વિભાજન
ઇતિહાસનો બોધને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ?
નક્કી કરો – તમારે ઇતિહાસનો બોધ લઈને આગળ વધવું છે કે પછી એનો બોજ ટાંકાટેભાતોડ જખ્મેદૂઝ સાથે પલવી પલવી પીડા વહોરવી છે.

પ્રકાશ ન. શાહ
આજે ઓર એક વિભાજન વિભીષિકા દિવસ મનાવાશે. વિભીષિકા એ અવશ્ય હતી, પણ લાંબા સંઘર્ષ અને લાંબી પ્રયાસકોશિશનો ગાળો જ્યારે સ્વાતંત્ર્ય લઈને આવ્યો ત્યારે એ એક વિશેષ અવસર પણ અવશ્ય હતો. ગુલામીમાંથી નવઉઘાડનો ખયાલ જ્યારે સામે આવે છે ત્યારે વિભાજન એક વિભીષિકા કરતાં વધુ તો કેમ જાણે એક કારુણિકા રૂપે સમજાય છે.
ઇતિહાસનો બોધ અવશ્ય માથે ચડાવીએ પણ એને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ? શાણા વાજપેયીના પક્ષે એ એક સાહસનું એટલું જ સમજદારીનું પગલું હતું કે ભારતના વડા પ્રધાન તરીકે એમણે લાહોરની સત્તાવાર મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના ઠરાવની સ્મૃતિરૂપે ઊભા કરાયેલ મિનારે પાકિસ્તાન જવું ચહીને પસંદ કર્યું હતું. સમજવાનું એ છે કે ભા.જ.પ., ગાધી-નેહરુ-પટેલની અદ્વિતીય સ્વરાજત્રિપુટીમાંથી જે એણે ચહીને જુદા તારવે છે અને ફૂલેકે ચડાવે છે તે સરદાર પટેલને પાકિસ્તાનનો સ્વીકાર એક તબક્કે અનિવાર્ય જણાયો હતો – અને એ એમના લોહપુરુષપણાની એક આગવી ઓળખ હતી કે આ અપ્રિય જણાતા નિર્ણયમાં એમણે આગેવાની લીધી હતી. બીજી પાસ, એ જુઓ તમે કે જે એક રાજકીય એકમ નેહરુ-પટેલના શાસકીય નેતૃત્વમાં બની આવ્યું તેવો ને તેટલો વ્યાપ ભારતીય રાજ્યનો ઇતિહાસમાં કદાચ કદાપિ નહોતો. પૂર્વ બંગાળમાં ઉર્દૂ લાદવાની કોશિશ કરી નવા વિભાજનનો પાયો નાખનાર ઝીણા અને આકાશવાણીમાં ઉર્દૂ સર્વિસ દાખલ કરી – એક, ન તો કેવળ મુસલમાનોની કે ન તો બધા મુસલમાનોની ભાષા મારફતે, દેશને અને સીમાપારના સાથીઓને હૂંફમાં લઈ જાણતા સરદાર, ભેદ સમજાય છે આ બે વચ્ચેનો?
વાત સાચી કે કાઁગ્રેસે શાસનના એક પટ પર સરદારને વિસારે પાડ્યા હતા, તો સાથે એ પણ સાચું કે એના ‘ડિસ યુઝ’ સામે સંઘ પરિવારે સરદારનો ‘મિસ યુઝ’ પણ માપ બહારનો કીધો છે. ગાંધીને બાજુએ રાખી પટેલ અને નેહરુએ કચવાતે મને બલકે કકળતી આંતરડીએ વિભાજનનો નિર્ણય લીધો તે પછી પરસ્પર ઝોકફેરે અને છાયાભેદે પણ આ મળતાં મળે એવી સ્વરાજત્રિપુટીની ગરવીનરવી ભૂમિકા એ મુદ્દે હતી કે એમણે એક બિનસાંપ્રદાયિક ભૂમિકા લીધી. આ ભૂમિકાએ એમણે એકતા મજબૂત કીધી ને સંભવિત નવા વિભાજન સામે કિલ્લેબંધી કીધી.
કમનસીબે ઝીણાને પક્ષે ઓગસ્ટ 1947 પછી ભૂલસુધારવાની કિંચિત કોશિશ છતાં પાકિસ્તાન ન તો આવી નરવી ભૂમિકાએ પહોંચી શક્યું, ન તો નાગરિકને બદલે લશ્કરી રાહની એને કળ વળી. પ્રજાકીય અવાજના અગ્રદૂત તરીકે, કહો કે અંતરાત્માના રખેવાળ તરીકે ફૈઝ અહમદ ફૈઝથી માંડી ફહમિદા રિયાઝ સહિતના અવાજો પાકિસ્તાનમાં ઉભરતા રહ્યા છે, જેમ બાંગલા દેશને તસલીમાં નસરીન શી પ્રતિભા મલી તે પણ આપણે જોયું છે. પણ સરમુખત્યારી સામે ખરી દૂંટીના નિર્ભીકનક્કુર અવાજ તરીકે ફૈઝનું ‘હમ દેખેંગે’ પાકિસ્તાનમાં ઉચકાય છે અને ઉપખંડ આખામાં બગાવતી યુવા મિજાજના નાગરિક ગાન તરીકે ઉભરે છે ત્યારે કાનપુર આઈ.આઈ.ટી.ના હુકમરાનો અહીં એના ઉપયોગ અંગે ‘તપાસ’ નીમે છે! ફહમિદાએ પાક હુકમશાહીને પડકારી હતી અને આપણે ત્યાં એમણે નિર્વાસનનો કેટલોક સમય ગાળ્યો હતો. હુકમશાહી સામેના અવાજ તરીકે એને સંભારીએ છીએ પણ ભારતવાસે ફહમિદાને એક તબક્કે જે લાગણી થઈ કે ‘તુમ ભી હમ જૈસે નિકલે’, તે આપણને કેમ સમજાતી નથી? તસલીમાએ બાંગલાદેશમાં હિંદુ લઘુમતી પરના મુસ્લિમ જુલમને પડકાર્યો, પણ આપણે ત્યાંના નિવાસમાં આ જ તસલીમાને હિંદુત્વ રાજનીતિથી થયેલ અસુખ ને અમૂઝણ બાબતે આપણે કેમ મૂકબધિર બની જઈએ છીએ?
વિભાજનની વિભીષિકા પરત્વે ટાંકાટેભાતોડ જખમે દૂઝ અભિગમથી જેવું બેમતલબ ને બેમાની છે. એક કારુણિકા તરીકે એનો લિહાજ કરીએ અને એમાંથી બોધપાઠ લઈ આગળ વધીએ તે ઇતિહાસનો કોલ છે – ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની કાશ. હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગને આ સકારાત્મક વાનું પકડાય!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 ઑગસ્ટ 2025