કહેવાય છે કે ગુજરાતમાં વિરોધ પક્ષોનું કાંઈ ચાલતું નથી. હમણાં ‘આપ’ના કેજરીવાલે ગુજરાતની પ્રજાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી. ના, તમે 1,000 યુનિટ વીજળી આપશો તો પણ ગુજરાતીઓ તમને વોટ નહીં આપે. તમે ગુજરાતીઓને સમજ્યા જ નથી. જો તમારે ગુજરાત માટે જ ઢંઢેરો બનાવવાનો હોય તો આ રહ્યાં મારાં સૂચનો :
[1] દર મહિને પાવાગઢની એક વાર જાતરા કરનારના કુટુંબને પાંચ કિલો ચોખા આપવામાં આવશે.
[2] દર મહિને એક વાર અંબામાતાનાં દર્શન કરનારને એક કિલો તુવરની દાળ આપવામાં આવશે.
[3] દર પૂનમે પગે ચાલીને ડાકોર જતા હિન્દુઓને દર છ મહિને એક જોડી જૂતાં આપવામાં આવશે.
[4] ઘેર સત્યનારાયણની કથા બેસાડનારને ‘મુખ્યમંત્રી પ્રસાદ’ એક કિલો પેંડા આપવામાં આવશે.
[5] સંતોષીમાની કથા કરનાર તમામ મહિલાઓને પાંચસો ગ્રામ ચણા અને સો ગ્રામ ગોળ સંસ્કૃતિ રક્ષક ખાતા તરફથી આપવામાં આવશે.
[6] જો અમે સત્તા પર આવીશું તો હિન્દુ યાત્રા વિકાસ ખાતું ઊભું કરીશું.
[7] દરેક ગામમાં ઓછામાં ઓછો એક પીપળો રોપવામાં આવશે અને એનું નામ ‘રાત્રિપ્રાણપોષક’ રાખવામાં આવશે. એક સરકારી સેમિનારમાં, એક સરકારી યુનિવર્સિટીના સરકારી વિભાગના સરકારી હેડને મેં એવું કહેતાં સાંભળેલાં (અનુસ્વાર identity દર્શક છે) કે પીપળો રાતે સૌથી વધારે પ્રાણવાયુ બહાર પાડે છે.
[8] દરેક ગાયને શિયાળામાં એક એક ધાબળો આપવામાં આવશે. માતાજીને ઠંડી ન લાગે એ માટે અમે સંવેદનશીલ બનીશું.
[9] રાજ્યની તમામ ભેંસો સમક્ષ રોજ ભાગવતનું પઠન કરી આપણી ભેંસ આગળ ભાગવત કહેવતનું આપણે પાલન કરીશું.
[10] તમામ સરકારી કર્મચારીઓને દર મહિને એક CL-casual leave ઉપરાંત ખાસ યાત્રા રજાઓ આપવામાં આવશે. રજાઓની સંખ્યા છ રાખવામાં આવશે જેથી કર્મચારીઓ સોમવારે નોકરી પર આવવા રવિવારથી માનસિક રીતે તૈયાર થઈ શકે.
[11] જે લોકો ભણેલા છે એમણે જો સ્વેચ્છાએ ‘ભક્તજન’ બનવું હશે તો એમની સર્જરી સરકાર મફતમાં કરાવી આપશે. શરત માત્ર એટલી કે ત્યાર બાદ એ ભક્તજને અમારી પૂજા કરવાની રહેશે.
[12] “વધુ બાળ, જય ગોપાળ.” અમારું સૂત્ર રહેશે. જે હિન્દુ કુટુંબમાં ત્રણ કરતાં વધારે બાળકો જનમશે એમના ઘર પર ‘હિંદુરક્ષક’ લખવામાં આવશે.
[13] જો કોઈ જ્ઞાતિ બાળકોને અને એમાં પણ ખાસ કરીને બાળકીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકશે તો અમે એવી જ્ઞાતિને સરકારી રક્ષણ આપીશું અને એમના ગામની શાળા વાજતેગાજતે બંધ કરીશું.
[14] રોજ સવારે પ્રાર્થના વખતે શાળાનાં બાળકોને મુખ્ય પ્રધાન એમના દિલની વાત કરશે અને ગઈ રાતે એમણે શું ખાધેલું એની વિગતવાર ચર્ચા કરશે.
[15] ‘જેટલાં ઘર એટલાં મંદિર’. જો અમે સત્તા પર આવીશું તો દરેક ઘરના આંગણામાં એક એક મંદિર બનાવવાની પરવાનગી આપીશું અને એમાંથી થતી આવક જે તે કુટુંબની ગણાશે.
[16] જે શિક્ષકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રામાણિક બનીને ભણાવશે એમને રોજ સવારે સો દંડબેઠક કરવાનું ફરજિયાત કરીશું. એનાથી એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. ‘તંદુરસ્ત શિક્ષક એ જ સમાજનું ઘરેણું છે.’
[17] હાઈ સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો પર અમે વાંચવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દઈશું. એને બદલે અમે એમને હિન્દુ ધર્મની સેવા કરવાનું કામ સોંપીશું.
[18] દરેક ગામમાં એક મુખ્ય મંદિર હશે. એના એક પૂજારી હશે. એ પૂજારી જે તે ગામની શાળાના વિદ્યાર્થીઓને પૂજાપાઠ શીખવશે જેથી ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ મોટા થઈને દેવોને સહેલાઈથી રીઝવી શકે.
[19] કાંગ્રેસે કૃત્રિમ વિર્યદાન જેવી વ્યવસ્થા કરીને આપણા દેશની ભેંસોને અને ગાયોને westernize કરી નાખી છે. આ કદી ચલવી નહીં લેવાય. જો અમે સત્તા પર આવીશું તો દરેક ગામને એક પાડો અને એક આખલો આપીશું. એ બન્નેના નિભાવ માટે અમે કુદરતી વીર્યદાન અધિકારીની નિમણૂંક કરીશું. અને એ રીતે બેકારી દૂર કરીશું.
[20] પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું દેશમાં લાવી દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાની વાત કરેલી. હવે કાળું નાણું વધી ગયું છે. અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન એ બધું નાણું પાછું લાવીને આપણ બધાંને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપશે. મારા પક્ષના એકએક સભ્યો એ ત્રીસ લાખ જાતરાસ્થળોના વિકાસ માટે ખર્ચશે.
[21] છેલ્લે, દરેક ગામમાં અમે એક એક ગરબા મેદાન બનાવીશું. એનું નામ હશે ‘સરકારી ચાચર ચોક’. ત્યાં ગુજરાતીઓ રોજે રોજ ગરબા ગાઈ શકશે. પ્રવેશ ફી વગર. અમે ગરબાઓ પરના શ્રીમંતોના નિયંત્રણને ખતમ કરી નાખીશું.
[22] બીજી વાર છેલ્લે, અમે દરેક કુટુંબમાં ઓછામાં ઓછો એક એક ગઝલકાર હોય એ માટે ગઝલ સાહિત્યને ઉત્તેજન આપીશું. દરેક ગામમાં ચોતરે મહિને એક વાર ગઝલવાંચન થશે. એ વખતે અમે ગઝલકારોની વાહ વાહ કરવા માટે દરેક ગામને પાંચ પાંચ cheerleaders આપીશું.
[23] હવે સાચે સાચ છેલ્લે, ગુજરાતી સાહિત્યમાંથી વિવેચકોની category નાબૂદ કરીશું.
[24] હજી બાકી રહી ગયું એક વચન : અત્યારે શિક્ષકો જોડણીદોષ કે વ્યાકરણદોષને દોષ ગણતા નથી. જો અમે સત્તા પર આવીશું તો વિધાનસભામાં ‘ભાષાદોષ અધિકાર કાનૂન’ પસાર કરીશું. એના ઉપક્રમે દરેક ગુજરાતીને ભાષામાં ભૂલો કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળશે અને એમની ભૂલોની જે કોઈ ટીકા કરશે એને રોજે રોજ એના લખાણમાં દસ ભૂલો કરવાની સજા આપવામાં આવશે.
This is what Gujarati people want. અને હા, હજી એક આપવા જેવું વચન રહી ગયું : ગુજરાતમાં દારૂછૂટ્ટી કરવામાં આવશે અને નર્મદાની નહેરની સમાન્તરે દારૂ વહે એની સરકાર વ્યવસ્થા કરશે જેથી લોકો નિરાંતે દારૂ પી શકે !
સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA.
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર