20 જુલાઈ 2025ના રોજ સોશિયલ મીડિયામાં કાવડયાત્રિકોના પગ પોલીસ દબાવતી હોય / મસાજ કરતી હોય તેવા ફોટાઓ / વીડિયો જોઈને ભારે ગુસ્સો આવે છે.
2014 પછી દેશમાં ધાર્મિક ઢોંગમાં હિમાચલ જેટલો વધારો થયો છે. બહુમતીનું ધાર્મિક તૃષ્ટિકરણ કરી રાજનીતિ કરવાનો એક નવો પ્રદૂષિત પ્રવાહ શરૂ થયો છે. કોઈ ‘જયશ્રી રામ’ તો કોઈ ‘જય બજરંગ બલિ’ કહીને રાજનીતિ કરે છે. આવું કરનારાઓને ધર્મ સાથે નાહવા-નિચોવવાનો પણ સંબંધ હોતો નથી. ભારત, પાકિસ્તાન કે દુનિયાના કોઈ પણ દેશ હોય; ધર્મના નામે રાજનીતિ કરનારાઓ હંમેશાં દુષ્ટ હોય છે !
દેશના અનેક રાજ્યોમાંથી દર વરસે શ્રાવણ મહિનામાં કાવડયાત્રાઓ નીકળે છે. ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ માટે આ યાત્રાઓ હોય છે. તેમની ઉપર સરકારી ખર્ચે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થાય છે. સરકારી ખર્ચે બીજી સુવિધાઓ પણ અપાય છે. તેઓ પદયાત્રા કરતા કરતા થાકી જાય તો તેમના પગે મસાજ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ કાવડિયાઓ પોતે સંસ્કૃતિ-પોલીસ બની ઉપદ્રવ કરે છે.
કાવડિયાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે. પોલીસ ખડે પગે હોય છે. ડ્રોન મારફતે નજર રાખવામાં આવે છે. પ્લેનક્લોથમાં પોલીસ બંદોબસ્તમાં હોય છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ કાવડયાત્રાઓ નીકળે છે. જે રાજ્ય સૌથી વધુ શિક્ષણ / આરોગ્ય / બેરોજગારી અનુભવે છે તે રાજ્યોમાં કાવડયાત્રાઓ વધુ નીકળે છે, છતાં મેળ પડતો નથી !
ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં કાવડયાત્રાની સલામતી સંભાળતી મહિલા પોલીસ અધિકારી ઋષિકા સિંહ, મહિલા યાત્રિકના પગ દાબે છે, તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં બીજા વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં કાવડિયાઓ મહિલાઓ સાથે ચેનચાળા કરે છે / તોડફોડ કરે છે / બસ ડ્રાઇવરને મારપીટ કરે છે / મિર્જાપુરમાં કાવડિયાઓ આર્મીના જવાનને મારપીટ કરે છે. કાવડિયાઓ આવું ગેરવર્તન એટલે કરે છે કે સરકાર તેમને છાવરે છે ! જ્યારે પોલીસ કાવડિયાઓના પગ દબાવતી હોય ત્યારે કાવડિયાઓ ઝાલ્યા રહે?
પોલીસનું કામ ક્રાઇમ પ્રિવેન્ટ કરવાનું છે, સુરક્ષા આપવાનું છે / બળાત્કાર અને હત્યાઓ રોકવાનું છે / ચોરી, લૂંટ, વિશ્વાસઘાત, ઠગાઈ રોકવાનું છે / ગુનેગારોને પકડવાનું છે / તેમને સજા અપાવવાનું છે; યાત્રિકોના પગ દબાવવાનું નથી. દુ:ખની બાબત એ છે કે પોલીસે પોતાના મૂળ કામ છોડીને પગ દબાવવાનું સહેલું કામ ઉપાડી લીધું છે. કાવડયાત્રિકો એવું ક્યું કામ કરે છે કે પોલીસે તેમના પગ દબાવવા પડે? સરકારી ખર્ચે પુષ્પવૃષ્ટિ કરવી પડે?
પોલીસ આ કામ સ્વૈચ્છિક રીતે શા માટે કરે છે? જ્યારે રાજ્ય ધર્મ આધારિત રાજનીતિ કરે ત્યારે ચાલાક પોલીસ પોતાના માતાપિતાના પગ ક્યારે ય ન દબાવ્યા હોય તો પણ મલાઈદાર પોસ્ટિંગ માટે / પ્રમોશન માટે યાત્રિકોના પગ દબાવવા લાગે છે !
આ બધું બહુ શરમજનક છે. માની લો કે ઋષિકા સિંહે કોઈ હજયાત્રીને રોડ પર નમાજ પઢતા ન અટકાવે તો બીજે જ દિવસે સસ્પેન્ડ થઈ ગઈ હોત !
21 જુલાઈ 2015
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર