નાણાવટી ખૂન કેસમાં ઇન્ડિયન નેવીના વડાની અને વિશ્વવિખ્યાત ડોકટરની જુબાની
બેલાર્ડ પિયરના ટાઈગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઓફિસ ધમધમી રહી હતી. સમય સવારના સાડા દસ. ટાઈગર ગેટનો લોખંડી દરવાજો સહેજ પણ કિચૂડાત કર્યા વગર ખૂલ્યો. પહેલાં ઇન્ડિયન નેવીની ખુલ્લી સફેદ જીપ બહાર આવી. તેમાં નેવીના જવાનો ભરી બંદૂકે ઊભા હતા. લશ્કરનાં વાહનોની નંબર પ્લેટ મારા-તમારા વાહનની નંબર પ્લેટ કરતાં સાવ જૂદી હોય છે. તેમાં સૌથી પહેલાં બ્રોડ એરો, કે ઊભા તીરનું નિશાન હોય છે, જે જણાવે છે કે આ વાહન લશ્કરનું છે. પછીના બે આંકડા એ વાહન કયા વરસમાં ખરીદાયું એ બતાવે છે. તે પછી અંગ્રેજી વર્ણમાળાનો એક અક્ષર હોય છે જે આ વાહન લશ્કરના કયા વિભાગનું છે તે જણાવે છે. તે પછીના ચાર આંકડા જે-તે વાહનનો સિરિયલ નંબર બતાવે છે. છેલ્લે ફરી એક અક્ષર મૂકાય છે જે બતાવે છે કે વાહન કયા પ્રકારનું છે : મોટર, ટ્રક, મોટર સાઈકલ, વગેરે. આવી નંબર પ્લેટ માત્ર લશ્કરનાં વાહનો માટે જ વાપરી શકાય છે. ખાનગી વાહનો માટે તે વાપરવી એ ગંભીર ગુનો ગણાય છે. અને લશ્કરનાં બધાં જ વાહનોની નોંધણી સ્થાનિક RTO પાસે નહિ, પણ સંરક્ષણ મંત્રાલયના ખાસ વિભાગ પાસે થતી હોય છે.
ભારતીય લશ્કરના વાહનની નંબર પ્લેટ
તો આવી નંબર પ્લેટવાલી સફેદ જીપની પાછળ આવી રહી હતી એવી જ નંબર પ્લેટવાળી સફેદ એમ્બેસડર મોટર. તેના બોનેટ પર હતી ઇન્ડિયન નેવીના વડાની માનક પતાકા. હા, જી. એ વખતે આ દેશમાં બે જ મોટર બનતી હતી : એમ્બેસડર અને ફિયાટ. અને સરકારી વાહનો એટલે સફેદ એમ્બેસડર. તેની પાછળ ફરી નેવીની એક જીપ, ખુલ્લી, સશસ્ત્ર સૈનિકોવાળી. બંધ કાચવાળી સફેદ એમ્બેસડરમાં બેઠા હતા એડમિરલ રામદાસ કટારી, ઇન્ડિયન નેવીના પહેલવહેલા હિન્દુસ્તાની વડા. જન્મ ૧૯૧૧ના ઓક્ટોબરની આઠમીએ, અવસાન ૧૯૮૩ના જાન્યુઆરીની ૨૧મી તારીખે. દેશ આઝાદ થયો તે પછી પણ ઇન્ડિયન નેવીના પહેલા બે વડા અંગ્રેજ હતા. તેમાંના બીજા વાઈસ એડમિરલ સર સ્ટીફન હોપ કારલીલ પછી એ હોદ્દો સંભાળ્યો એડમિરલ રામદાસ કટારીએ. ૧૯૫૮ના એપ્રિલની ૨૨મીથી ૧૯૬૨ના જૂનની ચોથી સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. તેઓ આ હોદ્દા પર હતા તે દરમ્યાન પહેલવહેલું એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ. વિક્રાંત ઇન્ડિયન નેવીમાં દાખલ થયું. તેમની રાહબરી નીચે ગોવાના મુક્તિસંગ્રામમાં ઇન્ડિયન નેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિવૃત્ત થયા પછી એડમિરલ કટારીએ પોતાના અનુભવો વિશેનું પુસ્તક પ્રગટ કર્યું હતું : A Sailor Remembers.
ઇન્ડિયન નેવીના એડમિરલની પતાકા
ઇન્ડિયન નેવીનો આ કાફલો આવી પહોંચ્યો જજ મહેતાની અદાલત પાસે. કમ્પાઉન્ડની બહાર ફરી ઇન્ડિયન નેવીના સશસ્ત્ર સૈનિકો. આગલી જીપમાંના એક સૈનિકે તરત ઊતરીને એમ્બેસડરનું ડાબી બાજુનું પાછળનું બારણું ખોલ્યું. એડમિરલ રામદાસ કટારી ઊતર્યા. બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસરે તેમને આવકાર આપ્યો અને અદાલતના મકાન તરફ લઈ ગયા. બરાબર અગિયારમાં બે મિનિટે બચાવ પક્ષના પહેલા સ્ટાર વિટનેસ એડમિરલ રામદાસ કટારી કોર્ટ રૂમમાં દાખલ થયા. અગિયાર વાગે જજ મહેતા આવ્યા પછી એડમિરલ રામદાસ કટારીની જુબાની શરૂ થઈ.
આવા ક્રિમિનલ કેસોમાં આરોપીનો સ્વભાવ, તેની ચાલચલગત, તેની આદતો, વગેરેનો વિચાર કરીને તેને ધ્યાનમાં રાખવાનું બહુ મહત્ત્વનું હોય છે. એટલે બચાવ પક્ષે કમાન્ડર નાણાવટીની બાબતમાં આ બધાની માહિતી મેળવવા માટે ઇન્ડિયન નેવીના સર્વોચ્ચ અફસર એડમિરલ રામદાસ કટારીને જુબાની આપવા વિનંતી કરી હતી અને તેમણે જુબાની આપવાનું સ્વીકાર્યું હતું. શરૂઆતમાં જજ મહેતાના સવાલના જવાબમાં એડમિરલ રામદાસ કટારીએ કહ્યું હતું કે કમાન્ડર નાણાવટીનો આજ સુધીનો સર્વિસ રેકર્ડ કશા ડાઘ વગરનો છે. તેમનો સ્વભાવ અને તેમનું ચારિત્ર્ય ચોખ્ખાં છે.
પછી બચાવ પક્ષના વકીલના સવાલના જવાબમાં એડમિરલ કટારીએ કહ્યું કે કમાન્ડર નાણાવટી અને પ્રોવોસ્ટ માર્શલ કમાન્ડર સેમ્યુઅલ, બંનેને હું અંગત રીતે ઓળખું છું.
કમાન્ડર નાણાવટીને રાજી રાખવા માટે સેમ્યુઅલે તેમની તરફેણમાં જુબાની આપી એ વાત સાચી છે?
બિલકુલ નહિ. કમાન્ડર સેમ્યુઅલ કમાન્ડર નાણાવટીના હાથ નીચે કામ કરતા નથી. કમાન્ડર સેમ્યુઅલની બઢતી, પગાર વધારો, વગેરે કોઈ બાબત પર કમાન્ડર નાણાવટીનો અખત્યાર નથી. એટલે કમાન્ડર સેમ્યુઅલે તેમને રાજી રાખવાનું કોઈ કારણ નથી. ઇન્ડિયન નેવીમાં પ્રોવોસ્ટની બ્રાંચ બીજી બ્રાન્ચો કરતાં અલગ અને સ્વતંત્ર હોય છે. તેનું મુખ્ય કામ નેવીમાં શિસ્ત જાળવવાનું હોય છે.
તમે કહ્યું કે તમે કમાન્ડર નાણાવટીને અંગત રીતે ઓળખો છો. કઈ રીતે?
કમાન્ડર નાણાવટીએ ત્રણ વખત સીધેસીધા મારા હાથ નીચે કામ કર્યું છે. પહેલી વાર ૧૯૪૬માં જ્યારે તેઓ આઈ.એન.એસ. કાવેરીના કમાન્ડિંગ ઓફિસર હતા ત્યારે. બીજી વાર ૧૯૫૧માં, જ્યારે તેઓ દિલ્હીમાં નેવલ હેડક્વોરટર્સમાં મુખ્ય ઓફિસર તરીકે કામ કરતા હતા ત્યારે. અને ત્રીજી વાર ૧૯૫૭-૧૯૫૮માં જ્યારે હું મારા ફ્લેગશીપ આઈ.એન.એસ. માઈસોર પર ફ્લેગ ઓફિસર હતો ત્યારે કમાન્ડર નાનાવાટી એ જહાજના એક્ઝીક્યુટીવ ઓફિસર હતા ત્યારે.
અચ્છા. કમાન્ડર નાણાવટીના સ્વભાવ વિષે, તેમના ગમા-અણગમા વિષે તમે શું કહેશો?
તેઓ એક પ્રામાણિક, ઠરેલ, કાર્યદક્ષ માણસ છે. તેમને આકળા-ઉતાવળા થતા મેં જોયા નથી. તેઓ સ્વભાવે શાંત છે અને બીજાની સાથે હળીમળીને કામ કરવામાં માને છે.
ફરજના ભાગ રૂપે તમે તેમને મળ્યા હો એટલાને આધારે આમ કહો છો?
ના. એ ઉપરાંત પણ સામાજિક કાર્યક્રમો કે મેળાવડાઓમાં પણ અમારે મળવાનું થયું છે. તેઓ કોઈ સાથે ઝગડ્યા હોય, કે આકળા થયા હોય તેવું મેં જોયું જાણ્યું નથી.
કમાન્ડર નાણાવટીને ઇન્ડિયન નેવીની નોકરીમાંથી સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા છે?
ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અને નેવલ હેડ ક્વોર્ટર્સના એમ કરવા અંગેના હુકમને કારણે.
એવા હુકમ પાછળનું કારણ?
એક માણસનું ખૂન કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે અને એ અંગે તેમના પર આ અદાલતમાં ખટલો ચાલે છે એટલે.
ખટલો ચાલે તે દરમ્યાન કમાન્ડર નાણાવટીને મુંબઈ પોલીસના તાબામાં નહિ, પણ નેવલ પોલીસના તાબામાં રાખવાની ભલામણ તમે કરી હતી?
એવી ભલામણ મેં પોતે કરી નહોતી કારણ એવી ભલામણ કરવાની મને સત્તા નથી. પણ આમ કરવા માટે મેં નેવલ હેડક્વોર્ટર્નેસ વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી.
અત્યારે કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીની નોકરીમાં છે કે નથી?
નોકરીમાં છે, પણ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. પણ આજે ય તેઓ ઇન્ડિયન નેવીના એક અફસર છે જ.
બરતરફ થયા હોવા છતાં કમાન્ડર નાણાવટી જયારે પણ અદાલતમાં હાજર થાય છે ત્યારે નેવીનો યુનિફોર્મ પહેરીને કેમ આવે છે?
એમ કરવા અંગેનો હુકમ મેં નથી કર્યો.
તો કોણે કર્યો છે?
ઇન્ડિયન નેવીના પ્રોવોસ્ટ માર્શલે. કારણ એ તેમના અધિકારક્ષેત્રની બાબત છે.
આ ખટલામાં સાક્ષી તરીકે હાજર રહેવા તમે સંમતિ શા માટે આપી?
કારણ કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીના એક મહત્ત્વના અફસર છે. હું તેમનો વડો છું એટલું જ નહિ, તેમને અંગત રીતે પણ હું ઓળખું છું. અને હું તેમને ઓળખું છું એક ચારિત્ર્યવાન, સીધાસાદા આદમી તરીકે. એટલે આ ખટલામાં જુબાની આપવાની હું મારી ફરજ સમજુ છું.
બચાવ પક્ષના વકીલ : થેન્ક યુ એડમિરલ કટારી. યોર ઓનર! આરોપી કમાન્ડર નાણાવટીના સ્વભાવ અને ચારિત્ર્ય વિષે દેશના નૌકાસૈન્યના વડાએ જે કાંઈ કહ્યું એની ઉચિત રીતે નોંધ લેવાની આપને અરજ ગુજારું છું.
એડમિરલ કટારી કોર્ટમાંથી જઈ રહ્યા હતા ત્યારે કમાન્ડર નાણાવટીએ તેમની સામે જઈને સેલ્યુટ કરી, અને પછી બંનેએ શેકહેન્ડ કરી હતી. એડમિરલ કટારી નીચે ઊતર્યા એટલે ફરી તેમને વળાવવા બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસર આવ્યા. એડમિરલ કટારીનો રસાલો ફરી ટાઈગર ગેટ જવા રવાના થયો.
ડો. એ.વી. બાલીગા
બચાવ પક્ષના બીજા સ્ટાર વિટનેસ હતા પ્રખ્યાત સર્જન ડો. એ.વી. બાલીગા. જન્મ ૧૯૦૪માં, અવસાન ૧૯૬૪માં. ગ્રેટ બ્રિટનની રોયલ કોલેજ ઓફ સર્જન્સના ફેલો હતા. ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરીને પાછા આવ્યા પછી તેઓ કે.ઈ.એમ. હોસ્પિટલમાં અસિસ્ટન્ટ ઓનરરી સર્જન નિમાયા હતા. વખત જતાં એક અત્યંત બાહોશ ડોક્ટર તરીકે તેમની ખ્યાતિ દેશમાં અને દેશની બહાર ફેલાઈ હતી. તેમણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી હતી અને પાછલાં વરસોમાં ‘પેટ્રીઅટ’ નામનું વર્તમાનપત્ર અને ‘લિન્ક’ નામનું મેગેઝીન શરૂ કર્યાં હતાં. તેમના અવસાન વખતે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું : “ડોકટર બાલીગા એક અસાધારણ કુશળ સર્જન હતા એટલું જ નહિ, એક ઉમદા માણસ પણ હતા. સમાજને ઉપયોગી થાય તેવાં સારાં કામ માટે તેમણે છુટ્ટે હાથે દાન આપ્યાં હતાં. તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા.”
આવા જગવિખ્યાત ડોકટર બાલીગાએ તેમની જુબાની દરમ્યાન પ્રેમ આહુજાનું મૃત્યુ કઈ રીતે થઈ શક્યું હોય, કેવા હથિયારને કારણે થયું હોય, એ માટે કોણ જવાબદાર હોઈ શકે, વગેરે ઘણા પ્રશ્નોની મેડિકલ દૃષ્ટિએ છણાવટ અને સ્પષ્ટતા કરી. જે મારા-તમારા જેવા માટે સમજવી જરા મુશ્કેલ.
એક-બે વખત ફરિયાદ પક્ષના વકીલ અને ડો બાલીગા વચ્ચે શાબ્દિક ચકમક પણ ઝરી. અગાઉ બેલાસ્ટિક (દારૂગોળાને લગતા) નિષ્ણાતે જે અભિપ્રાય આપ્યો હતો તેના કરતાં ડો. બાલીગાએ જુદી શક્યતા સૂચવી. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમે ડોક્ટર છો, બેલાસ્ટિક એક્સપર્ટ નહિ. છતાં વાત એવી રીતે કરો છો કે જાણે તમે તેમના કરતાં સવાયા જાણકાર હો.
ડોક્ટર બાલીગા : મેં એવું કહ્યું જ નથી. મેં એટલું જ કહ્યું છે કે આ બનાવ અંગે વિચાર કરતી વખતે બીજી શક્યતાઓ – જેમ કે અકસ્માતની શક્યતા – પણ તપાસવી જોઈએ. ફરિયાદ પક્ષના વકીલે એક-બે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પણ નામદાર જજ સાહેબે એ પ્રશ્નો પૂછવાની મંજૂરી આપી નહોતી. ડોક્ટર બાલીગાની જુબાની કુલ સાડા છ કલાક ચાલી હતી.
એડમિરલ રામદાસ કટારી અને ડો એ.એસ. બાલીગા જેવા મહત્ત્વના સાક્ષીઓ પછી બીજે દિવસે પણ એક ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ અદાલતમાં હાજર થવાની હતી. જો કે ફરિયાદ પક્ષના વકીલે પહેલેથી જ જણાવ્યું હતું કે આ સાક્ષી ઉપર અમને મુદ્દલ ભરોસો નથી. એટલે હું તેમની ઊલટતપાસ નહિ લઉં. પણ બચાવ પક્ષે એ સાક્ષીની જુબાની માટે આગ્રહ રાખ્યો હતો અને એટલે નામદાર જજ સાહેબે બીજે દિવસે એને હાજર રાખવાની સૂચના આપી હતી.
એ સાક્ષી તે કોણ, અને તેની જુબાની વિશેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ઓગસ્ટ 2025