આત્મહત્યા તો હોય છે
અંતિમ પગલું.
પંખે લટકી, ગળામાં રસ્સી નાંખી, મરી જતાં પહેલાં
એ રિબાયો હશે. રોજરોજ વારંવાર મરવાથી
હણાયો હશે એનો આત્મા વારંવાર,
હૉસ્ટેલમાં એમ જ પડી રહી હશે એની લાશ
જાણે હૉસ્ટેલ એના બાપની ન હોય!
આપઘાતના ટૅન્શનમાં પીધેલી છેલ્લી સિગરેટ
એની જેમ જ બુઝાયેલી પડી છે એની બાજુમાં …
ન્યાય-ન્યાય-ન્યાય કરતાં મરનારાઓને ખબર નથી,
ન્યાય તો બિરબલની ખીચડી જેવો છે.
જવાબદારને પકડવા બોલાવાય છે કૂતરાંઓને.
કૂતરાં ફરી-ફરી ચાલી જાય છે, ફરી વળે છે એકાદ થાંભલાને ટાંગ ઊંચી કરી.
હત્યા કે આત્મહત્યાનું ય અમે હવે કર્યું છે આઉટસૉર્સિંગ
ફ્રીઝમાં પડેલી ખાદ્યસામગ્રીનું ય અમારા દેશમાં થાય છે પૉસ્ટમૉર્ટમ!
પંચનામું, એફઆરઆઈ-બેફારાઈ, રિપોર્ટ-બિપોર્ટની રામાયણથી બેખબર
બ્રેકિંગન્યૂઝ બની જાય છે લટકતી લાશ!
બડે અચ્છે લગતે હો સિરિયલના એપિસોડની નીચે તરતી રહે છે ન્યૂઝલાઇન!
ભૂંડના મૂંડની જેમ ટોળે વળે છે કૅમેરા
આત્મહત્યા પૂરો પાડે છે પુરવઠો
૨૪ x ૭ ચાલતી ચૅનલોની T.R.P.ને
પોસ્ટમૉર્ટમની પેથોલૉજી ચૂંથતા પ્રોફેસરો ઢાંકી દેતા હોય છે
આત્માના હત્યારાઓને …
ગ્લિસરીનનાં આંસુથી આત્માના હત્યારાઓ
ભારતના લાભ માટે ગદ્ગદિ્ત થવાનું નાટક કરતા ફરે છે ચૅનલેચૅનલે
પાંચ-છ દા’ડા પછી!
પણ આત્માના હત્યારાઓ જાણતા જ નથી
કે આત્મા નથી હોતો, કેવળ વ્યક્તિનો જ
એ હોઈ શકે છે દેશનો કે દુનિયાનો પણ!
એને હણી-બાળી કે ભીંજવી શકાતો જ નથી!
પ્રત્યેક આત્મહત્યા પછી
એ સક્રાન્ત થતો હોય છે અનેકાનેકમાં …
હત્યારાઓની ય જાણબહાર!
આત્મઘાતીના ગળામાં પડેલો ફાંસો
પુનઃ ખૂલી ફૂલી ધીમે-ધીમે ફાંસતો રહે છે
આત્માના હત્યારાઓને!
વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 10