
રમેશ સવાણી
18 જુલાઈ 2025ના રોજ સવારે બ્રેકફાસ્ટ કરી, 6.15 વાગ્યે, ફરી Yellowstone – યલોસ્ટોન નેશનલ પાર્કમાં જવા નીકળ્યા. અમારા રેન્ટલ હાઉસથી યલોસ્ટોન નેશનલ પાર્ક 20 માઈલ દૂર છે.
ફરતાં ફરતાં Gibbon Falls – ગિબન ધોધના દર્શન કર્યા. ઉત્તરપશ્ચિમ યલોસ્ટોન નેશનલ પાર્કમાં ગિબન નદી પર આ ધોધ છે. ધોધની ઊંડાઈ 84 ફૂટ(26 મીટર)ની છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં ઓછામાં ઓછા 45 નામાંકિત ધોધ અને કાસ્કેડ છે.
Norris Geyser Basin પહોંચ્યા. આ બેસિન અનોખું લેન્ડસ્કેપ છે. નજર કરો ત્યાં વરાળ નીકળતી 193 જેટલી ધૂણીઓ જોવા મળે. તેમને નજીકથી જોવા માટે 3 માઈલ લાંબો Boardwalks અને trails છે. વિશાળ પટમાં અનેક ગીઝર-ધૂણીઓ વરાળના વાદળ બનાવતી હોવાથી જાણે આકાશમાં વિહરતા હોઈએ તેવું લાગે. આવું અદ્દભુત દૃશ્ય પહેલી વખત જોયું.
અહીં Steamboat Geyser – સ્ટીમબોટ ગીઝર છે. આ વિશ્વનો સૌથી ઊંચો સક્રિય ગીઝર છે. વિસ્ફોટ સમયે તેની ઊંચાઈ 300 ફૂટ / 91 મીટરથી વધુ હોય છે. આવા મોટા વિસ્ફોટ અણધાર્યા થાય છે. સ્ટીમબોટમાં નાના વિસ્ફોટો વારંવાર થાય છે, જે પાણીને 10-40 ફૂટ ઊંચું બહાર ફેંકે છે. દૂર રહી હું વીડિયો શૂટ કરતો હતો ત્યારે પાણીના છાંટાં મારી પર પડતાં હતા. આકાશને આંબતી વરાળનો ધુમાડો આશ્ચર્યચકિત કરી દે છે.
યલોસ્ટોનના મિડવે ગીઝર બેસિનમાં એક્સેલસિયર ગીઝર અને ગ્રાન્ડ લૂપ રોડ પર Roaring Mountain – રોરિંગ માઉન્ટેનની ઉત્તરે સેમી-સેન્ટેનિયલ ગીઝર સ્ટીમબોટ જેટલા ઊંચા હોવાનું નોંધાયું છે. જો કે, 1985 પછી એક્સેલસિયર ફાટી નીકળ્યો નથી, અને તે ગરમ ઝરણા તરીકે કાર્ય કરે છે, અને સેમી-સેન્ટેનિયલમાં આ ઊંચાઈનો એક વિસ્ફોટ 1922માં નોંધાયો હતો અને ત્યારથી તે નિષ્ક્રિય છે. સ્ટીમબોટના મુખ્ય વિસ્ફોટો સામાન્ય રીતે 3 થી 40 મિનિટ સુધી ચાલે છે. વિસ્ફોટ પછી, ગીઝર ઘણીવાર 48 કલાક સુધી મોટી માત્રામાં વરાળ બહાર કાઢે છે. સ્ટીમબોટ ગીઝરનો સૌથી તાજેતરનો વિસ્ફોટ 14 એપ્રિલ, 2025ના રોજ થયો હતો. 2018ની શરૂઆતમાં તે ફરીથી સક્રિય થયા પછી આ 171મો વિસ્ફોટ હતો.
રોરિંગ માઉન્ટેનનું નામ અસંખ્ય Fumaroles – ફ્યુમરોલ્સના કારણે રાખવામાં આવ્યું છે, જેનો અવાજ ઘણા માઇલ સુધી સંભળાતો હતો. રોરિંગ માઉન્ટેન એટલે ગર્જના કરતો પર્વત ! steam અને sulfur-rich gasesના વાદળો જોવા મળે છે. રોરિંગ માઉન્ટેન નોરિસ ગીઝર બેસિનની ઉત્તરે 5 માઇલ અને ઓબ્સિડિયન ક્લિફની દક્ષિણે છે અને પાર્કના રસ્તાઓ પરથી સરળતાથી જોઈ શકાય છે. રોરિંગ માઉન્ટેનની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 8,152 જેટલી છે. આખો પહાડ જાણે ગુસ્સો કરતો હોય તેવું લાગે !
ફ્યુમરોલ એ ખડકાળ સપાટી પર એક વેન્ટ છે જેમાંથી ગરમ જ્વાળામુખી વાયુઓ અને વરાળ ઉત્સર્જિત થાય છે, જેમાં કોઈપણ પ્રવાહી અથવા ઘન પદાર્થોનો સમાવેશ થતો નથી. ફ્યુમરોલ જ્વાળામુખીની પ્રવૃત્તિના અંતિમ તબક્કાની લાક્ષણિકતા છે, પરંતુ ફ્યુમરોલ પ્રવૃત્તિ જ્વાળામુખી વિસ્ફોટ પહેલા પણ થઈ શકે છે અને તેનો ઉપયોગ વિસ્ફોટની આગાહી માટે કરવામાં આવે છે. મોટાભાગના ફ્યુમરોલ વિસ્ફોટના અંતના થોડા દિવસોમાં સમાપ્ત થઈ જાય છે. પરંતુ કેટલાક સતત દાયકાઓ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે. ફ્યુમરોલ ધરાવતા વિસ્તારને fumarole field કહે છે.
બપોરે દોઢ વાગ્યે રેન્ટલ હાઉસ પરત આવ્યા. લંચ કરી આરામ કર્યો. સાડા ત્રણ વાગ્યે જોરદાર વરસાદ આવ્યો. વરસાદની ઉજવણી કરવા મરચાં / ડુંગળી / બટાકાના ભજિયાં બનાવ્યાં ને પેટ ભરીને ઝાપટ્યા ! મોજ પડી ગઈ. અમારી ભજિયાં પાર્ટી તો યલોસ્ટોન નેશનલ પાર્ક પણ યાદ રાખશે ! પ્રવાસનો હેતુ જ આનંદપ્રાપ્તિનો હોય છે !
20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર