(વૉંઘું વહેળો, કોતેડી, વોકળો, ગામેગામનાં વરસાદી પાણી જેમાંથી પ્રવાહ રૂપે વહીને નદીમાં કે મોટા તળાવમાંભળી જાય છે, તેવી માઈલોના માઈલો લાંબી કુદરતી રચના(કૅનાલ)ને સાબરકાંઠાની લોકબોલીમાં વૉંઘુંં કહે છે. નોંધ : વૉંઘું નાનાંમોટાં ગામના વંચિત સમુદાયો માટે કુદરતી હાજતે જવા માટેનું સ્થળ પણ છે; ઘણીવાર જાતીય સમાગમ માટે વૉંઘાનો છેક અંદરનો ભાગ કામમાં આવતો હોય છે.)
વળાંક પછી વળાંક પછી વળાંક
સાપને પણ લાગે થાક
એવા વળાંક
વળાંકમાંનો એક વળાંક.
વળાંક પર વાડ
દૂધથી ફાટફાટ
થોરના ઠાઠ,
કાંટા પણ લાગે.
વણબોટાયેલા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે
હઠીલો શણગાર.
થોર પાસે
ક્યાંક ઘાટીલો
ક્યાંક આછકલો
વળાંક પર નમેલો
બાવળ
બાવળમાંથી સરવા મથતો
ખરા બપોરનો તડકો
બની કાતરા લટકી ગયો
થોડો તડકો બળ કરી રેત પર પડ્યો,
પડતાંની સાથે બળ વિનાનો થઈ ગયો.
બળ વિનાના તડકા પર તું બેઠી
હું બેઠો તને અડી
ઘડી રહી તું આડી પડી
ચંબાને તારી ઠેસ અડી.
કાટવાળો ચંબુ આડો પડ્યો
પાણીને રેતની તલબ હતી
રેતને હબ દઈને ગળી ગયું
રેતમાં ગજબનું મારણ હતું
પાણી પળમાં મરી ગયું.
કોણીનો મેં ટેકો લઈ
લટ તારી આંગળી પર વીંટી
અને શરમાઈને મીઠું તેં
સહેજ ફેરવ્યું મોઢું તેં
તારી અનોખી આંખને મેં
મોઢું દૂરથી દેખાય ખાલી
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી
ખખડીને તું હસી પડી.
ખખડીને હસી પડવું તારું
ચંબુનું પાણી જાણે રેતમાં ઢોળાવું.
વળાંકમાંથી ભૂંડનું બચ્ચું આવ્યું
રોડું લીધું ને ઉપર ઉઠાવ્યું
તેં તરત હાથ પકડ્યો
રોડું છટકીને નીચે પડ્યું
બચ્ચું વળાંકમાં જતું રહ્યું.
તારી આંખમાં તાકવા લાગ્યો.
તાકતાં-તાકતાં ભાન ભૂલ્યો
આંખમાં અચાનક હરણું દોડ્યું,
એક લાંબો કૂદકો મારી,
આંખમાં તારી ઘૂસી ગયું.
સહેજ ડાબે મોઢું ફેરવી
આંખ ઘડી તેં બંધ કરી,
મેં આડી નજર કરી
થોડે છેટે ખોલકું જોયું
‘કેવું વહાલું વહાલું …’
ત્યાં તો એને રોડું વાગ્યું,
આખું એનું શરીર કાંપ્યું,
કંપન એવું
તારા ચહેરે જોયું,
સાથે ધીમો સિસકારો નીકળ્યો,
સીધો મારી આંખમાં બાઝ્યો.
ચહેરો મારો હાથમાં લઈ
આછું સ્મિત વેદનામાં ભેળવી
વહાલભરેલા શબ્દો બોલી :
‘ખોલકા જેવો તુંય રૂડો’
શરીર સહેજ કંપી ગયું.
કંપીને તરત આંસુ થયું
આંખમાંથી પછી સરી પડ્યું.
ખોલકું હજુ ત્યાં જ ઊભું છે,
વૉંધું રોડાનો પર્યાય બન્યું છે.
* * *
(કાતરા = બાવળનું ફળ)
(ચંબુ = કુદરતી હાજતે જતી વખતે પાણી લઈ જવા માટેનું નાનું ડબલું)
(ખોલકું = ગધેડાનું બચ્ચું)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 18