
રવીન્દ્ર પારેખ
ઉત્તરકાશીના ધરાલી અને અન્ય બે સ્થળો પર વાદળ ફાટવાને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યાં અને સેંકડોની હજી કોઈ ભાળ મળી નથી. એ ખરું કે વાદળ ફાટવાની આગાહી થઇ શકતી નથી, એટલે હાનિ વધુ થાય છે. હાનિ કરનારાં કારણો નજર સામે હોય, તો તે દૂર કરી શકાય, પણ હંમેશ દૂર થાય જ એવું નથી. પર્વતીય ક્ષેત્રોમાં નાના મોટા પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસ સાધવાની જે ઘાતક ઘેલછા સરકારોમાં ઘર કરી ગઈ છે, તે વિકાસને વિનાશમાં પલટ્યા કરે છે. વારુ, આ પર્વતીય ક્ષેત્રોમાં પવિત્ર યાત્રાધામો આવેલાં છે ને તે વિકાસને નામે વધુ પ્રદૂષિત થઇ રહ્યાં છે, પણ તેમાં સુધારો કરવાની તંત્રોની તૈયારી નથી. તે એટલે કે આ વિકાસ વધુ કમાણી કરાવનારો છે. કોણ જાણે કેમ પણ, આપણા ઘણા ખરા વિકાસનું લક્ષ્ય આર્થિક લાભ જ છે, એથી વચમાં કંઇ પણ આવે તો તેને જમીનદોસ્ત કરવાનો કોઈને ય સંકોચ થતો નથી. સાચું તો એ છે ધાર્મિક ઓઠાં હેઠળ પણ હેતુ તો આર્થિક લાભ ખાટવાનો જ હોય છે. આવો ધાર્મિક લાભ ખાટવાની ઈચ્છા તંત્રોની જ હોય છે એવું નથી, એ ઈરાદો પ્રજાનો ય હોય જ છે. આવું અત્યારે સોમનાથ કોરિડોર મુદ્દે જોવા મળી રહ્યું છે.
સોમનાથ, બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે ને પહેલું છે. ભારતની સ્વતંત્રતા પછી, તે વખતના નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના આદેશથી આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું ને તે 1951માં પૂર્ણ થયું. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે ને દેખીતી રીતે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન-પૂજન-અર્ચન માટે ઉમટશે, પણ આ બધાંમાં ત્યાંના નિવાસીઓનો અસંતોષ પણ સપાટી પર આવ્યો છે. અસંતોષનું કારણ સોમનાથ મંદિર નથી, પણ સોમનાથ કોરિડોર છે. સોમનાથ કોરિડોર અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આઠેક મહિના પર મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને વડા પ્રધાન મોદીએ કોરિડોર પ્રોજેક્ટ પર આખરી મહોર મારતાં તેમાં વેગ આવ્યો છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટની કામગીરીનો એક નમૂનો જાણવા જેવો છે. દશનામ ગોસ્વામી સમાજના સભ્યો રુદ્રેશ્વર મંદિર પાસે વર્ષોથી રહેતા હતા, પણ કોર્ટના આદેશ બાદ સમાજે જગ્યા ખાલી કરી આપી હતી. એ સાથે જ ટ્રસ્ટને મંદિરમાં પૂજા કરવા દેવાનું અને 200 વર્ષ જૂનું સમાધિ સ્થળ ન તોડવાનું સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મૌખિક રીતે તો સંમત થયું, પણ 9 જુલાઈ, 2025ની રાત્રે દોઢેક વાગે 100 જૂનાં સમાધિ સ્થળો તોડી પાડવામાં આવ્યાં ને રુદ્રેશ્વર મંદિર કોર્ડન કરી દેવાયું. આમ તો સોમનાથ અને રુદ્રેશ્વર વચ્ચેનું અંતર દોઢેક કિલોમીટરનું જ છે ને બન્ને શિવ મંદિરો જ છે, છતાં બન્ને વચ્ચે કેટલું બધું ‘અંતર’ છે ! આ મામલે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો સોમનાથ ટ્રસ્ટ પર મૂક્યા ને સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું તે સાથે જરૂર પડે તો સમાજની તૈયારી હાઈકોર્ટ સુધી જવાની છે તે ય સ્પષ્ટ કર્યું. આશ્ચર્ય એ વાતે છે કે વિધર્મીઓને શરમાવે એવો આ મામલો બે મંદિરો વચ્ચેનો છે.
જો કે, સોમનાથ કોરિડોરનું નિર્માણ હાથ ધરાતાં ત્યાંના સ્થાનિકો પર તવાઈ આવી છે. તવાઈ આવે તો પણ ભવાઈ ન અટકે એવી તંત્રોની ગતિ છે, એટલે યેન કેન પ્રકારેણ જમીન સંપાદિત થયા વિના રહેવાની નથી એ સ્થાનિકોએ સમજી લેવાનું રહે. કારણ, ધાર્મિક હોય તો પણ, આર્થિક લાભ માટે ને ભક્તોને વધુ સગવડ મળી રહે એ નામે, કોરિડોર થઈને રહે એવી પૂરી શક્યતાઓ છે. સ્થાનિકો સમજીને આપે તો ઠીક છે ને ન સમજે તો જમીન આંચકી લેતાં પણ, સત્તાધીશો અચકાવાના નથી તે નક્કી છે. આ સંપાદનમાં 8 મંદિરો સહિત 384 મિલકતો જમીનદોસ્ત થાય એમ છે. આ મિલકતદારોની અહીં પાંચથી વધુ પેઢીઓ વર્ષોથી રહી છે અને અહીં જ તેઓ દુકાનો, હોટેલો, ગેસ્ટ હાઉસ દ્વારા વ્યવસાય કરતા આવ્યા છે. આ મંદિર સાથે ને આ ભૂમિ સાથે તેમનો ઘરોબો છે. અહીં ઘણાં જન્મ્યાં છે ને ઘણાં આ ભૂમિમાં જ મર્યાં છે. એમાં હિંદુઓ છે, તો મુસ્લિમો પણ છે. એમને આ ભૂમિ છોડવાનો સ્વાભાવિક જ વિરોધ હોય તે સમજી શકાય એવું છે.
વિરોધ એટલે પણ તીવ્ર છે કે કોઈ પણ નોટિસ કે વળતર વગર તેમને જગ્યા ખાલી કરવાનું કલેકટર કે પોલીસ દ્વારા ક્યારેક ધાકધમકીથી પણ કહેવાયું છે. એટલે જ એક મહિલા વિરોધમાં સૂચક રીતે કહેતી સંભળાય છે, ‘વિનાશના ભોગે વિકાસ ન હોય.’ ઘણાનું આ ભૂમિ, જીવન નિર્વાહનું નિમિત્ત બની છે ને સ્વાભાવિક જ જીવ કરતાં જીવાઈ એમને વધારે વ્હાલી હોય. અહીં જ રહેણાંક વિસ્તાર ઉપરાંત ધર્મશાળા, મંદિરો, દરગાહ, ખુલ્લા પ્લોટ પણ છે. આ માત્ર નિર્જીવ જમીન નથી. અહીં ઘણાનાં સંવેદનો ઊછર્યાં છે, એ ભૂમિ જાય તો લાગી આવે ને એટલે જ પ્રભાસ પાટણ રોષે ભરાયું છે. ઘણાં ઘર આપવા તૈયાર નથી. તેની સામે બીજું કંઇ પણ મળે, તેમને આ ઘર સિવાય કંઇ ખપે એમ નથી. 6 ઓગસ્ટને દિવસે પ્રભાસ પાટણે સજ્જડ બંધ પાળ્યો. મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે તેમને કોરિડોર જોઈતો જ નથી-
આગેવાનોનું માનવું છે કે સમજાવટથી જ આનો ઉકેલ આવે એમ છે. નાયબ કલેકટરને આવેદન પત્રો આપીને વિરોધ નોંધાવાયો છે. વેરાવળના નાયબ કલેકટર વિનોદ જોશીનું માનવું છે કે કિંમત જાહેર થશે તો બધું શાંત થઈ જશે ને 25,000 ચોરસ મીટરનું સંપાદન ઝડપથી પૂર્ણ થઈ શકશે. જો કે, આ મામલે વિનોદ જોશીએ મહિલાઓની વાતો ન સાંભળી હોવાનું પણ કહેવાય છે. એક વૃદ્ધાનું કહેવું હતું કે તેને પૈસા નથી જોઈતા, ઘર જોઈએ છે. ઘણી મહિલાઓએ ‘કોરિડોર હાય હાય’ના નારા પણ લગાવ્યા. ઘણાને એમ પણ છે કે આ કોરિડોર સેવા માટે નહીં, પણ કમાણી માટે થઈ રહ્યો છે. એટલે જ કોઈ કહે છે – એ કમાણી માટે અમારે જીવથી વ્હાલી જમીન આપી દેવાની? અમે જીવ આપીશું, જમીન નહીં ! ઘણાં 5 કરોડ રૂપિયા મળે તો પણ ઘર આપવા તૈયાર નથી, તો ઘણાનું એમ પણ માનવું છે કે જે વળતર મળે એમાં બીજે ઘર ન ખરીદી શકાય. એને બદલે બીજે ઘર અપાય અથવા એટલું વળતર અપાય કે ઘર ખરીદી શકાય તો તેમને જગ્યા છોડવાનો વાંધો નથી. આગળ જતાં સ્થાનિકોમાં બે ભાગ પડી જાય કે બે ભાગ પડાવાય, તો તંત્રોનું કામ થઈ જાય એમ બને.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સ્થાનિકોની મુલાકાત કરી. તેમણે અસરગ્રસ્તોની રજૂઆતો સાંભળી અને તેમને એ મુદ્દે આશ્વસ્ત કર્યા કે તંત્રો સાથે તેમની મુલાકાત કરાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે. પ્રભાસ પાટણ ગામ સમસ્તની બ્રહ્મલુરી ખાતે એક બેઠક મળી હતી, જેમાં જેમની જમીન જાય એમ છે એ 384 પરિવારો પણ હાજર રહ્યા હતા ને કોરિડોર મુદ્દો ઉકેલવા ‘પ્રભાસ હિત રક્ષક સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં દરેક સમાજના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પછીની જે કંઇ રજૂઆતો હશે તે આ સમિતિ દ્વારા થશે. લગભગ 2,500 લોકોને સ્પર્શતો આ મુદ્દો કેવી રીતે ઉકેલાશે તે તો નજીકના ભવિષ્યમાં ખબર પડશે, પણ વિકસી રહેલી બુલડોઝર સંસ્કૃતિ જ વિકાસ કહેવાય એવી તાજી વ્યાખ્યા પુનર્વિચાર તો માંગે જ છે. આ બધાં પરથી એવું લાગે છે કે કોઈ ધર્મ, કોઈ પક્ષ, કોઈ નીતિ, કોઈ શિક્ષણ, કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહ છેવટે તો લોકશાહીમાં પણ એ જ સૂત્ર સાચું ઠેરવે છે કે સત્તા જ સર્વોપરી છે …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑગસ્ટ 2025