બહેરા દેડકાનું સાહસ …

રાજ ગોસ્વામી
એક જંગલમાં દેડકાઓનાં ટોળાં વચ્ચે ઊંચા નીલગિરી પર ચઢવાની હરીફાઈ યોજાઈ. બીજાં પ્રાણીઓ ત્યાં એકઠાં થયાં. કોઈને વિશ્વાસ નહોતો દેડકાઓ ઉપર ચઢી શકશે. તેમણે સલાહ આપી કે આવા અખતરા રહેવા દે, નહીં તો જીવ ગુમાવવો પડશે.
હરીફાઈ શરૂ થઇ. પ્રાણીઓ બોલવા લાગ્યાં; ‘કોઈ ઉપર નહીં ચઢી શકે …પડીને મરી ન જાય તો મને કહેજો …ઝાડ બહુ લીસ્સું છે અને આ લોકોમાં અક્કલ નથી.’
એકાદ બે દેડકાને બીક લાગી અને હરીફાઈમાંથી નીકળી ગયા. અમુક થોડુંક ચઢીને ગબડી પડ્યા અને મરી ગયા. જે જુસ્સાવાળા હતા તે ઝાડ પર ઊંચે ચઢ્યા. નીચેથી ટોળાંએ બૂમો ચાલુ રાખી; ‘આગળ ન ચઢતા, પડીને મરી જશો. તમારું ગજું નહીં.’
દેડકાઓએ વાત ન સાંભળી અને થોડા વધુ દેડકા પડીને મરી ગયા.
પરંતુ એ બધામાં એક દેડકો ઊંચે ને ઊંચે ચઢવા લાગ્યો. તેનો જુસ્સો અને ગતિ બંને પ્રસંશનીય હતાં. નીચે રહી ગયેલા દેડકાઓ અને અન્ય પ્રાણીઓના આશ્ચર્ય વચ્ચે તે ઝાડની ટોચ પર ચડી ગયો.
બધાને નવાઈ લાગી. એ નીચે આવ્યો એટલે બધાએ તેને હરીફાઈ જીતવા માટે અભિનંદન આપ્યા, અને પછી પૂછ્યું કે ‘તને ના પાડી હતી તો’ય જાનનું જોખમ કેમ લીધું? અને તું એટલા ઊંચે ચડી શક્યો કેવી રીતે?’
વિજેતા દેડકાએ ભોળા ચહેરે તેમની તરફ જોઇને કહ્યું, ‘તમે મને ચેતવતા હતા? પણ હું તો બહેરો છું. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો.’
————————–
આમિર ખાનની બહુચર્ચિત નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો એક સંવાદ લોકપ્રિય થયો છે : સબકા અપના અપના નોર્મલ હૈ. આ ફિલ્મ, માનસિક વિકાસ સંબંધી ડાઉન સિન્ડ્રોમ અને ન્યૂરો ડાઈવર્સી જેવા જટિલ વિષય પર પ્રકાશ પાડે છે. ફિલ્મના હીરો ગુલશનને જ્યારે આવાં સ્પેશ્યલ બાળકોને કોચિંગ આપવાની સજા સંભાળવવામાં આવે છે ત્યારે, ‘આ છોકરાં તો નોર્મલ નથી’ની તેની મૂંઝવણના જવાબમાં કમ્યુનિટી સેન્ટરનો સંચાલક ગુરપાલ સિંહ કહે છે, ‘સબ અપને-અપને નોર્મલ પે ટીકે બૈઠે હૈં, કોચ સાહબ. સબકા અપના-અપના નોર્મલ હોતા હૈ. આપ કા નોર્મલ આ પકા, ઉન કા નોર્મલ ઉન કા.’
ડાઉન સિન્ડ્રોમ વાળાં બાળકોને ‘અલગ’ અને ક્યારેક તો ‘ગાંડા’ ગણીને સમાજમાં આભડછેટ કરવામાં આવે છે. લોકો તેમને એબનોર્મલ માને છે કારણ કે તેમની દૃષ્ટિએ નોર્મલ એ છે જે તેમના જેવા છે. આમિરની ફિલ્મ આ માન્યતાને તોડવા પ્રયત્ન કરે છે. તે કહે છે કે સમાજનો બહુમતી વર્ગ નક્કી કરે તે નોર્મલ ન કહેવાય. દરેક વ્યક્તિ નોર્મલ જ છે, પણ પોતાની રીતે. તેની કોઈ એક વ્યાખ્યા નથી, જેમાં સર્વેને ફિટ કરી દેવામાં આવે. નોર્મલ શું છે તે સમાજ નક્કી નથી કરતો, તે વ્યક્તિ નક્કી કરે છે; સબ કા અપના-અપના નોર્મલ હોતા હૈ.

આમ તો આ શબ્દનો ઉપયોગ મેન્ટલ હેલ્થના સંદર્ભમાં કરવામાં આવે છે. પશ્ચિમના વિકસિત સમાજોમાં તો આજે ઘણી સજાગતા આવી છે, પરંતુ ભારત જેવા દેશોમાં હજુ પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બાબતોને નકારાત્મક રીતે જોવામાં આવે છે. આપણે ત્યાં વિકલાંગ બાળકો અને સ્ત્રીઓને સમાજમાં બીજાં જેવાં નહીં હોવાની આકરી સજા ભોગવવી પડે છે. આપણે ત્યાં સ્ત્રીઓને આજે પણ ડિપ્રેશન કે હીસ્ટેરિયા જેવી સાધારણ ફરિયાદો બદલ ‘ગાંડા’માં ખપાવી દેવામાં આવે છે.
કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા હોય તો તેનો અર્થ એ નથી કે તે મનુષ્યમાં નથી. આપણે ત્યાં તેને સાંકળોથી બાંધી રાખવાના દાખલા પણ છે. કથિત રીતે નોર્મલ લોકો જેટલી હિંસા કરે છે તેની સરખામણીમાં, માનસિક રીતે અસ્વસ્થ અમુક લોકો જ આક્રમક હોય છે, તેમ છતાં આપણે તમામ ‘ગાંડા’ને સૌથી જોખમી ગણીએ છીએ. ગાંડાઓને પથ્થરો મારવાનું ચલણ આપણે ત્યાં જ છે.
આ બધું આપણી નોર્મલની વ્યાખ્યાને કારણે છે. સમાજે નોર્મલની એક અવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો તેમાં ફિટ થાય તે નોર્મલ, અને ન થાય તે એબનોર્મલ. પ્રકૃતિ આવા ભેદ નથી કરતી. આ માનવસર્જિત ભેદ છે. વાસ્તવમાં, લોકો નોર્મલ કે એબનોર્મલ નથી હોતા, નેચરલ હોય છે.
અને આ વાત માત્ર વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ સુધી સીમિત નથી. દરેક સામાજિક વલણના નોર્મલ હોવા અંગે સવાલો ઊભા થાય છે. નોર્મલ હોવું એ સબ્જેક્ટિવ, એટલે કે વ્યક્તિપરક હોય છે કારણ કે માપદંડો દરેક વ્યક્તિએ વ્યક્તિએ, સમાજે સમાજે અલગ હોય છે. તે સમય પ્રમાણે બદલતા રહે છે. તમારા માટે જે નોર્મલ છે તે મારા માટે નથી, અને મારા માટે આજે જે નોર્મલ છે તે ગઈકાલે નોર્મલ નહોતું.
આપણે આપણી માન્યતાઓ, દૃષ્ટિકોણ, માહોલ, ઉછેર, અનુભવ, પરિવાર, સમાજ અને જરૂરિયાતો અનુસાર શું નોર્મલ છે તે નક્કી કરીએ છીએ. પરંતુ આ માપદંડો શાશ્વત નથી. દાખલા તરીકે, સમલૈંગિકતા બહુ લાંબા સમય સુધી બીમારી અથવા વિકૃતિ ગણાતી હતી (આજે પણ ગણાય છે), પરંતુ વૈજ્ઞાનિક સમજના વિકાસની સાથે આપણે તેને પ્રાકૃતિક સમજતા થયા છીએ.
નોર્મલ શબ્દ આપણી બોલચાલમાં અને વિચારોમાં એટલો ઘૂસી ગયો છે કે આપણને તેનો અંદાજ પણ નથી. દાખલા તરીકે, આપણે કેટલી સહજતાથી આવાં વાક્યો બોલીએ છીએ અથવા આજુબાજુમાં લોકોને બોલતાં સાંભળીએ છીએ –
‘ફલાણાનો ઉછેર નોર્મલ નથી થયો.’
‘હું નોર્મલ માણસની જેમ કેમ ખાઈ ન શકું?’
‘મને કેમ નોર્મલ વિચારો નથી આવતા?’
‘ફલાણાનો વ્યવહાર નોર્મલ કેમ નથી?’
‘આજના લોકો નોર્મલ લગ્નો કેમ નથી કરતા?’
‘ફલાણો માણસ નોર્મલ જિંદગી કેમ જીવી શકતો નથી?’
અહીં, નોર્મલ એટલે સમાજનો બહુમતી વર્ગ જે રીતે જીવે છે અથવા કરે છે તે. આપણે તે ફૂટપટ્ટી વડે બીજાને અને ક્યારેક આપણને માપીએ છીએ. આપણે એક સમાજ કે સમુદાયમાં રહેતા હોઈએ ત્યારે તેમની સાથે તંદુરસ્ત લગાવ જાળવી રાખવા માટે અમુક નિયમો અથવા રિવાજોનું પાલન કરીએ તેમાં ખોટું નથી. દાખલા તરીકે, બધા સાડી પહેરતા હોય અથવા કૂર્તો-પાયજામો પહેરતા હોય તો તે નોર્મલ કહેવાય. અથવા થાળીમાંથી હાથ વડે ખાવું નોર્મલ છે.
પરંતુ સાડી પહેરવી કે હાથ વડે ખાવું તે મારા નોર્મલ હોવાની નિશાની નથી. તે એક શોખ અથવા પસંદગીથી વિશેષ કશું નથી. સમસ્યા ત્યારે શરૂ થાય જ્યારે વ્યક્તિગત પસંદ (જે પ્રાકૃતિક પણ હોઈ શકે) એબનોર્મલ અથવા વિકૃતિમાં ગણવામાં આવે.
આપણે ત્યાં તો અમુક પ્રકારની સ્વભાવગત ખાસિયતોવાળા લોકોને પણ એબનોર્મલ ગણવાની ટેવ છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વધુ પડતી સંવેદનશીલ હોય, શરમાળ હોય અથવા અંતર્મુખી હોય તેને પણ નોર્મલમાં ગણવામાં નથી આવતી.
નોર્મલ ફેક્ટ નથી, ફિક્શન છે. તે પ્રાકૃતિક સત્ય નથી, સામાજિક કલ્પના છે. સમાજમાં ઘણાં મીથ હોય છે, તેવું તે એક મીથ છે. દરેક સમાજ નોર્મલની એક વાર્તા લખે છે અને આપણે તેમાં ફિટ થવાનું હોય છે. એ વાર્તા આપણને કહે છે કે સુખી અને સફળ જીવન કોને કહેવાય. એક ‘નોર્મલ’ માણસે કેવી રીતે જીવવું તેનું પ્રિસ્ક્રીપ્શન એ વાર્તામાં લખેલું છે.
વાસ્તવિકતા એ છે કે આપણે સૌ અનન્ય અને અદ્વિતીય છીએ. અને આપણે કોણ છીએ અથવા કેવા છીએ, અથવા આપણા વ્યક્તિત્વનાં લક્ષણો શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌનું એક સમાન સ્વાગત છે.
અંદરથી સૌને ખબર છે કે જીવન આસાન નથી. સૌની કોઈને કોઈ કમજોરી હોય છે. છતાં, આપણે અનન્ય છીએ. આપણે સૌ આપણી રીતે અલગ છીએ. આપણા અનન્ય અનુભવો, આપણા સંજોગો, આપણું જ્ઞાન, આપણી તાકાત અને કમજોરીઓ આપણને આગવી ઓળખ આપે છે.
આપણે મશીનમાં બનતા રોબોટ નથી, આપણે પ્રકૃતિના ખોળે ઉછરતા જીવ છીએ. દુનિયામાં કેટલાં ઝાડ છે? તેના પર કેટલાં પત્તાં છે? અને છતાં, એક પણ પત્તું તેના પાડોશી જેવું સમાન નથી. પ્રકૃતિએ પ્રત્યેક પત્તાને એક જુદો ચહેરો આપ્યો છે. તમે ક્યારે ય બજારમાં એક ખૂણે બેસીને સામેથી પસાર થતા લોકોને જોયા છે? ન જોયા હોય તો જો જો. પ્રત્યેક વ્યક્તિની ચાલ અલગ હશે. દુનિયામાં કોઇપણ બે વ્યક્તિ એક સરખું ચાલતા નથી.
આપણે સૌ એકબીજા જેવા નોર્મલ નથી એટલે જ આપણી આગવી ઓળખ છે. આપણે એકબીજાથી અલગ છીએ એટલે જ દુનિયા આટલી ખૂબસુરત છે. આપણી કથિત એબનોર્માલિટી દુનિયા માટે ગિફ્ટ છે. દુનિયાને આપણી આગવી વાર્તાની જરૂર છે. આપણા સૌની વાર્તાઓ અલગ છે. આપણે એક સમાન નથી. સર્વસામાન્ય નોર્મલ જેવું કશું હોતું નથી. આપણે સૌ આપણું નોર્મલ બનાવીએ છીએ. સબ કા અપના અપના નોર્મલ હૈ.
1980માં, નસીરુદ્દીન શાહની એક ફિલ્મ આવી હતી, ‘સ્પર્શ.’ તેમાં તે દૃષ્ટિહીન શિક્ષક છે અને દૃષ્ટિહીન બાળકોની સ્કૂલમાં ભણાવે છે. તે સ્કૂલમાં બાળકોને ગાવાનું શીખવાડતી શબાના આઝમી એક દિવસ બોલે છે, ‘મૈં યહી ચાહુંગી કિ બેચારોં કો જ્યાદા સે જ્યાદા દે સકું.’
નસીર તેને ટોકે છે, ‘એક છોટી સી અર્જ હૈ. એક લફ્ઝ આપ જીતની જલ્દી ભૂલ જાયેં ઉતના અચ્છા હોગા – બેચારા. હમે મદદ ચાહિયે, તરસ નહીં. યે મત ભૂલીએ કી અગર આપ ઉન્હેં કુછ દેંગી તો વો ભી આપકો કુછ દેંગે. કિસી કા કિસી પર અહેસાન નહીં. કોઈ બેચારા નહીં. ઠીક?’
(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામે સાપ્તાહિક કટાર, “ચિત્રલેખા”; 14 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

