
રાજ ગોસ્વામી
હિન્દી ફિલ્મો ભલે પારિવારિક મનોરંજન કહેવાતી હોય, પરંતુ મોટાભાગની ફિલ્મો યુવા પ્રેક્ષકો માટે જ અને તેમને સંબંધી વિષયો પર જ બનતી હોય છે. એ યુવા વર્ગ એક સમયે વૃદ્ધ થાય છે ત્યારે, તે જે પ્રકારનું જીવન જીવે છે તેને લઈને બહુ ફિલ્મો બનતી નથી. ઘરમાં જેમ ઘણી બધી ચીજ-વસ્તુઓ જૂની થઈને નકામી થઇ જાય છે તેવી રીતે એક સમયનો ‘દૂઝતો’ યુવા વર્ગ તેના વૃદ્ધત્વમાં ફિલ્મનો વિષય બનવામાંથી જાય છે.
પ્રતિ વર્ષ 1,500થી 2,000 જેટલી ફિલ્મો બનાવતી આ માયાનગરીમાં વૃદ્ધ લોકોના સંદર્ભમાં એક ફિલ્મ પણ માંડ બનતી હશે. અત્યાર સુધીની ફિલ્મો જોઈએ તો આવી ફિલ્મો આંગળીને વેઢે આવી જાય એટલી હશે. એટલા માટે, પ્રસાર ભારતીના ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ‘વેવ્સ’ પર 2024માં રિલીઝ થયેલી વરિષ્ઠ અભિનેત્રી જયા બચ્ચનની ‘સદાબહાર’ ફિલ્મ આ દિશામાં એક મહત્ત્વનું કદમ છે એટલું જ નહીં, સિનિયર સિટિઝન્સને કેન્દ્રમાં રાખીને બનેલી અત્યાર સુધીની જૂજ ફિલ્મોમાં બેહદ ખૂબસૂરત અને સંવેદનશીલ છે.
આ ફિલ્મ એટલા માટે ખાસ અને અલગ છે કારણ કે તેમાં વૃદ્ધત્વની એકલતા કેન્દ્રમાં છે, પરંતુ રોદણાં રડવા માટે નહીં. ઇન ફેક્ટ, તેમાં જયા બચ્ચન જે સ્ત્રીનો કિરદાર નિભાવે છે તે તેના એકલવાયા, શાંત અને સ્થિર જીવનમાં બહુ ખુશ છે. ફિલ્મનું શીર્ષક ‘સદાબહાર’ બે રીતે સૂચક છે; એક તો, તે સ્ત્રી પાસે એક રેડિયો છે, જેમાં હિન્દી ફિલ્મોનાં સદાબહાર ગીતો વાગતાં રહે છે, અને બીજું, એ ગીતો સાંભળીને તે સ્ત્રી પણ પોતાને સદાબહાર મહેસૂસ કરે છે. સદાબહાર એટલે એવરગ્રીન, હંમેશાં હર્યુંભર્યું હરિયાળીથી ભરેલું, લીલુંછમ, સમૃદ્ધ.
મરાઠીમાં એવોર્ડ વિજેતા ‘શેવરી’ ફિલ્મ અને ‘શ્રીમાન-શ્રીમતી’ જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ બનાવનારા ગજેન્દ્ર આહિરે, વૃદ્ધ લોકોના જીવનમાં વધતી એકલતા, ઉદાસી તેમ જ અતીતના ઊંડા નોસ્ટાલ્જિક દૃષ્ટિકોણને પ્રસ્તુત કરતી એક સદાબહાર ફિલ્મ બનાવી છે.
ફિલ્મમાં તેમણે જે રીતે અભિનય કર્યો છે તે પ્રમાણે તો, એવું લાગે કે તમે તેમને ‘જયા બચ્ચન’ના કિરદારમાં જ જોઈ રહ્યા છો. પરંતુ ફિલ્મ જોવાનું મુખ્ય કારણ આ નથી. આ ફિલ્મ, વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયેલા લોકોની એકલતાને, તેમની વ્યથાને અને વીતી ગયેલા સમયની તેમની ટીસને જે રીતે અભિવ્યક્ત કરે છે તેના માટે જોવા જેવી છે.
એવું નથી કે વૃદ્ધો માટે જ છે. આ ફિલ્મ યુવા પેઢીએ જ ખાસ જોવા જેવી છે, કારણ કે તેમાં તેમનાં માતા-પિતાના આવનારા સમયનો સામનો કેવી રીતે કરવો તેનો મહત્ત્વનો બોધપાઠ છે. જયા બચ્ચને પ્રશંસનીય અભિનય કર્યો છે. તેમનો ગુસ્સો હોય કે ક્યૂટનેસ, બધું જ અદ્ભુત છે.
વાર્તા મુંબઈમાં આકાર લે છે અને બહુ સાદી છે. ફિલ્મ અમૃતા કોઠારી (બચ્ચન) નામની એક વિધવા અને એકલવાયી સ્ત્રીના જીવનની એક ઘટના પર કેન્દ્રિત છે. તેના પતિનું અવસાન થયું છે અને તેનો પુત્ર વિદેશમાં છે. અમૃતાના એકલવાયા ઘરમાં માત્ર બે જ અવાજો આવે છે : એક તેની રસોઈ કરવાવાળી બાઈનો અને બીજો રેડિયોનો.
ફિલ્મની વાર્તા જયા બચ્ચનથી શરૂ થાય છે અને તેમની પર પૂરી થાય છે. પૂરી વાર્તા દરમિયાન તેમની એકલતાનો ‘સાથીદાર’ વાલ્વવાળો રેડિયો છે, જે નાનપણમાં તેમના પિતાએ તેમને ભેટમાં આપ્યો હતો.
એ રેડિયો નથી, એ સ્ત્રીનો જીવ છે. એ રેડિયોમાં માત્ર ગીતો જ નથી, પરંતુ એકલા હાથે બુઢાપાને સહ્ય બનાવવવા મથતી સ્ત્રીઓનો અતીત પણ છે. એ રેડિયો જૂનો થઈ ગયેલો છે, જેવી રીતે તે સ્ત્રી ‘જૂની’ થઇ ગઈ છે. એ રેડિયો બગડી પણ જાય છે, જેમ એ સ્ત્રી ‘બગડી’ ગઈ છે.
કામવાળી બાઈ સદ્દભાવનાથી અમૃતાને સલાહ આપે છે કે આ રેડિયો રિપેરિંગ નહીં, રિપ્લેસમેન્ટ માંગે છે, નવો લઇ લો, ત્યારે અમૃતા ગુસ્સે થઈને કહે છે કે મને પણ રિપ્લેસ કરી દો, હું ય જૂની થઇ ગઈ છું.
એ સ્ત્રીનો એકનો એક દીકરો (જે વિદેશમાં રહે છે) તે ફોનમાં એક મિનિટ વાત કરીને કહે છે, “અમ્મા, આપસે બાત કરના ભી મુશ્કિલ હો ગયા હૈ,” અને ફોન મૂકી દે છે. ‘અમ્મા’ અટકી અટકીને ચાલે છે, લડખડાય છે, થોથવાય છે અને શ્વાસ લેવા હાંફે છે, કારણ કે તેમને ‘આજની દુનિયા’ નિયમિત ગુસ્સે કરતી રહે છે.
ફિલ્મના નિર્દેશક ગજેન્દ્ર આહિરે જૂની યાદો પર એક હૃદયસ્પર્શી ફિલ્મ બનાવી છે, જેમાં એક તરફ મેટ્રો અને મોલ્સથી ચમકતું આધુનિક મુંબઈ છે અને બીજી તરફ સુખદાયક, શાંત અને જૂનાં હિન્દી ફિલ્મ ગીતો અને રેડિયો કોમેન્ટ્રીવાળું મુંબઈ છે. ફિલ્મના પહેલા જ દૃશ્યમાં તેઓ લોંગ શોટ્સ સાથે મુંબઈનાં જાણીતાં લોકેશન્સ બતાવે છે એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય છે કે તમે કઈ દુનિયામાં પ્રવેશી રહ્યા છો.
મુંબઈ જ નહીં, ભારતના દરેક શહેરોમાં ઓલ ઇન્ડિયા રેડિયોની એક ચિરપરિચિત ધૂન સાથે સવાર પડતી હતી. ગામડાંમાં મરઘાં બાંગ પોકારતાં હતાં, શહેરોમાં રેડિયો. આપણી નાયિકાની સવાર અને રાત આ રેડિયો સાથે પડે છે.
રેડિયોમાં વાગતાં લતા મંગેશકર, ગીતા દત્ત અને નૂરજહાંનાં ગીતો પણ તમને જૂના મુંબઈની યાદ અપાવતાં રહે છે. અને હા, ફિલ્મના એક નિર્ણાયક મોડ પર એ જ રેડિયોમાંથી ઉદ્દઘોષકનો ચિરપરિચિત અવાજ ગુંજે છે;
‘અબ અગલા ગીત હમને ચુના હૈ ફિલ્મ ‘અભિમાન’ સે, ગીત કે બોલ લિખે હૈ મજરૂહ સુલતાનપુરીને ઔર ધૂન બનાઈ હૈ સચિન દેવ બર્મનને … ઇસે ગાયા હૈ લતા મંગેશકરને.”
અને પછી ‘પાછા મળી ગયેલા, પાછા જીવતા થયેલા’ રેડિયો પર માથું મૂકીને રડતી અમ્માના કાનમાં શબ્દો રેલાય છે;
જબ હો ગયા તુમસે યે દિલ દીવાના
ફિર ચાહે જો ભી કહે હમકો જમાના
કોઈ બનાયે બાતેં ચાહે અબ જીતની
અબ તો હૈ તુમસે હર ખુશી અપની
‘પાછો મળી ગયેલો, પાછો જીવતા થયેલો’ રેડિયો એટલે શું? જવાબ માટે આ ફિલ્મ જરૂર જોજો.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 20 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર