અમેરિકામાં માનો કે કોઈ કમાતી વ્યક્તિને કાર અકસ્માત થાય અને આવક જતી રહે તો તેઓ કઈ રીતે જીવે? ઘર કેવી રીતે ચાલે? ખાય શું? આ સ્થિતિમાં ‘ફૂડ બેન્ક’ ખોરાક માટે મદદ કરે છે.
USAમાં ફૂક બેંકનું વિશાળ વેરહાઉસ જોઈને આશ્ચર્ય થયું કે આવડી મોટી ફૂડ બેન્ક ! જાણે મોટી ફેક્ટરી !

જોન આર્નોલ્ડ વાન હેંગેલ
યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી જૂની ફૂડ બેંક ‘સેન્ટ મેરી ફૂડ બેંક’ છે. તેની સ્થાપના 1967માં John Arnold van Hengel – જોન આર્નોલ્ડ વાન હેંગેલે (21 ફેબ્રુઆરી, 1923 – 5 ઓક્ટોબર 2005) એરિઝોનાના ફોનિક્સમાં કરી હતી. તેને વિશ્વની પ્રથમ ફૂડ બેંક માનવામાં આવે છે. તેમને ‘ફૂડ બેંકિંગના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. હાલ USમાં 200થી વધુ ફૂડ બેંકો છે. હ્યુસ્ટન ફૂડ બેંક એ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટી ફૂડ બેંક છે. તે દક્ષિણપૂર્વ ટેક્સાસમાં 18 કાઉન્ટીઓમાં સેવા આપે છે અને 1,600 થી વધુ સમુદાય સંગઠનો સાથે ભાગીદારી કરે છે.
ફૂડ બેંક બિન-લાભકારી / બિન સરકારી સંસ્થા છે. જે ખોરાક એકત્રિત કરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને પરિવારોને વિતરિત કરે છે. આ રીતે લોકોની ભૂખ ભાંગે છે. ફૂડ બેંક ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોને પોષણ આપવા માટે સમુદાયની શક્તિને પ્રજ્વલિત કરે છે. તે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે, દાતાઓને ભૂખનો સામનો કરી રહેલા લોકો સાથે જોડે છે, અને ખોરાક ખરીદવા, પરિવહન કરવા અને સંગ્રહ કરવા તેમ જ ભોજન તૈયાર કરવા સહિત વિવિધ પદ્ધતિઓ દ્વારા કાર્ય કરે છે. તે ઓછી આવક ધરાવતા પરિવારો, વૃદ્ધો, બેઘર લોકો અને નોકરી ગુમાવવા અથવા અન્ય કટોકટીનો સામનો કરી રહેલી વ્યક્તિઓ સહિત વિવિધ સંવેદનશીલ જૂથોને મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે.
ફૂડ બેંકો કેવી રીતે કાર્ય કરે છે? ફૂડ બેંકો વ્યક્તિઓ, વ્યવસાયો, ખેડૂતો અને સરકારી કાર્યક્રમો સહિત વિવિધ સ્રોતોમાંથી દાન મેળવે છે. ફૂડ બેન્કની વેબસાઇટ પર જઈને લોકો ડોનેશન આપે છે. તે સ્થાનિક ફૂડ પેન્ટ્રી અને અન્ય સંસ્થાઓના નેટવર્કને ખોરાકનું વિતરણ કરે છે. તેમની પાસે ખોરાક સંગ્રહિત કરવા અને વિતરણ કરવાની સુવિધાઓ છે. ફૂડ બેંકો સ્થાનિક એજન્સીઓ, જેમ કે સૂપ કિચન, આશ્રયસ્થાનો અને સમુદાય કેન્દ્રો સાથે ભાગીદારી કરે છે, જેથી ખોરાકની જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચી શકાય. ફૂડ બેંકો ભૂખમરો ઘટાડવામાં અને વ્યક્તિઓ અને પરિવારોને આવશ્યક પોષણ પૂરું પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફૂડ બેંકો સમુદાયનાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. ફૂડ બેંકો વધારાના ખોરાકનું પુનઃવિતરણ કરે છે જેથી ખોરાકનો બગાડ અટકે છે.
ફૂડ બેંકો સ્વયંસેવકો આધારિત છે. ફૂડ બેંકનું કામ મુખ્યત્વે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. જેઓ ફૂડ સૉર્ટિંગ / પેકિંગ / વિતરણ / ડેટા એન્ટ્રી / ફાઇલિંગ / મેઇલિંગ જેવા કાર્યોમાં સહાય કરે છે.
‘ફીડિંગ અમેરિકા’ એ USમાં સૌથી મોટી ચેરિટી છે, જે ભૂખમરો દૂર કરવા માટે કામ કરે છે, જે 200 થી વધુ ફૂડ બેંકો અને 60,000 ભાગીદાર એજન્સીઓનું નેટવર્ક છે. USમાં 70 થી વધુ સ્વતંત્ર ફૂડ બેંકો પણ છે જે ‘ફીડિંગ અમેરિકા’ નેટવર્કનો ભાગ નથી.
ફૂડ બેંકો, ફૂડ પેન્ટ્રીથી અલગ છે. ફૂડ પેન્ટ્રી એક વિતરણ કેન્દ્ર છે જ્યાં ભૂખ્યા પરિવારો ખોરાક મેળવી શકે છે. ફૂડ બેંકમાંથી ફૂડ પેન્ટ્રીને ખોરાક પૂરો પાડવામાં આવે છે. ફૂડ બેંકો સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો છે, જ્યારે ફૂડ પેન્ટ્રીઓ ડાયરેક્ટ-સર્વિસ પ્રોવાઇડર છે; જે વ્યક્તિઓને ખોરાકનું વિતરણ કરે છે. ફૂડ પેન્ટ્રીઓ તેમના ખોરાક પુરવઠા માટે ફૂડ બેંકો પર આધાર રાખે છે.
સમૃદ્ધ USમાં, 34 કરોડ વસ્તીમાં આશરે 4.9 કરોડ લોકો ચેરિટેબલ ફૂડનો લાભ લે છે ! મતલબ કે 49 મિલિયન લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે ! ન્યુજર્સીમાં લગભગ 1.1 મિલિયન લોકો છે, જેમાં 2,70,000 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
ન્યુ જર્સીનો SNAP-સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ, ઓછી આવક ધરાવતા પરિવારોને મોટા ભાગના ફૂડ રિટેલ સ્ટોર્સ અને કેટલાક ખેડૂત બજારોમાં સ્વીકૃત બેનિફિટ કાર્ડ દ્વારા કરિયાણું ખરીદવામાં મદદ કરવા માટે ખોરાક સહાય પૂરી પાડે છે. પાત્રતા આવક અને સંસાધનો જેવા ઘણા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.
જો કોઈ બેઘર ન હોય તો પણ ફૂડ બેંકમાં જવું ઉચિત છે. ફૂડ બેંકો એવી વ્યક્તિઓ અને પરિવારોને મદદ કરવા માટે રચાયેલ છે જેઓ ખોરાકની અસુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે, પછી ભલે તેમની રહેઠાણની પરિસ્થિતિ ગમે તે હોય. સૌથી સારી બાબત એ છે કે ફૂડ લેનારને તેમની આવક / ધર્મ વિશે પૂછવામાં આવતું નથી.
આપણે ત્યાં પણ રાહત દરે ભોજન કે મફત ભોજનની સગવડ કેટલીક સેવાભાવી સંસ્થાઓ કરે છે. પરંતુ USની ફૂડ બેંકની જેમ વિશાળ પાયા પર / આયોજનબદ્ધ કામગીરી થતી નથી. આપણે ત્યાં સરકારી અનાજ વિતરણમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થાય છે, આવું USમાં જોવા મળતું નથી ! જો કે જે ગેરરીતિ થાય છે તે SNAP- સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ અપાતા food stamps – ફૂડ સ્પેમ્પ્સમાં થાય છે તે પણ ફૂડ સ્પેમ્પ ધારક કરે છે ! જેમાં ખોરાકને બદલે દારૂ / તમાકુની બનાવટો જેવી અયોગ્ય વસ્તુઓ મેળવે છે ! આપણે ત્યાં સરકારી અનાજ વિતરણમાં જે ગેરરીતિ થાય છે તેમાં વિતરક / મામલતદાર / કલેક્ટર / પુરવઠા અધિકારી / પુરવઠા સચિવ / પુરવઠા મિનિસ્ટરની સક્રીય ભાગીદારી અથવા આંખમિચામણ હોય છે !
06 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર