની મુસાફરી કે ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પહેલાંની જેમ આકર્ષક વિષયો નથી રહ્યા. ચીન, અમેરિકા કે ભારતની જિંદગીમાં વિચિત્ર ઘમસાણો આવી ગયાં છે …
‘આજના યંત્રયુગમાં મશીન અને મશીની સાધનો સાથે આપણને કામ પડ્યું છે … મશીનોના ક્રમને અનુસરીને ચાલીએ છીએ, જીવીએ છીએ. વધુ ને વધુ ઉત્સાહ અને ઝુંબેશથી નવી નવી શોધો કરતો માનવી હવે તો કુદરતના ક્રમને ભેદીને, વાતાવરણને ભેદી બહાર જવા મથે છે …’
‘કુદરતનું કામ કુદરત કરે ત્યાં સુધી તો એ પોતાના જાદુથી એની સમતુલા રાખી શકે છે, પણ કુદરતી વ્યવસ્થામાં બહારથી કોઈ માનવનિર્મિત દબાણ કે કામ આવે છે ત્યારે કુદરત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અત્યારે જે ગતિથી નવી નવી શોધો થાય છે, તે જોતાં દુનિયા ઉત્તરોત્તર વધતી જતી ઝડપે પ્રચંડ પ્રગતિ કરી રહી છે, અને અસંખ્ય માણસો, વસ્તુઓ પુરાણાં પડતાં જાય છે …’
ગમે તેમ પણ, માનવી કુદરતના ક્રમને ને વાતાવરણને ભેદીને બહાર જવાની શક્તિ ધરાવતો થયો છે ત્યારે અગ્રતાની દૃષ્ટિએ સરળ વિજ્ઞાનવિવેક શો હોય, એનું સંક્ષિપ્ત પણ સટીક ને સચોટ સમાપન વિક્રમ સારાભાઈએ આ પદવીદાન પ્રવચનમાં આ શબ્દોમાં કર્યું હતું :
‘મારી નજરે, આપણને વધુ અગત્યનાં હોય એવાં કાર્યોનાં રેખાંકન અને વિકાસમાં સૌથી વધુ મૂડીરોકાણ થવું જોઈએ. કિફાયતી કિંમતનું સ્કૂટર કે નાની મોટરકાર પૂરી પાડે એવી સારી યાતાયાત વ્યવસ્થા, દસ વરસમાં ગામે ગામ ટેલિવિઝન લાવી શકે એવી સમૂહ-સંપ્રેષણ વ્યવસ્થા હાઈડ્રો-ઈલેક્ટ્રિક, એટોમિક કે થર્મલ યુનિટોના સંમિલિત વિનિયોગથી ગ્રામ વિસ્તારમાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા અને આપણી પોતાની સરહદી જરૂરતો તેમ જ આપણી પોતાની યુદ્ધશૈલીની દૃષ્ટિએ ઉપયોગી એવાં સંરક્ષણ સાધનો ઉપર (આપણા દરિયાપારના મિત્રો આપણને જે વેચવા, ભેટ આપવા કે એમના તકનીકી માર્ગદર્શન નીચે બનાવવાનું મુનાસિબ સમજે તે સાધનો ઉપર નહીં) આધાર રાખતી સંરક્ષણ વ્યવસ્થા આવશ્યક છે.’
અટક્યા’તા અલબત્ત આશાના સૂર પર –
‘હું માનું છું કે માણસનાં અનેકવિધ કર્મોનાં અનિયંત્રિત દિશાઓમાં નાસતાં પરિબળો એકાએક આપણા અણુએ અણુ છૂટાં પાડી નાખે તે પહેલાં એમને ઇચ્છિત માર્ગે વહેવડાવવાની દૂરંદેશીતા આપણામાં છે.’
બરાબર એંશી વરસ થયાં હિરોશીમા-નાગાસાકી ઘટનાને. ઉમાશંકરે આખી યુગચર્ચાને સમેટતા નાગાસાકીના પ્રાસમાં ‘હવે શું બાકી’ પ્રકારનો ભાવ પ્રગટ કર્યો હતો. પરમાણુ બોમ્બથી એચ બોમ્બ અને કદાચ એથીયે આગળ વધી ગયા પછી આ બધી પૂર્વ ચર્ચાનો કોઈ અર્થ રહે છે ખરો, એવો કંઈક સવાલ પણ પૂછી તો શકાય. પણ અણુ બોમ્બના નિર્માણ પૂર્વે અને તે પછી પણ આઈન્સ્ટાઈન સરખાએ અનુભવેલ મનોમંથન, રૂસના સખારોવ જેવા એચ બોમ્બના જનકે બંધ દુનિયામાં મુક્તિ ચળવળ સારુ અનુભવેલી છટપટહટ અને નાગરિક અધિકાર ચળવળ સાથે સાધેલ સંધાન, આ બધું જ બેમતલબ ને બેમાની છે?
બટ્રાન્ડ રસેલે લખેલ ‘હેઝ મેન અ ફ્યુચર’ વાંચવાનું દાયકાઓ પૂર્વે બન્યું હતું. હજુ એમાં ઉપસ્થિત થયેલ ચિંતા, નિસબત ને પ્રશ્ન કદાચ એટલાં જ નીંગળતાં અનુભવાય છે …’
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025