
અરવિંદ વાઘેલા
સ્વતંત્રતા ઈશ્વરીય ભેટ છે. પરમેશ્વરે દરેકને સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપી છે. સર્વશક્તિમાન પ્રભુ યહોવાહે જ્યારે દૂતોનું સર્જન કર્યું, ત્યારે તેમને પણ સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપી. ઇચ્છાશક્તિ વ્યક્તિને પોતાના નિર્ણયો લેવાની છૂટ આપે છે. જેને કારણે તે પોતાને પસંદ એવો નૈતિક કે અનૈતિક માર્ગ પસંદ કરી શકે છે. જો વ્યક્તિ ખોટાં નિર્ણયો લે, જેમ કે લોભ, લાલચ, દ્વેષ કે અહંકારથી પ્રેરિત નિર્ણયો લે તો તેનું પતન થઈ શકે છે. સ્વતંત્રતાનો દુરુપયોગ પાપ કે નૈતિક અધ:પતન તરફ દોરી જાય છે. સ્વતંત્ર ઇચ્છાશક્તિ પોતે પતનનું કારણ નથી. તેનો કઈ રીતે ઉપયોગ થાય છે એના પર નિર્ભર છે. ઝ્યાં પોલ સાર્ત્ર જેવા લેખક અને ચિંતક સ્વતંત્ર ઇચ્છાશક્તિને માણસની જવાબદારી સાથે જોડે છે. અર્થાત સ્વતંત્રતા ભોગવો તો સાથે જવાબદારી પણ નિભાવો. જો માણસ જવાબદારી ન સ્વીકારે તો તે ખોટાં માર્ગે જઈ શકે છે. સ્વતંત્રતાનો નૈતિકતા અને જવાબદારી સાથે વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો ઉત્થાન અને સ્વાર્થ, અહંકાર અને અજ્ઞાન સાથે ઉપયોગ કરો તો પતન ! દરેક વ્યક્તિ પોતાના આત્માની નૈતિક સ્થિતિ માટે જવાબદાર છે.
પવિત્ર જગ્યામાં પાપ ન થાય એની કોઈ ખાતરી નથી. સ્વર્ગ જેવી પવિત્ર જગ્યામાં પણ નૈતિક અધ:પતન થઈ શકે છે. પવિત્રતાની વચ્ચે પણ પતિતતા પાંગરે એનું સચોટ ઉદાહરણ સ્વર્ગદૂત લુસિફર છે. દૂતોનું સર્જન હેતુલક્ષી છે. સ્વર્ગમાં દેવના રાજ્યાસનની અહર્નિશ સ્તુતિ આરાધના માટે દેવે સ્વર્ગ દૂતોનું સર્જન કર્યું. તેમની પ્રથમ જવાબદારી રાજ્યાસનના મહિમાના ગૌરવગાનની છે. યહોવાહ દેવે દૂતોનું સર્જન ક્યારે કર્યું ? એના વિષે બાઈબલ કે ઉત્પત્તિ : ૧માં કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ વચનમાં કહેવાયા પ્રમાણે – ‘ …. તેનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે. જે દૃશ્ય તથા અદૃશ્ય છે. રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયાં’. અર્થાત દેવે સઘળાંનું સર્જન કર્યું. કેટલાક ધર્મશાસ્ત્રીઓ અને અભ્યાસીઓ એવું અનુમાન કરે છે, કે દેવે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું તે દરમ્યાન કે તે પહેલાં દેવદૂતોનું સર્જન કર્યું. યહોવાહ દેવે પોતાની દૈવી યોજનાઓની પરિપૂર્તિ માટે જુદા જુદા પ્રકારના દૂતોનું સર્જન કર્યું. કેટલાક Non Biblical – Apocrypha અને The Book of Enoch જેવા ગ્રંથો દૂતોને Rank, Role અને Authorityને આધારે સ્વર્ગીય અધિશ્રેણીમાં વહેંચે છે. જેમાં અનુક્રમે સરાફિમ જેઓ (દેવની સમક્ષ રહી ‘પવિત્ર પવિત્ર પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવાહ, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે,’ એવા અખંડનાદથી રાજ્યાસનનો મહિમા અને ધન્યવાદ કરનારા ઉચ્ચ શ્રેણીના દૂતો છે.) કરુબિમ (દેવસેવા અને રક્ષણ તથા માર્ગદર્શન કરનાર દૂતો છે.) પ્રમુખ દૂતો (Archangels – રક્ષણ અને સંચારના દૂતો) દેવદૂતો (Angels – સેવા, સંદેશાવહન અને માર્ગદર્શક દૂતો) છે. આ સઘળા દૂતોમાં લુસિફરનું સર્જન વિશિષ્ટ છે.
લુસિફર (Lucifar) લુસિફર શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો મૂળ હિબ્રુ શબ્દ Helel ben Shahar જેનો અનુવાદ Shining One (તેજસ્વી) થયો. હિબ્રુ શબ્દ Helelનો લેટિનમાં અનુવાદ Lucifar થયો. લેટિનમાં જેનો અર્થ પ્રકાશ લાવનાર (Light Bearer) કે સવારનો તારો (Morning Star) થાય છે. બાઈબલમાં લુસિફરની ઓળખ તેજસ્વી તારા (Morning Star ) તરીકે થઈ છે. જુઓ યશાયાહ 14:12
લુસિફર, પ્રભુ યહોવાહે સર્જેલો અત્યંત સુંદર જીવ / દેવદૂત હતો. તે રૂપસૌંદર્ય, જ્ઞાન-બુદ્ધિચાતુર્ય તથા શક્તિ, સામર્થ્ય અને નેતાગીરીમાં સંપૂર્ણ હતો. પ્રભાવક વક્તા લુસિફરને દેવે પ્રકાશ કે અગ્નિથી બનાવ્યો હતો. તેનું વ્યક્તિત્વ આંજી નાખે તેવું પ્રભાવક હતું. દૂતોની સ્વર્ગીય અધિશ્રેણીમાં લુસિફરને આર્ક એન્જલ અને કરુબ તરીકે ઓળખવામાં આવ્યો છે અર્થાત તે સર્વોચ્ચ દેવદૂત હતો.
ભૂમિકા –
તેની મુખ્ય ભૂમિકા કે પ્રમુખ કાર્ય પ્રભુ યહોવાહ સમક્ષ સ્તુતિ આરાધના કરવાનું હતું. યહોવાહ દેવના રાજ્યાસનના મહિમા અને ગૌરવનું ગાન કરનાર દેવદૂતોના જૂથનો તે અગ્રણી નેતા હતો. પૂર્ણ નિષ્ઠા અને સમર્પિતભાવે તે દેવની આરાધના કરતો. હઝ્કીએલ ૨૮:૧૪ તેને – ‘આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ’ કહે છે. લુસિફર પરમેશ્વરને પ્રિય દેવદૂત હતો.
અહમનો જન્મ –
અસાધારણ સૌંદર્ય અને અત્યંત તીવ્રબુદ્ધિ કે જ્ઞાનને કારણે વ્યક્તિને સતત પ્રશંસા કે ધ્યાન આકર્ષિત કરવાની અપેક્ષા રહેતી હોય છે અને તે ન મળે ત્યારે શ્રેષ્ઠતાની ભાવના (Superiority Complex) અહંકારને જન્મ આપે છે. દેવે આપેલી સ્વતંત્ર ઇચ્છાશક્તિને કારણે લુસિફરને સૌંદર્યનું, જ્ઞાનનું, શક્તિનું, અભિમાન થયું. તેને સ્વના પ્રેમમાં પાડનાર Narcissist નાર્સીસ્ટ ગ્રંથિએ તેનામાં અહંકારને જન્મ આપ્યો. આ Superiority Complex શ્રેષ્ઠતાની ભાવનાએ તેનામાં પરમેશ્વરની સમકક્ષ કહો કે પરાત્પર કરતાંયે ઉચ્ચ થવાના ગર્વિષ્ઠ વિચારને જન્મ આપ્યો. આમ તો કોઈ પણ વિચારના સ્વતંત્ર અસ્તિત્વનું કોઈ મૂલ્ય હોતું નથી, પણ જ્યારે એ વિચાર અમલમાં મુકાય પછી જ એનું મૂલ્ય નક્કી થાય છે. લુસિફરે પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિના બળે એ વિચાર પર અમલ કરવાનું નક્કી કર્યું. પોતાના સર્જનહારની સામે વિદ્રોહ કર્યો. પરાત્પરની સામે પોતાની જાતને ઊંચી કરવાનો પ્રયાસ લુસિફરે કર્યો. જુઓ યશાયાહ ૧૪: ૧૩,૧૪ તે કહે છે, કે – ‘હું દેવના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ;.. … હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત્પર સમાન કરીશ.’ લુસિફરે પોતાના સ્વાર્થ અને અહંકારને કારણે સ્વર્ગમાં બંડ પોકાર્યું, પરાત્પરની સમક્ષ રહેતો હોવા છતાં પાપનો પક્ષ પસંદ કર્યો. પ્રભુ યહોવાહે તો દરેક દેવદૂતોને સારા બનાવ્યા હતા, લુસિફરને માટે પણ હઝકીયેલ ૨૮:૧૫માં કહેવામાં આવ્યું છે, કે – ‘તારી ઉત્પત્તિના દિવસથી, તારામાં દૂરાચાર માલૂમ પડ્યો ત્યાં સુધી તારાં આચરણ સંપૂર્ણ હતા.’ પરંતુ તે પોતાની પસંદગીથી, પોતાની ઈચ્છાથી ભ્રષ્ટ થયો, નહિ કે દેવના સર્જનની કોઈ ખામીને કારણે.
વિદ્રોહની શરૂઆત –
પ્રભુ યહોવાહની પૂર્ણ રચના દેવદૂત લુસિફર, પોતાના જ સર્જનહારની સામે વિદ્રોહ કરી પ્રતિપક્ષી બની ગયો. સુંદરતા અને શક્તિના ગુમાને તેનામાં સ્વશ્રેષ્ઠતાની ભાવના તો જન્માવી જ, ઉપરાંત પરમેશ્વરનો વિશેષ પ્રેમ અને અન્ય દૂતોની પ્રશંસાથી એનામાં પરમ થવાની ભાવના બળવત્તર બની. હઝકીયેલ ૨૮:૧૭ ને જુઓ – ‘તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે,’ પ્રભુ યહોવાહની ભવ્યતા અને ગૌરવ જોઈ એ તુલના કરતો થયો કે, પોતે આટલો સર્વાંગ સંપૂર્ણ છે, તો શા માટે હું પરમેશ્વર જેવો ના થાઉં ? ધીરે ધીરે પરમેશ્વર પિતા તરફની એની આસ્થામાં ઓટ આવી, રાજ્યાસન પ્રત્યેની એની શ્રદ્ધા ડગી એટલે એની આરાધનામાં ઓટ આવી. પ્રભુના મહિમાના ગાન હવે તે અધૂરા મનથી ગાતો. પરમેશ્વરને એના બદલાયેલા વર્તનનો ખ્યાલ આવ્યો. દેવે એને પ્રેમથી સમજાવ્યો, તેને સમય આપ્યો, તક આપી પણ તે પાછો ન ફર્યો, ઊલટાનું પોતાને વધુનો હકદાર સમજવા લાગ્યો! લુસિફરને દેવને વફાદાર રહેવાની ઇચ્છા તો હતી, પણ એની મહત્ત્વાકાંક્ષા વધુ બળવાન સાબિત થઈ. તેના મનના અંધારા ખૂણામાં ઘમંડનું બીજ પાંગર્યું. પોતાના ભાવિ માટે તેણે યોજના બનાવી લીધી. એક રીતે આદમ-હવાની જેમ જ લુસિફરની પણ આ પરીક્ષા હતી. એડનવાડી ધરતીનું સ્વર્ગ હતી, પરંતુ ભલા ભૂંડાના વૃક્ષે તેમને આઝાદીની યાદ અપાવી. હવાને પણ પરમેશ્વર જેવા થવાની લાલસા થઈ, એવું જ લુસિફરનું થયું. એણે પણ સર્જનકર્તા પ્રત્યે વફાદાર અને આજ્ઞાપાલક રહેવાને બદલે સ્વતંત્રતા પસંદ કરી. મિથ્યા ઘમંડે વિદ્રોહના બીજને પોષણ પૂરું પાડ્યું.
પરમેશ્વરની યોજનાનો વિરોધ –
સ્વર્ગમાં જન્મેલા આ પાપની સાંકળ શેતાન મજબૂત બનાવે અને પૃથ્વી પર એનો વિસ્તાર કરે તો? સ્વર્ગના અધિષ્ઠાતા પ્રભુ યહોવાહે તમામ દૂતોને એકત્રિત કરી પોતાની ભાવિ યોજના સ્પષ્ટ કરી. પૃથ્વી પરથી પાપની સાંકળ તોડવા પ્રકાશનો પરમેશ્વર પોતે પુરુષરૂપે, માનવદેહે ધરતી પર જન્મ લેશે, અર્થાત પોતાના પુત્રને પૃથ્વી પર મોકલશે ત્યારે સઘળા દેવદૂતોને તેની સેવા કરવાનું ફરમાન કર્યું. હિબ્રુ ૧:૬ પ્રમાણે – ‘જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે, કે ઈશ્વરના સર્વદૂતો તેનું ભજન કરો.’ દેવે દૂતોનું સર્જન સેવાને અર્થે જ કર્યું છે. હિબ્રુ ૧:૧૪માં કહેવાયું છે,કે – ‘… શું તેઓ સર્વ સેવા કરનાર આત્મા નથી.’
પરમેશ્વરની આ યોજના લુસિફરને પસંદ ન આવી. પોતે પરમેશ્વરનો પ્રિય, સર્વાંગ સંપૂર્ણ હોવા છતાં દેવે એને નાપસંદ કરી સ્વયં પોતે જ માનવ શરીર ધારણ કરી ધરતી પર આવવાનું પસંદ કર્યું. દેવદૂતો પ્રકાશ કે અગ્નિથી બનેલા હોય, લુસિફર પોતાને પ્રકાશનું સંતાન ગણી અહમ અને ધૃણા સાથે માણસની સેવા કરવાની ના પાડે છે. એની વિચારધારાના સાથી દૂતોને એણે પ્રભાવક રીતે સમજાવ્યું, કે આ ખોટું છે અને આપણે એ ન માનવું જોઈએ. આપણે પ્રકાશથી બનેલા છે, આપણું સ્થાન ઉચ્ચ હોવું જોઈએ, ના કે નિમ્ન, આપણે શા માટે માટીના બનેલા કમજોર માણસની આગળ ઝૂકવું જોઈએ? લુસિફરની વાતોથી પ્રભાવિત થયેલા કેટલાંક દૂતોએ Son of man(માનવપુત્ર પ્રભુ ઈસુ)ની સેવા કરવાનો, એમની સમક્ષ ઝૂકવાનો ઇનકાર કર્યો. તેના જૂથે સ્વર્ગમાં વિદ્રોહનું વાતાવરણ ઊભું કર્યું.
સ્વર્ગીય યુદ્ધ અને શેતાનનો પરાજય –
સ્વર્ગીય વાતાવરણમાં ઊભી થયેલી આ વિદ્રોહની હવામાં લુસિફરનું ઘમંડ સાતમા આસમાન પર હતું. તે પોતાના રેન્ક, રોલ અને ઓથોરીટીનું ગુમાન કરતાં કહે છે, કે હું પરમેશ્વરની ભક્તિમાં સૌથી આગળ છું, તે શું હું એક માનવીની સેવા કરું ? પ્રકાશથી બનેલો હું માટીના માણસની સેવા કરું? તેની વિચારધારાના દેવદૂતોને તેની વાત સાચી લાગી. લુસિફર તેમને સ્વર્ગના બંધનોથી આઝાદ કરવાનું વચન આપે છે. જ્યાં કોઈની સામે ઝૂકવું ન પડે તેવું વાતાવરણ ઊભું કરી પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની લાલચ આપી. આથી બંડખોર દૂતોએ પોતાના નેતા તરીકે લુસિફરને પસંદ કર્યો. આઝાદ થવાની ભાવનાવાળા મહત્ત્વાકાંક્ષી અને ઘમંડી લુસિફરે બંડખોરોની સેના તૈયાર કરી સ્વર્ગમાં દેવ સામે આધિપત્યની લડાઈ છેડી. દેવના પક્ષે પ્રમુખ દેવદૂત મિખાઈલે મોરચો સંભાળ્યો. તેણે પ્રથમ તો લુસિફરને સમજાવ્યો, તેને વાસ્તવિકતાનું ભાન કરાવતાં કહ્યું કે, તું ઘમંડી છે એટલે તું પોતાને પરમેશ્વરથી ઉપર ગણે છે. પ્રમુખ દેવદૂત મિખાઈલે સ્વર્ગના દેવદૂતો સમક્ષ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, Who is like God – દેવના જેવો કોણ છે ? મિખાઈલની વાત સાચી હોવા છતાં લુસિફરને પસંદ નથી, કેમકે મિખાઈલને તે તેનાથી નીચી કક્ષાનો દેવદૂત ગણે છે. લુસિફરે ધર્મને બદલે અધર્મ, પ્રકાશને બદલે અંધકાર અને સદને બદલે અસદ પસંદ કર્યું. તેની જીદને કારણે સ્વર્ગમાં ભયંકર યુદ્ધ ખેલાયું. દેવના પક્ષે, દેવ પર અગાધ વિશ્વાસ અને અનન્ય પ્રેમ ધરાવનાર આર્ક એન્જલ મિખાઈલ સેનાપતિ હતો. પ્રભુ યહોવાહની શક્તિ અને સહાયથી મિખાઈલે, લુસિફર અને તેના સૈન્યને પરાજિત કર્યું અને તેમને પૃથ્વી પર ફેંક્યા. પ્રકટીકરણ ૧૨:૭ પ્રમાણે – ‘… પછી આકાશમાં લડાઈ જાગી, મિખાઈલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા તો પણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે જગતને ભમાવે છે. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.’ લુસિફર સ્વર્ગના ત્રીજા ભાગના અપદૂતો સાથે પૃથ્વી પર પડ્યો. (અંગ્રેજ મહાકવિ જોન મિલ્ટન ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં પરાજય પછી લુસિફર અને તેના સાથીઓને નર્કમાં ફેંકવામાં આવ્યાં હોવાની કલ્પના કરે છે. સ્વર્ગના આ શુદ્ધિકરણ પછી દેવે દુનિયાનું સર્જન કરી તેની કમાન આદમ-હવાને આપી. દેવે નવી બનાવેલી પૃથ્વી અને તેની પ્રિય રચના માનવને ભ્રષ્ટ કરવા શેતાન એડનમાં પ્રવેશ કરે છે. સર્પ વેશે હવાને ભરમાવી તે વિજયી રીતે નરકમાં પાછો ફરે છે અને સાથીઓને માણસના પતનની વાત કરે છે.)
સ્વર્ગથી નિષ્કાસન અને અધ:પતન –
લુસિફર દેવથી દૂર થયો, પ્રકાશથી દૂર થયો પણ ઘમંડ કે નફરત ઓછી ન થઈ, તે દેવનો ઘોર વિરોધી બની ગયો. દેવની બનાવેલી દુનિયાને, દુનિયાની વ્યવસ્થાને અને માનવતાને બરબાદ કરવાનું પ્રણ લઈ બેઠો. સ્વર્ગના પ્રકાશથી અંધકારમાં ધકેલાયેલો લુસિફર નફરત અને ધૃણામાં અંધ થઈ ગયો અને અધ:પતન પામી શેતાન બન્યો. એની નફરત અને ગુસ્સાનું નિશાન માણસો બન્યા. પ્રક. ૧૨:૧૨નું વચન આ સંદર્ભે કહે છે,કે – ‘… પૃથ્વી તથા સમુદ્રને અફસોસ ! કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે, ને ઘણો કોપાયમાન થયો છે’. અંત સમયે પૃથ્વી પર શેતાન જાનની બાજી લગાવી દેશે, વિશ્વાસીઓના મનમાં શંકા પેદા કરી ધર્મના માર્ગથી ભટકાવવાના વિવિધ હથકંડા અજમાવશે. પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવા તેમ જ પોતાને દેવ તરીકે પ્રસ્થાપિત કરવા તથા લોકો તેની પૂજા કરે માટે પૃથ્વીના લોકોને વિવિધ પ્રકારની લાલચ અને વિદ્યા આપી, લુસિફર અને એના સાથીઓ પરમેશ્વર જેવો મહિમા મેળવવાના પ્રયત્નોમાં લાગી ગયા.
શેતાનની માયાજાળ –
સ્વર્ગથી નિષ્કાસિત લુસિફર સાથે ૨૦૦ જેટલા (Watchers) ચોકીદાર દૂતો માઉન્ટ હર્મોન પર ઉતર્યા (1 Enoch 5 ,6 ) જેમાં 20 જેટલા તેમના નેતાઓ હતા. જેમણે પૃથ્વીના લોકોને વિવિધ વિદ્યા શીખવાડી જેમાં મુખ્ય છે –
1. Samyaza – (વોચર્સનો નેતા સામયાઝા) જેણે આ અપદૂતોને માણસની દીકરીઓ સાથે સંબંધ બનાવવાની, લગ્ન કરવાની સલાહ આપી.
2. Araquiel – (અરાકિએલ), જેણે પૃથ્વી સંબંધી , ભૂસ્તરશાસ્ત્રની વિદ્યા આપી.
3. Ramael – (રમાએલ) – સ્વાદ વિશેનું જ્ઞાન ( કડવો – મીઠો વગેરે )
4. Kokabiel – (કોકાબિએલ) – એસ્ટ્રોલોજી – જ્યોતિષવિદ્યા શીખવી.
5. Tamaiel – (તમાયિએલ) – એસ્ટ્રોનોમી – ખગોળવિદ્યા
6. Azael – (અઝાએલ) – મેટલ વર્ક – ધાતુકામ –
જેવી વિદ્યાઓ ઉપરાંત દુન્યવી જ્ઞાન, મંત્ર તંત્ર, જાદુટોણા વગેરે માનવને શીખવી પૃથ્વીના લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની કોશિશ કરી અને સફળ પણ થયા. શેતાન અને તેના દૂતોનું મુખ્ય ધ્યેય તો જે ભાવોને કારણે તેમનું પતન થયું તે અહંકાર, ઈર્ષ્યા અને સ્વાર્થ જેવા ભાવો માણસોમાં પેદા કરી દુનિયાની સુચારુ વ્યવસ્થાને ખોરવી નાખવાનું હતું.
શેતાન ઇચ્છે છે, કે દુનિયાના લોકો પરમેશ્વરની જેમ તેની પૂજા કરે, આ માટે તેણે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી. તેનું મુખ્ય નિશાન વિશ્વાસીઓ છે. દેવ બાપથી જે દૂર જાય, અંધકારને માર્ગે ભટકે તેને તે નિશાન બનાવે છે. જુઓ વચન આપણને સાવધ કરતાં કહે છે કે, – ‘ સાવધ થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેણે ગળી જવાને શોધતો ફરે છે.’ 1 પીટર 5-8 શેતાનના નિશાને સમગ્ર માનવજાત અને માનવતા છે. શેતાન દુનિયામાં વિરોધી વ્યવસ્થા ઊભી કરી પોતાના તરફ લોકોને ખેંચી રહ્યો છે. લોકો ભૌતિકતાના નશામાં દેવથી દૂર થઈ રહ્યા છે. વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો લોકોને આધ્યાત્મિકતા અને વચનથી દૂર કરી રહ્યા છે. વ્યભિચાર અને અશ્લીલતા લોકોને સહજ લાગી રહ્યા છે. ઓનલાઈન જુગારની જાહેરાત સામાન્ય બની ગઈ છે. અશ્લીલ ફિલ્મ અને વેબ સીરીઝની બીભત્સ ભાષા લોકોને શેતાની સામ્રાજ્યના ગુલામ બનાવે છે. Eat, Drink and Be merry ખાઓ, પીઓ, અને મજા કરોમાં લોકો મસ્ત છે. શેતાનની માયાજાળ દુનિયાના લોકોને માનવીય મૂલ્યોથી દૂર કરી રહી છે.મૂલ્યહ્રાસના આ સમયમાં શેતાનવાદીઓ દેવના રાજ્યને પડકારી રહ્યા છે. તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેણે ગળી જવાને શોધતો ફરે છે.’ નિર્બળ અને શંકાથી ભરેલા (The Vulnerable) જે લોકો આધ્યાત્મિક રીતે નબળા છે, મનમાં શંકા કુશંકાઓ ભરીને બેઠા છે. માનસિક રીતે નબળા અને નૈતિક હિંમત વગરના, દુન્યવી ડરનો ભોગ બનેલા લોકોને શેતાન પોતાના નિશાને લે છે. માટે અંધારાના કાર્યોના સોબતી ન બનો અને એફેસી 4:27 કહે છે તેમ તમારા જીવનમાં ‘શેતાનને સ્થાન ન આપો’. પણ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો.
e.mail : arvindvaghela1967@gmail.com