
નેહા શાહ
સામાન્ય માણસ માટે ફુગાવો રાક્ષસ બનીને આવતો હોય છે અને આર.બી.આઈ. માટે માથાનો દુખાવો. જ્યારે ફુગાવાનો દર ૨.૧ ટકા જેટલો નીચો ગયાના સમાચાર આવે છે, ત્યારે એક મોટી રાહતના સમાચાર લાગે છે. ભાવ ઘટ્યા નથી, એનો વૃદ્ધિ દર ઓછો થયો છે. જે ભાવ બે વર્ષ પહેલા છ ટકાથી પણ વધુ દરે વધતા હતા તે હાલમાં ૨.૧ ટકાના દરે વધે છે. સરકારી આંકડા પ્રમાણે છૂટક વસ્તુઓ અને ગ્રાહક વપરાશની વસ્તુઓ – ખાસ કરીને ખાદ્ય વસ્તુઓની કિંમતમાં નિયંત્રણ આવતા ફુગાવાનો દર ઘટેલો દેખાય છે જેને કારણે અર્થતંત્રને થોડી રાહત થઇ છે.
૨૦૧૯ પછી પહેલી વાર કિંમતોનો વૃદ્ધિ દર આ સ્તરે આવ્યો છે, એટલે આર્થિક નિર્ણયો લેનારા સૌને રાહત થઇ છે. છેલ્લાં પાંચ વર્ષથી આર.બી.આઈ. ફુગાવાને કાબૂમાં લાવવા મથામણ કરી રહી છે. આ સમય દરમ્યાન એક પછી એક આવેલી આપત્તિઓને કારણે દુનિયાભરમાં ભાવમાં એટલો વધારો થયો કે સામાન્ય માણસ માટે જીવવું દુષ્કર બની ગયું. પહેલા કોવીડ લોકડાઉનનાં એ સમયમાં ન ઉત્પાદન શક્ય હતું કે ન વપરાશ. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વના પેટ્રોલનાં પુરવઠા પર અસર કરી ભાવને હલાવી દીધા. ત્યાર બાદ ગાઝા યુદ્ધ – જેને કારણે રાતા સમુદ્ર અને સુએઝ કેનાલના રસ્તે આવતો માલસામાન અટવાતા આયાતી વસ્તુઓની કિમતોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું. પાછલાં એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ નિયંત્રણમાં રહ્યા છે અને ઘર આંગણે ખાદ્ય પદાર્થોનું ખેત ઉત્પાદન સારું રહ્યું છે. આ પુરવઠાનું પ્રમાણ વધતા ફુગાવો કાબૂમાં આવ્યો છે. દેશમાં બદલાતી કિંમતો પર નજર રાખવા માટે તૈયાર થતી છાબડીમાં ખાદ્ય પદાર્થોનું પ્રમાણ લગભગ અડધો અડધ છે. એટલે જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમત ઘટે તો એની સીધી અસર ફુગાવાના દર પર દેખાય છે.
ફુગાવાનો પ્રશ્ન પેચીદો છે. બહુ વધારે પણ નહિ સારો અને બહુ ઓછો પણ. ફુગાવાનો દર નીચો રહે એ ગ્રાહકોને સારું લાગે કારણ કે, ચીજ વસ્તુઓના ભાવ પોસાય તેવા રહે તો જીવન ધોરણ જળવાઈ જાય. આ સાથે એ પણ હકીકત છે કે નીચા ભાવનો મતલબ થાય ઓછી માંગ. જ્યારે પુરવઠા કરતાં માંગ ઓછી હોય ત્યારે ઉત્પાદકો કોના માટે ઉત્પાદન કરે? જો ઉત્પાદન ઓછું હોય તો નવો રોજગાર પણ કેમનો ઊભો થાય? રોજગારના અભાવે આવક ન ઊભી થાય પરિણામે માંગમાં વધુ ઘટાડો થાય. ગ્રાહકની માંગ અપેક્ષિત સ્તરે વધી નહિ રહી એટલે જ એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા નથી મળી રહી. આ ચિંતાનું કારણ છે. મંદી તરફ જતી સાયકલના પૈંડા ફરવાની શરૂઆત થવાની શક્યતા તરફ ઈશારો કરે છે. એટલે જ દુનિયાના કોઈ પણ દેશની કેન્દ્રીય બેંકનું લક્ષ્ય શૂન્ય ફુગાવો નહિ હોય પણ માફકસરનો ભાવ વધારો હશે – જે ગ્રાહકની વધતી માંગની નિશાની છે. માપસરનો ભાવ વધારો ગ્રાહકને એ બોજારૂપ ન લાગે અને સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિને પણ વેગ મળતો રહે. આર્થિક પ્રવૃત્તિમાં વધારો રોકાણને ખેંચી લાવે અને જેની સાથે રોજગારમાં પણ વૃદ્ધિ થાય. ભારતમાં આર.બી.આઈ. ચાર ટકા જેટલા ફુગાવાના દરનું લક્ષ્ય રાખે છે, જેમાં ઉપર નીચે બે ટકા જેટલી વધઘટ ચાલે. આજનો દર ૨.૧ ટકા હોય તો એ સ્વીકાર્ય તળેટીના સ્તરથી ખૂબ નજીક છે. એટલે એ જેટલાં રાહતના સમાચાર છે એટલા જ સાવચેત રહેવાનું એલાર્મ બેલ પણ છે. કારણ કે મંદીમાં સરી પડવાની શક્યતાની નજીક છીએ.
ફુગાવાના દરનો ઘટાડાનું કારણ ખાદ્ય સામગ્રીના ઘટેલા ભાવ કહેવાય છે, જે સામાન્ય ગ્રાહક ને ફાયદો કરાવશે. પણ શું એનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પણ આ ઘટના એટલી જ સારી છે? અર્થતંત્રમાં આ વિરોધાભાસ હંમેશાં હોય છે. જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે છે ત્યારે કૃષિ અને ખેડૂત પર એની માઠી અસર દેખાય છે. ઉત્પાદનનો ખર્ચ ઘટતો નથી પણ, વળતર ઘટી રહ્યું હોય એવા સંજોગોમાં ખેડૂતને ઓછા પૈસા મળે તો એની ખરીદ શક્તિ પર અસર પડે. ગ્રામીણ ક્ષેત્રની ખરીદ શક્તિ આમ પણ નાજુક જ રહી છે. કૃષિમાં થોડો ધક્કો વાગે અને એ તાણમાં આવી જાય. રસ્તા પર આવીને ટામેટા વેરી દેતા ખેડૂતો આપણે જોતા આવ્યા છીએ. હાલમાં આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે ગ્રામીણ વિસ્તારમાં માંગની વૃદ્ધિ જરૂરી છે.
ફુગાવો કાબૂમાં આવતા આર.બી.આઈ.એ નાણાં નીતિ હળવી કરી છે, જેથી રોકાણ પણ વધે અને માંગ પણ વધે. પણ દેશનું અર્થતંત્ર જ્યારે અનેક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે ત્યારે માત્ર નાણાં નીતિ કેટલો ફરક લાવી શકશે?
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર