Opinion Magazine
Number of visits: 9448852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કાળ : સાંસ્કૃિતક હુમલા અને આર્થિક બદહાલી

રોહિત શુક્લ|Gandhiana|9 March 2016

: લેખ – ૧ :

સંસ્થાનવાદી શાસન અને શોષણ

ભારતની ગુલામી માટે મુખ્યત્વે બે કારણો આગળ કરવામાં આવે છે. પરદેશી આક્રમણકારો પાસે વધુ સારાં હથિયારો હતાં તે એક કારણ ગણાય છે. બીજું કારણ દેશમાં સંપનો અભાવ હતો તેવું અપાય છે. કેટલાક, મુસ્લિમ આક્રમણોના સમયથી તો કેટલાક અંગ્રેજી શાસકોના સમયથી દેશ ‘ગુલામ’ બન્યો તેમ ગણાવે છે. સમયનો મુદ્દો બાજુએ રાખીએ તો મુખ્ય સવાલ લોકોના ‘કલ્ચર’નો બનીને ઊભો રહે છે. દાવા તો એવા કરાય છે કે આ દેશમાં વિમાન, ટેલિવિઝન, પ્લાસ્ટિક સર્જરી વગેરે શોધવાની ક્ષમતા હતી. તો પછી રાજા દાહિરના (૬૬૧-૭૧૨) સિંઘના રાજ્ય ઉપર ૧૭ જ વર્ષના મહંમદ બિન કાસિમ નામના એક મુસ્લિમ છોકરાએ હુમલો કર્યો અને એ રાજા હાર્યો; આવું કેમ થયું ?

ગુલામ બનાવનારી અને આઝાદી અપાવનારી ઘટનાઓની પાછળના વિચારો અને સંસ્કૃિતના વિવિધ આયામોનો કોઈક સુદીર્ઘ અભ્યાસ જરૂરી ગણાય. પણ આપણે કેવા હતા તે અંગે આપણે પોતે જ કાંઈ કહીએ તે કરતાં તે બાબતે આપણા શાસકો એવા બ્રિટિશરો શું ધારતા હતા તેની થોડીક ભાળ મેળવીએ.

(૧) એલેકઝાંડર ડાઉ (૧૭૩૫-૧૭૭૯)એ ‘હિસ્ટરી ઑફ હિંદોસ્તાન’ નામે ગ્રંથ કર્યો છે. પ્લાસીનું યુદ્ધ ૧૭૫૭માં લડાયું હતું. તે રીતે આ અંગ્રેજ લશ્કરી અધિકારીનો અભિપ્રાય મહત્ત્વ ધારણ કરે છે, તે લખે છે, ‘હિંદુઓ આસાનીથી જીતી શકાય અને શાસન કરી શકાય તેવી પ્રજા છે. તે પોતાને એક જુલ્મી શાસકના હાથમાંથી બીજાના હાથમાં સહેજ પણ અવાજ કર્યા વગર સોંપી દે છે.’

(૨) ઓલિવર ગોલ્ડસ્મિથ (૧૭૨૮-૧૭૭૪) પણ પ્લાસીના સમયગાળાનો માણસ છે, તે લખે છેઃ ‘ભારતીયો પોતાના બાયલાપણા માટે લાંબા સમયથી જાણીતા છે, જે કોઈ હુમલાખોરે આક્રમણ કર્યાં છે તે બધા જ સફળ થયા છે. તે પ્રમાદી, ઝૂકી જનારા તથા ઐયાશી છે ! તેમને વિચારમાંથી આનંદ મળતો નથી અને પોતાના માલિકના હુકમની તાબેદારી માટે તત્પર રહે છે. એકંદરે તે ઇંદ્રિયલોલુપ માયકાંગલાઓ છે.’

(૩) જેમ્સ મિલ (૧૭૭૩-૧૮૩૦) : ભારતીય સંસ્કૃિત, જેની ગૌરવગાથાઓ વારંવાર કાને પડે છે તેને વિષે જેમ્સ મિલના વિશેષણો દાહક લાગે તેવા છે; તે કહે છે; ‘અભદ્ર, અજ્ઞાની, વહેમી અને બિનભરોસાપાત્ર’ હિંદુ ધર્મ માટે પણ તે આવું જ કહે છે : ‘તિરસ્કારને પાત્ર, અતાર્કિક, વ્યવસ્થાહીન’. આ મહાશય કદી ભારત આવ્યા ન હતા પરંતુ તેમણે લખેલાં પુસ્તકો તે સમયે બ્રિટિશ સિવિલ સર્વિસવાળા વાંચીને ભારત આવતા.

(૪) ટોમસ બેબિંગ્ટન મેકોલે (૧૮૦૦-૧૮૫૯) ભારતના શિક્ષણક્ષેત્રના લોકો માટે એક ચિરસ્મરણીય નામ છે. આ મહાશયે ભારતમાં સાંસ્કૃિતક બદલાવ માટેના શિક્ષણનો પાયો નાંખ્યો હતો. પશ્ચિમની સંસ્કૃિત ભારત અને ‘એરેબિયા’ કરતાં કેટલી મહાન હતી તે વર્ણવતા તેમણે લખ્યું હતું, ‘યુરોપિય ગ્રંથાગારની એક છાજલી ઉપરનાં પુસ્તકો ભારત અને એરેબિયાના તમામ સાહિત્યના પલ્લામાં ભારે પડે.’

(૫) કાર્લ માર્ક્સ (૧૮૧૮-૧૮૮૩) : માર્ક્સ ઓગણીસમી સદીના જ નહીં પણ આજના જગત માટે પણ એક મહાન વિચારક તરીકે પ્રસ્થાપિત થયેલા છે. તે લખે છે ‘ભારત ઉપર હુમલા કરનારા આરબ, તુર્ક, તર્તાર અને મોગલો જલદીથી હિંદુ પ્રભાવમાં આવી ગયા કારણ કે તે જંગલી હતા અને પોતાનાથી વધુ ઉચ્ચ સંસ્કૃિત તેમણે અપનાવી લીધી. પરંતુ બ્રિટિશરો વધુ ઉચ્ચ સંસ્કૃિત ધરાવતા હતા અને તેથી હિંદુ સંસ્કૃિત તેમના સુધી પહોંચી ન શકી.’ માર્ક્સ ભારત ઉપરના બ્રિટિશ શાસનને પછાત સમાજમાંથી મૂડીવાદી (અને તેથી વધુ વિકસિત) સમાજ બનવાની દિશાનું યોગ્ય પગલું ગણતા.

આ પ્રકારના અન્ય પણ અનેક મતો છે. અહી ંમુદ્દો એ છે કે તે સમયના મહાન ગણાતા બ્રિટિશ ચિંતકોના મતે ભારતની છબી અત્યંત હલકી હતી.

૧૭૫૭થી શરૂ થયેલું બ્રિટિશ શાસન, ૧૮૫૭માં બીજા એક પડાવે પહોંચ્યું. હવે ‘કંપની સરકાર’ના સ્થાને બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ ગાળા દરમિયાન યુરોપ પણ ઘણું બદલાઈ ગયું. ફ્રેંચ ક્રાંતિ, નવજાગૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ, જેવી ક્રાંતિઓનાં કારણે સમગ્ર પશ્ચિમી જગતમાં વૈચારિક ભૂકંપો સર્જાયા. તેમાંથી ભારતની ગુલામીના સંદર્ભમાં એક વ્યાજબી મુદ્દો ઊઠ્યો. આ લિબર્ટી, ઇક્વાલિટી અને ફૅટરનિટી માત્ર યુરોપ માટે જ છે ? ભારત જેવા દેશ ઉપર સંસ્થાનવાદ અને અન્યો માટે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એમ બેવડા ધોરણ શા માટે ? આ માટે પણ આ વિચારકોના ઉત્તરો સમજવા જેવા છે.

(૧) કાર્લ માર્ક્સે કહ્યું હતું કે, ‘ઇંગ્લૅન્ડે ભારતમાં બેવડી ભૂમિકા ભજવવાની છે; એક તરફ એશિયન સમાજનું નિકંદન કાઢવાનું છે તો બીજી તરફ પશ્ચિમી સમાજનો ભૌતિકતાલક્ષી પાયો નાંખવાનો છે.’ માર્ક્સની દૃષ્ટિએ આ એક ઇતિહાસકર્મ હતું જેમાં સામંતશાહી ધરાવતા પૂર્વ મૂડીવાદી સમાજ નાશ પામે, મૂડીવાદ પાંગરે અને પછી તેનો પણ નાશ થઈને સામ્યવાદ સ્થપાય.

(૨) જ્હોન સ્ટુઅર્ટ મિલ (૧૮૦૬-૧૮૭૩) જેમ્સ મિલના પુત્ર થાય. બંને મિલના વિચારોનો તે સમયના વિશ્વ ઉપર ભારે દબદબો હતો. ફ્રેંચ ક્રાંતિના વિચારોનો લાભ ભારત જેવા દેશને કેમ ન અપાય અને સંસ્થાનવાદ શા માટે જરૂરી તેમ જ ઉપયોગી છે તે તેમણે શોધી કાઢ્યું હતું ! તેમના મતાનુસાર, પછાત સમાજોમાં આ ત્રણ વિચારો લાગુ પડાય તો વિશ્વનું કલ્યાણ નહીં થાય કારણ કે આવા દેશો બાળક સમાન હોય છે, તેમને પુખ્ત થવા દેવા જોઈએ. વળી આવા સમાજોને સુધારવાની કાર્ય ગોરા માણસોની જવાબદારી છે.

વર્ષ ૧૭૫૭ને ઇતિહાસનો એક અતિ મહત્ત્વનો પડાવ ગણીએ અને તે સમયે, આપણા શાસકોના દેશમાં, આપણા વિષે પ્રભાવક વિચારો કેવા હતા તે જોઈએ તો ઘણા બધા સવાલો ઊઠે છે. તે બધા ખોટા હતા અને આપણને આવીઆવી ગાળો દીધી એમ કહીને આપણે ખિજાઈ જઈ શકીએ, કોઈ પણ માનવસમૂહને પોતાને વિષે ઘસાતી વાત બોલાય તે સાંભળવું ન જ ગમે. પરંતુ આ લેખકો ૨૦૦-૩૦૦ વર્ષ અગાઉ વિદાય થઈ ચૂક્યા છે. હવે આ પૃથ્વી ઉપર તેમનો પાટલો પડતો નથી. તેમની સામે માનહાનિ કે ભડકાઉ લખાણ કે પછી રાજદ્રોહ જેવો કોઈ ખટલો માંડી શકાય તેમ પણ નથી. જે તે સમયના આપણા પૂર્વજોએ પણ આ બાબતે આવું કાંઈ પણ કર્યું નથી.

નોંધપાત્ર બાબત એ છે કે તે સમયના આપણા શાસકો, ઠગ, પિંઢારા વગેરેને કાબૂમાં રાખી શક્યા ન હતા. આ લોકોના ભયાનક ત્રાસનો અંત બ્રિટિશરો લાવ્યા. તેથી તે સમયના લોકોએ જે હાશકારો અનુભવ્યો હશે તેનો સરસ ઉલ્લેખ કવિ દલપતરામ(૧૮૨૦-૧૮૯૮)ના કાવ્ય, ‘હિંદ ઉપર ઉપકાર વિષે (હરખ હવે તું હિંદુસ્તાન)’માંથી સાંપડે છે. આ હાશકારો કેટલો વ્યાપક હશે તે સમજવા વાસ્તે આ કાવ્યની કેટલીક પંક્તિઓ નોંધીએઃ

‘વેર ગયાં ને ઝેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
…..
દેખ બિચારી બકરીનો પણ, કોય ન પકડે જાતા કાન,
…..
રાજ્ય અનોપમ આજ થયું છે… ધોર કુકર્મી ચોર ગયા…’
…..
જુલમી રાજાની જડ ઉખડી, નાદિર સરખા પામ્યા નાશ,
…..
વિધવિધ વૈભવ વસ્તીને, પહેરે પટકૂળ ચાવે પાન,
…..
કદી સંહાર ન કરે સિંધિઆ, પીંઢારા પણ ગયા કુપાત્ર,
ઇંગ્લીશના નેજા નીચે, તારાં તનુજ કરે ગુલતાન,
…..
એ બળવંતા આશ્રય આગળ, ગાય ધવલ મંગળ ગુણગીત;
જેના દ્વારા સૌથી સારા, નિરબળ નરને ડર નહીં ચિત્ત;
કોળી નાળીનો ભય ટાળી, સંભાળી રાખે સંસ્થાન,
…..
ખેતરે કે કુવેતરમાં જઈ, લશ્કર લૂંટી લહે ન ધાન્ય,
લંકાથી હિમાલય લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ,
પંજાબી સિંધી સોરઠીયા, દક્ષિણ માળવ આદિ દેશ;
દિવસ ગયા ડરનાને દુઃખના, સુખના દિનનું દીધું દાન,
આ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખે હવે તું હિંદુસ્તાન.’

ચિમનલાલ ત્રિવેદી ‘ચૂંટેલી કવિતા, દલપતરામ’

(ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર)

આ કવિતામાં લોકો ઉપર આચરાતા ‘કાળા કેર’, લશ્કરો દ્વારા લૂંટવામાં આવતા ખેડૂતોની પીડા, જુલમી રાજ્ય, નાદિર શાહી જુલમો, વગેરેનો અંત આવ્યો તે મોટા હાશકારાની બાબત છે. રાજ્યને તો કવિ કુકર્મી કહે છે.

નોંધપાત્ર બાબત એ પણ છે કે એક તરફ દેશમાં ૧૮૫૭ની ઘટના બની ત્યારે, તેની આસપાસની સામાજિક વ્યવસ્થા અને વાતાવરણને કવિ દલપતરામ આ રીતે મૂલવે છે, તેમને તે સમયે લોકો વિધવિધ વસ્ત્રો પહેરનારા, સુખેથી પાન ચાવનારા ‘ધવલ, મંગળ ગુણ ગીત ગાનારા જણાયા છે. આ બધા માટે કવિ’ અલબત્ત, પ્રગટ ભાવે ઈશ્વરનો આભાર માને છે પરંતુ સાથોસાથ તે અંગ્રેજી શાસનને પણ આવકારે છે. તે લખે છે,

‘ઇંગ્લીશના તેજા નીચે, તારાં તનુજ કરે ગુલતાન.’

દલપતરામનું દર્શન રાજકીય અને પૂરતા વ્યાપક સ્વરૂપનું હતું એમ સ્વીકારીએ તો પણ ભારતીય સમાજની હાલાકી અને તેમાં આવેલા સુધારા માટે વધુ સારી શાસન વ્યવસ્થાની ભૂમિકા હતી તે સ્વીકારવું રહ્યું.

આટલા લાંબા સમયના ઇતિહાસની રજકણો હેઠળ ધરબાયેલા આ વિધાનો પ્રત્યે આજની પેઢી તો આવેશયુક્ત નજર નાંખી જ શકે. પણ ઇતિહાસ ભૂલી જવા જેવી જણસ નથી; બલકે બદલો લેવાની કિન્નાખોરી વગર, શાંતચિત્તે બોધપાઠ તારવવાની સાંપ્રતની પ્રયોગશાળા છે. આ દૃષ્ટિએ આ કથાનકોની શરમ અનુભવાવવી કે ઉશ્કેરાઈ જવું તેને બદલે ‘મૈં ઐસા ક્યું હું’નો સાંપ્રત પરિસ્થિતિ સાથે તાળો મેળવતા જઈને વિચાર કરવો તે વધુ ઉપયોગી બને.

એક તરફ ભારતના ભવ્યાતિભવ્ય ઇતિહાસ, સંસ્કૃિત તેમ જ ધર્મના ગુણગાન ગવાય છે તો બીજી તરફ એકલા ગુજરાતમાં લગભગ ચાળીસ ટકા બાળકો કુપોષિત છે. એક તરફ ‘મહાસત્તા’ બનાવાનાં સપનાં છે તો બીજી તરફ ખેડૂતોના, વિદ્યાર્થીઓના આપઘાતો તથા ભ્રૂણહત્યાના વ્યાપક બનાવો છે. જે મહાન સંસ્કૃિતની આપણે બોલબાલા કરતા થાકતા નથી તે જ દેશના, ‘ચાલ, ચરિત્ર અને ચહેરાથી અલગ’ પક્ષનું છેલ્લા બાર વર્ષથી શાસન ધરાવતા મધ્યપ્રદેશમાં ‘વ્યાપમ’ ગોટાળો માઝા મૂકે છે. જો ધર્મ તેની જગ્યાએ અને રાજ્ય તથા પક્ષ તેનાથી અલાયદા સ્થાને હોત તો ઉપર મુજબની ટીકાનું કોઈ વજૂદ રહેત નહીં. પરંતુ જ્યારે ધર્મ, સંસ્કૃિત, રાજ્ય, સમાજ જીવન અને આર્થિક રચનાઓની સહેતુક અને આયોજનપૂર્વક કે આયોજન વગર ભેળસેળ થતી હોય ત્યારે દેશના અને વ્યાપક રીતે દુનિયાના નાગરિકો માટે ઇતિહાસ અને વિચારના વિમર્શમાં ઉતરવાનું ટાણું આવી લાગ્યું ગણાય.

* * *

ભારત અંગ્રેજોનું ગુલામ બન્યું તે પહેલાં ખૂબ સમૃદ્ધ હતું તેની ઘણી વિગતો સાંપડે છે. દાદાભાઈ નવરોજીએ, ભારતની ગરીબી માટે ‘અનબ્રિટિશ રૂલ’નું, તથ્ય અને તર્કપૂર્ણ બયાન રજૂ કર્યું. રોમેશચંદ્ર દત્તે પણ પોતાના ભારતના આર્થિક ઇતિહાસના ગ્રંથમાં બ્રિટિશ સરકાર અને તે પહેલાંની કંપની સરકારની આર્થિક નીતિઓ વિષે આધારો અને પુરાવાઓ સાથે લખ્યું. વેરા એન્સ્ટીએ ભારતના આર્થિક ઇતિહાસ ઉપર, થોડાક બ્રિટિશ દૃષ્ટિકોણથી, લખ્યું. પરંતુ આ સંદર્ભે ઉઠાવવા જેવા મુખ્ય બે મુદ્દા ટૂંકમાં આ પ્રમાણે છે.

એક, બ્રિટિશરો ભારતમાંથી ‘પાવડે પૈસા ખેંચી ગયા’ અને બે ૧૭૫૭થી ૧૯૪૭ સુધીની બ્રિટિશ આર્થિક નીતિઓ એવી રીતે ગોઠવાઈ કે જેથી આ આખો મુલક પાયમાલ થઈ ગયો.

પ્રથમ મુદ્દાના અનુસંધાને રોબર્ટ કલાઈવથી માંડીને વોરન હેસ્ટિંગ્સ જેવા અનેક શાસકો આ દેશનો વહીવટી કરી ગયા તે યાદ કરવું જોઈએ. એડમન્ડ બર્કે તો બ્રિટિશ પાર્લામેન્ટમાં હેસ્ટિંગ્સ સામે ખટલો માંડ્યો, જે સાત વર્ષ ચાલ્યો. આ બધા સમય દરમિયાન ભારતમાં હુન્નર, નાના, લઘુ અને કુટિર ઉદ્યોગો તેમ જ વ્યાપક સ્વરૂપના વેપારવણજ હતા જ. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ આ દેશની દરિયાપારના મુલકોની આવાજાહી સૂચવે છે. દરબારોમાં રાગરંગ કે ઐયાશી હશે પણ તે સાથે બસંતી, ચાલો રંગવાનો ઉદ્યોગ પણ હતો, અવધ કે લખનવી તહઝીબની પાછળનું વિસ્તૃત અર્થકારણ પણ હતું. હુન્નર અને કારીગરીની ઉન્નતતા પ્રગટ્યા જ ન હોત તો આબુ પર્વત ઉપરના દેલવાડાના દહેરા, તાજમહાલ કે અનેક બેનમૂન સ્થાપત્યો પણ ન હોત. પૈસા હતા, કારીગરી હતી અને તે પોષવાનો તેમ જ માણવાનો મિજાજ પણ હતો. મંદિરો અને મઠોમાં જે દોલત આજે ઠલવાય છે તેવી જ અગાઉ પણ ઠલવાતી. સોમનાથનું મંદિર તોડવામાં ધર્મનો મુદ્દો હોય તો હોય બાકી ધનનો મુદ્દો – લૂંટ ચલાવનારો ઇરાદો વધુ વજૂદ ધરાવે છે. હાલમાં જ પદ્મનાભ મંદિરમાંથી મળેલા અઢળક ધનરાશિ પાછળ પણ સમાજના આવા વલણને જવાબદાર ગણી શકાય.

આ તર્ક લોકમાનસમાં પડેલા સાંયોગિક નિરીક્ષણોના આધારે ઊભા છે તેમ ગણીએ; તેથી થોડીક સંશોધકીય અને આંકડા આધારિત વિગતો પણ તપાસવી રહી.

ઈ.સ. ૧૬૦૦માં ભારતની કુલ વસ્તી લગભગ ચૌદથી પંદર કરોડની હતી. તેમાં ૧૬૦૦-૧૮૭૧ વચ્ચેના બસો ઈકોતેર વર્ષ દરમિયાન માત્ર ૦.૨૨ ટકાના દરે વધારો થયો. ૧૮૧૧ અને ૧૮૨૧ વચ્ચે વસતીમાં લગભગ એક કરોડ માણસોનો ઘટાડો થયો. દુકાળ, ભૂખમરો અને સંવેદનહીન શાસનનું આ પરિણામ હતું. ૧૮૭૧માં દેશની કુલ વસતી પચીસ કરોડથી વધુ હતી.

આ સમયગાળા દરમિયાન ભારત અને બ્રિટનની જીડીપી વચ્ચે તુલના કરીએ. આ તુલના ૧૯૯૦ના ભાવે આંતરરાષ્ટ્રીય ડૉલરના મૂલ્યના આધારે કરી છે. ઈ.સ. ૧૬૦૦માં ભારતની માથાદીઠ જીડીપી ૬૮૨ ડૉલર હતી જ્યારે બ્રિટનની ૧,૧૨૩ ડૉલર હતી. ૧૭૫૦માં ભારતની માથાદીઠ જીડીપી ઘટીને ૫૧૩ ડૉલર થઈ જ્યારે બ્રિટનની વધીને ૧,૭૧૦ ડૉલર થઈ. આમ ભારતના પ્રત્યેક નાગરિકના ૧૦૦ ડૉલર ઘટ્યા ત્યારે બ્રિટનમાં તે લગભગ ૬૦૦ ડૉલર વધ્યા. અહીં ધ્યાન રાખવાનું છે કે બ્રિટનનું – કંપની સરકારનું હજુ શાસન શરૂ થયું ન હતું. અકબરના શાસન પછીનો આ કાળ હતો. ૧૭૫૦થી ૧૮૭૧ના સમયગાળામાં ભારતની માથાદીઠ જીડીપી, બ્રિટનની તુલનાએ ૬૦ ટકા હતી પણ ૧૮૭૧માં તે માત્ર ચૌદ ટકા બની ગઈ.

આનો એક તાળો એ વાતમાંથી મળે છે કે અંગ્રેજોએ ખાસ કરીને જમીન મહેસૂલના દરોમાં ભારે વધારો કર્યો. દા.ત. ૧૭૫૦માં એક ચોરસ માઇલદીઠ મહેસૂલ રૂ. ૧૫૬.૭૦ હતું પરંતુ ૧૮૭૧માં તે રૂ. ૫૬૮.૭ થયું. આ વધારો ૩૬૨.૯૨ ટકાનો છે. (આ ગણતરી ૧૮૭૧ના ભાવે થઈ છે.)

ભારતને લૂંટવામાં તથા પછાત રાખવામાં જમીન મહેસૂલનો વધારો તે એક જ માર્ગ ન હતો. રાજ્યો ‘ખાલસા’ કરવા, ખજાના લૂંટવા, અહીંથી કોહીનૂર જેવા હીરા ઉપાડી જવા વગેરેને ‘અન-બ્રિટિશ’ કરતબો, વેપાર, ઉદ્યોગો અને વેતનદરો અંગેની નીતિઓ (કે અનીતિઓ ?) દ્વારા પણ આ ‘બાળક’ દેશને ‘પુખ્ત’ બનાવવાના પ્રયાસો થયા ? વેતનનો દાખલો લઈએ.

૧૮૭૧માં પ્રવર્તમાન ભાવોએ ગણવામાં આવે તો ભારતના કામદારોના વાસ્તવિક વેતનનો સૂચકાંક ઈ.સ. ૧૬૦૦માં ૧૫૯.૭ હતો. તે ૧૭૫૦માં ઘટીને ૧૦૭.૫ થઈ ગયો હતો. પરંતુ ૧૮૬૧માં તે માત્ર ૯૫.૭ હતો. આમ લોકોને મળતા વાસ્તવિક વેતનમાં મોટો ઘટાડો થયો હતો. અહીં એ યાદ રાખીએ કે આ ગાળા દરમિયાન ભારતમાં ઉદ્યોગો નાંખવાની શરૂઆત થઈ ગઈ હતી. ૧૮૫૭માં વિપ્લવ પછીથી રેલવે નાંખવાનો પણ પ્રારંભ થઈ ગયો હતો.

વેતન ઘટ્યા તેની સાથોસાથ લોકોના ખોરાકના વપરાશમાં પણ ઘટાડો થયો. ૧૮૭૧ની સ્થિતિને ૧૦૦ ગણીએ તો ઈ.સ. ૧૬૦૦માં તે સરાસરી માથાદીઠ ૧૩૩.૫ હતો મતલબ કે ૧૮૭૧ની તુલનાએ ઈ.સ. ૧૬૦૦માં તેત્રીસ ટકા વધુ આહાર મળતો હતો. ઈ.સ. ૧૭૫૦માં પણ તે ૧૧૩.૧ હતો પરંતુ ૧૮૬૧માં આ આંક ૯૭.૪ થયો. ભારતના લોકોને ૧/૩ ભૂખ્યા રાખ્યા, વેતનોમાં પણ લગભગ ૧/૩ જેટલો જ ઘટાડો કર્યો અને માથાદીઠ આવકોમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો. બીજી તરફ, બ્રિટનની માથાદીઠ જીડીપીમાં મોટો વધારો થયો. ભારતમાં લોકો ઉપરના કરવેરામાં પણ વધારો થયો. આ તમામ પગલાંને લીધે ભારતના લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ. નાના, લઘુ કે કુટિર ઉદ્યોગોની પેદાશોની માંગ ઘટી ગઈ. આ ક્ષેત્રે પણ મૃતપ્રાય થઈ ગયું.

ભારતના લોકો, ધર્મ અને સંસ્કૃિતને હલકી ગણનારા અને પોતાની ઉન્નત સંસ્કૃિત દ્વારા આ ‘નિર્માલ્ય’ લોકોનો ઉદ્ધાર કરવાનો મનસૂબો વ્યક્ત કરનારા ‘શ્વેત’ લોકોના જગતને સુધારી નાંખવાના બોજનું આ વાસ્તવ હતું.

આઝાદીની લડતના થોડાક દાયકા અગાઉથી પ્રારંભાયેલી સાંસ્કૃિતક અને સામાજિક હલચલની સાથોસાથ ધાર્મિક / આધ્યાત્મિક ક્ષેત્રમાંથી પણ આ પરિસ્થિતિની સામે મજબૂત અને સાર્થક પ્રતિસાદો ઊઠવા માંડ્યા હતા. રાજા રામ મોહન રાયથી માંડી સ્વામી વિવેકાનંદ થઈને ગાંધીજી અને વિનોબા સુધીની આ વૈચારિક યાત્રા છે. આ અતિ પ્રભાવશાળી યાત્રાનો અત્યંત કરુણ અંત ગોડસેની પિસ્તોલમાંથી છૂટેલી ત્રણ ગોળીઓ સાથે આવ્યો.

**********

: લેખ – ૨ :

સ્વામી વિવેકાનંદ અને નવજાગરણના સંકેતો

ભારતની આઝાદીની લડતનાં મૂળ, સમયની દૃષ્ટિએ તો ખૂબ દૂર સુધી પહોંચે છે પણ વિચાર, સમાજ પરિવર્તન, ધર્મનો આધાર વગેરે જેવાં કારણોસર પણ તેનું સવિશેષ સ્વરૂપ બંધાય છે. સમયની દૃષ્ટિએ આંકીએ તો કદાચ ૧૮૫૭ના બનાવને યાદ કરીને પ્રારંભ કરી શકાય. તે સિપાઈઓનો બળવો-સિપોય મ્યુિટની હતો, તેમ એક મત છે. બીજા મત અનુસાર, તે આઝાદીની લડત હતી. જો તે સમયે સફળતા મળી હોત તો ભારત કેવું હોત તે પણ વિચારનો મુદ્દો બની રહે છે. કદાચ ભારત ‘આસેતુ હિમાલય’ વિસ્તરેલો, અફઘાનિસ્તાનથી ‘બ્રહ્મ’દેશ અને શ્રીલંકા સહિતનો વિસ્તાર હોત !! કદાચ રાજારજવાડામાં છિન્નભિન્ન થયેલી ગિરાસતો પણ હોત, કદાચ સામંતયુગીન હોત, કદાચ આટલું ગરીબ અને શોષિત ન પણ હોત ! કાળના કોઈક ખંડ ઉપરથી ઊભી થતી સંભાવનાઓ વિશે વિવિધ પ્રકારનાં દર્શનો સાંપડી શકે છે પરંતુ આવી સંભાવનાઓનો બીજો એક પ્રવાહ વિચારો અને તે દ્વારા થતા સમાજ ઘડતરનો છે. આથી જ ૧૯૪૭માં આઝાદી મળી તે પહેલાંના કેટલાક વૈચારિક પડાવોને લક્ષમાં લેવા જોઈએ.

કદાચ આ પ્રવાહની શરૂઆત મેકોલેના ‘મિનટ્‌સ ઓન એજ્યુકેશન’થી કરી શકાય. ભારત દેશને ‘ચલાવવા’ વાસ્તે વૈચારિક દૃષ્ટિએ પશ્ચિમાત્ય બની ગયા હોય એવા મૂળ વતનીઓની જરૂર હતી, તે વાત મેકોલે બરાબર સમજી ગયા હતા. તેમના આ પ્રયાસોની સફળતા આજે પણ એટલી જ જ્વલંત રીતે પ્રકાશી રહી છે. આઝાદ થયેલા આ દેશનું શાસન આજે પણ આવા સાંસ્થાનિક વિચાર-વંશજો પાસે છે. આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં પણ તેમનો જ દબદબો છે.

આ સમયે શુદ્ધ ભારતીયતા ક્યાં હતી ? ૧૮૩૫માં મેકોલેની શિક્ષણનીતિના કારણે સર્જાયેલા વૈચારિક વલયોના ધાર્મિક/આધ્યાત્મિક-સાંસ્કૃિતક પ્રતિભાવો લગભગ ૧૮૬૦થી શરૂ થયા હોય તેમ જણાય છે. ૧૮૬૧માં લાહોર ખાતે પંડિત નલિનચંદ્ર રૉયે બ્રાહ્મોસમાજ શરૂ કર્યો. પણ તે પહેલાં ૧૮૬૦માં હેમેન્દ્રનાથ ટાગોરે ‘બ્રાહ્મો અનુષ્ઠાન’ લખી હિંદુઓથી અલગ એવા ‘બ્રાહ્મો’ની રચના કરી. પણ તેથી ય પહેલા, ૧૮૨૮માં રાજા રામ મોહનરાયે, દેવેન્દ્રનાથ ટાગોર સાથે મળીને તેનો પ્રારંભ કર્યો હતો. તે રીતે – તારીખની રીતે – ગણતા બ્રાહ્મોને માત્ર મેકોલેની તરફના કે વિરુદ્ધના ભાવ-પ્રતિભાવરૂપે સાંકળી શકાય તેમ નથી. આમ છતાં, પરંપરાગત હિંદુ ધર્મના અનેકવિધ કુરિવાજો સામે આ ગાળા દરમિયાન એક નવજાગૃતિનો સંચાર અવશ્ય થયો.

બ્રાહ્મો, ‘કાસ્ટ, ક્રીડ ઍન્ડ રિલિજિયન’ના કારણે માણસ-માણસ વચ્ચેના ભેદનો વિરોધ કરે છે. જાતિ, માન્યતા અને ધર્મના કારણે જે સમાજ વહેંચાયેલો હોય તેનાંથી બ્રાહ્મો અલગ પડ્યા હતા. જો કે બ્રાહ્મોની સભા શરૂ થતા પહેલાં, એક અલગ ઓરડામાં, માત્ર બ્રાહ્મણોની જ ઉપસ્થિતિ રહેતી અને તેમાં કર્ણાટકના બ્રાહ્મણો દ્વારા વેદગાન થતું. છતાં આ રીતે બ્રાહ્મો દ્વારા એક વધુ તંદુરસ્ત સમાજ રચવાની દિશામાં વૈચારિક પહેલ થઈ. અલબત્ત, તેની મોટી મર્યાદા એ હતી કે તે જમીનદારો, બ્રાહ્મણો અને રાજકીય વગવાળા લોકોનું મંડળ બની ગયું. ૧૮૩૩માં રાજા રામમોહન રાયનું ઇંગ્લૅન્ડમાં બ્રિસ્ટલ ખાતે અવસાન થયું અને અંગ્રેજ પાદરીઓને કદાચ આવા (ઢીલા પડેલા) હિંદુઓને વટલાવવાનું સુગમ લાગ્યું હશે તેથી તે દિશાનો પણ પ્રયાસ થયો. આખરે બ્રાહ્મો તૂટી પડ્યું.

તે પછીનો એક જબરદસ્ત ઉછાળ સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રગટ્યો. સ્વામી વિવેકાનંદનો જીવનકાળ ૧૮૬૩-૧૯૦૨નો છે. મહર્ષિ અરવિંદ (૧૮૭૨-૧૯૫૦), રમણ મહર્ષિ (૧૮૭૦-૧૯૫૦) અને ગાંધીજી (૧૮૬૯-૧૯૪૮) પણ આ જ ગાળામાં ભારતને સાંપડ્યા. મા આનંદમયી (૧૮૯૬-૧૯૮૨), પણ લગભગ આ જ સમયગાળાના છે. આમ ધર્મ / આધ્યાત્મના જ ક્ષેત્રના હોય તેવા, આ ઉપરાંત પણ કેટલાક અન્ય નામો – જેમ કે રામકૃષ્ણ પરમહંસ, પૌહારી બાબા (જેમની પાસેથી વિવેકાનંદ દીક્ષા લેવાના હતા), વગેરેનાં નામો પણ ગણાવી શકાય. નોંધપાત્ર બાબત એ બને છે કે મુસલમાન શાસકોની સામે ભારતીયતાને બચાવનાર અનેક સંતો તેરમી સદીમાં થયા, તે રીતે અંગ્રેજોની સામે ૧૯મી સદી અધવારતામાં વળી એક ધાર્મિક-આધ્યાત્મિક આંદોલન પ્રગટ્યું. આ સૌમાં કેટલાક માત્ર આધ્યાત્મિક / ધાર્મિક ક્ષેત્રના આવિર્ભાવો છે – જેમ કે રામકૃષ્ણ પરમહંસ – તો અન્ય કેટલાક, વત્તેઓછે અંશે સામાજિક-રાજકીય દૃષ્ટિએ પણ પ્રભાવકો છે. તિલક, સ્વામી રામતીર્થ (૧૮૭૩-૧૯૦૬) દયાનંદ સરસ્વતી, આ વર્ગમાં આવે છે. જે સાવ અલાયદો અને ત્રીજો વર્ગ છે. તેમાં વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ તથા ગાંધી-વિનોબાનો સમાવેશ કરી શકાય. સ્વામી વિવેકાનંદે આધ્યાત્મદર્શન દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ ભારતીય દર્શનનો પ્રભાવક પરિચય આપ્યો. પરંતુ ૧૯૦૫ના બંગભંગના આંદોલનના કારણે પ્રગટવા મથતી રાષ્ટ્રીય ચેતનાના આરંભ પહેલા જ, તેમનું અવસાન થયું.

શિકાગોની ધર્મસંસદ સમક્ષ ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે જે પ્રવચન કર્યું તેથી ઘણા વિદેશીઓ પ્રભાવિત થયા હતા. તે પ્રવચન પછી અમેરિકા અને યુરોપમાં પણ અનેક સ્થળે તેમનાં પ્રવચનો યોજાયાં. ૧૫મી જાન્યુઆરી, ૧૮૯૭ના દિવસે તે કોલંબો ઊતર્યા અને ત્યાંથી શરૂ કરીને, તેમના સમગ્ર ભારતનો પ્રવાસ અને પ્રવચનો ગોઠવાયાં. વિશ્વ પ્રવાસ કર્યા પછીના તેમનાં આ પ્રવચનોમાં વ્યક્ત કરાયેલા વિચારોને સ્વાતંત્ર્ય સંગ્રામના વહેલી પરોઢના સૂર રૂપે પણ જોઈ શકાય. ૧૮૯૭માં ભારત પરત ફર્યા પછી બહુ જ ટૂંકા ગાળામાં – ૧૯૦૨માં તેમનું અવસાન થયું. તે રીતે પણ તેમના વિચારો પુખ્ત થયા પછીની ઓળખ આ પ્રવચનોમાંથી સાંપડે છે.

સ્વામી વિવેકાનંદને સંઘ પરિવાર વિશેષ સ્થાન અને માન આપે છે. તેમને પોતીકા અને પ્રેરણામૂર્તિ માને છે. ગુજરાત સરકારની એક જાહેરાતમાં કહેવાયું છે; ‘ગુજરાતના ગૌરવ, દેશના કલ્યાણ અને યુવાઓના વિકાસ અર્થે હું વિવેકાનંદને સલામ કરું છું.’ જય લલિતા પણ સ્વામી વિવેકાનંદને પોતાના ‘Political Teacher’ કહે છે, આ ઉપરાંત ભાજપના ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ જેવા વિચારમાં વિવેકાનંદના કેટલાક વિચારો સંકળાતા જણાય છે. આથી હાલની કેન્દ્ર સરકાર તેમ જ કેટલાંક રાજ્યોની સરકારોના કાર્યકલાપો તથા નીતિઓ અને ઉચ્ચારણોને પણ વિવેકાનંદના વિચારોના સાપેક્ષમાં મૂલવી શકાય તેમ છે.

અગાઉ (લેખ-૧માં) જોયા મુજબ, ઇંગ્લૅન્ડના તે સમયના પ્રભાવક વિચારકોના મનમાં ભારત માટે ઘણો હલકો ભાવ હતો. ભારતના લોકો પ્રમાદી, નિર્માલ્ય, ઝૂકી જનારા, વિચારહીન અને ભોગવાદી હોવાની છાપ હતી. આવા લોકોને સુધારવાનો બોજો શ્વેતાંગીઓએ વેંઢારવાનો છે, તેવો ભાવ પણ વ્યક્ત થયેલો છે. ભારતીઓના ધર્મ અને સંસ્કૃિત પણ હલકા – ઇન્ફિરિયર – છે અને તેથી ફ્રેંચ ક્રાંતિમાંથી પ્રગટેલા – લિબર્ટી, ઇક્વાલિટી અને ફેટરનિટીને લાયક આ પ્રજા નથી એવું પણ તે માનતા. સંસ્થાનવાદ દ્વારા તેમનું ભલું કરાઈ રહ્યું છે તેવી ધારણા તો કાર્લ માર્ક્સ પણ ધરાવતા.

આવા વ્યાપક વિચારોના પ્રસાર અને ભારત વિષેના અજ્ઞાનને કારણે ઉદ્‌ભવેલા હીનભાવની સામે સ્વામી વિવેકાનંદે એક પ્રબળ, પ્રચંડ અને પ્રભાવક પડકાર ફેંક્યો. આખી દુનિયા જોઈને પાછા ફરેલા માત્ર ૩૭ વર્ષના આ યુવાન સાધુએ દેશભરમાં ફરીફરીને પોતાનો મત રજૂ કર્યો. આ મત તર્કવિવેકયુક્ત, આધુનિક કે ભારતની તે પછીની ગતિવિધિમાં ઉપયોગી બને તેમ છે ? વિવેકાનંદના વિચારો એક પ્રગતિશીલ, વૈજ્ઞાનિક, લોકશાહી અને સમાનતાલક્ષી સમાજના નિર્માણ વાસ્તે ઉપયોગી બને તે દિશાના છે ? વધુ વ્યાપક દૃષ્ટિએ ઊઠતો સવાલ એ છે કે વેદ-ઉપનિષદ અને તેમાં ય શાંકર વેદાંતી વિચારોના આધારે વૈશ્વિકીકરણ, મેક ઈન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્માર્ટ (મેઘાવી) નગરો, બુલેટ ટ્રેન, વગેરે જેવાં અન્ય અનેક ઉપક્રમોને ગોઠવી શકાય ? ગરીબી નિવારણ, ખેતીની સમૃદ્ધિ વગેરે આધુનિક ભારતના અનેકવિધ ક્ષેત્રોમાં વિવેકાનંદનું દર્શન ઉપયોગી ન બને તે સ્વાભાવિક છે. વળી, વિવેકાનંદે માર્ક્સ કે ગાંધીની જેમ સામાજિક, આર્થિક, રાજકીય, નવ રચનાનો કોઈ વ્યાપક નકશો પણ દોર્યો નથી.

આમ તો ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનથી ભારતની સ્વતંત્રતા માટેની માંગ સ્પષ્ટ બની પરંતુ તે પહેલાં, ૧૯૧૫માં ગાંધીજી ભારત આવીને અમદાવાદમાં કોચરબ આશ્રમ વસાવી ચૂક્યા હતા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના દ્વારા એક વણિકે ઋષિકાર્ય કર્યું હતું. વિનોબા પણ ૧૯૧૫માં ગાંધી આશ્રમમાં આવી મળ્યા હતા.

વિવેકાનંદ અને ગાંધી-વિનોબાના વિચારો, લોક જાગૃતિ, સાંસ્કૃિતક ગૌરવનું સ્થાપન તથા છેક સ્વતંત્રતા પ્રાપ્ત થતા સુધીના સમગ્ર કાળપ્રદેશ ઉપર છવાયેલા રહ્યા છે. જે હિંદુ ધર્મનો (વિવેકાનંદ તેને જ વેદાંતી ધર્મ કહેતા), સંસ્કૃિતગત ગૌરવ તથા રાષ્ટ્રની નવજાગૃતિ વાસ્તે વિવેકાનંદે ઉદ્‌ઘોષ કર્યો; ખરેખર, તે જ વિચારો છેવટે ગોડસેની ગોળીઓમાં પ્રવેશીને ‘હે રામ’ સુધી પડઘાયા ? આવું કેમ થયું ?

વિવેકાનંદની જેમ ગાંધી-વિનોબાની ચિત્તસૃષ્ટિમાં વેદાંતી ધર્મ પાયામાં રહેલો છે. ગાંધી ‘રામ નામ’માં અખૂટ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ મંદિરગામી નથી. તેમના ‘રામ’ પણ પુરાણના રામ નથી.

વિનોબાને મંદિરમાં જવાનો વાંધો નથી; બશર્તે કે તે સાર્વજનિક હોય ! પણ વિવેકાનંદ તો સગુણ સાકાર અને મૂર્તિમાન ભગવાનના પૂજક, હોવા સાથે શંકરાચાર્યના સંદર્ભમાં વેદાંતી પણ છે.

વિવેકાનંદના મુખ્ય વિચારોને આ ચર્ચા માટે જરૂરી સંદર્ભમાં સંક્ષેપમાં ગોઠવીએ. આ વિચારો જેમ મૂળ સનાતન ધર્મમાંથી પ્રગટ્યા છે તેમ ગાંધીજીના વિચારો પણ આ જ ગંગોત્રી ધરાવે છે. આથી સ્વતંત્ર ભારતના વૈચારિક સંદર્ભમાં વિવેકાનંદ, ગાંધી-વિનોબા અને સાંપ્રત વિશ્વના સંદર્ભો લક્ષમાં લેવા જેવા બને છે.

(૧) વિવેકાનંદનું ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થતા સુધી મંડ્યા રહો’ એ સૂત્ર ખૂબ પ્રચલિત બન્યું છે. પણ સવાલ બે રીતે છે : ‘જાગવું’ એટલે શું અને ‘ધ્યેય’ની વ્યાખ્યા કઈ.

વિવેકાનંદનો એકંદર સંદર્ભ લક્ષમાં લઈએ તો ‘જાગવું’ એટલે પોતાના ‘ભવ્ય ભૂતકાળ’ને યાદ રાખવો અને તે માટે ગૌરવ રાખવું, ‘વેદાંતી ધર્મ’માં આસ્થા રાખી તેનું પાલન કરવું, અને આમ કરતા કરતા છેવટે ‘આત્માસાક્ષાત્કાર’ કરવો એવો થાય છે. આ રીતે જાગ્યા પછીના ધ્યેયોમાં ‘જગદ્‌ગુરુ’ બનવું, ‘દરિદ્ર નારાયણની’ સેવા કરવી, સંસારને સુખમય બનાવવો વગેરે બાબતો છે. આ સંદર્ભમાં તેમનાં થોડાંક વિધાનો આ મુજબ છે.

‘“આર્યો”નાં સંતાનો આળસુ થઈને બેસી ન રહો. “ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત” ! ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેય પ્રાપ્ત કરો.” આ અદ્વૈત વેદાંતને વ્યાવહારિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ચાલો આપણે તેને ઊંચા સ્વર્ગમાંથી નીચે આ પૃથ્વી પર ઉતારીએ. આ છે અત્યારનું યુગપ્રયોજન. ઓ આર્યના સંતાનો ! આપણા પૂર્વજોનો અવાજ આપણને પોકાર કરી રહ્યો છે કે આ વેદાંતને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નીચે લાવો, તમારા વેદાંતનો ઉપદેશ સમસ્ત વિશ્વમાં ફેલાવી દો, અને સર્વસાધારણ જનતાની સંપત્તિ બનાવો, આપણા જીવનના અણુએ અણુમાં એને ઉતારો, આપણી રગેરગમાં એને વહેવડાવો કે જેથી આપણા રક્તનું બિંદુએ બિંદુ એ વેદાંતની ભાવનાથી ઝણઝણી ઊઠે ! … ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃિતની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ જશો; કારણ કે જે પ્રજાનો મેરુદંડ ભાગી ગયો હોય, જે પાયા ઉપર રાષ્ટ્રીય ઇમારતનું ચણતર થયેલું હોય છે તે પાયા જો મૂળમાંથી ખવાઈને પોલા પડી ગયા હોય, તો પરિણામે એ પ્રજાનો સર્વનાશ થાય છે, પ્રજા મૃતપાય બને છે. (‘ભારતમાં આપેલાં ભાષણો’ જેકેટ ફ્લેપ).

વિવેકાનંદના આ વિધાનોને ધ્યાનપૂર્વક તથા વર્તમાન રાજકીય, સામાજિક તથા વૈચારિક સંદર્ભોમાં તપાસવા જેવા છે.

વિવેકાનંદ, ભારતીયોને આર્યોનાં સંતાનો ગણાવે છે. આ લોકોનું કોઈક (ઈશ્વર પ્રણિત ?!) ‘યુગ પ્રયોજન’ છે અને તે વેદાંતના ઉપદેશને જગતભરમાં ફેલાવી દેવાનો છે. આ જ પરિપાટીમાં અન્યત્ર વિવેકાનંદ એમ પણ કહે છે કે ભારત ‘જગદ્‌ગુરુ’ છે.

વાસ્તવિકતા શી છે ? ભારતીય ‘ધર્મગુરુઓ’ તરીકે પ્રસ્થાપિત થઈને દેશ કે વિદેશમાં મંદિરો, મઠો વગેરે ધરાવતા, અબજોની સંપત્તિના માલિક એવા ધર્માચાર્યો, સાંપ્રદાયિક વડાઓ કે મઠાધિપતિઓ ઉપર સમાજ કે રાજ્યનો કોઈ જ અંકુશ નથી. એક તરફ આસારામ-નારાયણ, રાધેમા, નિર્મલબાબા વગેરે જેવા કોડીબંધ ધર્મવાળા ઊભા થઈ ગયા છે, તો બીજી તરફ કોઈક અજ્ઞાત ‘આત્માસાક્ષાત્કાર’ કે ભગવાનના દર્શનની આશા રાખનાર કરોડો ‘શ્રદ્ધાળુઓ’ની અક્ષૌહિણી સેનાઓ છે. ગણેશોત્સવ, નવરાત્રી અને દૂર્ગાપૂજા, કુંભ મેળા, ચાર-ધામ, વૈશ્નોદેવી વગેરેમાં કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ઉપરાંત શિરડી, તિરુપતિ, અજમેર, પાલિતાણા, બોધગયા વગેરેમાં પણ ઉમટી પડનારાનો તોટો હોતો નથી. ડાકોર અને અંબાજીની પગપાળા યાત્રા કરનારા પણ લાખો લોકો છે. વિવેકાનંદે પ્રબોધેલો આ માર્ગ નથી. વિવેકાનંદના દરિદ્રનારાયાણની સેવા, દાન અને તપના ખ્યાલોથી આ અબજો લોકોના ખરબો-ખરબો રૂપિયાના વહેવારો ‘કોસો દૂર’ છે. એટલું જ નહીં, કેટલાક સંપ્રદાયો તો એમ કહે છે કે (શાંકર) વેદાંતીઓ ‘રૌરવ નરકમાં જશે.’ આ બહુઆયામ તથી બહુવિધ પ્રવાહોમાં વિવેકાનંદનું તત્ત્વ શોધવું અઘરું છે.

પરંતુ બન્યું છે એવું કે વિવેકાનંદ અને અન્ય સંતો મહાત્માઓના શ્રદ્ધાપૂર્વક ભક્ત કે સેવક બનનારા પોતપોતાના ધર્મના ચુસ્ત અનુયાયી બની જાય છે. આ મતધારી શ્રદ્ધાળુઓ અન્ય તરફ સાવ અસહિષ્ણુ પણ હોય છે. ઉપર જોયું તેમ, વેદાંતીઓ માટે રૌરવ નરક નક્કી કરનારા હિંદુ સાંપ્રદાયિકો છે. વિવેકાનંદ ભારતીય દર્શનશાસ્ત્ર કે તેના ન્યાય, વૈશેષિક જેવા વિભાગોના અભ્યાસી નથી. તેમના પ્રશંસકો તથા અનુયાયીઓ કહે છે તેમ તે આત્મસાક્ષાત્કારી હતા. આત્મસાક્ષાત્કાર, મૂળભૂત રીતે વ્યક્તિનો પોતીકો અનુભવ હોય છે.

સ્વાભાવિકપણે જ એક સવાલ ઊઠે કે આટલા બધા લોકો આટલી પેઢીઓથી તેમને ભાવપૂર્વક નમન કરે છે અને પ્રેરણામૂર્તિ પણ ગણે છે તેથી ખરેખર તો આત્મસાક્ષાત્કારની પરંપરાને આધાર સાંપડે છે. વળી આ ‘અનુભવ’ને શ્રદ્ધાનો વિષય ગણી તર્કબાહ્ય ગણવામાં આવે છે તેથી તે અંગે ચર્ચાને સ્થાન નથી.

વિવેકાનંદનાં ભાષણો, લખાણો વગેરેમાં વ્યક્ત થયેલા વિચારોમાં એક તરફ વેદાંતી (હિંદુ ધર્મ તેમ જ શંકરમત એવા બંને અર્થ) ધર્મની ભાવના તથા અનિવાર્યતા અને સર્વોપરિતા વ્યક્ત થઈ છે, તો બીજી તરફ ધાર્મિક ઉદારતા પણ વ્યક્ત થઈ છે. તે કહે છે કે, ‘સર્વને માટે માત્ર એક જ રસ્તો છે એવો ખ્યાલ હાનિકર્તા છે, અર્થહીન છે, અને એનો સદંતર ત્યાગ કરવો જોઈએ જ્યારે સૌ કોઈ એક જ પ્રકારના ધાર્મિક વિચારોને માનવા લાગશે અને એક જ રસ્તે જવા લાગશે, ત્યારે આ દુનિયાનું આવી બન્યું સમજજો. એ વખતે બધા ધર્મોના બધા વિચારોનો સર્વનાશ થઈ જશે.’ વિવિધતા તો જીવનનો ખુદ આત્મા છે … ધ્યાન રાખજો કે આપણને જગતમાં કોઈ પણ ધર્મ સાથે કશો જ ઝઘડો નથી.’ (પૃ. ૧૭) વિવેકાનંદના આ વિચારોની સામે આજના ઘર વાપસી, દાદરી, કલબુર્ગી, પાનસરે, વગેરે હત્યાઓ વગેરેને સાંકળવા રહ્યા.

શંકરમતના સંદર્ભે તો બ્રહ્મ જ સત્ય છે અને વેદાંતી ધર્મ અનુસાર સર્વત્ર એક જ પરમ તત્ત્વનો પમરાટ છે; તો પછી દેશમાં કોમી દંગા શા માટે થતા હશે ? વધારે મહત્ત્વનો સવાલ એ છે કે ધાર્મિક કટ્ટરતા આટલી બધી વધતી કેમ જાય છે. આ જ હિંદુ ધર્મમાંથી ગાંધીજીને સર્વધર્મ સમભાવ સાંપડ્યો, વિનોબાને સર્વધર્મ મમભાવ દેખાયો તો પછી ગોડસેની ગોળીઓએ ગાંધીજીની છાતી કેમ વીંધી ? તેનો એક ઉત્તર પશ્ચિમ યુરોપ અને ભારતમાં પ્રારંભાયેલી ધાર્મિક કટ્ટરતામાંથી સાંપડે છે. પશ્ચિમ યુરોપના જર્મની અને ઇટાલીમાં, નાઝીવાદ અને ફાસીવાદ પાંગર્યા. જર્મનીમાં વસતા ખ્રિસ્તી બહુમતી સમાજને પણ, યહૂદીઓને લાખોની સંખ્યામાં રહેંસી નંખાયા તે સામે કોઈ અવાજ ઉઠાવવાપણું જણાયું નહીં.

બીજી તરફ મુસોલિની તો ભારતમાં શરૂ થતાં હિંદુત્વવાદ માટે એક સાર્થક કીમિયાગાર જણાયો. સાવરકર દ્વારા નવા પ્રયોજાયેલા શબ્દ ‘હિંદુત્વ’નું ચલણ વધતું જતું હતું. સાવરકર પોતે નાસ્તિક હતા અને તેમને માટે હિંદુત્વ a way of life – એક જીવન પદ્ધતિ હતી. હિંદુત્ત્વને એક રાજકીય – સાંસ્કૃિતક વિચારરૂપે અને નહીં કે કોઈ ધર્મરૂપે તેમણે જોયો. આમ કરવાથી તે વિચાર, એક તરફ, આ ભવ્ય ભારતભૂમિ સાથે જોડાયો તો બીજી તરફ શીખ, જૈન બુદ્ધ વગેરે આ દેશમાં જન્મેલા ધર્મોને તેમણે વિખૂટા પડવા ન દીધા. ત્રીજી તરફ, હિંદુત્વને ‘રાષ્ટ્ર’ સાથે જોડીને આ ‘રાષ્ટ્ર’માં પેદા ન થયા હોય તેવા – ખાસ તો મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોની સામે વિરોધ પણ જન્માવ્યો. યહૂદી અને જરથોસ્તી ધર્મોને, જો કે, આ વિરોધમાંથી બાકાત રખાયા. આગળ જતા આ વલણ કટ્ટર બન્યું અને સંભવ છે કે તે નાઝીવાદ અને ફાસીવાદ પદ્ધતિઓથી પ્રભાવિત પણ બન્યું.

**********

: લેખ – ૩ :

વિવેકાનંદ અને ગાંધી : પરંપરા અને નવોન્મેષનો પ્રારંભ

દુનિયાના તમામ ધર્મો કૃષિ-પશુપાલનની સંસ્કૃિતમાં જન્મ્યા છે. વર્તમાન સમય યંત્રો અને તેથી ય આગળ વધીને ટેક્‌નોલૉજીનો છે. ધર્મોના પિંડ બંધાયા તે સમયનાં ગામડાં અને જંગલો કે માનવ સંબંધો અને સામાજિક બંધારણો લુપ્ત થઈ ચૂક્યાં છે. રાજ્ય અને શાસનની, દરબારો ભરવાની અને સામંતી રસમો અને ‘રામરાજ્ય’ જેવી બાબતો વિશે ક્યાંક ક્યાંક વાતોનાં વડાં થાય છે ખરા પણ તેનું ખાસ વજૂદ નથી. ધર્મના સિદ્ધાંતોના આધારે અર્થકારણ, રાજ્ય કે સમાજ રચનાઓ ચાલતી નથી. આમ છતાં સાંપ્રત ભારતીય સમાજમાં અને વિશેષે કરીને હિંદુ સમાજમાં ધર્મ અત્યંત પ્રભાવક બનતો જાય છે. શહેરોમાં વસતા શિક્ષિત લોકો પણ એમ માને છે કે ગણપતિની મૂર્તિ દૂધ પી શકે છે ! આમાં તર્કવિવેકનો છેદ ઊડી જાય છે.

અગાઉ જોયું તેમ (લેખાંક-૧) પશ્ચિમના, ખાસ તો ઇંગ્લૅન્ડના વિચારકો ભારત વિશે હીન ભાવ ધરાવતા હતા, તેની સામે સ્વામી વિવેકાનંદના શિકાગો પ્રવચનના કારણે હિંદુઓને પોતાની અસ્મિતા પાછી ફરતી જણાઈ. બીજી તરફ વર્તમાન સમયમાં સ્વામી વિવેકાનંદને પ્રેરણામૂર્તિ માનનારામાં સંઘ પરિવાર અગ્રસ્થાને છે. ભાજપના હાથમાં શાસન છે અને સંઘ પરિવાર પોતે હિંદુત્વનો આગ્રહી છે. આ સંજોગોમાં વિવેકાનંદના વેદાંતી ધર્મ અને તેના વધુ આધુનિક, સર્વસમાવેશી અને માનવીય સંદર્ભો ધરાવતા ગાંધીવિચાર વચ્ચેની કશ્મકશ મહત્ત્વની બની રહે છે. આ ચર્ચામાં આગળ વધતા પહેલા બે મુદ્દા ઉમેરીએ!

(૧) સાવરકર (૧૮૮૩-૧૯૬૬) હિંદુત્વના આગ્રહી નેતા હતા. મુસલમાનો અને અંગ્રેજો (ખ્રિસ્તીઓ) સામે હારી ચૂકેલા હિંદુઓના ઘવાયેલા અહમ્‌ સામેના પ્રતિભાવના તે એક બળુકા પ્રતિનિધિ હતા. ગોડસે તેમના નિકટના સંપર્કમાં હતા. વિચારવાનું એ થાય છે કે વીસમી સદીના પ્રારંભે હિંદુ અસ્મિતાને પુનઃ જાગૃત કરનારા સ્વામી વિવેકાનંદના વિચારો ગોડસે સુધી પહોંચતામાં કેવા ઘાતક બની ગયા. વળી આ ચુસ્ત ધર્મવાદીઓએ દેશની આઝાદીની લડતમાં તો ભાગ પણ લીધો ન હતો. એક પક્ષ તરીકે જનસંઘની સ્થાપના ૧૯૫૨માં થઈ પરંતુ તે પક્ષના કોઈ નેતાઓ આઝાદીની લડતમાં ભાગ્યે જ ભાગ લીધો હતો.

(૨) હિંદુ ધર્મની જ પરંપરામાં ગાંધીજીને પણ વૈચારિક પોષણ મળ્યું. ‘વૈષ્ણવજન’ ભજન દ્વારા તેમણે વૈયક્તિક અને સામાજિક નૈતિક્તાના પરંપરિત ધોરણો અંગીકાર કર્યા અને તે ધોરણોને પ્રમાણ્યા પણ ખરા. ગીતા, ઇશાવાસ્ય ઉપનિષદ્‌ તથા અગિયાર વ્રત દ્વારા ગાંધીજીના ધર્મ સાથેના અનુબંધનો અણસાર સાંપડે છે. ગાંધીવિચારનો અતિ સંક્ષિપ્ત સાર કાઢવો હોય તો ‘સત્ય, અહિંસા અને ન્યાય’ એ ત્રણ શબ્દોની વિભાવનામાંથી સાંપડી શકે છે. જે હિંદુ ધર્મમાંથી ગાંધીજીને આધુનિક સમયના સમાજ, શાસન અને વ્યવસ્થાના ઉપાયો જડ્યા તે એક અદ્‌ભુત ઘટના છે.

બીજી તરફ વિવેકાનંદને શંકરમતવાળા વેદાંત દ્વારા સમગ્ર જગતના ગુરુ બનવાપણું દેખાયું છે. ‘વિવેકાનંદ કહે છે’, ‘ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે; આખા જગતને ચેતનવંતુ કરી મૂકે એવી શક્તિ એમાં ભરેલી છે.’ (પૃ.૧૨૩) વિવેકાનંદ વેદાંતી (હિંદુ) ધર્મના આધારરૂપે ઉપનિષદોને જુએ છે. ઉપનિષદો ઘણા છે; કેટલા છે તેનો સાચો આંકડો મેળવવો પણ મુશ્કેલ છે. વિનોબાએ તેમાંથી વધુ પ્રચલિત અને કદાચ પ્રભાવક એવા ૧૦૮ ઉપનિષદો તારવ્યા છે. ‘વૉટ ઈઝ લિવિંગ એન્ડ વ્હોટ ઇઝ ડેડ ઈન ઇન્ડિયન ફિલોસોફી’ નામના પુસ્તકમાં દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય જણાવે છે તેમ, ભારતની ઉપનિષદોની પરંપરા બહુ વિસ્તૃત ફલક ઉપર પ્રસરેલી છે; તે લગભગ અઢી હજાર વર્ષની વૈચારિક પરંપરા ધરાવે છે. ઉપનિષદો રચવાનો પ્રારંભ અઢી હજાર વર્ષ અગાઉ થયો પરંતુ લેખિત સ્વરૂપ પામતા અગાઉ પણ તે વિચાર પરંપરામાં પ્રવેશી ગયા હતા. આ પરંપરામાં એક ભાગ ગદાધર અને તેના ન્યાયના ક્ષેત્ર સુધી પહોંચે છે; તો બીજો વિશ્વ, આત્મા-આધ્યાત્મ, નીતિ વગેરે ક્ષેત્રો સુધી વિસ્તરે છે. ઘણા ઉપનિષદો બુદ્ધ અને મહાવીરના કાળમાં પણ રચાયા છે.

સ્વામી વિવેકાનંદ નવ્ય ન્યાયની શુદ્ધ તાર્કિકતાની દિશા પકડતા નથી. તેમનો ઝોક વૈશ્વિક નિયમો દર્શાવતા ઉપનિષદો ઉપર છે. આની સામે, તે સમયના ભારત માટેના બ્રિટિશ વિચારકોએ, લેખાંક-૧માં નોંધેલ શબ્દોનું સ્મરણ રાખવું જોઈએ.

સ્વામી વિવેકાનંદ માત્ર આ જ્ઞાનના જગતમાં ફેલાવા પૂરતી વાતને મર્યાદિત કરતા નથી. તેમનું સૂત્ર, ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો,’ તે માત્ર ઉપનિષદોના પ્રચાર-પ્રસાર સુધીની સીમિત બાબત નથી. તેમને ભારતના ગરીબો તરફ પણ પૂર્ણ અનુકંપા છે. ‘દરિદ્ર નારાયણ’ શબ્દ પહેલા કોણે પ્રયોજ્યો – ગાંધીજીએ કે વિવેકાનંદે તે બાબતે થોડીક ચર્ચા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે વિવેકાનંદની દૃષ્ટિએ ‘કર્મ’ માત્ર ઉપનિષદોના પ્રચાર પૂરતું સીમિત ન હતું. ૧૮૫૩ના મેકોલેના મિનિટ્‌સ ઓન એજ્યુકેશનથી પ્રારંભાયેલા, વિદેશીઓના વૈચારિક અને સાંસ્કૃિતક પ્રસારની સામે વિવેકાનંદ એક જબરદસ્ત પ્રતિવિચાર રજૂ કર્યો. તેમની ઢબ, અભિવ્યક્તિ તથા વ્યક્તિત્વ અદ્‌ભુત અને પ્રભાવક હતાં; તેનો અંદાજ એ બાબત ઉપરથી આવશે કે તેમનું શિકાગોનું ધર્મસંસદ સમક્ષનું પ્રથમ પ્રવચન માત્ર ચાર જ મિનિટનું હતું. આ ચાર મિનિટમાં તે ગણીને પંદર વાક્યો અને ૪૭૩ શબ્દો જ બોલ્યા હતા. તે પછી સમગ્ર ધર્મસંસદે તેમને ‘સ્ટેિન્ડગ ઑવેશન’ આપ્યું હતું. અલબત્ત, આ સંસદ કુલ ત્રણ દિવસ ચાલી હતી અને તેમાં વિવેકાનંદને બીજી ઓગણીસ વખત બોલવા માટે નિમંત્રવામાં આવ્યા હતા.

ગાંધીજી વિવેકાનંદ કરતાં વયમાં લગભગ નવેક વર્ષ નાના હતા. ગાંધીજીએ વિવેકાનંદને વાંચ્યા હતા અને પછી નોંધ્યું હતું. ‘My love for India became thousand fold’. ગાંધીજીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના દિવસે બેલુર મઠની પણ મુલાકાત લીધી હતી. વિવેકાનંદનાં ભાષણોના ‘અપરિહાર્ય પ્રભાવ’ વિષે લખેલું. વિવેકાનંદ લાંબુ જીવ્યા હોત તો સ્વતંત્રતા પછીના ભારતનું ય વૈચારિક અને વાસ્તવિક ચિત્ર ઘણું જુદું હોત એમ સહેજે જણાય છે.

આ બંને વચ્ચે કેટલીક બાબતોમાં વૈચારિક સમાનતા હોવા છતાં તે બહુ ઊંડી અને વ્યાપક હોય તેમ જણાતું નથી. બે વચ્ચે સમયની દૃષ્ટિએ બહુ મોટો ગાળો નથી. આથી બંનેને એક સમાન પ્રકારના રાજકીય-સામાજિક-આર્થિક જગતમાં જીવવાનું મળ્યું હતું. બે વચ્ચે સમાનતા ગણવી હોય તો મુખ્યત્વે ભારતીય પરંપરા અને સાંસ્કૃિતક વારસાની બાબતે છે. વિવેકાનંદની જેમ ગાંધીજી પણ ઉપનિષદોના પ્રભાવ હેઠળ હતા પણ તે પછી બેયના માર્ગો ઘણા અલગ હતા. ગાંધીજી માટે ઇશાવાસ્ય ઉપનિષદ અને ગીતા, તે સમયના સમાજના વિકલ્પે નવો સમાજ રચવા માટેના વૈચારિક આધારો પણ હતા. દા.ત. ગીતાને ‘અનાસક્ત યોગ’ રૂપે જોતા અને ધનિકોની ટ્રસ્ટીશિપની ભાવના ફેલાવવામાં આ વિચારનો અણસાર દેખાઈ આવે છે. અલબત્ત, વિવેકાનંદે પણ ત્યાગ અને સેવાનું મહત્ત્વ વધાર્યું જ છે પરંતુ ગાંધીવિચારમાં એક ભાવિ સમાજ માટેની જે વૈકલ્પિક અને પૂર્ણ રચનાઓ સાંપડે છે તે વિવેકાનંદ પાસેથી મળતી નથી. ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ તેનું મહત્ત્વનું ઉદાહરણ છે. આ પુસ્તક દ્વારા ગાંધીવિચાર એક મોડલ તરીકે પ્રસ્થાપિત થાય છે. વિવેકાનંદ ભારતના સામાજિક-રાજકીય કે આર્થિક વિચારોનો કોઈ પરિપૂર્ણ મુસદો પોતાના જીવનકાળ દરમિયાન રજૂ કરી શક્યા નહીં.

વિવેકાનંદે જે વિચારો અને સેવા અને ત્યાગના આદર્શો સૂચવ્યા તે તેમના વિમર્શમાં પથરાયેલા રહ્યા. પણ આઝાદીની લડત કે તે સમયના રાજકારણમાં હેતુપૂર્વકની સામેલગીરી તેમાંથી જન્મ્યા નથી. વિવેકાનંદ રાજકારણ સામે સખત નારાજગી ધરાવતા, તેમણે કહ્યું હતું, ‘I will have nothing to do with cowards or political nonsense. I do not believe in any politics. God and truth are the only politics in the world, everything else is trash.’ વિવેકાનંદના આ અભિગમને કારણે જ કદાચ, ભારતીય સમાજનો એક વિભાગ આઝાદીની લડતમાં જોડાયો જ નહીં.

વિવેકાનંદને આદર્શ માનનારાઓએ રાજકારણથી દૂર રહેવું રહ્યું; તેથી ય વિશેષ – રાજકારણીઓએ વિવેકાનંદનો રાજકીય ઉપયોગ પણ ટાળવો રહ્યો. વર્તમાન શાસક પક્ષ ભાજપના અનેક નેતાઓ માટે વિવેકાનંદ એક આદર્શ અને પ્રેરણામૂર્તિ છે. વિવેકાનંદના નામની એક થિન્ક-ટેન્ક પણ તેમણે સ્થાપી છે. અલબત્ત, સંસ્થાનું નામ અને તેની કામગીરી વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોય જ તે જરૂરી નથી, છતાં અન્ય કોઈ નામને બદલે આ જ નામ પસંદ કરાયું છે તે તેના વૈચારિક આધાર અથવા આદર્શનો એક દાખલો બની રહે છે. ૨૦૧૪માં નવી સરકાર બની તે પછી સરકારમાં અત્યંત મહત્ત્વના હોદ્દા મેળવનારાઓ, પૂર્વ આર્મી ચીફ એન.સી. વીજ, નિપેન્દ્ર મિશ્રા અને અજિત દોવલ આ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. નીતિ આયોગના સભ્ય તરીકે નિમાયેલા વી.કે. સારસ્વત પણ આ ફાઉન્ડેશન સાથે નિકટનો નાતો ધરાવનારા છે.

તાજેતરની સરકારમાં વિવેકાનંદ એક અન્ય રીતે પણ દૃષ્ટિગોચર થાય છે. જૂની કૉંગ્રેસ સરકાર પાસે કેટલાક આઇકોન્સ – આસ્થા પ્રતિમાઓ થતી. ગાંધીજીનું નામ તેમાં સૌથી પ્રથમ આવે. સરદાર પટેલ બાબતે કૉંગ્રેસનું વલણ ખાસ ઉદાર ન હતું, પરંતુ નેહરુ, ઇન્દિરા અને રાજીવ અને ક્યારેક આંબેડકર પણ આવી આસ્થાપ્રતિમા લેખે પ્રયોજાતા હતા.

ભાજપે હવે નવી જ પ્રતિમાઓ શોધવાની છે. સુભાષ બોઝ, ભગત સિંહ, શ્યામા પ્રસાદ મુખર્જી, દીન દયાળ ઉપાધ્યાય, ટાગોર વગેરેની સાથોસાથ જેમનાં નામે યુવા દિવસ મનાવાય છે તે વિવેકાનંદ પ્રતિ પણ સરકારનું આવું વલણ જોવા મળે છે. સવાલ એ છે કે આ આસ્થાપ્રતિમાઓના વિચારોને સરકારી નીતિઓ અને કાર્યક્લાપો સાથે કોઈ અનુબંધ ખરો ? જો આ નામોને ગાળતા જઈએ તો તેની પ્રક્રિયા અને તર્ક આ રીતના બને છે.

ભગતસિંહ પોતે ડાબેરી ઝોક ધરાવતા હતા અને વર્તમાન સરકારની આર્થિક ફિલસૂફી સાથે તેમનું નામ બંધબેસતું થાય તેમ નથી. સુભાષ બોઝ કે ટાગોરના વિચારોમાં પણ સરકાર ચલાવવા જરૂરી એવા વિમર્શો જોવા મળતા નથી. આખરે વાત આવીને ઊભી રહે છે ત્રણ નામો ઉપર. ભારતને તેની અસ્મિતા પાછી અપાવનાર વિવેકાનંદ તથા ભાજપ(જૂના જનસંઘ)માં તેનું સંવહન કરીને જે તે સમયની સાંપ્રત પરિસ્થિતિ અનુસાર જરૂરી ચિંતન પૂરું પાડનારા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આ બે પૈકી વૈચારિક પરિપાટીની દૃષ્ટિએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિમર્શનો વધુ ચર્ચા માંગી લે છે. આમ, વિવેકાનંદથી દીનદયાળ ઉપાધ્યાયની જે એક વૈચારિક ધૂરી બને છે તે ગાંધીવિચારથી સાવ નોંખી છે. પરંતુ હાલની સરકારના કેટલાંક ઉચ્ચારણો, ગતિવિધિઓ કે પછી વલણોમાં પેલા ગાંધીવિચારને ઓછું અને આ પરંપરાગત, હિંદુધર્મવાદી વિમર્શને વધુ સ્થાન મળતું હોય તેમ જણાય છે. કેટલાક સમાંતરે ચાલેલા બનાવો અને તેમાંથી નીજપતા ઈંગિતોને લઘુત્તમ સાધારણ અવયવની પદ્ધતિથી વિચારીએ.

(૧) સ્વામી વિવેકાનંદ ભારતની ગુલામી ‘હજાર વર્ષની’ ગણાવે છે. આ બાબત વર્તમાન શાસક વિચાર સાથે મેળ ખાય છે; સંઘની વિવિધ ભગિની સંસ્થાઓ પણ ભારતની ‘ગુલામી’ને હજાર વર્ષની ગણાવે છે.

(૨) વિવેકાનંદના વિચારોમાં પ્રાચીન ભારતની મહાનતાના ગુણગાન જોવા મળે છે. અલબત્ત, ક્યારેક તેમની અતિ સંવેદનશીલ માનવીયતામાં ‘કુલીનોએ’ ગરીબોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે તે પણ અભિવ્યક્ત થાય છે. પરંતુ તેના ઉપાયરૂપે તો તે ત્યાગ ઉપર જ ભાર મૂકે છે. માર્ક્સના શોષણ કે વર્ગભેદ અને વર્ગવિગ્રહ કે ગાંધીજીના વૈકલ્પિક આર્થિક મોડલ જેવી રચના તેમની પાસેથી મળતી નથી.

(૩) વિવેકાનંદ અને પછીથી સંઘીય સંસ્થાઓના ચિત્તમાં ભારતની મહાનતા, ભવ્યતા, સમગ્ર જગતના ગુરુપણા અને મહાન પરંપરાના ખ્યાલો ઘૂંટીઘૂંટીને ભરેલા છે. ગયે વર્ષે થયેલી સાયન્સ કૉંગ્રેસમાં કે અન્યત્ર; સંઘીય વિચાર ધરાવતા વૈજ્ઞાનિકો કે પછી ખુદ વડા પ્રધાનશ્રી પાસેથી આવી ‘વૈજ્ઞાનિકતા’નાં સંભાષણો સાંભળવા મળે છે. ગણપતિને હાથીનું માથું બેસાડ્યું તે એક પુરાણ કથન અને રૂપક છે કે એક વૈજ્ઞાનિક હકીકત-તેનો ભેદ જ કરાતો નથી. આને પરિણામે ભારતના આમ માનસમાંથી તર્કવિવેક ઓછો થતો જવાનું જોખમ પણ ઊભું થાય છે.

(૪) વિવેકાનંદ હાલમાં પ્રવર્તે છે તેવી આર્થિક નીતિઓનો પુરસ્કાર કરતા નથી. તે ભારતના ‘રાષ્ટ્ર’નો મહિમા કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારના પણ તે સમર્થક નથી.

(૫) વિવેકાનંદ દાદાભાઈ નવરોજીના લખાણોથી અને વિચારોથી પરિચિત હતા. ૧૮૬૭-૬૮માં દાદાભાઈએ ભારતની રાષ્ટ્રીય આવક અને દેશની વસતીની ગણતરી કરીને માથાદીઠ આવક તારવી હતી. આ મુજબ દેશની રાષ્ટ્રીય આવક રૂ. ૩.૪ અબજ અને વસતી ૧૭ કરોડ હતી. તે હિસાબે માથાદીઠ આવક રૂ. ૨૦/- થાય. આ દરિદ્રતાનો વિવેકાનંદને બરાબર અહેસાસ હતો કારણ કે એક પરિવ્રાજકની પરંપરામાં તે સમગ્ર દેશમાં ધૂમ્યા હતા. વળી, વિવેકાનંદ આર્થિક બાબતોથી સાવ અજાણ હતા એવું પણ નથી. ૧૮૯૩માં અમેરિકામાં ‘અમેરિકન સોશ્યલ સાયન્સ એસોસિએશન’ના નિમંત્રણથી તેમણે ‘use of silver in India’, વિષય ઉપર પ્રવચન પણ આપ્યું હતું.

વિવેકાનંદ ‘Father of Modern Materialism’ પણ કહેવાતા. ૧૮૯૩માં જમશેદજી તાતા સાથે શિકાગોની સફર કરેલી અને તે સર્વસમાવેશી પણ આંતરિક ઉદ્યોગો દ્વારા થઈ શકે તેવા વિકાસમાં માનતા. તેમણે જમશેદજી તાતા સાથેની ચર્ચાઓમાં આયાતોને બદલે આંતરિક ઉત્પાદન ઉપર ભાર મૂકેલો. તેમણે કહ્યું હતું, ‘My ideal is growth, expansion (and) development of national lines.’

અહીં એ યાદ રાખવું જોઈએ કે વિવેેકાનંદના દેહત્યાગ પછીનાં થોડાંક જ વર્ષોમાં ‘સ્વદેશી’ની લડત ગાંધીજીએ ઉપાડી હતી.

(૬) વિવેકાનંદે ભારતમાં એક પ્રચંડ શક્તિ સર્જી હતી. તેમાં રાષ્ટ્રવાદ અને અન્ય ધર્મોની તુલનાએ ‘અમે વધુ સારા’નો ભાવ હતો પણ સાથોસાથ ધાર્મિક સહિષ્ણુતા અને માનવીયતા પણ હતા. સમય જતા ધાર્મિક સહિષ્ણુતાનો વિવેક ડૂબવા માંડ્યો છે. લગભગ ૧૩૦ કરોડની વસતીમાંથી ૯૬ કરોડ હિંદુ હોવા છતાં તેમના જન્મદરમાં ઘટાડો થયો તે બાબતને અને મુસ્લિમોની વસતીમાં વધારો થયો છે તેને જોડીને; ‘આપણા દેશમાં આપણે જ લઘુમતી બની જઈશું’ એવો કાલ્પનિક ભય અને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.

આ મુદ્દાને વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય બનાવ સાથે જોડીએ. અફઘાનિસ્તાનથી સીરિયા સુધી અને ઈથોપિયાથી લિબિયા સુધીના દેશોમાં કટ્ટરપંથી શાસન અને હિંસક સંઘર્ષો વ્યાપક બન્યા છે. લાખો લોકો, જીવના જોખમે પોતપોતાના આશિયાના છોડીને ભાગી રહ્યા છે. ટકી રહેવા માટેની આ જીવલેણ દોડ ભલે પોતાના દેશમાં વિરમે. એવો આદર્શ અને નખશીખ માનવતાવાદી અભિગમ જર્મનીએ દાખવ્યો છે. આ જર્મનો ખ્રિસ્તી છે અને આવનારા લગભગ તમામે તમામ મુસ્લિમ છે. આ એક વિકસિત સમાજની મિસાલ છે.

(૭) વિવેકાનંદના રાષ્ટ્રવાદ તેમ જ ધાર્મિક ઉદાત્તતાના ખ્યાલોના ઉચ્ચારણ અને વ્યવહારુ અમલ વચ્ચે ભારે અંતર છે આ ઉપરાંત રાજકીય, આર્થિક અને સામાજિક અભિગમોમાં પણ સંધીય વિચારધારામાં ઘણો ફેર જોવા મળે છે, જેના મુખ્ય અંશો, ટૂંકમાં આ પ્રમાણે છે :

(ક)  વિવેકાનંદ વર્ણવ્યવસ્થાના પુરસ્કર્તા હતા. કદાચ આંબેડકરને તે મળ્યા હોત તો આ વિચારો બદલાયા પણ હોત ! પણ તે ભોજન વગેરે માટે છુતાછુતમાં – ‘આહાર શુદ્ધૌ સ્વત્વ શુદ્ધિ’માં પણ માનતા હતા. આ વિચાર તેમના શાસ્ત્રો સાથેની સંગતતામાં ફળસ્વરૂપે હતો. ‘સાત્વિક’ ભોજન એટલે નિરામિષ અને લસણ-કાંદા વગરનું હોય તેટલું જ નહીં, તેને અપવિત્ર હાથો અડ્યા હોવા ન જોઈએ એમ તે માનતા. વર્તમાન શાસન વ્યવસ્થામાં આંબેડકરે સ્થાપેલા વિચારો અને બંધારણીય જોગવાઈઓનો અમલ ચાલુ રહેશે તેવી આશા અસ્થાને નથી.

(ખ) વિવેકાનંદનાં વિવિધ ઉદ્‌બોધનોમાંથી કાન માંડીને સાંભળીએ તો સ્વતંત્રતા, લોકશાહી અને એકંદરે ખુલ્લાપણાવાળા સમાજના સૂર સંભળાય છે. પણ આ વિચારો દીન દયાળ ઉપાધ્યાય સુધી પહોંચતા પહોંચતા બદલાઈ જાય છે. ભારતીય રાષ્ટ્ર અને સંસ્કૃિતની ઉત્કૃષ્ટતાના આગ્રહમાંથી પશ્ચિમની રાજકીય વ્યવસ્થા અને દર્શન પણ ભારતના ખપના નથી ત્યાં સુધી આ વાત પહોંચે છે. આમ, પશ્ચિમમાં ઉદ્‌ભવેલા મૂડીવાદ, સમાજવાદ, લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વગેરેને પણ તે નકારે છે. વિવેકાનંદના વિચારોની મોકળાશની સાથે આ વિચારોનો મેળ બેસતો નથી.

તો હવે સવાલ એ છે કે સ્વતંત્રતા પછીના ભારત પાસે પોતાના પ્રશ્નો ઉકેલવા તથા શાંત અને સરળ જીવન જીવવા માટેની કોઈ વૈકલ્પિક ફિલસૂફી કે દર્શન છે ખરા ? આવું કોઈ આગવું દર્શન હોઈ શકે ખરું ?

ચટ્ટોપાધ્યાય કહે છે તેમ આ દેશ લગભગ અઢી હજાર વર્ષથી વિચારતો રહ્યો છે. દેહ, આત્મા, પરમાત્મા, મોક્ષ, જન્મ-પુનર્જન્મ, કર્મ, સૃષ્ટિનું સર્જન તથા તેના નિયમો, સમાજ અને તેની વ્યવસ્થા તેમ જ પારસ્પારિકતા બાબતે આ દેશ સતત અવિરત, વિચારતો રહ્યો છે. નવી ટેક્‌નોલોજી, બદલાતી સમાજ વ્યવસ્થા, નવી વિસ્તરતી ચેતના, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વગેરે તમામ પાસાંઓને પેલી અઢી હજાર વર્ષ જૂની વ્યવસ્થાઓ સાથે સમાયોજીત કરી શકાય તેમ નથી. અહીં ખાસ પ્રકારના તર્કવિવેકની જરૂર છે.

આ સંદર્ભમાં ગાંધીવિચાર અને વિનોબાના શાસ્ત્ર સમન્વિત અધ્યયન તથા કાર્ય પ્રણાલીને વિવેકાનંદથી વૈશ્વિકીકરણના સંદર્ભમાં ગોઠવી જોવા જેવા છે.

**********

: લેખ – ૪ :

૧૯૩૦થી શરૂ થયેલી આત્યંતિકતા

વિવેકાનંદનું આધ્યાત્મિક પ્રદેશનું ગહન ખેડાણ છે આમ છતાં ક્યારેક તે સાવ વાસ્તવિક જગત સાથે જોડાઈને પણ વિચાર રજૂ કરે છે. વેદાંતી તત્ત્વજ્ઞાન(શંકરમત)માં તો બ્રહ્મ જ સત્ય છે અને બાકીનું તમામ માયા અથવા મિથ્યા અને આભાસી છે તેમ કહે છે આમ છતાં, ભારતના યુવાવર્ગની શારીરિક નબળાઈથી તે અતિ દુઃખી પણ છે તે કહે છે, ‘ગીતાનો અભ્યાસ (કરવા) કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો.’ (પૃ. ૧૨)

પરંતુ તે સમયના સુધારાવાદી પ્રવાહથી તે ખાસ ખુશ નથી. અલબત્ત, રાજા રામમોહન રાયના ઉપક્રમોના તે પ્રસંશક છે પરંતુ સ્ત્રીઓની સ્થિતિની સુધારણા બાબતે તે ભારે આક્રોશપૂર્વક બોલે છે.

‘જો તમારામાંથી કોઈ એમ કહેવાની હિંમત કરતું હોય કે, “આ સ્ત્રીનો કે બાળકનો ઉદ્ધાર હું કરીશ” તો એ જૂઠ્ઠો છે, હજાર વાર જૂઠ્ઠો છે. મને વારંવાર પૂછાય છે કે તમે વિધવાઓના પ્રશ્ન વિશે શું ધારો છો ? સ્ત્રીઓના પ્રશ્ન અંગે તમારો શો મત છે ? આનો હું હંમેશને માટે સ્પષ્ટ જવાબ આજે આપી દઉં છું – કે શું હું વિધવા છું તે તમે મને એવી બાબત પૂછી રહ્યા છો ? શું હું સ્ત્રી છું કે તમે મને એ પ્રશ્ન વારંવાર પૂછી રહ્યા છો ? સ્ત્રીઓના પ્રશ્નોનો ઉકેલ આણનારા તમે કોણ ? શું તમે સર્વશક્તિમાન ઈશ્વર છો કે દરેક દરેક વિધવા અને દરેક દરેક સ્ત્રી પર હકૂમત ચલાવો ? દૂર હટો ! સ્ત્રીઓ પોતે જ પોતાના પ્રશ્નો ઉકેલશે. અન્ય કોઈ માટે તમે જ કંઈ પણ કરવા શક્તિમાન છો એમ માનનારાઓ જુલમગારો ! ખસી જાઓ. ઈશ્વર સૌની સંભાળ લેશે. તમે સર્વજ્ઞ છો એવું માનનારા તમે કોણ છો ? અરે પાંખડીઓ! સુધારકોને હું બતાવી આપીશ કે તેઓમાંના કોઈ પણ કરતાં હું મોટો સુધારક છું. એ લોકો તો ઝીણા ઝીણા ટુકડાને સુધારવા માગે છો; હું તો જડમૂળથી સુધારો કરવા માંગું છું. અમે જુદાં પડીએ છીએ તે કાર્ય કરવાની રીતમાં. તેમની પદ્ધતિ વિનાશક, મારી છે રચનાત્મક, હું સુધારામાં માનતો નથી; વિકાસમાં માનું છું.’ (પૃ.૯૯)

‘તમે ઈશ્વરથી પર છો એવું માનવાની હિંમત કેવી રીતે કરી શકો છો ? તમે જાણતા નથી કે દરેક જીવનો આત્મા ઈશ્વર છે. પહેલાં તમે તમારાં પોતાનાં કર્મ સાંભળો; તમારા માથા પર કર્મોનો મોટો પોટલો બાંધેલો છે. તેનો નિકાલ કરો. તમારો દેશ ભલે તમને સિંહાસને બેસાડે, તમારો સમાજ ભલે તમને આસમાને ચડાવે અને બેવકૂફો ભલે તમારાં ગુણગાન ગાયા કરે; પરંતુ ઈશ્વર સૂતો નથી અને કર્મોનો બદલો મળ્યા વગર રહેવાનો જ નથી. ભલે પછી એ અહીં મળતો હોય કે પરલોકમાં.’ (પૃ. ૧૩૧)

સ્વામી વિવેકાનંદના આ ઉચ્ચારણો એક વેદાંતીના છે. વળી આ વિચારો તેમણે દૃઢતા તેમ જ, કંઈક અંશે આક્રમકતા સાથે કહ્યા છે. વેદાંત ધર્મમાં તે એટલા ચુસ્ત છે કે એક સરખા ગૂના માટે બ્રાહ્મણ અને આબ્રાહ્મણને એક સરખી સજા કરી ન શકાય તેમ પણ તે કહે છે. ‘હિંદુ જાતિ આદર્શ બ્રાહ્મણ અંગેની ઘોષણા તમે સાંભળી નથી ? એ આદર્શ બ્રાહ્મણ કાયદાની નીચે નથી, એને માટે કાયદો નથી એના ઉપર રાજાનો અધિકાર નથી, એના દેહને ઈજા કરી શકાતી નથી ! એ સંપૂર્ણ રીતે સાચું છે … જો બ્રાહ્મણ એટલે જેણે સ્વાર્થનો સંપૂર્ણ નાશ કર્યો છે તે હોય, જેનું જીવન અને કાર્ય, જ્ઞાન અને પ્રેમની શક્તિ મેળવવા અને પ્રચાર કરવા માટેનું હોય, જો આખો દેશ આવા બ્રાહ્મણોથી વસેલો હોય, આધ્યાત્મિક, શક્તિવાળા નીતિમાન સજ્જન નરનારીઓથી વસેલો હોય, તો એવો દેશ બધા કાયદાની બહાર અને કાયદાથી પર હોય એમ ધારવું એ શું વિચિત્ર છે ? એવા રાષ્ટ્ર પર રાજ ચલાવવા કઈ પોલિસ કે કયા લશ્કરની જરૂર હોય ? એવી પ્રજાને માથે રાજ ચલાવનાર કોઈ જોઈએ જ શા માટે ? (પૃ. ૮૫)

વિવેકાનંદના આ વિચારો માર્ક્સના સામ્યવાદની પૂર્ણ અવસ્થાના – રાજ્ય ખરી પડશે – સાથે અને ગાંધી-વિનોબાના રામરાજ્ય તથા સર્વોદયી વિચાર સાથે ઠીક ઠીક નજદીકી નાતો દર્શાવે છે. ’ આમ પશ્ચિમમાં વિકસેલા માનવવાદ અને આધુનિકતા તેમ જ વૈજ્ઞાનિકતા સાથેનો સંપર્ક તે ગુમાવી દે છે. અન્ય ધર્મો તરફ તેમની સહિષ્ણુતા છે. પરંતુ વેદાંતી ધર્મમાં જ સમગ્ર જગતની આજ અને આવતીકાલ કે સનાતન ઉકેલ છે એમ તે માને છે. દેખીતું છે કે જગતના બનાવો વેદાંત માટે થંભી શકે તેમ હોતું નથી.

આમ છતાં તે પૂરતા માનવતાવાદી પણ છે. તેમના વિચારો, આજની અનામત પ્રથાના સંદર્ભમાં પણ ખરાં ઊતરે તેવાં છે. તે લખે છે, ‘ઓ બ્રાહ્મણો ! જો વંશપરંપરાની દલીલવાળી ભૂમિકા ઉપરથી તમે કહેવા માગતા હો કે બ્રાહ્મણમાં વિદ્યા માટેનું વલણ ભંગી કરતાં વધુ પ્રમાણમાં છે, તો પછી બ્રાહ્મણ શિક્ષણ માટે વધુ પૈસા ખરચવાનું બંધ કરી દઈ બધો પૈસો ભંગીઓના શિક્ષણ સારું ખર્ચો. નબળાને સહાય આપો, કારણ કે ત્યાં ખરી મદદની જરૂર છે, બ્રાહ્મણ જો જન્મથી જ હોંશિયાર હોય તો તે મદદ વિના અભ્યાસ કરી શકશે; બીજા જો જન્મથી જ હોંશિયાર ન હોય તો તેમને શિક્ષક કે શિક્ષકો જે કોઈ જોઈએ તે બધું આપો. મારી સમજ પ્રમાણે તો ન્યાય અને તર્કશીલતા આ કહેવાય.’ (પૃ. ૮૧)

વિવેકાનંદના દેહત્યાગ પછીના સમગ્ર જગતમાં ધર્મ અને જાતિના નામે ભયાનકતાઓ પ્રસરી અને જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. હિટલરનો નાઝીવાદ ‘આર્યો’ની મહાનતાની ભ્રમણામાંથી વ્યવસ્થા ઊભી કરવામાં લાગી ગયો. સોવિયત સંઘ અને સામ્યવાદી ચીનમાં પણ કાળજું કંપાવી દે તેવા શેતાની ચક્રો ચલાવાયા. આનાથી ભારત અછૂતું ન રહ્યું. ભારતમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સમાંતરે પનપ્યા.

આ બંનેમાં ‘ઓળખ’નો મુદ્દો કેન્દ્રસ્થાન હતો. તેમાં રાષ્ટ્ર અને ધર્મના મુખ્ય આધારો અને સાંસ્કૃિતક ઓળખ અને ક્યારેક ભાષાના ઘટકોએ બે પ્રજા વચ્ચે માત્ર વિભાજન જ ન કર્યું. એ બે વચ્ચે ભયાનક વૈમનસ્ય અને ન પૂરાય તેવી – પૂરવા ન દેવાય તેવી ખાઈ ઈરાદાપૂર્વક ઊભી કરાઈ. વળી એકવાર નોંધીએ કે આ બહુમતિ હિંદુઓનું સમર્થન મેળવવા મથનારા વર્ગને માનવતા, સમતાલક્ષીતા અને બિનસાંપ્રદાયકતાના આધુનિક ગુણો આત્મસાત કરીને ચાલતી અને ગાંધીજીના નેતૃત્વવાળી આઝાદીની લડત સાથે ખાસ નિસબત ન હતી. આ સમય દરમિયાન ‘વેદાંતી’ અને ‘હિંદુ’ શબ્દોના સ્થાને ‘હિંદુત્વ’ શબ્દ, સાવરકરે પ્રચલિત કર્યો અને તેને જાતિ, પ્રદેશ, સંસ્કૃિત અને ધર્મના આધારે વ્યાખ્યાયિત કર્યો. દેખીતું છે કે આ યાદીમાં તર્કવિવેક, માનવલક્ષીતા, સમાજ પરકતા, શાંતિ, અહિંસા, સત્ય વગેરે જેવા આધુનિક અને ગાંધી પ્રબોધિત આધારોનો છેદ ઉડાડી મૂકવામાં આવ્યો હતો.

બીજી તરફ, ૧૯૧૪માં યુરોપમાં ભયાનક દવ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તે સાથે જગતની વૈજ્ઞાનિકતા. તર્કવિવેક અને શાંતિ તથા માનવીય મૂલ્યોના બોધના આધારો ખતમ થવા માંડ્યા. બર્ટ્રાન્ડ રસેલ ખેદ સાથે નોંધે છે તેમ, ન્યૂટન, વૈજ્ઞાનિકતાના વિચારોના આધારે થયેલી માંડણી ઉપર એક આખા જગતની ઈમારત રચાઈ ચૂકી હતી. માત્ર કળશ જ ચઢાવવાનો બાકી હતો. અને ડેવિડ હ્યુમના (૧૭૧૧-૧૭૭૬) વિચારોએ તેમાં પલિતો ચાંપ્યો. ડેવિડ હ્યુમનું એક પુસ્તક ૧૭૩૯માં પ્રકાશિત થયું, તેનું મથાળું હતું, ‘Treatise of Human Nature’ તેનું પેટા મથાળું હતું, ‘An Attempt to Introduce the Experimental Method of Reasoning into Moral Subjects.’ આ પુસ્તકને કારણે દુન્વયી નિરીક્ષણનો અને તર્ક આધારિત જ્ઞાનના સ્થાને વિકલ્પો ઊભા થયા. રસેલ લખે છે, ‘Among all the succerrors of David Hume, sanity was meant superficiality and, profoundity has meant some degree of madness.’ ( Essays in Praise of Idleness, pg. 55.)’

ફાંસીવાદી વિચારોનું મૂળ શોધવામાં બીજો પડાવ ફિશ્તે[Fichte(૧૭૬૨-૧૮૧૪)]નો આવે છે. ૧૮૦૭માં તેણે કરેલા ઉદ્‌બોધન Address to the German Nationમાં રાષ્ટ્રવાદના મૂળ નંખાયા. આ સંબોધનમાં તેણે રાષ્ટ્રવાદની સાથોસાથ ભાષાના અભિમાનનો મુદ્દો પણ સાંકળ્યો. તેણે લખ્યું, ‘German is superior to all other languages .… to have character is to be German.’ (રસેલ, pg. 60)

આ વિચાર આગળ ચાલતા વધુ ને વધુ ઘાતક બન્યો. તેના મતાનુસાર સંસારમાં ‘નોબલ’ માણસો એ છે કે જે રાષ્ટ્ર માટે, પ્રાણ પણ ત્યાગે. આવા નોબલ માણસોની સામે ‘ઇગ્નોબલ’ માણસો પણ હોય છે. પરંતુ જે ઇગ્નોબલ હોય તેમના કોઈ અધિકાર હોઈ જ ન શકે. મતલબ કે સમાજમાં સૌ કોઈ સમાન છે તે ખ્યાલ ખોટો છે આવા લખાણોની બે પ્રકારે અસર પડી.

એક : સમાજમાં ‘આર્ય’ જાતિના સૌ કોઈને મનોમન ખાતરી થઈ ગઈ કે પોતે અને માત્ર પોતે જ નોબલ છે.

બીજું, જે નોબલ ન હોય તેમને મારી નાંખવા, રીબાવવા કે પછાત રાખવામાં વ્યાજબીપણું છે.

આના પરિણામે હિટલર દ્વારા નાઝીવાદી અપકૃત્યો અને જઘન્ય એવા માનવતા વિરુદ્ધના અપરાધો થયા. અહીં એક સમાંતરે ચાલતાં વિચાર તરફ પણ સાવધ બનવું રહ્યું. આજના ભારતમાં ગોમાંસ ખાધું હોવાના આક્ષેપસર કોઈકને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને મારી નાંખવાનો વિચાર કંઈક અંશે આ ‘નોબલ’ના ખ્યાલનો પડઘો પાડે છે. સાથો સાથ જર્મન ભાષાની જેમ સંસ્કૃત ભાષાની મહાનતા અને રાષ્ટ્રવાદના વિચારોને પણ ફિશ્તેના આ વિચારોની લગોલગ મૂકીને સમજવા જેવા છે,

ફાસીવાદી વિચારોનો ત્રીજો પડાવ કાર્લાઇલની (૧૭૯૫-૮૯૧) ભૂમિકા ઉપર છે. કાર્લાઈલ કહે છે, આપણે હીરો-રાજાઓને ચૂંટવા જોઈએ. લોકશાહીનું કામ પોતાના હીરોને શોધવાનું છે. આ હીરો જગતનું કલ્યાણ કરશે. આમ Power in the name of salvationનો ખ્યાલ ઉભરી આવે છે. તમે અમને સત્તા આપો અને અમે તમને મુક્તિ આપીશું. એવા વિધાનોનું વજૂદ આવા વિચારોમાંથી ઊભું થાય છે.

ફિશ્તે અને કાર્લાઇલને એકઠાં કરીએ તો અતાર્કિકતા, અવૈજ્ઞાનિકતા, સંકુચિત રાષ્ટ્રવાદ, મતાગ્રહી ઝનૂન અને જાતિવાદનું એક ભયાનક મિશ્રણ સર્જાય છે. ફિશ્તેમાં તો રાષ્ટ્રવાદ ઉપરાંત પોતાના આગવા સંસ્કારનો અનુબોધ અને આત્મનિષ્ઠા પણ જોડાયેલા હતા. કાર્લાઈલે તો લોકશાહીને જ ટૂંપો દીધો અને લોકોનું કામ માત્ર હિરો-કિંગને ચૂંટવા જેટલું જ છે તેમ કહ્યું.

માનવ જીવનના શાંતિ અને સૌહાદર્યપૂર્ણ જીવનની ઝંખના એળે ગઈ કારણ કે તર્કવિવેક અને વૈજ્ઞાનિકતા તથા માનવીય મૂલ્યોના સ્થાને આત્મબોધ, નોબલ-ઇગ્નોબીલ, શુદ્ધ ભાષા, રાષ્ટ્રવાદ વગેરે જેવા અનેક સંકુચિત અને આક્રામક વિચારોનો પ્રવેશ થયો. ડૉ. મુન્જે દ્વારા ડૉ. હેડગેવારને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સ્થાપવા માટે માર્ગદર્શન આપવામાં આવા વિચારોનો ખાસ સધિયરો સાંપડ્યો હતો.

આ વિદેશી વિચારો અને ગાંધી વિચારનો મેળ બેસે તેમ ન હતો. અલબત્ત, ગાંધીજીના તમામ વિચારો માત્ર ભારતીય પરંપરાના જ ન હતા. તોલ્સ્તૉય, થૉરો અને રસ્કિનને ‘ધ અધર વેસ્ટ’ કહેવામાં આવે છે. આ પશ્ચિમના હોવા છતાં આપણે ત્યાં પ્રવર્તતી પશ્ચિમ માટેની વ્યાપક છાપ અનુસાર ‘ભોગવાદી’ ન હતા. તે વ્યક્તિને બદલે સમાજપરક વધુ હતા; જે વિચાર ગીતાના ‘અનાસક્ત યોગ’ તથા ‘ઈશાવાસ્યમ-ઉપનિષદ’ અને અગિયાર મહાવ્રતોમાં સંકળાઈને બહાર આવે છે.

અઢારમી સદીમાં યુરોપમાં શરૂ થયેલા વિચારોને ભારતની એકવીસમી સદીની સ્થિતિ સાથે ગોઠવી જોવા જેવા છે.

એ લોકો આર્ય – આપણે પણ આર્ય. એમની ભાષા (જર્મન) શુદ્ધ તેમ આપણી પણ (સંસ્કૃત) શુદ્ધ. એ રાષ્ટ્રવાદી આપણે પણ રાષ્ટ્રવાદી, એ ‘નોબલ’ આપણે પણ (ઉચ્ચ વર્ણ) નોબલ એમણે હિરો-કિંગ દ્વારા ઉદ્ધારની વાત કરી, આપણે પણ તેમ જ કરીએ; એમનામાં યહૂદીઓ સામેનો જાતિ દ્વેષ – આપણામાં પણ મુસલમાનો-ખ્રિસ્તીઓ સામે ધર્મ આધારિત વિરોધ !!

આ વૈચારિક ગોઠવણોમાં જાતિ, વંશ અને પ્રદેશ(રાષ્ટ્ર)ની મહાનતાની ભ્રમણા સતત જળવાઈ રહે તે જરૂરી હતું. આથી જર્મનીના વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓ તે એક ઉત્તમ જાતિના હોવાના કારણે છે એવો પણ પ્રચાર ચાલ્યો. આ વાતના બે ફણગાંને લક્ષમા લેવા જેવા છે :

એક : આઈન્સ્ટાઈન આર્ય ન હતા પણ યહૂદી હતા. તેથી તેમનો સાપેક્ષવાદનો સિદ્ધાંત કોઈ મોટી શોધ ન હતી એમ કહેવાયું.

બે : છેક ૧૯૫૬માં રશિયા અને અમેરિકા બંનેએ ઉપગ્રહો ચડાવ્યા ત્યારે એવું કહેવાયું કે રશિયાની સફળતાની પાછળ મૂળ જર્મન વિજ્ઞાનીઓ હતા અને અમેરિકાની સિદ્ધિ પાછળ પણ મૂળ જર્મન વિજ્ઞાનીઓ જ હતા. આવી મહાનતા માત્ર જર્મનોને જ વરેલી હોય છે તેવું મિથ્યાભિમાન વર્ષો સુધી ચાલ્યુંં. આ પ્રકારના વિચારો આપણે ત્યાં પણ – આપણે જગદ્‌ગુરુ છીએ – તેવા બેનર હેઠળની વિસ્તર્યા છે.

સાવરકર (૧૮૮૩-૧૯૬૬) હેડગેવાર (૧૮૮૯-૧૯૪૦) ગોલવલકર (૧૯૦૬-૧૯૭૩) એમ ત્રણેએ પેલા ફાસીવિચાર અને પ્રયોગનું એક આકર્ષણ અનુભવ્યું. તેમનામાંના એક, બાલકૃષ્ણ શિવરામ મુન્જે તો હેડગેવારના ‘મેન્ટર’ કહેવાતા અને આર.એસ.એસ.ની રચનામાં તેમણે હેડગેવારને માર્ગદર્શન પૂરું પાડેલું. આ મુન્જે પોતે મુસોલિનીને ઈટાલીમાં રૂબરૂમાં મળેલા અને તેમણે ફાસીવાદી યુવકોની સેનાનું પ્રશિક્ષણ પણ નિહાળેલું. ફાસીવાદી પદ્ધતિનો હિંદુ રાષ્ટ્રવાદ સાથે તાલમેલ બેસાડવાનું કાર્ય મુન્જીએ હેડગેવારની સાથે રહીને કર્યું હોય તે સંભવ છે.

સામે પક્ષે મુસ્લિમ લીગ પણ આવા જ માર્ગે ચઢી ગઈ હતી. સર સૈયદ અહમદ ખાન દ્વારા સ્થપાયેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી શરૂઆતમાં તો મુસ્લિમોમાં આધુનિક શિક્ષણ અને વિચારો પ્રસરાવવા માટેનો ઉદ્દેશ ધરાવતી હતી. મુસલમાનોને અંગ્રેજી અને પશ્ચિમી વિજ્ઞાન ભણાવવાનો તેનો ઉદ્દેશ હતો. સર સૈયદ અહમદ પોતે ઇંગ્લૅન્ડની ઓસ્ફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓની મુલાકાતે ગયા હતા અને આ દેશ આટલો ટચૂકડો હોવા છતાં, આટલાં વર્ષોથી આપણને ગુલામ શી રીતે રાખી શક્યો તે શોધવાનો અને પછી મુસ્લિમોને સુધારવાનો તેમનો પ્રયાસ હતો. સંસ્થા શરૂ કરવા વાસ્તે જરૂરી એવી રૂ. દસ લાખની રકમ કોઈની પણ પાસે હતી નહીં. આથી સૈયદ અહમદખાન શરૂશરૂમાં તો ગલીએ ગલીએ ફરીને એક એક આનાની મદદ માગતા. આ કોશિશમાં તેમણે ઘણા ‘ચુસ્ત’ મુસલમાનોનો વિરોધ પણ વહોરેલો. અહીં એ પણ નોંધવું જોઈએ કે શિક્ષણ દ્વારા આધુનિકતા તરફ જવાના સૈયદ અહમદખાનના પ્રયાસોની સામે સાવરકર યા હેડગેવાર, ગોલવલકર કે મુન્જીએ કોઈ શૈક્ષણિક સંસ્થા સ્થાપી હિંદુઓમાં આધુનિકતા ફેલાવવાનો પ્રયાસ ન કર્યો. બનારસ હિંદુ યુનિવર્સિટી તો પંડિત મદન મોહન માલવીયાની દેન છે તે લક્ષમાં રાખીએ.

૧૯૩૦ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી રાજકારણથી બહાર હતી પરંતુ ૧૯૩૦માં ઢાકા ખાતે યોજાયેલી પરિષદમાં તેને મુસ્લિમ ઓળખ માટેની સંસ્થા બનાવવાનો સઘન પ્રયાસ હાથ ધરાયો.

બીજી તરફ હિંદુત્વ અને રાષ્ટ્રવાદને એકઠા કરીને ચલાવાયેલી મુહિમના અંકોડાને પણ ટૂંકમાં અને સંદર્ભ પૂરતા ગોઠવવા જેવા છે.

સાવરકર એક ચિતપાવન બ્રાહ્મણ હતા. પણ તે ઈશ્વર કે ઇષ્ટદેવ અને મૂર્તિપૂજામાં ખાસ શ્રદ્ધા ધરાવતા હોય તેવું જણાતું નથી. તેમના જીવનની નિર્ણાયક ઘડી ચાપેકર બંધુઓને થયેલી ફાસીની છે. એક તો પરદેશી શાસન, તેમાં ય પ્લેગ જેવી મહામારી વખતે નઘરોળ વલણ અને તેની સામે ચાપેકર બંધુઓ અંગ્રેજ અફસર રૅન્ડ અને તેના મદદનીશની હત્યા કરે ત્યારે ફાસી થાય ત્યારે આ સમગ્ર સિલસિલા સામે એક યુવાન લોહી ઉકળી ઊઠે તે કોઈકને સ્વાભાવિક પણ લાગે. આ માર્ગથી શરૂ થયેલી સાવરકરની સફર ઇગ્લૅંન્ડમાં આગળ અભ્યાસ માટે દોરી જાય છે. ૧૯૦૬માં તેમની અને ગાંધીજી વચ્ચે મુલાકાત પણ થાય છે. પરંતુ સાવરકર વિદ્રોહી માનસિકતાના માર્ગે આગળ વધતા જ ગયા. હેડગેવાર પોતે તો ડૉક્ટર હતા. પરંતુ તે સમયની ગુલામી સામે તે વિદ્રોહી મિજાજ ધરાવતા હતા. તેમા બી.એસ. મુન્જે મળ્યા. જે મુસોલિની પાસેથી ફાસીવાદના પ્રત્યક્ષ પાઠ ભણી આવ્યા હતા. તેમણે હેડગેવારને આર.એસ.એસ.ની રચના કરવામાં માર્ગદર્શન આપ્યું. ૧૯૨૦ના કૉંગ્રેસ અધિવેશનમાં હેડગેવાર ઉપસ્થિત હતા અને તેમને સભા અંગેની કામગીરીઓ માટે જરૂરી સ્વયંસેવકોની જવાબદારી સોંપાઈ હતી. તેમણે અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો. હૅડગેવાર ઉપર વિવેકાનંદ અને અરવિંદ ઉપરાંત સાવરકરનો પણ પ્રભાવ હતો.

તેમણે આર.એસ.એસ.ની રચના કર્યા પછી ૧૯૩૪માં ગાંધીજી સાથે મળવાનું બન્યું હતું તે વેળાએ ગાંધીજીએ આવી અલગ રચના કરવા માટેનું કારણ પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું – મારે માત્ર ખુરશીઓ ગોઠવનાર કે સરભરા કરનારા જ નથી જોઈતા, દેશ માટે બધું જ ત્યાગી શકે તેવા યુવાનો જોઈએ છે.

તેમના પછીના નેતા માધવ સદાશિવ ગોલવલકર – ‘ગુરુજી’ તરીકે ઓળખાતા; કારણ કે જે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તે ભણાવતા હતા, ત્યાંના વિદ્યાર્થીઓએ તેમને આ નામ આપ્યું હતું. ગોલવલકર, રામકૃષ્ણ મિશનના સંપર્કમાં આવ્યા અને તેના સંન્યાસી પણ બન્યા. તેમના એક પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ ‘જ્યોતિપુંજ’ એવો ભાવ વ્યક્ત કર્યો છે.

વીસમી સદીના આ પ્રારંભકાળમાં બનારસ હિંદુ યુનિવર્સિટીનો પણ જન્મ થયો. પં. મદન મોહન માલવિયા એક વકીલ હતા પરંતુ દેશની નિરક્ષરતા, ગરીબી અને વિજ્ઞાનના અભાવથી ચિંતિત હતા. બી.એચ.યુ. ૧૯૧૬માં લોકપ્રયાસથી શરૂ થઈ. તેનો મુદ્રાલેખ ‘જ્ઞાન દ્વારા અમરત્વ’નો છે. ૧૯૦૫ના કૉંગ્રેસના અધિવેશન વેળાએ જ માલવિયાએ આવી યુનિવર્સિટી સ્થાપવાનો સંકલ્પ કરી લીધેલો. ૧૯૧૪માં યુનિવર્સિટીનો શીલાન્યાસ બાબા અત્તાર સિંઘ મસ્તાનાએ કર્યો. માલવિયા ભારતની ગરીબી સામે વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીનું શિક્ષણ પ્રયોજવા માગતા હતા. તેમણે કહેલું, ‘The millions mired in poverty can only get rid (of it) when science is used in their interest. Maximum application of science is only possible when scientific knowledge is made availabale to Indians in their own country.’

અલીગઢ અને બનારસ, મુસલમાન અને હિંદુ બંનેના આવા સંનિષ્ઠ સમાજસેવકોના મનમાં ગરીબી કે પછાતપણાનો ઉકેલ અંગ્રેજી, વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીમાં જણાયો છે. ૧૯૧૭માં રશિયન ક્રાંતિ થઈ ચૂકી હતી; અને ગરીબી શોષણનું પરિણામ છે એમ માર્ક્સનો મત પ્રચલિત પણ હતો. પરંતુ, ભારતમાં ધર્મના આધારે સ્થપાયેલી યુનિવર્સિટીઓને પશ્ચિમના વિજ્ઞાનનો વિશેષ ખપ છે તેવો વ્યાપક મત હતો, તે નોંધવું રહ્યું. બીજો નોંધપાત્ર મુદ્દો એ છે કે ૧૮૫૭માં એક તરફ બોમ્બે, મદ્રાસ અને કલકત્તાની યુનિવર્સિટીઓ બની. આ યુનિવર્સિટીઓ ‘મેકોલે’ પદ્ધતિની હતી. અલીગઢ અને બનારસની યુનિવર્સિટીઓએ પણ આ જ ઢબ સ્વીકારી. આની સામે ૧૯૨૦માં ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી જે પૂર્ણતયા ભારતભૂમિની હતી. તે દૃષ્ટિએ આ ‘ઋષિકાર્ય’નું તત્ત્વ સમજવું જોઈએ.

ઓગણીસમી સદીના અંતભાગે, શિકાગોની ધર્મ સંસદમાં એક યુવાન સાધુ – સ્વામી વિવેકાનંદે કરેલા ઉદ્‌બોધનથી પશ્ચિમી જગતમાં ભારત વિશે નવેસરથી વિચારવાની શરૂઆત થઈ પણ તે ખાસ લાંબા ગાળાની કે બહુ ક્રાંતિકારી બાબત ન હતી. પરંતુ તેની મોટી અસર ભારતની પોતાની -આંતરિક જાગૃતિ ઉપર પડી. સનાતન અને વેદાંતી ધર્મનો પ્રચાર અને સામાજિક સુધારાની બાબતે નિર્લેપતાનો ભાવ હોવાથી વિવેકાનંદ કોઈ સમાજ પરિવર્તક વિચારો આપી શક્યા નહીં. તેવી જ રીતે બ્રાહ્મો સમાજની ગતિવિધિઓ પણ આગળ ચાલી શકી નહીં.

પરંતુ વિવેકાનંદને સાવરકર, હેડગેવાર, ગોલવલકર વગેરેએ આદર્શરૂપે માન્યા અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. આ ત્રણેના વિચારો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ (સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ) પ્રેરિત રહ્યા. માનવતાવાદ, સામાજિક ન્યાય કે બિનસાંપ્રદાયિકતા જેવા આધુનિક મૂલ્યો પ્રતિ તેમને કોઈ ખાસ નિસ્બત હોય તેમ જણાતું નથી. વિવેકાનંદ પોતે દરિદ્રનારાયણ, સેવા, ત્યાગ વગેરેની વ્યાપક ભૂમિકામાં પ્રવૃત્ત રહેવાનો ઉપદેશ આપે જ છે. પરંતુ તેમને પ્રેરણાસ્થાને સ્થાપનારા પાસેથી આવું કશું સાંપડતું નથી. દા.ત. વિવેકાનંદ કહે છે, ‘I believe in God and I believe in man; I believe in helping the miserable. I believe in going even to Hell to save others .… I do not believe in a God or religion which cannot wipe the widow’s tears or bring a piece of bread to the orphan’s mouth. I have nothing whatever to do with ritual or dogma; my mission is to show that religion is everything and in everything.’ માનવમાત્રની સેવાનો આદર્શ વિવેકાનંદે રજૂ કર્યો છે. તેમાં હિંદુત્વ અને સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની ભાવના ક્યાં ય નથી. ખરેખર તો વિવેકાનંદે એક ફકીરની ચલમ પીધેલી અને એક મુસલમાનના ઘરનું પાણી પણ પીધેલું. વેદાંત (શંકરમત) સાથે આ વર્તણૂક સુસંગત પણ છે.

આમ છતાં, પેલા હિંદુત્વ અને રાષ્ટ્રવાદે આખરે ગાંધીજીનો ભોગ લીધો જ. જો વિવેકાનંદે ગાંધીજીને મારી નંખાયા તે ક્ષણે જીવતા હોત તો તેમના ખૂનના કારસા ઘડનારા સૌને બિરદાવ્યા હોત ?!! આ દેશમાં કોઈક એવા પણ લોકો વસે છે કે જે ગાંધીના ‘વધ’ માટે ગોડસેને હીરો જેવા ગણીને તેનું ‘સ્મારક’ રચવા વિચારે છે !

આ દેશમાં ધર્મની શ્રદ્ધાનો જ માત્ર મુદ્દો નથી. આગળ વધતા ધર્મમાંથી ધાર્મિકતા, ધાર્મિક કટ્ટરતા અને સહિષ્ણુતા વકરે છે. ગાંધીજી પણ ધાર્મિક હતા પણ તેમણે અને વિનોબાએ તેને આધુનિકતામાં વાળીને સમાજોપયોગી અર્થઘટનો કરી આપ્યા. આ વ્યવહારો સાથે સંકળાયેલી પરંપરાઓને પણ આક્રમક થયા વગર, નિતાંત અહિંસક માર્ગે સન્માની. ભીખુ પારેખ કહે છે તેમ, ‘Gandhi valued tradition, but he was not a traditionalist’. વિવેકાનંદ માટે પણ ધર્મ સહિષ્ણુતા અને સમાવેશીતાથી ભર્યો ભર્યો હતો.

છતાં ગાંધીની હત્યા થઈ જ અને તે પણ ‘ધર્મ’ના ઓઠા હેઠળ.

આ માત્ર ગાંધીજીના જીવનનું કે ભારતનું જ એક કાળું પ્રકરણ બની નથી રહેતું, ફાસિસ્ટ મનોવૃત્તિની રૂગ્ણતાનો આ એક મોટો પડકાર છે. વૈજ્ઞાનિક વિચારણા, તર્કવિવેક, માનવતાનાં મૂલ્યો, આધુનિકતાના માનવતાને પોષક આયામો – આ બધાની સામે પરંપરાવાદ, ધાર્મિક અસહિષ્ણુતા અને હિંસક આક્રમકતાના બનાવો આ દેશમાં બનતા જ રહે છે. સમાજને છિન્નભિન્ન થતો રોકવા અને એક સૂત્રે પરોવીને, કપોળ-કલ્પિત નહીં તેવા સાચા વિકાસ તરફ લઈ જવાના મંથનમાં વિચારયાત્રાઓ ચાલતી રહે તે જરૂરી ગણાય.

ગાંધીનું દર્શન શાંતિમય અને કલેશવિહીન ભાવિ સમાજરચવાની દિશાએ સર્વગ્રાહી અને સર્વસમાવેશી, નકશો પૂરો પાડે છે. સમાજને નાત, જાત, પ્રદેશ કે ધર્મના નામના ચાપડા મારીને ફાસિસ્ટ પદ્ધતિમાં સંડોવી દેવો તે કોઈ વિકાસનો રસ્તો હોઈ ન શકે. ધાર્મિક અને સાંપ્રદાયિક નેતાઓ અને તેની વિભાજનકારી પ્રવૃત્તિ ભાવિ શાંતિમય સમાજના નિર્માણમાં ઉપયોગી થઈ ન શકે તે સ્પષ્ટ છે. તર્કવિવેક, માનવતાલક્ષીતા અને સત્ય, અહિંસા, સામાજિક ન્યાય વગેરે સાધનો વડે જ ભાવિ સમાજ રચી શકાય. અહિંસક પ્રતિરોધ જેવાં પગલાં આજે સમગ્ર દુનિયામાં અસરકારક અને સ્વીકાર્ય માર્ગ બની રહ્યાં છે.

આ સમયગાળાના વિચારો અને તેના પરિણામોમાંથી સાંપડતો બીજો બોધપાઠ ધાર્મિક કટ્ટરતાની સામે વૈચારિક સમાવેશિતાનો છે. ધાર્મિક કટ્ટરતાને લીધે દાદરી કાંડ જેવા બનાવો બને અને કટ્ટરવાદીઓ બેફામ અને નિર્લજ્જ બયાનો આપે તે નથી વિવેકાનંદ સાથે કે નથી ગાંધી સાથે સુસંગત ! આ પ્રકારની રાજનીતિ અને જાહેર ઉચ્ચારણો સમાજમાં અસ્વીકાર્ય છે અને તેનો વિરોધ શાંત, મક્કમ અને અહિંસક માર્ગે – કહોને ગાંધીના માર્ગે દેશના બુદ્ધિજીવીઓ તથા બૌદ્ધિકોએ શરૂ કર્યો છે. લગભગ ત્રણેક ડઝનથી વધુ સંખ્યાના સુપ્રતિષ્ઠિત લેખકોએ પોતપોતાના માન-અકરામ પાછા વાળ્યા છે. ગાંધી મૂલ્યો આ દેશના જહનમાં કેટલા ઊંડા ઉતર્યા છે તેની આ પતીજ બને છે.

આ દેશમાં ગરીબ અને વંચિતોના ભોગે અમુક મુઠ્ઠીભર દેશી-વિદેશીઓની આર્થિક સમૃદ્ધિ વધારે તેવી વૈશ્વિક આર્થિક નીતિઓનો સ્વીકાર થયો છે. આમ છતાં, અને પેલા મુઠ્ઠીભર લોકોની ગમે તેટલી ઝંખનાઓ છતાં, આ દેશમાં સમાજવાદી વિચારો અને રસમોનો સાવ વીંટો વાળી દઈ શકાતો નથી. જમીનો પડાવી લઈને ઉદ્યોગ ગૃહોને સોંપવાનો, જંગલો અને પાણી પણ ઉદ્યોગ તરફ વાળવાનો, ગામડાંઓને અને ખેતીને રોળીટોળી નાંખવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે નાગરિકી નિસ્બત સાથે સમાજ તેની સામે એક બુલંદ અવાજ ઊભો કરે જ છે. અલબત્ત, વહીવટી શિથિલતા અને દોંગાઈ દ્વારા ધર્મ, ધંધો અને રાજ્ય એકઠા મળીને નવી નવી તરકીબો ખોજતા રહે છે પણ આવા સમયે બંધારણ, ન્યાયાલયો અને નાગરિકી સમાજના વિરોધ પણ જાગે જ છે. ગાંધીચિંતન, ગાંધી માર્ગ અને ગાંધી કર્મ દ્વારા આવા કારનામા સામે દેશનો આત્મા જાગતો જ રહે છે. જે દેશને નિર્માલ્ય, ભોગ-લાલસા પ્રધાન અને કરોડરજ્જૂ વગરેના ગણવામાં આવ્યો હતો તે દેશમાં એક સમજદાર અને સંવેદનશીલ નાગરિક સમાજ નિર્માઈ ચૂક્યો છે કે જેનાં મૂલ્યો અને વિચારોમાં આ ગાંધી વિચારોના સંસ્કારો અલપઝલપ રીતે પણ ભળતાં રહે છે.

દેશની યુવા પેઢી અને શહેર-ગામડાંના બદલાતા માળખાં છતાં આ ગાંધીવિચારનું વજૂદ ખાસ ઘટ્યું નથી. અલબત્ત, યુવાઓએ ગાંધીજી વિશે ખાસ વાંચ્યું ન હોય તે બને. પરંતુ એક સંસ્કારરૂપે તે સૌમાં ઊતરી ગયું છે. આ સંસ્કારોમાંથી મૂલ્યો બન્યાં છે; આ મૂલ્યો વ્યક્તિઓના ભાવ-પ્રતિભાવની સીમાઓ બાંધી આપે છે. વ્યક્તિ કે નાગરિકી નિસ્બત કદાચ પ્રગટ ભાવે – ‘ગાંધીનું શું અને બહારનું શું – એમ નક્કી ન પણ કરી શકે. ગાંધી વિચારને આર્ટિક્યુલેટ કર્યા વગર પણ તેનું આચરણ થાય તે શક્ય છે. વળી આ સંસ્કાર હંમેશાં આચરણમાં રૂપાંતર ન પણ પામે; પરંતુ સારાખોટાનો ભેદ કરવાની શક્તિ તો તે જરૂર આપે છે.

આમ ગાંધીને ગોળીએ દેવાયા છતાં તે એક મૂલ્ય પદ્ધતિ બનીને જીવંત છે.

બીજી બાજુ, હિટલર અને મુસોલિનીના વિચારો કે તે પ્રકારનાં નાનાંમોટાં કાર્યો સામે માત્ર પ્રદેશ કે દેશ જ નહીં; સમગ્ર વિશ્વમાંથી વિરોધ ઊભો થાય છે. ભારતની ધાર્મિક અસહિષ્ણુતાનો પડઘો છેક અમેરિકાના વિદેશ વિભાગના તાજેતરના અભ્યાસોમાં પડે છે.

ગાંધી પૂર્વેનું અને ગાંધી પછીનું વિશ્વ-સાવ નોખું વિશ્વ છે. આવાનારા સમયની દુનિયા વત્તાઓછા પ્રમાણમાં, વધુ કે ઓછા વેગથી, અફળાતી-કુટાતી પણ આ માર્ગે  આગળ વધતી રહેશે, અલબત્ત, ટેક્‌નોલૉજી, જીવન ધોરણ, અપાર જનસંખ્યા વગેરેને કારણે તેની ગતિ સ્થિર રહેવાની નથી.

પણ સામે પક્ષે, કટ્ટરવાદ, ઝનૂન, નાઝીવાદ અને ફાસીવાદના દિવસો આવે તો પણ તે લાંબાગાળે સફળ થઈ શકે તેમ નથી. આથી જ, સાચી પસંદગીની નિર્ણાયક ઘડી આવી પહોંચી છે. હિંસા, વિનાશ અને ઊંડા દ્વેષ કે કટુતાને સ્થાને ન્યાય, પ્રેમ અને અહિંસાનો એક મજબૂત અને સાર્થક વિકલ્પ જગતને ગાંધીજી દ્વારા સાંપડ્યો છે.

અત્યારના સમયે સ્વામી વિવેકાનંદના શબ્દો કદાચ મંદ પડતા જણાય પણ તેનો રણકો સચ્ચાઈભર્યો છે. આ શબ્દો દ્વારા પણ એક સારા ભાવિની આશા જન્મે છે. સ્વામી વિવેકાનંદે ધર્મસંસદ સમક્ષના પોતાના તા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના ભાષણમાં કહ્યું હતુંઃ

‘Sectarianism, bigotry and its horrible descendent, fanaticism have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization and sent whole nations to despair. Had it not for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come and I fervently hope that the bell that tolled this morning in honour of this convention may be the death bell of all fanaticism, of all persecution with the sword or with the pen, and of all uncharitable feelings between persons mending their way to same goal.’

સ્વામી વિવેકાનંદ કે ગાંધીજીમાંથી કોઈએ પ્રવર્તમાન સમયના ધાર્મિક કટ્ટરતા, ધિક્કાર કે હિંસાખોરીને સ્વીકાર્યા જ નથી. આમ છતાં, આ દેશમાં આવા બનાવો બનતા જ રહે છે જે એક દુઃખદ બાબત છે.

કાળના લગભગ સવાસો-દોઢસો વર્ષના ફલક ઉપરના વૈચારિક વલયોને જો એક સાથે અને તેના પરિણામોના સંદર્ભમાં જોઈએ તો જે એકંદરતા ઊભી થાય છે તે ભારતની આજને પારખવામાં અને આવતીકાલની દિશા નક્કી કરવામાં ઉપયોગી છે.

આ કાળના પ્રારંભે, જોયું તેમ અંગ્રેજ વિચારકો ભારત વિશે જે હલકી ધારણાઓ ધરાવતા હતા તે આઝાદીની લડતના કારણે સમાપ્ત થઈ ગઈ. ગાંધીજીએ જે અહિંસા, સત્ય અને ન્યાયના આધારો વડે આ વિરાટ દેશની કચડાએલી લોકશક્તિને એકત્રિત કરી અને નવપલ્લવીત કરી તેનો જોટો જગતના ઇતિહાસમાં પણ જડવો મુશ્કેલ છે. જે ખુમારી, ગૌરવ અને આત્મસન્માન તેમણે આટલા વિશાળ દેશમાં માત્ર બત્રીસ જ વર્ષના ગાળામાં ઊભા કર્યા તેની કલ્પના પણ જે.એસ. મિલ કે કાર્લ માર્ક્સ કરી શકે તેમ ન હતા. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા અને ૧૯૪૭માં આઝાદી મળી. આમ આ માત્ર બત્રીસ જ વર્ષમાં આ દેશ સંપૂર્ણપણે બદલાઈ ગયો. સત્ય અહિંસા અને ન્યાયનાં તત્ત્વોનાં બીજ જરૂર વવાયાં અને ક્યાંક ક્યાંક અંકુરિત પણ થયાં. એક અમરવેલ વવાઈ ચૂકી છે અને તેને ઉખાડી નાંખવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

**********

: લેખ – ૫ :

વિવેકાનંદ, ગાંધી અને વર્તમાનની પ્રસ્તુતતા

જો શિકાગોમાં ધર્મ સંસદ ભરાઈ ન હોત, સ્વામી વિવેકાનંદ ત્યાં પહોંચી શક્યા ન હોત અને પહોંચ્યા પછી પણ પ્રવચન આપવાની તક ઊભી ન થઈ હોત તો તે સમયના પશ્ચિમી વિચારકો દ્વારા ભારતની નિંદા ચાલુ જ રહી હોત. વિવેકાનંદનાં શિકાગોનાં પ્રવચનો તથા પશ્ચિમના દેશોમાં પ્રવાસ-પ્રવચનોના કારણે તે જગતને એટલી ખબર પડી કે ભારત વિશેના તેમના ખ્યાલો દુરસ્તી માંગી લે છે. પણ સનાતન ધર્મની મહાનતા ઉદ્‌ગાન પછી, આવનારા જગત કે આજના જગત માટે તેમની પાસેથી ખાસ કશું પ્રાપ્ત થતું નથી. ભારતની ગરીબીથી તે દુઃખી થાય છે પરંતુ તેમાંથી તેમને ‘ત્યાગ અને સેવા’ એવા માત્ર બે કાર્મિક માર્ગો જ જડે છે.

વિવેકાનંદ ‘હિંદુ’ માટે કેટલીક આવશ્યક શરતોમાં માને છે, જે આ પ્રમાણે છે :

હિંદુ વેદને પ્રમાણ ગણે, ઈશ્વરમાં માને, ઈશ્વરે રચેલી સૃષ્ટિની ચક્રાત્મકતા સ્વીકારે, આત્માનું પૂર્ણત્વ, શુદ્ધત્વ અને અવિનાશીપણું સ્વીકારે તથા પુનર્જન્મમાં માને અને આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે તેમાં શ્રદ્ધા રાખે.

આની સામે સાવરકર સમાન પ્રદેશ, સમાન લોહી (જાતિ અને વારસો અથવા સંસ્કાર) ઉપર ભાર મૂકે છે. ભારતના બહુધા મુસલમાનો તથા ખ્રિસ્તીઓ, મૂળ હિંદુ લોહી ધરાવતા હોવાથી તેમની ‘ઘર વાપસી’ની ભૂમિકા પણ અહીંથી રચાય છે.

બીજી તરફ, એ જ સનાતન ધર્મની વ્યાપક વિભાવના ગાંધીજી માટે પણ સામાજિક-રાજકીય અને આર્થિક જગતની વૈકલ્પિક રચના માટેના આધારો પૂરા પાડે છે. ગાંધીજીના ‘અગિયાર મહાવ્રતો’, જે ‘નમ્રપણે દૃઢ આચરવા’ના છે તે સઘળામાં આ સનાતન ધર્મનો પ્રભાવ છે.

વિનોબાના વિચારોમાં તો આ સનાતન – શાશ્વત ધાર્મિક અને ભારતીય તત્ત્વોના સંપૂર્ણ અભ્યાસની સાથોસાથ ‘યજ્ઞ’, ‘કર્મ’, ‘તપ’, ‘ભક્તિ’ વગેરે જેવા વિચારોનો પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉપયોગી બને તેવો નૂતન અર્થઘટન સુસંગત બને છે; સાથે તેનો કાર્યલક્ષી વિનિયોગ થતો જણાય છે. વિનોબા ‘યજ્ઞ’નો અર્થ સમાજ માટેના કાર્ય કરવાં એવો કરવા ઉપરાંત તેમાં સ્વાર્થબુદ્ધિનો અભાવ અને ફરજ તથા નિષ્ઠા જેવા વ્યક્તિલક્ષી ગુણો પણ ઉમેરે છે. તેમના મતાનુસાર, દરેક વ્યક્તિ ઉપર તેના જન્મથી સમાજનું ઋણ ચઢેલું જ હોય છે. તે ઉતારવા વાસ્તે સમાજના હિતમાં નિષ્ઠાપૂર્વક કર્મ કરવું જોઈએ. આ ‘નિષ્ઠા’ માટે ગીતાના પાંચમા અધ્યાયના ‘કર્મ’ના ખ્યાલનો તે આધાર લે છે. કર્મ કરીને માત્ર તેના ફળનો ત્યાગ કરી દેવો તેવું નહીં. દા.ત. સારી રસોઈ બનાવીને કોઈને આપી દેવી કે ફેંકી દેવી તે કર્મફળનો ત્યાગ નથી. તેને સાત્ત્વિક માર્ગે વાળવા વાસ્તે અને સમાજનું ઋણ ફેડવા વાસ્તે, મહેનત કરીને પણ યોગ્ય વ્યક્તિને શોધીને તેને દાન કરી નિર્ભાર રહેવાનું સૂચન છે. કર્મ દ્વારા તમસમાંથી રજસ્‌ અને તેમાંથી સત્ત્વ ગુણમાં પહોંચી છેવટે સત્ત્વ ગુણ પણ ત્યાગ કરવો તેવો કીમિયો વિનોબા સૂચવે છે. સ્વામી આનંદે આ જ પરિપાટીમાં કરેલું વિધાન જાણીતું છે. ગૃહસ્થીઓ સંસારમાંથી લીધું હોય તેનાથી દસ ગણું અને સંન્યાસીએ હજાર ગણું પાછું વાળવું જોઈએ; ત્યારે જ હિસાબ બરાબર થાય.

ગાંધી-વિનોબા આ જ ઉપનિષદોના વિચારોના આધારે સામાજિક વ્યવહારલક્ષિતાના નૈતિક આદર્શોને સૂચવે છે. સવાલ એ છે કે આ સનાતન કે શાશ્વત ધર્મ ખરેખર નામ પ્રમાણે શાશ્વત છે ખરો ? કોઈ પણ ધર્મ કે સંપ્રદાય શાશ્વત હોય ખરા ? કૃષિ-પશુપાલન યુગના સત્યો સ્માર્ટ સિટી અને બુલેટ ટ્રેનના જમાના સાથે સુસંગત ખરા ? બુલેટ ટ્રેન કે ૧૬ કલાક સળંગ ઊડતા વિમાનમાં યોગાસનો કરવા કે નમાજ પઢવી તે કેટલું સુસંગત અને તર્કવિવેકયુક્ત ગણાય ?

આ શાશ્વતતાના ખ્યાલમાંથી ઉદ્‌ભવતો બીજો મુદ્દો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને નીતિમત્તાના પરંપરાગત ખ્યાલો સંબંધિત છે. વિવેકાનંદ શાસ્ત્ર વિધાન ટાંકે છે : ‘આહાર શુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ, સ્વત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃિત’ આમાંથી સ્ત્રીઓ (માસિક ધર્મનો સમય), દલિત વગેરે સાથેની છૂતાછૂતને બળ મળ્યું. દા.ત. આહારશુદ્ધિથી સત્ત્વગુણ વધે તેવા શાસ્ત્રસંમત વિચારના પરિણામે સ્ત્રીઓને મહિનાના ચાર દિવસ ‘ખૂણો પાળવાનો’ રિવાજ શરૂ થયો હશે. આજના સમયમાં, ક્યારેક પતિ કરતાં વધુ કમાતી, નોકરી કરતી સ્ત્રી માટે આ શક્ય છે ? વ્યક્તિ સ્વાતંત્ર્યમાં નારી સ્વતંત્ર્યને પણ સમાવતા પશ્ચિમ વિચારોને, તે પશ્ચિમી હોવા માત્રથી દૂર કરી શકાશે ?

સંઘીય સરકાર પરંપરાવાળા હિંદુત્વની સમર્થક રહેવા માગતી હોય તો એક બીજો મુદ્દો પણ વિચારવાનો થાય છે. આ સરકાર કોઈક સુગ્રથિત અને સુચિંતિત તત્ત્વવિચારના આધારે ચાલી શકે ખરી ? એક જમાનામાં ‘નહેરુનો સમાજવાદ’ કે રશિયન કે ચીની સામ્યવાદના ગુણઅવગુણની ચર્ચા કોઈક એક સૈદ્ધાંતિક વિમર્શમાં ચાલતી. તેવી ચર્ચાના આધારે પરસ્પર અસંગત વિચારો દૂર કરતા જઈ, સુસંગત વિચારોના આધારે નીતિઓ ઘડાતી તથા કાર્યોનો અગ્રતાક્રમ નક્કી થતો. આ મુજબ, દા.ત. લઘુ અને મોટા ઉદ્યોગોની પારસ્પરિકતા, કૃષિ અને ગ્રામવિકાસ માટે નાણાં ફાળવણી, લાંબા, મધ્યમ અને ટૂંકાગાળાનું આયોજન વગેરે વિષે તર્કસંગત વિચારણા થઈ શકતી. આ પ્રકારની આર્થિક રચના એક વધુ સ્વીકાર્ય એવી મૂડીવાદી રચના તથા સાર્થક લોકશાહીની ભૂમિકા પણ પૂરી પાડે છે તે સ્પષ્ટ છે. આઝાદી વખતે ટાંકણી પણ નહીં બનાવી શકનાર દેશમાં તેના ઘણાં સારાં પરિણામો આવ્યાં. તે સમયે બનેલા ભિલાઈ, રુરકલા અને દુર્ગાપુર જેવા લોખંડ અને પોલાદનાં કારખાનાં વડે માત્ર આર્થિક અને ઔદ્યોગિક ઉત્પાદનક્ષમતા દૃઢ બની તેટલું જ નથી. આ ત્રણ વિશાળ કારખાનાં જર્મની, ઇંગ્લૅન્ડ અને રશિયાની સહાયથી બનેલાં. ‘આધુનિક ભારતનાં મંદિરો’ સમા ભાખરા-નાંગલ, હીરાકુંડ, નાગાર્જૂન સાગર, વગેરે દ્વારા એક તરફ એક પછાત દેશ આર્થિક ક્ષેત્રે જબરદસ્ત છલાંગ લગાવી શક્યો તો બીજી તરફ વિદેશનીતિના કારણે બિનજોડાણવાદ અને શીતયુદ્ધમાં ભારત સન્માનભેર ટકી શક્યું. આ ત્રણે કારખાનાં અને ચારેક જળયોજનાઓ વિશે જરાક થંભીને વિચાર કરવાથી જણાશે કે શાશ્વત અને સનાતન ધર્મોની યોગની ક્રિયાઓ દ્વારા નહીં પણ પશ્ચિમી ગણાતા તર્કવિવેક અને વિજ્ઞાનવાદની એકંદર નિશ્રામાં રહીને આ દેશનો વિકાસ થઈ શક્યો છે. આ વધારો માત્ર જીડીપીના આંકડા દ્વારા માપી કે જાણી શકાય તેમ નથી. નીતિ આયોગ દ્વારા ટ્રાન્સ્ફોર્મિંગ ઇન્ડિયાનો ઉદ્દેશ રખાયો છે ત્યારે પૂછવું રહ્યું : અત્યાર સુધી ભારતનું ટ્રાન્સ્ફર્મેશન નથી થયું ? આયોજન પંચ રૂપાંતર સાધી ન શક્યું પણ હવે આ આયોગ દ્વારા તે થશે તેવી ધારણાઓ શંકાના દાયરાની બહાર જવા દઈ શકાય તેમ નથી.

દીનદયાળ ઉપાધ્યાય કે જેમને સંઘીય સંસ્થાઓ ભારે આદરપૂર્વક યાદ કરે છે તે પણ, કદાચ વિવેકાનંદની પરિપાટીમાં પશ્ચિમી વિચારો સામે વિરોધ ધરાવે છે. મૂડીવાદ, સમાજવાદ, લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય વગેરેને પશ્ચિમમાં જે રીતે જોવામાં અને લેવામાં કે માનવામાં આવે છે તે તેમને સ્વીકાર્ય નથી.

તો પછી હાલની ભાજપ સરકારના હાથમાં આ વારસામાંથી શું બચે છે ? જો આર.એસ.એસ. અને વિશ્વ હિંદુ પરિષદ જેવી ભગિની સંસ્થાઓના કાબૂમાં રહે તો ભાજપ જેવા એક રાજકીય પક્ષે સાવ જુદા જ તેવર દેખાડવાના થાય. ડાંગમાં ‘શબરી ધામ’નો વિચાર આ આધુનિક આર્થિક વ્યવસ્થા અને પુરાતન તથા પુરાણ વિચાર સાથે મેળ બેસાડવાના એક પ્રયાસનું ઉદાહરણ છે. ભગવાન રામ અહીં આવ્યા હતા અને શબરીને મળ્યા હતા તે પુરાતન વિચારની સાથે પર્યટન ઉદ્યોગના વિકાસનો આધુનિક તથા આર્થિક ખ્યાલ જોડવાનો ઉદ્યમ અહીં સાફ દેખાઈ આવે છે.

પણ સરકાર તો આવો પ્રયાસ કરે; લોકો તે માની લઈને ત્યાં યાત્રા કરવા દોડી શા માટે જાય ? કંઈક અંશે આ મુદ્દો અર્થશાસ્ત્રના પુરવઠો અને માંગના ખ્યાલ જેવો છે. સરકાર અને સંલગ્ન વ્યક્તિઓ કે સંસ્થાઓ ‘શબરી ધામ’ ઊભું કરે પણ યાત્રાળુઓ તેમાં આકર્ષાય શાને ? આ સમસ્યાને હલ કરવા કેટલાક ફિલ્મી કલાકારો તથા ધાર્મિક કથાકારોની વગ અને પ્રભાવનો વિનિયોગ કરાયો. આમ આધુનિક અર્થકારણ, જાહેરાત અને બજારની સમજ તથા પુરાતન કલ્પનોને એકઠા અને સમાયોજીત કરીને આ કાર્ય પૂરું થયું.

પણ આ રીતે વર્તમાન પરિસ્થિતિઓનો તકાજો સાચવીને વ્યાપક અને સતત, ઘણાં બધાં ક્ષેત્રોમાં વિસ્તરેલાં કામ કરી ન શકાય. પુરાતનવાદ અને ધાર્મિક મથકોની સાથે આધુનિકતા અને તર્કવિવેકનો મેળ બેસી શકે તેમ નથી. સ્માર્ટ સિટિઝ – મેધાવી નગરો, બુલેટ ટ્રેન – ભડાકે દોડતી છુકગાડી અને ડિજીટલ ઇન્ડિયા – વીજાણુ ભારત, મેક ઈન ઇન્ડિયા – વગેરેને પુરાતન અને આધ્યાત્મિક વારસા સાથે ગોઠવી શકાય તેમ નથી. ભારતનાં કારખાનાંનો માલ બનાવવો છે ખરો પણ વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીનાં શિક્ષણ અને સંશોધનના ખર્ચમાં બજેટ કાપવું છે; આનો મેળ કેમ બેસશે ? શિક્ષણ, સ્વાસ્થ્ય, અન્ન સુરક્ષા, મનરેગા, રોજગારી, માફકસરનું જીવનધોરણ, આર્થિક સમતાલક્ષીતા, આ બધું જ પરસ્પરના કાર્યકારણ સંબંધો ધરાવે છે. માત્ર જી.ડી.પી.ની વૃદ્ધિના દર ઉપર નજર રાખવાથી સર્વ સમાવેશી કલ્યાણ રાજ્ય સંભવી ન શકે.

પણ ગાંધીવિચારનું સારભૂત મહત્ત્વ અહીં જ આવીને ઊભું રહે છે. અલબત્ત, તેનો ખૂંટો પરંપરાનાં ઉત્તમ તત્ત્વો ધરાવતા હોય તેવા શાસ્ત્રો સાથે જોડાયેલો રહે છે પણ તે પછી તે કાર્યકારણ સબંધોમાં સરકી પડે છે. શાસ્ત્રોનો કે ધર્મ અને આધ્યાત્મિકતાનો આધાર પણ, ખરેખર તો એક અપવાદ બાદ કરતા – આ કાર્યકારણની, સળંગસૂત્રતા સાથે જોડાય છે. આ અપવાદ, જેને ખરેખર તો એક વિચારદોષ ગણવો રહ્યો, તે વર્ણ વ્યવસ્થાનો, સ્વીકાર થઈ જ ન શકે. પરંતુ તે પછીનો ગાંધીવિચાર, આ પૂર્વ અને પશ્ચિમ તથા ધાર્મિક, આર્થિક, સામાજિક કે રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કરે છે.

સૌ પ્રથમ મુદ્દો વ્યક્તિ અને તેની નૈતિકતાનો છે. આ વિભાગને પેલા અગિયાર વ્રતોમાં સારી રીતે સમાવવામાં આવ્યા છે. આ અગિયાર વ્રતોમાં બ્રહ્મચર્યનું વ્રત વધુ પડતુ પછાત (વેદિયું !) લાગે તે સંભવ છે. પણ વિવેકાનંદ અને દીન દયાળ ઉપાધ્યાયથી અત્યાર સુધીના સંઘીય નેતાઓ યોગ અને પશ્ચિમની સંસ્કૃિતના એકંદર વિરોધની વાત કરે છે, તેમાં આ બ્રહ્મચર્યનો મુદ્દો અનિવાર્ય રીતે ગોઠવાઈ જાય છે. ખાન-પાન અને આહારના પુરાતન ભારતીય વિચારો પણ અહીં આપોઆપ જ સુસંગત બને છે. કારણ કે ‘આહાર શુદ્ધિ દ્વારા સત્ત્વશુદ્ધિ’ એવું સૂત્ર તે સ્વીકારે છે. સામે પક્ષે, અગિયાર મહાવ્રતોમાં ‘કોઈ અડે નવ અભડાવું’નો સમાવેશ થયો જ છે. તે પ્રમાણે, ગાંધીવિચાર પ્રમાણે ચાલનારા વ્યક્તિ સમગ્ર સમાજ માટે નિરુપદ્રવી હશે. આવી વ્યક્તિઓના સમાજમાં જેલ, પોલિસ, કોર્ટકચેરી વગેરેની ભાગ્યે જ જરૂર પડશે. માર્ક્સના સ્વપ્નમાં તેવું હતું, “State will wither away” – આવા સમાજમાં રાજ્ય ખરી પડશે; ગાંધીના રાજ્યમાં પણ રાજ્ય ખરી જ પડશે. બીજી તરફ ભાજપના વિવિધ ઉચ્ચારણો અને નવ્ય મૂડીવાદી ધારણા અનુસાર રાજ્યે આર્થિક ક્ષેત્રમાંથી અંગસંકોચ કરીને બહાર નીકળી જવાનું રહે છે.

પણ વિનોબા રાજશક્તિના વિકલ્પે લોકશક્તિનું વજૂદ ગોઠવે છે. આ લોકશક્તિ સર્વધર્મ સમભાવ ઉપર આધારિત છે. સંઘીય સંગઠનોને આ વાત અનુકૂળ આવે તેમ નથી. આ વલણોનાં કારણે સંધીય સરકાર અને ભગિની સંસ્થાઓ વચ્ચે તણાવ ઉદ્‌ભવે તે અનિવાર્ય છે.

જો ગાંધીવિચારથી ઘડાયેલા લોકો, પોતાની શક્તિ એકઠી કરીને વિવિધ સંસ્થાઓ તથા સમાજનું સંચાલન કરે તો આજની પરોપજીવી રાજ્યસંસ્થાઓની જરૂર જ રહે નહીં. વ્યવહારુ જગતમાં તો આ વિચાર માત્ર આદર્શવાદી પુરવાર થયો છે. કારણ કે તેને પૂરી નિષ્ઠા અને લગાવથી અમલમાં મૂકવામાં આવ્યો જ નથી. સહકારી પદ્ધતિથી અને મોટાભાગની લોકશક્તિનો ઉપયોગ કરીને અમૂલ ડેરી બની શકી; સેવા બેંક કે ગ્રામીણ બેંક પણ, પેલી નૈતિકતાના વધારાના બોજ વગરની લોકશક્તિનાં ઉદાહરણો છે, પણ બાકીનું લગભગ તમામે તમામ રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્ર માત્ર રાજ્યના હાથમાં છે.

આ રાજ્ય ઇચ્છે તો આ દેશની સંપૂર્ણ વસતીના માથે એક કે બીજા પ્રકારની આફત ઊભી કરી શકે છે. જમીન માટેના વટહુકમોનો સિલસિલો હોય કે નીતિ-નિર્ધારણનાં ઉચ્ચ સ્થાનોએ નિમણૂકોનો મુદ્દો હોય, સમગ્ર વહીવટી તંત્રને રાજ્ય અને સત્તાધારી પક્ષ પોતાની ઇચ્છા મુજબ લઈ જઈ શકે છે. લોકશાહીનો દાયરો જાળવી રાખીને પણ આ માર્ગે આગળ વધવાના કીમિયા શોધી શકાતા હોય છે. સવાલ એ છે કે લોકશાહી સંગઠનો, વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ અને વિચાર સ્વાતંત્ર્યને પણ એ જ ‘લોકશાહી’ વિચારનાં નામે કચડી નંખાય છે. ઇન્દિરા ગાંધીએ જેમ બંધારણીય માર્ગે કટોકટી લાદી હતી તેમ કટોકટી જાહેર કર્યા વગર પણ લોકઅધિકાર અને સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાય છે. આગમબેન નામના ઇટાલિયન ફિલસૂફ આને ‘રૂલ ઓફ એક્સેપ્શન’ – અપવાદો દ્વારા ચલાવાતું શાસન ગણાવે છે.

વર્તમાન શાસનની મોટામાં ખોટી દુવિધા આ પ્રકારની ભૂમિકામાંથી ઊભી થાય છે. આ સરકાર રામ મંદિર બનાવશે કે નહીં તેનો, વિવેકાનંદથી વૈશ્વિકીકરણ સુધીના વિશાળ વિચાર ક્ષેત્રમાં કોઈ પણ ઠેકાણે સાંધો મળતો નથી. મંદિર બને તો તે કોઈ વિચારના ભાગરૂપે કે નીતિના ફળસ્વરૂપે બનવાને બદલે રાજકીય પેંતરાબાજીના ભાગરૂપ હોઈ શકે. તેમાં વિવેકાનંદની પવિત્રતાનો તો ઉલ્લેખ પણ જરૂરી નથી કારણ કે તે વેદાંતી (શંકરમત) હતા. શબરીધામની જેમ તેમાં પણ યાત્રાળુઓ આવે અને પર્યટન ઉદ્યોગોનો વિકાસ થાય તેવો કોઈક અપૂરતો અને ધાર્મિક વૈમનસ્ય વધારનારો વિચાર તેમાંથી ઊભો થઈ શકે ખરો.

એકંદરે સમગ્ર આર્થિક નીતિઓના ક્ષેત્રે પણ સંઘીય સંસ્થાઓ પાસે કોઈ આગવો વિચાર નથી. પરિણામે બાબરી મસ્જીદનો ‘ઢાંચો’ ભલે પડી ગયો પણ ૧૯૯૧થી શરૂ થયેલી ‘નવી’ આર્થિક નીતિનો એકંદરે ઢાંચો અડીખમ ઊભો છે.

ભારતની જનસંખ્યાનો લગભગ ૬૫ ટકા ભાગ યુવાઓનો બનેલો છે. તેમની સામેની મૂંઝવણોનો પાર નથી. તે ગામડાંમાં રહી શકતા નથી અને શહેરોમાં વસી શકતા નથી. નોકરી મળે તેવું ભણી શકતા નથી અને જે ભણે છે તેમાં નોકરીઓ ઝટ દઈને મળતી નથી. સરકારી શિક્ષણસંસ્થાઓમાં ફી ઓછી છે; પણ ત્યાં પૂરતા શિક્ષકો નથી અને નથી પૂરતી ગુણવત્તા. ખાનગી સંસ્થાઓમાં મોટા ભાગે તો ગુણવત્તા નથી જ, પરંતુ ત્યાં ભણવા આવતા પ્રમાણમાં સુખી પરિવારના લોકોના પારસ્પારિક સબંધો કેળવાય તો તેમાંથી કોઈક આર્થિક લાભ ઊભો થઈ શકે.

બીજી બાજુ ભારતીયતા અને રાષ્ટ્રવાદ તથા પોતાની સ્વસ્થાપિત (એવી વૈશ્વિક) સર્વોપરિતાના ખ્યાલોનો આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણના પ્રવાહ સાથે કોઈ મેળ બેસતો નથી. દેશમાં ફાલેલા ભ્રષ્ટાચારનું કદ દરેક દેશવાસીના ખાતામાં રૂ. પંદર લાખ જમા કરાવી શકાય તેટલું મોટું થઈ ગયું છે ! જો કે તે બાબતે કોઈ પરિણામદાયક પગલાં ભરાયાં નથી અને આગલી સરકારના ભ્રષ્ટાચાર સામે જંગે ચઢેલા ભગવાધારી બાબા રામદેવ હવે ‘મેગી’ જેવા આટા નુડલ્સ પીરસે છે.

જો દેશને ઉપનિષદના ધર્મ અને નૈતિકતાના આધારે ચલાવવાનો હોય તો પણ તેની કોઈ પણ અભિવ્યક્ત નીતિ કે સમજ નજરે ચઢતા નથી. દા.ત. ઉપનિષદો આરણ્યક સંસ્કૃિતના છે. પણ સરકાર ખેડૂતોની જમીનો કે આદિવાસીઓનાં જંગલો મેળવી લઈને એ જ પાશ્ચત્યોને આપવા તાકે છે; જેની ધાર્મિકતા અને સંસ્કૃિત કરતાં આપણે આપણી ધાર્મિકતાને અતિ ભવ્ય અને આલા દરજ્જાની માનીએ છીએ. આ સમગ્ર ચર્ચામાં વ્યક્ત થયેલી વૈચારિક અસંગતિઓ મુખ્ય ત્રણ બાબતો દર્શાવે છે.

(૧) વિવેકાનંદથી શરૂ થયેલા (બ્રાહ્મો સહિતના) વિચારો સમગ્ર સમાજના આર્થિક-સામાજિક-રાજકીય કાર્યાકલાપમાં ઝાઝું પ્રદાન કરી શકે તેમ નથી. જો સમાજના નૈતિક અને આંતરિક જીવનને બદલી શકાતું હોય તો અદ્વૈત વેદાંતના માર્ગે જવું તેના કરતાં ગાંધીના માર્ગે જવું તે વધુ ઉપર્યુક્ત છે. વિવેકાનંદ ત્યાગ અને સેવાનો માર્ગ બતાવે છે; જ્યારે ગાંધીવિચારમાં એક સંપૂર્ણતા અને સુગ્રથિતતા છે.

(૨) ભાજપની આર્થિક, સામાજિક નીતિઓમાં સ્પષ્ટતા નથી, સત્તા ઉપર આવે તેને દોઢ જ વર્ષ થયું છે તેવો બચાવ થઈ શકે નહીં કારણ કે એક પક્ષ તરીકે તે સિત્તેરનો થવામાં છે. એક પક્ષ સત્તા મેળવવા માંગે ત્યારે તેની સુગ્રથિત વૈચારિકતા, નીતિઓ તથા અમલવારીની પ્રત્યક્ષ યોજનાઓ તેની પાસે હોવાં જોઈએ. ભાજપ આ ક્ષેત્રે ઊણું ઊતરે છે. માત્ર મુસ્લિમ કે લઘુમતીના વિરોધ કે શહેરી અને મધ્યમવર્ગીય યુવાઓના ટેકા ઉપર લાંબુ ચાલી શકાય નહીં. પાટીદાર આંદોલનના ઘણા આયામો છે જ પણ તે પૈકીનો એક સ્પષ્ટ છે : શિક્ષણ મોંઘુ અને હલકી ગુણવત્તાવાળું છે અને નોકરીઓ નથી. અનુદાનિત સંસ્થાઓમાં શિક્ષકો / અધ્યાપકોની ભરતી કરવામાં કે ખાનગી સંસ્થાઓની નફાખોરી ઉપર અંકુશ મૂકવામાં સરકારોને કશું જ નડતું નથી; છતાં તે કિંકર્તવ્યમૂઢ છે; આગલી સરકારને ‘પોલિસી પેરાલિસિસ’ હતો તો આ સરકારને પોલિસી ઉપરાંત એક્શન પેરિલિસિસ પણ છે !

(૩) પશ્ચિમના લોકો ભોગવાદી છે, તેથી હલકા છે અને આપણો આરણ્યક વિચાર આપણને જગદગુરુના પદે સ્થાપી દઈ શકે તેવો અતિ ઉત્તમ છે તે બાબત ચર્ચાસભાઓ સુધી સીમિત રાખવા યોગ્ય છે. ચીને પોતાની આર્થિક સમૃદ્ધિ વધારવામાં ચોરોને ચોટે કન્ફ્યુસિયસના વિચારો કે બાવલા મઢ્યા નથી.

દેશ જે પ્રકારની વૈચારિક ગણાવાતી ગડમથલમાં ઊતર્યો છે તેનો ઘણો ખરો હિસ્સો ખરેખર તો બિનજરૂરી છે. વર્તમાન વિશ્વ તેના તમામ કાળાધોળા અને કાવાદાવા સહિત આપણી સમક્ષ છે. Take it or leave it and suffer.

ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો અને અન્ય વિશેષ વાચન :

(૧) સ્વામી વિવેકાનંદ, ‘ભારતમાં આપેલાં ભાષણો’, સાતમું સંસ્કરણ, ૨૦૦૯, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.

(૨) ટોમસ બ્લુમ રાન્સન, ‘ધ સેફ્રન વેવ’ ડેમોક્રસી ઍન્ડ હિન્દુ નેશનાલિઝમ ઈન મોડર્ન ઇન્ડિયા’, ઓક્સફર્ડ ઇન્ડિયા પેપરબેક્સ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ન્યૂ દિલ્હી, ૨૦૦૧.

(૩) જ્હોન ઝાવોસ, ‘ધ ઈમરજન્સ ઑફ હિન્દુ નેશનાલિઝમ ઈન ઇન્ડિયા, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ન્યૂ દિલ્હી, ૨૦૦૦

(૪) બર્ટ્રાર્ન્ડ રસેલ, ‘ઇન પ્રેઈજ ઓફ આઈડલનેસ ઍન્ડ અધર એસેઝ’, સ્પેિશયલ ઈન્ડિયન એડિશન, રૂટલેજ,’ લંડન્ – ન્યૂયોર્ક, (૨૦૧૦)

(૫) બર્ટ્રાન્ડ રસેલ, ‘એજ્યુકેશન એન્ડ ધ સોશ્યલ ઓર્ડર’, સ્પેિશયલ ઇન્ડિયન એડિશન, રૂટલેજ, લંડન – ન્યૂયોર્ક (૨૦૧૦)’

(૬) દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય ‘વૉટ ઇઝ લિવંગ ઍન્ડ વૉટ ઈઝ ડેડ ઈન ઇન્ડિયન ફિલોસોફી’.

http://bookzz.org

(૭) વિવિધ વેબસાઈટો :

* વિકિપીડિયા

* સ્ટેનફર્ડ એન્સ્યાક્લોેપિડિયા ઓફ ફિલોસોફી

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : "ભૂમિપુત્ર" સામયિકના 1-1-16, 16-1-2016, 1-2-2016, 16-2-2016 અને 1-3-2016ના અંકોમાં આ પાંચે ય લેખો છપાયા છે. તેને અનુસંધાને આ લેખો અહીં સાદર થયા છે. 

Loading

9 March 2016 admin
← દાદીનું હૃદય
સ્ત્રીશોષણનાં નીતનવાં, વરવાં રૂપ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved