નેવેથી
ઘોઘમાર વરસતા ટહુકે
લથબથ ભીંજાતું
ગારમાટીનું મારું ખોરડું!
ઝરમર ઝરમર
હર ઘડીએ
ફળિયે
ડાળડાળથી
ઝીણાં ફૂલડાં વરસાવતાં
લીમડા તળે
મોજમાં દાણાં ચણતી
ચીં ચીં કરતી ચકલી મારા મનની મોલાત
ગમાણના ખીલે
વ્હાલથી વાછડીને ચૂમતી
બોઘડું છલકાવતી
કાબરી
મારી ડેલીનું રજવાડું!
ચારે કોર લીલા મોલ જોઈને
ઘૂઘરીના
રણકે હાલકડોલક થતું ગાડું
હરખાતું આવી ચઢે છે.
ઢળતી સાંજે
મારી ડેલીએ.
ઢોલિયો ઢાળીને બે ઘડી
નિરાંતે બેઠો હોઉં છું
‘ને ત્યાં જ કાને પડે છે
ચોરાની ઝાલરનો
રણકાર
હડી કાઢતો દોડી જાઉં છું.
ચોરે,
બે હાથ જોડી
ઠાકોરજી પાસે
રોજની જેમ આજે પણ માગું છું,
‘હે મારા વ્હાલા!
હજી મને
કેટલી જોવડાવીશ તું રાહ!
બસ મને જલ્દી અપાવી દે
અમેરિકા જવાન વિઝા!’
ઘરે આવું છું
અને દીવો પ્રગટાવતી પત્ની પૂછે છે?
વાળુપાણી કરવું છે કે હજી છે વાર!
મૂકો થાળી ગોરાંદે
પેટમાં ઉંદરડા દોડે છે અને ત્યાં જ
ભાખોડિયા ભરતું
ઘર
હડી કાઢતું કાખમાં લેવા
કરે છે તેના બે નાજુક ઊંચા હાથ અને
મનમાં
પડઘાય છે એક પ્રશ્ન?
શું ખૂટે છે હજી જીવતરમાં?
કે બઘું સંકેલીને જવું છે તારે પરદેશ!
65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com