
ચંદુ મહેરિયા
એકવીસમી સદીની પહેલી પચીસીની પૂર્ણાહૂતિના આરે ઊભા રહીને દેશ અને દુનિયાના આદિવાસીઓની સ્થિતિ વિશે વિચારીએ છીએ તો શું લાગે છે? આજે પણ આદિવાસીઓનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ બરકરાર છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અમાનવીય શોષણ અને અત્યાચારો, વેઠિયા મજૂરી અને બાળ મજૂરી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ, વિસ્થાપન અને સ્થળાંતર જેવી અનેક સમસ્યાઓથી તેમને પીડવામાં આવી રહ્યા છે. તેમના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યાં છે.
આદિવાસી, ગિરિજન, વનવાસી, વનબંધુ, અત્વિકા, અનુસૂચિત જનજાતિ અને ટ્રાયબલ જેવા વિવિધ નામે ઓળખાતા આદિવાસીઓ પૃથ્વી પરના મૂળનિવાસી અને આદિ કાળથી વસતા અસલ વતની છે. વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગોલિક અલગાવ, કથિત મુખ્ય સમાજ સાથે સંપર્કનો સંકોચ, આદિમ લક્ષણોના સંકેત, પછાતપણું જેવી વિશેષતા ધરાવતા આદિવાસીઓની વિશ્વના ૯૦ દેશોમાં આશરે ૪૭.૬ કરોડ (વિશ્વની કુલ વસ્તીના ૬ ટકા) વસ્તી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં તેમની વસ્તી ૮.૬ ટકા (૧૦.૪ કરોડ) છે. ગુજરાતમાં ૮૯.૧૭ લાખ (કુલ વસ્તીના ૧૪.૮ ટકા) છે. દુનિયામાં, દેશમાં કે રાજ્યમાં ભલે તેમની વસ્તી લગભગ ૧૦ ટકાની આસપાસ હોય પરંતુ ગરીબીમાં તે અવ્વલ છે. કુલ ગરીબોમાં આદિવાસી ગરીબો સૌથી વધુ અર્થાત ૧૫ થી ૨૦ ટકા જેટલા છે. ભારતના કુલ ભૂભાગમાં ૨૦ ટકા આદિવાસી ક્ષેત્ર છે. રાષ્ટ્રીય સંસાધનોના ૭૦ ટકા ખનિજ, જંગલ, વન્ય પ્રાણી, જળ સંસાધન અને માનવ શ્રમ ત્યાં જ ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસીઓ તેમના અસ્તિત્વ માટે નિરંતર સંઘર્ષ કરતા રહે છે. સરકારી વિકાસ યોજનાઓ તેમને વિસ્થાપિત કરે છે અને બે ટંક રોટલાના સાંસા તેમને સ્થળાંતરિત કરે છે. ભલે દેશનો સામાન્ય સાક્ષરતા દર ૭૩ ટકા હોય આદિવાસી સાક્ષરતાનો દર તેનાથી ઘણો નીચો ૫૯ ટકા જ છે. તેમાં આદિવાસી પુરુષોની સાક્ષરતા ૬૮.૫૩ ટકા અને મહિલા સાક્ષરતા ૪૯.૩૫ ટકા જ છે.
દુનિયાના સૌથી નબળા અને વંચિત સમૂહ એવા આદિવાસીઓની સ્થિતિમાં બદલાવ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમનો માર્ગ આસાન નહોતો. યુનો રચિત વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પોપ્યુલેશનની પહેલી બેઠક ૯મી ઓગસ્ટ ૧૯૮૨ના રોજ જિનિવામાં મળી હતી. તેણે આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવું શરૂ કર્યું. ફસ્ટ ડ્રાફ્ટમાં આદિવાસીઓને તેમના વિસ્તારોમાં પારંપરિક શાસન વ્યવસ્થા લાગુ કરવાનો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રકારના આધિકારોનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શક્યું હતું. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૧ દેશો તટસ્થ રહ્યા હતા. દુનિયાના વિકસિત દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી તેને સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯માં અને ન્યૂઝીલેન્ડે ૨૦૧૦માં તેનો સ્વીકાર કર્યો હતો. આદિવાસીઓનો જંગલ, જમીન અને જળ સંસાધનો પર એકાધિકાર, આત્મ નિર્ણય અને સ્વશાસનનો અધિકાર, પૂર્વ સંમતિથી જ આદિવાસી વિસ્તારોના સંસાધનોનો ઉપયોગ વગેરે આદિવાસી અધિકારો ઘોષણાપત્રમાં સામેલ હતા. જો કે ઘોષણાપત્ર કાનૂની રીતે બાધ્યકારી નથી પરંતુ તેનાથી નૈતિક દબાવ બની રહે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૫ થી ૨૦૦૪ અને ૨૦૦૫ થી ૨૦૧૫ એમ બે દાયકા વિશ્વ આદિવાસી દાયકા રૂપે મનાવીને આદિવાસી અધિકારો માટે જાગૃતિ આણી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આદિવાસી અધિકારો માટેની નવમી ઓગસ્ટ ૧૯૮૨ની પહેલી બેઠકની સ્મૃતિમાં ૧૯૯૪માં દર વરસે ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન INTERNATIONAL DAY OF INDIGENOUS PEOPLES) મનાવવાનું યુનોએ નક્કી કર્યું હતું. ૧૯૯૫થી વિશ્વ નવમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવે છે.
વિશ્વ આદિવાસી દિવસ ઠાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ રહેલા છે. આદિવાસીઓની આગવી સંસ્કૃતિ, વિશિષ્ઠ જીવનશૈલી, ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને રક્ષણ, સમાજની કથિત મુખ્ય ધારાથી કપાયેલા આદિવાસીઓનું સન્માન, તેમના યોગદાનને માન્યતા, તેમના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત જ્ઞાનનું જતન-સંવર્ધન, બહારના તત્ત્વોથી તેમના જળ, જમીન, જંગલનું રક્ષણ, અધિકારો માટેની જાગૃતિ અને શોષણ સામે સંઘર્ષ, તે માટેની પ્રતિબધ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ સાથે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. દર વરસે કોઈ ચોક્કસ થીમ સાથે દુનિયામાં આદિવાસી દિવસ મનાવાય છે. ૨૦૨૩ના વિશ્વ આદિવાસી દિવસની ‘થીમ પારંપરિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા’, ૨૦૨૪માં ‘સ્વનિર્ણય માટે પરિવર્તનના વાહક તરીકે આદિવાસી યુવાનો’ અને ૨૦૨૫માં ‘આદિવાસીઓનો આત્મનિર્ણયનો અધિકાર, ખાધ્યસુરક્ષા અને સાર્વભૌમત્વનો માર્ગ’ની થીમ યુનોએ નક્કી કરી છે.
ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે આદિવાસી મહિલા વિરાજમાન છે. આઝાદીના પંચોતેર વરસો પછી શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજનીતિમાં આદિવાસીઓ થોડી પ્રગતિ સાધી શક્યા છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે.
અન્ય સમાજોની જેમ આદિવાસીઓમાં પણ પ્રભુત્વ ધરાવતો વર્ગ પ્રગતિમાં આગળ છે. પરંતુ કેટલીક આદિવાસી જાતિઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી. એટલે સરકારે તેના તરફ વિશેષ લક્ષ આપ્યું છે. ઉછંગરાય ઢેબર કમિશનની ભલામણો પરથી ૧૯૭૫માં ૫૨ અને ૧૯૯૩માં ૨૩ આદિવાસી જાતિઓને વિકાસમાં અતિપછાત તરીકે ઓળખવામાં આવી હતી. તેથી દેશની ૭૦૫ અનુસૂચિત જનજાતિમાં ૭૫ અતિ પછાત આદિવાસી જાતિઓ છે. પહેલાં તેની પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ (PTG) કે આદિમ જાતિ તરીકે સરકારી ઓળખ હતી. ૨૦૦૬થી તે બદલાઈને PVTG (PARTICULARLY VALNERABLE TRIBAL GROUPS, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ)ની થઈ છે. ગુજરાતની ૩૧ ટ્રાઈબ્સમાં કાથોડી, કોટવાળિયા, કોલધા, પઢાર અને સિદ્દી એ પાંચ પી.વી.ટી.જી. છે.
ત્રણ દિવસ પછી આવતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ઉલ્લાસ સાથે સંકલ્પનો પણ દિવસ છે. આ સંકલ્પ સમાજ અને સરકાર બંનેએ લેવાનો છે. જ્યાં આદિવાસી વસ્તી ઓછી છે અને તે વોટ બેન્ક નથી તેવા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો અને સમાજે ૨૦૦૮-૯માં અને તાઈવાને ૨૦૧૬માં આદિવાસીઓની જાહેર માફી માંગી હતી. સર્વોચ્ચ કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ આદિવાસીઓ પ્રત્યેના અન્યાય માટે જ્ઞમાયાચના કરી હતી. પરંતુ ભારતમાં તો બિનઆદિવાસીઓને આદિવાસીઓની યાદ તેમના ધર્મપરિવર્તન વખતે જ આવે છે. આ વલણ બદલાય તો આદિવાસી દિવસની ઉજવણી સાર્થક બને.
e.mail : maheriyachandu@gmail.com