
સુમન શાહ
આજે દરેક માણસ યુદ્ધગ્રસ્ત નથી પણ ત્રસ્ત જરૂર છે. રશિયા-યુક્રેઇન, ગાઝા-ઇઝરાઇલ, સુદાન, સિરિયા, મ્યનમાર, યેમેન, હયિતિ, અફઘાનીસ્થાન, કૉન્ગો, ઇથિયોપિયા, માલિ કે નાઇજેરિયામાં જુદા જુદા અને નાનામોટા સ્વરૂપે યુદ્ધ અથવા યુદ્ધકીય પરિસ્થતિ, બળવા, લડાઈઓ કે સંઘર્ષો પ્રવર્તે છે. બીજું વિશ્વયુદ્ધ ભલે ને 1945માં પત્યું!
યુદ્ધની કથાને રમણીય કહેનારાઓની વાત મને એ રીતે સાચી લાગે છે કે પરોક્ષપણે તેઓ સૂચવે છે કે કથા રમણીય છે, નહીં કે યુદ્ધ.
અમેરિકાએ 9 ઑગસ્ટ, 1945ના રોજ જાપાનના નાગાસાકી શ્હૅર પર બીજો અણુબોમ્બ ફેંક્યો ત્યારથી એક પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે કે શું બીજા વિશ્વયુદ્ધને ખતમ કરવા આટલા મોટા પાયે મૉત અને વિનાશને નૉંતરવાંની ખરેખર જરૂરત હતી?
6 ઑગસ્ટ, 1945એ અમેરિકાના B-29 બૉમ્બર એનોલા ગેએ જાપાનના હિરોશિમા શ્હૅર પર ‘લિટલ બૉય’ નામનો પહેલો અણુબૉમ્બ ફેંકેલો. તેના માત્ર 16 કલાક પછી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવેલું. એમાં પરમાણુ સંશોધન કાર્યક્રમ મેનહટન પ્રોજેક્ટ (Manhattan Project) વિશે માહિતી હતી.
ઉપરાન્ત, એમાં ટ્રુમેને જાપાન માટે પરમાણુ હથિયારોથી ઊભા થયેલા ખતરા પર ભાર મૂક્યો હતો. તે સમયે અમેરિકાનું યુદ્ધમાં બાકી રહેલું એક માત્ર શત્રુ જાપાન હતું. ટ્રુમેને લખ્યું હતું કે જો જાપાનીઓ પોટ્સડેમ ઘોષણાપત્ર(Potsdam Declaration)માં સાથી નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી બિનશરતી શરણાગતિનો સ્વીકાર નહીં કરે, તો તેઓએ —
“આકાશમાંથી એવા વિનાશની અપેક્ષા રાખવી જોઈશે, જેવો વિનાશ આ પૃથ્વી પર પહેલાં ક્યારે ય જોવા મળ્યો નથી.”
ટ્રુમેને એ નિવેદન બહાર પાડ્યું ત્યાં સુધીમાં બીજો અણુહુમલો પહેલેથી જ ચાલી રહ્યો’તો. રાષ્ટ્રપતિએ, જેવું હવામાન અનુકૂળ થાય કે તરત કોકુરા (હાલનું કીટાક્યુશુ) અને નિગાતા શ્હૅરો પર વધારાના બૉમ્બ ફેંકવાની મંજૂરી આપી હતી. 9 ઑગસ્ટ, 1945ના રોજ વહેલી સવારે, ‘બોક્સકાર’ નામનું B-29 વિમાન પશ્ચિમ પ્રશાન્ત મહાસાગરમાં ટિનિયન ટાપુ પરથી ઉડાન ભરે છે, એમાં લગભગ 10,000 પાઉણ્ડનો પ્લુટોનિયમ આધારિત બૉમ્બ છે, એનું નામ પાડ્યું છે, ‘ફૅટ મૅન’. પેલો લિટલ બૉય ને આ ફૅટ મૅન!
‘લિટલ બૉય‘ અને નીચે ‘ફૅટ મૅન‘.
એ બૉમ્બ કોકુરા શ્હૅર તરફ જઈ રહ્યો’તો જ્યાં જાપાની સૈન્યનો મોટો ભંડાર હતો. પણ બોક્સકારના ક્રૂને કોકુરા વાદળોથી ઢંકાયેલું જણાય છે અને તેઓ બીજા લક્ષ્ય નાગાસાકી તરફ જવાનો નિર્ણય લે છે. ‘ફૅટ મૅન’ બૉમ્બ સવારે 11:02 વાગ્યે 1,650 ફૂટની ઊંચાઈએથી ફૂટે છે. ત્રણ દિવસ પહેલાં હિરોશિમામાં ‘લિટલ બોય’થી જેટલા લોકો મર્યા હતા તેના કરતાં એથી 185 માઈલના અંતરે આવેલા નાગાસાકીમાં અડધા લોકો મર્યા, તેમછતાં, એની શક્તિ 21 કિલોટન એટલે કે 40 ટકા વધુ હોવાનો અંદાજ હતો. પણ તેની અસર તો વિનાશક હતી: લગભગ 40,000 લોકો તરત જ માર્યા ગયેલા, અને ત્રીજા ભાગનું નાગાસાકી ભસ્મ થઈ ગયેલું.
સત્તાવાર અણુબૉમ્બ વાપરવાનું કારણ આપવામાં આવ્યું હતું: અણુબૉમ્બનો ઉપયોગ પ્રશાન્ત મહાસાગરમાં ચાલી રહેલા યુદ્ધને ટુંકાવવા, જાપાન પર યુ.એસ.ના આક્રમણને ટાળવા, અને હજારો અમેરિકન સૈનિકોના જીવ બચાવવા માટે કરવામાં આવ્યો છે.
દુષ્ટ સત્તાધીશો કેવી કુટીલ નીતિથી દોરવાઈને સાહિત્યિક કહેવાય એવાં રૂપકો પ્રયોજે છે – લિટલ બૉય! – ફૅટ મૅન! અને કેવાં વિરોધી પદોને જોડે છે – યુદ્ધ ‘ટુંકાવવા’ વિનાશ! પોતાનાઓના જીવ ‘બચાવવા’ હજારો નિર્દોષોની ‘હત્યા’! પોતાના આક્રમણને ‘ટાળવા’ ‘બૉમ્બમારો’!
આલ્બેર કામૂને વિશ્વની રચનામાં અસંગતિ absurdity જોવા મળી એ એમનું દર્શન જરા ય નિરાધાર ન્હૉતું.
= = =
(060825USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર