
આશા બૂચ
પેલેસ્ટાઇન-ઇઝરાયેલ અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ તનતોડ મહેનત કરી રહ્યા છે. રાતના ઉજાગરા કરવા પડે અને પોતે અસંબદ્ધ નિવેદન આપી રહ્યા છે, તેની પણ પરવા કર્યા વિના તેઓ જગતમાં શાંતિ સ્થાપવા કટિબદ્ધ છે, કેમ કે તેમની નજર સામે નોબેલ પારિતોષિક પર ડોનલ્ડ ટ્રમ્પ કોતરેલું દેખાઈ રહ્યું છે. સવાલ એ છે કે માનો કે પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થાય, તો એ બે દેશો અને તેના પાડોશી દેશો વચ્ચે કાયમી સુલેહ અને શાંતિ રહેશે તેની ખાતરી શી?
આ બે દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થવો એ કંઈ નવી બીના નથી. તાજેતરમાં છેડાયેલ યુદ્ધ માટે હમાસે કિબુત્ઝ પર આક્રમણ કરીને ઇઝરાયેલીઓનું અપહરણ કર્યું તે ઘટનાને કારણભૂત જરૂર માની શકાય. પરંતુ એ બે દેશો વચ્ચે દુશ્મનાવટ ભર્યા સંબંધો પાછળ હજારો વર્ષ જૂનો ઇતિહાસ જવાબદાર છે.
પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકો એવી માન્યતા ધરાવે છે કે જુઇશ પ્રજાનો એ ભૂમિ પર અધિકાર હતો તેમ ઐતિહાસિક પુરાવા સાબિત કરે છે, માટે ત્યાંના રહીશ આરબ પ્રજાને રહેવાનો અધિકાર નથી અને ભૂમધ્ય પ્રદેશ તેમ જ યુરોપમાં લઘુમતી કોમ તરીકે સહેલા અન્યાયોનો અંત લાવવા જુઇશ રાજ્ય – ઇઝરાયેલ સ્થાપવું એ તેમનો અધિકાર છે.
જો સદીઓ જૂની પરિસ્થિતિને સંભારીને હાલની ભૌગોલિક-રાજકીય વ્યવસ્થાને ડહોળી નાખવી હોય, તો થોડાં હજાર વર્ષ પહેલાંના નકશા પર નજર કેમ ન નાખવી? એ આખા પ્રદેશ પર તો ઇજિપ્શિયન, અસીરિયન, બેબીલોનિયન, પર્શિયન, મેસેડોનિયન, રોમન અને આરબ સામ્રાજ્યો સમાયંતરે શાસન કરતા રહ્યા હતા; તો શું આજે એ બધા દેશો તેના પર દાવો માંડી શકે ખરા?
પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે છેલ્લા થોડા દાયકાઓમાં બનેલી ઘટનાઓ તપાસતાં સવાલ થાય કે શું જગતમાં ક્યારે ય જુઇશ અને મુસ્લિમ પ્રજા એક જગ્યાએ હળીમળીને શાંતિથી રહી જ નહીં હોય? ઇતિહાસકારોની નોંધ દર્શાવે છે કે એ બંને પ્રજા દુનિયાના અલગ અલગ ભાગમાં હળીમળીને રહેતી હતી. ઉદાહરણ તરીકે સ્પેઇનમાં અંડાલુસ (Al-Andalus), કે જે મુખ્યત્વે ઇસ્લામિક પ્રભુત્વ ધરાવતો પ્રદેશ હતો ત્યાં, ઓટોમન સામ્રાજ્ય હેઠળના દેશોમાં, મોગલ કાળ દરમિયાન ભારતમાં, મોરોક્કોમાં અને દુનિયાના અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં એ બંને પ્રજા સુલેહથી રહેતી હતી તેમ જાણવા મળે છે. એટલું જ નહીં, જુઇશ પ્રજા મોટે ભાગે જે તે સમાજમાં તેના અભિન્ન અંગ થઈને રહેતી અને મહત્ત્વના ગણાવી શકાય તેવા સરકારી, શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન ધરાવતા. તો, એવું તે શું બન્યું કે હવે જુઇશ-મુસ્લિમ પ્રજા શાંતિથી ન જીવે કે ન જીવવા દે?
શાણો માણસ એને કહેવાય, જે પોતાના વર્તમાનમાં લીધેલાં નિર્ણયો ભવિષ્યમાં પોતાને માટે, અન્ય સંબંધિત લોકો માટે, કે સમાજ અથવા સમગ્ર દેશ-દુનિયા માટે કેવા પરિણામો લાવશે, તેનો પૂરો વિચાર કર્યા બાદ તેને અમલમાં મૂકે. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો, ત્યારે 400 વર્ષના ઓટોમન સામ્રાજ્યનો પણ અંત આવ્યો. હાલના ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને જોર્ડનનો સંયુક્ત વિસ્તાર – પેલેસ્ટાઇનનો કબજો 1917ના બાલ્ફોર ડેક્લેરેશન દ્વારા બ્રિટને લીધો તેને લીગ ઓફ નેશન્સે 1922માં માન્યતા આપી, ત્યારે વિચાર નહીં આવ્યો હોય કે સો વર્ષ પછી પણ ત્યાંની પ્રજા લડાઈ કરતી રહેશે? બ્રિટનની મુખત્યારીના સમય દરમિયાન એ આખો પ્રદેશ પેલેસ્ટાઇન તરીકે જ ઓળખાતો હતો, તો તેમાં તડ ક્યારે અને શાથી પડી?
નોંધનીય હકીકત તો એ છે કે સ્થળાન્તર કરીને આવેલા અને સ્થાયી થયેલા જુઇશ લોકોએ ઊભી કરેલી રોજગારની તકોથી આકર્ષાઈને ઈ.સ. 1897થી 1948 દરમિયાન ઇજિપ્ત, સીરિયા અને લેબેનોન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં આરબ લોકો પેલેસ્ટાઇન આવીને વસ્યા હતા. એટલું જ નહીં, 1948માં ઇઝરાયેલ સ્ટેટની સ્થાપના થઇ તે પહેલાં જુઇશ પ્રજા ભૂમધ્ય પ્રદેશના દેશો, યુરોપ અને આફ્રિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં વસતા હતા. તો એમનાં મૂળ એ દેશોમાંથી ઉખેડીને જે ભૂમિ પર હજારો વર્ષ પહેલાં જુઇશ પ્રજા રહેતી હતી ત્યાં તેમને વસાવવા પાછળ કયો ઉમદા હેતુ હતો?
ઇઝરાયેલ તરીકે ઓળખાતી ભૂમિ પર હજારો વર્ષ પહેલાં અબ્રાહમ આવ્યા અને ઇઝરાયેલનું રાજ્ય સ્થાપ્યું ત્યારના જુઇશ લોકો એ ધરતી પર વસતા હતા અને આરબ પ્રજા ત્યાં આવીને વસી અને એ પ્રદેશને પેલેસ્ટાઇનની ઓળખ મળી એ થોડી સદીઓ બાદની ઘટના છે એ ખરું. પણ ત્યાર બાદ એ આખો પ્રદેશ આરબનું વતન બની ગયો હતો. તેઓ પોતાની ભાષા, ધર્મ અને સંસ્કૃતિનાં મૂળ નાખીને રહ્યા હતા. 1948માં જ્યારે ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે આરબોએ વિરોધ કરેલો. તેની અવજ્ઞા બ્રિટનની તત્કાલીન સરકાર અને લીગ ઓફ નેશન્સે કરી ત્યારે સ્વપ્નમાં ય ખ્યાલ નહીં હોય કે એકવીસમી સદીમાં જુઇશ લોકો એ જમીન પર હક જમાવવા હિંસા આચરશે. કોઈ દિવસ પોતાના વડવાઓનું ઘર વેંચાઈ ગયા બાદ એની માલિકી બીજાની હોય, તો એના ઘરમાં અનધિકાર પ્રવેશ કરાય?
જ્યારે 14 મે 1948ને દિવસે જુઇશ એજન્સીના વડા ડેવિડ બેન-ગુરિઓને ઇઝરાયેલ રાજ્યની સ્થાપનાની ઘોષણા કરી, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને તેને તે જ દિવસે માન્યતા આપી. અને આજની ઘડી સુધી અમેરિકાએ જુઇશ લોબીના પ્રભાવમાં આવીને ઈઝરાયેલને શસ્ત્રો આપીને પાડોશી ઇસ્લામિક દેશો સામે લડવા માટે પૂરેપૂરું સજ્જ બનાવ્યું છે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ શાંતિ સ્થાપવા કેમ કટિબદ્ધ થયા હશે, ભલા?
ઘડીભર સ્વીકારી લઈએ કે યુ.એન. અને યુરોપના દેશો હમાસ અને ઇઝરાયેલની સરકારની વેરભાવનાને ટાઢી પાડવા સફળ થશે. છતાં આસપાસ ચોપાસ ઘેરાયેલા ઇસ્લામિક દેશોનો દુનિયાના એક માત્ર જુઇશ સ્ટેટ સાથે સંબંધ કેવો રહેશે? જે જુઇશ પ્રજા હજારો વર્ષ પહેલાં પોતાના વડવાઓની ભૂમિ પર અધિકાર કરવા ગેરકાયદેસર વસાહત ઊભી કરે, ભયાનક હિંસા આચરે, એ શું રાતોરાત મુસ્લિમ પ્રજા સાથે દોસ્તી કરશે?
અહીં ગાંધીજીનું વચન યાદ આવે.
ગાંધીજીને જુઇશ પ્રજા પર વીતેલા દમન માટે તેમના માટે ભરપૂર સહાનુભૂતિ હતી, પરંતુ આરબ લોકોની સહમતી વિના ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવું તેમને મન અન્યાય ભરેલું હતું. એનો શાંતિમય ઉપાય એક જ હતો, જુઇશ પ્રજા પેલેસ્ટાઇનમાં વસતા લોકોની પરવાનગીથી તેમની સાથે રહેવા લાગે અને સમય જતાં બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસે અને બંનેનો વિકાસ થાય. જેમ દુનિયામાં ઘણા દેશોમાં અન્ય દેશોમાંથી આવેલી પ્રજા હળીમળીને રહે છે, પ્રગતિ કરે છે, પોતે સમૃદ્ધ થાય અને પોતાના દત્તક લીધેલા દેશને પણ લીલોછમ બનાવે છે એનો ઇતિહાસ સાક્ષી છે.
આંતરરાષ્ટ્રીય સંગઠન અને લવાદી કરનારા દેશો પોતાનાં સૂચનો, નિર્ણયો અને પગલાંઓની દૂરગામી અસરો વિષે પૂરેપૂરો વિચાર કરે તે માટે ગોડ, અલ્લાહ એમને શક્તિ આપે એવી દુવા.
e.mail : 71abuch@gmail.com