
રવીન્દ્ર પારેખ
ભારત સ્વતંત્ર થયું તેને 78 વર્ષ થયાં. ઘણાંને આ સ્વતંત્રતાથી સંતોષ છે, તો ઘણાંને અસંતોષ પણ છે. સાદી વ્યાખ્યાઓ હવે એવી છે કે જે રાજી છે તે ભા.જ.પ.નો છે ને નારાજ છે તે વિપક્ષનો છે. રાજી હોય ને ભા.જ.પ.નો ન હોય કે નારાજ હોય ને વિપક્ષનો ન હોય એવું સ્વીકારવા લગભગ કોઈ તૈયાર નથી. કોઈને, કોઈ પણ પક્ષનો ધારી લઈને તેને મુક્ત ન રહેવા દેવો એ પણ સૂક્ષ્મ ગુલામીનું જ સૂચક છે.
પણ, કૃષ્ણ આજીવન સ્વતંત્ર છે. એને સ્વતંત્રતા સિવાય કૈં ખપતું નથી. કોઈ બંધન તેને બાંધી શક્યું નથી, પણ તેણે ઘણાંને પ્રેમથી બાંધ્યાં છે. કૃષ્ણને 5,251 વર્ષ થયાં, પણ તે આજે ય પ્રસ્તુત છે. તે કર્મથી મહાન છે એટલું જ, બાકી, પૂરો માણસ છે. તે જન્મ્યો જેલમાં, પણ સાંકળો વચ્ચે રહ્યો નહીં. જન્મતાં જ તે સ્વતંત્ર થવા મથે છે. સગાં માબાપને ત્યજે છે ને પારકાં માબાપને ભજે છે. જન્મ્યો ત્યારથી તે કદી ઠર્યો નથી. તેણે જીવન બહુ માપી-તોલીને પસંદ કર્યું છે. તેની પાસે વધારાનો સમય નથી. કર્મ જ તેનું જીવન છે. બાળલીલા નિમિત્તે તે પૂતના, બકાસુર, કંસ….નો અંત કરે છે, પણ તેની લીલાનો અર્થ છે, હેતુ છે.
ગોપીઓ દૂધ-દહીં મથુરા ભરતી હતી. ગોપાલે મટકી ફોડી તો એમ લાગે કે તે ગોપીઓને પજવી રહ્યો છે, પણ વાત એ નથી. ગામમાં દૂધ ન રહે ને તે બીજે ભરાય એ મંજૂર ન હતું. ગામનું દૂધ ગામમાં જ રહે એ રીતે તેણે ગોપાલનનો મહિમા કર્યો. એ કોઈનું લઈને બેસી રહે એવો જીવ નથી. તેણે ગોપીઓનાં ચીર હર્યાં, તો દ્રૌપદીનાં પૂર્યાં પણ ખરાં. આ એક જ ભગવાન એવો છે, જે ભગવાન ઓછો ને માણસ વધારે છે. લાગે એવું કે તે રાધાને પ્રેમ કરે છે, પણ સિદ્ધ તો અનંત વિરહ થાય છે. લગ્ન કરતાં પણ લગ્નેતર સંબંધ કેટલો સાત્ત્વિક હોઈ શકે તે રાધાકૃષ્ણના વિરહથી ફલિત થાય છે, એટલે જ તો તે મંદિરોમાં સાથે છે. જન્મ આપે તે જ માતાપિતા એવું નહીં, પાલનપોષણ કરે એ પણ માતાપિતા એ નંદ-જશોદાનો મહિમા કરીને કૃષ્ણે બતાવ્યું.
કંસનું મર્દન કરવા ઓદ્ધવની સાથે મથુરા જવા નીકળી પડે છે, ત્યારે કૃષ્ણ પાછું વળીને જોતો નથી. નથી એને રાધા યાદ કે નથી નંદજશોદાનું સ્મરણ ! ગોકુળ-વૃંદાવન સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ તે મથુરા જવા નીકળે છે. કંસ વધ પછી મથુરાનો રાજા થઇ શક્યો હોત, પણ રાજ્ય વારસને સોંપે છે. શિશુપાલ, જરાસંધ જેવાને મારીને ગાદી પોતે રાખતો નથી, પણ જે તે વારસને સોંપે છે.
આમ બીજા બધાને હક અપાવે છે, પણ પોતે કશા પર હક કરતો નથી. એ સંડોવાઈને પણ અલિપ્ત રહે છે, એટલે જ ગોકુળ, વૃંદાવન, મથુરા સહજ રીતે છોડી શકે છે. એ જ્યાંથી નીકળે છે, ત્યાં પાછો ફરતો નથી. રાધાને પૂરો પ્રેમ કર્યો ને રાધાને છોડી પણ પૂરી. વાંસળી પણ રાધાની સાથે જ છૂટી, પછી આંગળીએ સુદર્શન ધારણ કર્યું. એ સુદર્શન 99 ગાળો સાંભળીને શિશુપાલનું માથું ઉડાવી દે છે, પણ ગાંધારીનો શાપ માથે ચડાવે છે. સો પુત્રોનો સર્વનાશ વેઠનારી માતાની પીડા કૃષ્ણ સિવાય બીજું કોણ સમજવાનું હતું ….!
કૃષ્ણ એટલે કર્મ ! કોઈએ કંઇ કર્યું હશે, તો કંઇ મેળવવાની ઈચ્છા હશે, પણ કૃષ્ણને કૈં જોઈતું નથી. મહાભારતના આદિપર્વમાં પહેલી વાર કૃષ્ણ, દ્રૌપદી સ્વયંવર વખતે જોવા મળે છે. બ્રાહ્મણ વેશે અર્જુન મત્સ્યવેધ કરીને દ્રૌપદીને પામે છે, ત્યારે અન્ય પાંડવોની પણ દ્રૌપદીને પામવાની લાલસા છે. એ વાત કૃષ્ણ પામી જાય છે ને ભાઈઓ વચ્ચે સંપ જળવાઈ રહે, એટલે દ્રૌપદીને પાંચે ભાઈઓની પત્ની બનાવે છે. પાંચે ભાઈઓ દ્યુતમાં જાત હારી જાય છે, ત્યારે કૃષ્ણ હાજર નથી, પણ હાજર નથી એટલે મદદ ન કરવી એવું નથી. દ્રૌપદી જાણી જાય છે કે દાસ પતિઓ મદદ કરી શકે એમ નથી, તો તે કૃષ્ણને પોકારે છે ને કૃષ્ણ તેનાં ચીર પૂરે પણ છે.
મહાભારતનો કૃષ્ણ વૃંદાવનનો કૃષ્ણ નથી. તે સકળ છે, તો અકળ પણ છે. સત્યને માટે અસત્ય આચરવું પડે તો તે આચરે છે. કોઈ ભગવાન આટલો વ્યવહારુ નથી. યુદ્ધ ટાળવા કૃષ્ણ કૌરવોના દરબારમાં જવા નીકળે છે. પરિણામ શું હશે તેની ખબર છે, કૃષ્ણને, તો ય સંહાર ટાળવા ગંભીર પ્રયત્ન કરે છે. દ્રૌપદી ઈચ્છે છે કે યુદ્ધ ન ટળે, તેણે દુ:શાસનનાં લોહીથી વાળ ધોવાની પ્રતિજ્ઞા કરી છે. કૃષ્ણ સખાને તે પૂછે છે કે યુદ્ધ ટાળવા જાવ છો? તો, કૃષ્ણ કહે છે કે કોશિશ કરીશ તો પણ, દુર્યોધન તે નહીં ટાળવા દે. દ્રૌપદી કુતૂહલવશ પૂછે છે કે યુદ્ધમાં કોણ બચશે? કૃષ્ણ જવાબ ટાળે છે, પણ વધુ આગ્રહ થતા કહે છે કે પાંચ પાંડવો સિવાય કોઈ નહીં બચે. દ્રૌપદી જ્યારે જાણે છે કે પોતાના પુત્રો પણ નથી બચવાના, તો એ રડી પડે છે. ભવિષ્ય જાણવું કેટલું પીડાદાયક છે તે દ્રૌપદી અનુભવે છે ને એથી ય વધુ અનુભવે છે કૃષ્ણ જે જાણે છે કે અઢારમા દિવસને અંતે સિલકમાં રાખ જ રહેવાની છે.
વિષ્ટિ નિષ્ફળ જતાં કૃષ્ણ કર્ણને મળે છે. કર્ણ કુંતીનો કૌમાર્ય અવસ્થાનો પુત્ર છે, એ રહસ્ય ઉજાગર કરી કર્ણને પાંડવોના મોટાભાઈ થવાનું પ્રલોભન આપે છે, એટલું જ નહીં, દ્રૌપદી આપોઆપ જ તેને મળે તેવી લાલચ પણ આપે છે. આવું દુર્યોધન કરે તો તેને ધિક્કારીએ, પણ કૃષ્ણને ધિક્કારવાનું મન થતું નથી, તે એટલે કે તેનો પ્રયત્ન યુદ્ધને ટાળવાનો છે. સાચું તો એ છે કે યુદ્ધ ટળે કે ખેલાય તેથી કૃષ્ણને કોઈ લાભ નથી, પણ અર્જુન સાથેની મૈત્રી તેને યુદ્ધમાં સંડોવે છે. જો કે, તેને અલિપ્ત થતાં આવડે છે. દ્રૌપદીની લાલચે પણ કર્ણ કૌરવોમાંથી નીકળી આવે તો કૃષ્ણ તે કરી જુએ છે ને કર્ણની ખાનદાની જુઓ કે એ દ્રૌપદી, જેણે સૂતપુત્ર કહીને સ્વયંવરમાં અપમાનિત કર્યો હતો, એ મળે એમ છે ત્યારે દુર્યોધનને તે છેહ દેતો નથી. અર્જુન-કૃષ્ણ, દુર્યોધન-કર્ણ, મૈત્રીમાં કોઈ ઊતરે એમ નથી. ફરક એટલો જ છે કે એક ધર્મને અને બીજી અધર્મને પક્ષે છે.
કૃષ્ણ સમય વર્તીને વર્તે છે. પોતે યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની વાત કરે છે, પણ અર્જુન યુદ્ધનાં મેદાનમાં શસ્ત્ર હેઠાં મૂકી દે છે, તો તે ફરી શસ્ત્ર ઉપાડે એ માટે કૃષ્ણ, ગીતા ઉપદેશે છે. કૃષ્ણે જશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું કે વિષ્ટિ વખતે દુર્યોધનને વિરાટરૂપ દેખાડ્યું કે ગીતા ઉપદેશતી વખતે અર્જુનને વિશ્વરૂપ દર્શાવ્યું, પણ પછી કંઇ નહીં ! તેણે વિશ્વરૂપ દેખાડ્યું, પછી ફરી સારથિ થતાં તેને વાર લાગતી નથી. દુર્યોધનને વિરાટરૂપ બતાવ્યા પછી કર્ણ સાથે જ્યેષ્ઠ પાંડવની વાત છેડે છે. જશોદાને બ્રહ્માંડ દર્શાવીને તે ફરી બાળક થઇ જાય છે. આપણે સામાન્યમાંથી અસામાન્ય બનવાની ઘેલછા રાખીએ છીએ ને પછી અસામાન્ય જ રહેવું હોય છે, જયારે કૃષ્ણ અસામાન્ય બને છે, પણ પછી સામાન્ય થતા તેને વાર લાગતી નથી. આ કૃષ્ણમાં જ છે.
કર્ણનો રથ ધરતીમાં ધસે છે, તો કૃષ્ણ અર્જુનને બાણ મારવાનો આદેશ આપે છે. કર્ણ કહે છે કે આમ કરવું યુદ્ધના નિયમની વિરુદ્ધ છે, તો કૃષ્ણ રોકડું પરખાવે છે કે અભિમન્યુને માર્યો એ નિયમ મુજબ હતું? કૃષ્ણને જેવા સાથે તેવા થતા આવડે છે. સામેવાળાને નીતિ નથી તો અનીતિ આચરવાનો ય તેને વાંધો નથી, હેતુ એ જ છે કે એમ કરવાથી ધર્મ સચવાઈ જાય. કોઈ સામાન્ય માણસ અનીતિ કે લુચ્ચાઈ કરે તો તે નબળાઈ ગણાય ને કૃષ્ણ ઉઘાડેછોગ કરે છે, તો એ નબળાઈ આપણે હૈયે વસતી નથી. તે એટલે કે એક પણ લુચ્ચાઈ કે અનીતિ તેણે પોતાને માટે કરી નથી. આમ જોઈએ તો તેની પ્રાપ્તિ જ શી છે? અર્જુનને તો જીત્યા પછી રાજ્ય મળવાનું હતું, કૃષ્ણને શું મળવાનું હતું? ખરેખર તો યાદવો એક હતા તે કૌરવો અને પાંડવોને પક્ષે વહેંચાતા, સાત્યકિ અને કૃતવર્મા સામસામે આવી ગયા હતા ને ભવિષ્યમાં કૃષ્ણને અપાનારો – અંદરોઅંદર લડી મરવાનો – શાપ સાચો કરવાના હતા.
કૃષ્ણ વિષે વિચારીએ તેમ તેમ માણસની નબળાઈઓવાળો બીજો ભગવાન જડતો નથી. તેણે મૃત્યુ પણ પારધીની ભૂલમાંથી સર્જ્યું. સતત એક સવાલ કૃષ્ણ વિષે એ થાય કે પગમાં પારધીનું તીર વાગે એટલાથી કોઈ ભગવાન મર્યો નથી, ભગવાન તો શું માણસ પણ મર્યો નથી. તો કૃષ્ણ કઈ રીતે મરે? ન જ મરે, એટલે તો 5,251 વર્ષથી દર વર્ષે કૃષ્ણજન્મ થાય છે ને આપણે તેના ઓવારણાં લેતાં થાકતા નથી ને થાકવાના નથી…..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2025