લેનિન, ગાંધી સ્તાલિન, માઓ અને
હિટલર
બેઠા હતા
બાગે ફિરદૌસના બાંકડે
ગપસપ કરવા,
ઢળતી સાંજે.
ચોગમ લહેરાતો હતો
પીળાં ફૂલોનો સમંદર.
સામેના બાંકડે બેઠો હતો
ગોડસે
માથું ઝુકાવી એકલોઅટૂલો.
લેનિન કહે,
‘ગાંધી, હવે તારી ને તારા પૂતળાંની દશા
મારા જેવી થવાની.’
‘હા, લાગે છે મને ય એવું!’ ગાંધી હસ્યા.
‘હવે ગોડસેનાં પૂતળાં
ગોઠવાઈ રહ્યાં છે ચોરે-ચૌટે!’
ગોડસે આ સાંભળી
મૂછમાં હસ્યો.
માઓ બોલ્યા,’ ‘મારા વારસદારોએ
મને તારી જેમ ગાંધી, નોટોમાં જ રાખ્યો છે !’
સ્તાલિન ખખડીને હસ્યો.
‘મને પણ વારસદારોએ જ ભૂંસી નાંખ્યો!
કેટલાં પૂતળાં મુકાવ્યાં’તાં મેં જીવતેજીવ!’
હિટલરે સ્તાલિનને તાળી આપી,
‘બિરાદર સ્તાલિન,
તમે મને દાટી દીધો હતો,’
પરંતુ
હવે પાછા મારા
‘અચ્છે દિન’ આવી રહ્યા છે!
જર્મની-ઇટાલીમાં તો ખરા જ,
પણ ગાંધી, તમારા
મહાન દેશ ભારતમાં પણ!’
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 11