કઠિન સંજોગોમાં સાંપડેલી નિરાશા સ્થાયીભાવ ન બનવો જોઇએ, બલકે તે સમયે કરાતું ચિંતન, ઝીલવો પડતો ઝુરાપો અને સંઘર્ષ તમને વધુ હકારાત્મક દૃષ્ટિકોણથી જિંદગી જીવતાં શીખવે છે. ધીરજ, આશા અને પ્રેમ અચોકસાઈના દરિયામાં જિંદગીના હોડકાંને સ્થિર રાખી શકે છે.

કિરીટ ભટ્ટ અને પ્રજ્ઞા ભટ્ટ લગ્રનગ્રંથિથી બભધાયાં ત્યારની છબિ
ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી જાહેર કરી. આ વર્ષે કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં અને લોકશાહીના એ અંધારયુગને જીવનારા, જાણનારા અને જોનારા તમામે તેને કોઈને કોઈ રીતે યાદ કર્યો. કટોકટી – એટલે કે ઇર્જમન્સીના એક 21 મહિનાના સમયગાળાને ભારતનો સૌથી વિવાદી સમય માનવામાં આવે છે. જો કે સત્તાએ બેઠેલાઓને મનફાવે ત્યારે કટોકટી પ્રકારનો માહોલ કે પાછલા બારણેથી કટોકટી પ્રકારના નિયમો લાગુ કરી દેવામાં કોઈ શરમ નથી નડતી. છતાં ય ઇન્દિરા ગાંધીની સરકારે જે કર્યું તેમાં સરમુખત્યારશાહીની તમામ હદો પાર કરી દેવાઈ હતી. કટોકટી ભારતમાં સરમુખત્યારશાહીની પરકાષ્ઠા હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ પહેલાં પણ મેં લખ્યું છે કે મારા પિતા, પત્રકાર કિરીટ ભટ્ટ પણ કટોકટી દરમિયાન બરોડા ડાઇનામાઇટ કેસ દરમિયાન 14 મહિના જેલમાં હતા. આજનો આ લેખ કટોકટીની વિગતોને ફરી ઘૂંટવાના આશયથી નથી, પણ એ વાત જે મારાં મમ્મી પ્રજ્ઞા ભટ્ટે મને અનેકવાર કહી છે તે ટાંકવાના હેતુ છે. આજનો લેખ મેં લખ્યો છે એમ નહીં કહું કારણ કે શરૂઆતના આ માહોલ બાંધનારા ફકરાની નીચે જે લખાયું છે તે મારાં મમ્મી પ્રજ્ઞા ભટ્ટે આજથી દસેક વર્ષ પહેલાં મારી સતત વિનંતીઓ(આમ તો કકળાટ અને જીદ જ કહેવાય)ને પગલે ફૂલસ્કેપનાં ચાર પાનાઓમાં લખ્યું હતું. કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં છે તે નિમિત્તે મારી મમ્મી, જેની વિદાયને ચાર વર્ષ થયાં છે તેના અક્ષરોમાં લખાયેલી તેની યાદોને અહીં રજૂ કરવાનું મેં નક્કી કર્યું છે. આગળનાં શબ્દો પ્રજ્ઞા ભટ્ટનાં છે;
“1976, 8મી માર્ચની ખૂબ વહેલી સવાર અને બારણે ભારેખમ ટકોરા – બારણું ખોલતાં જ રાયસિંઘાણી પોલીસ ઑફિસર અને તેમની પલટન – જોઇને થોડી નવાઈ લાગી – ત્યાં તો પાછળ જશવંતસિંહ ચૌહાણ – ઊંઘમાંથી જાગીને સંપૂર્ણ સ્વસ્થતાથી કિરીટભાઇ તો તરત જ સાવધ થઇ ગયા કારણ કે આ ઘટના અંગે પોતે તૈયાર જ હતા. હું તો આ બાબતથી અજાણ જ હતી. શું થયું? એનો જવાબ હતો જ નહીં. થોડી પૂછપરછ – ઘરમાં થોડી તલાશ-તપાસ કંઇ વાંધાજનક ન મળ્યું પણ જે વાંધાજનક હતું તે રૂમમાં બાળકો સૂતા હતાં – તેથી પોલિસ તે રૂમમાં ગઈ નહીં. પરંતુ જતા-જતા કિરીટભાઇ એટલું કહીને ગયા કે, “આ બધું” જયંતભાઈ શુક્લને ત્યાં પહોંચતું કરી દેજે. રાયસિંઘાણીએ કહ્યું કે અમે કિરીટભાઈને પોલીસ સ્ટેશને લઇ જઇએ છીએ, કલાક બે કલાકમાં આવી જશે. પણ આ કલાક બે કલાકનો સમય તો પૂરા જ 14 મહિનાનો નીકળ્યો.
સવારે છાપામાં હેડલાઇન સાથે જણીતા પત્રકાર અને બીજાઓની ધરપકડ સમાચાર જાણી લોકોના ફોન કૉલનો મારો ચાલુ થઇ ગયો અને મને તો કોઈ માહિતી જ નહીં એટલે જવાબ આપવો મુશ્કેલ હતું. બરોડા ‘સુરંગ પ્રકરણ’ તરીકે દેશમાં સમાચાર પ્રસરી ગયા. દેશદ્રોહ જેવો ગુનો કર્યો હોય એ રીતે એની ચર્ચા ‘મૂર્ખ’ માણસો કરતા. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામેની આ પહેલી સિંહગર્જના હતી.

કિરીટ ભટ્ટ – પ્રજ્ઞા ભટ્ટ
મેહુલ-સિબીલ પ્રાથમિક શાળામાં હતા. નાનો અવનીશ હજી આ આપત્તિથી અજાણ હતો. બાળકોના પ્રશ્નોનો એક જવાબ હતો કે, ‘તમારા પપ્પા દેશહિતમાં જેલમા ગયા છે.’ હવે મોટો પ્રશ્ન જીવનનિર્વાહનો હતો. આનો ઉકેલ પણ મિત્રોના સહકારથી સમયાંતરે મળ્યો. સ્વ. ભાઇલાલભાઇ કોન્ટ્રાક્ટરના પ્રયાસથી પ્રતાપ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં પાર્ટ ટાઇમ નોકરી મળી. તેમ જ ડૉ. સ્વ. મણિભાઈ પટેલ, સ્વ. મહેન્દ્રભાઈ દેસાઇ તેમ જ જયંતભાઈ, નિલેશભાઈ – શુક્લ પરિવારના આ વિશાળ વડલાએ અમને ખૂબ રાહત આપી. નાના મોટા તહેવારોમાં મારા બાળકોને પપ્પાની ખોટ સાલવા ન દીધી. લોકો મળવા આવવાનું પણ ટાળતા. ડૉ. ઉમાબહેન વૈષ્ણવ અને ડૉ. હર્ષદ વૈષ્ણવે પરિવારની તબિયત બાબતે કાળજી લીધી. આમ નિર્વહનનો પ્રશ્ન બધાના સહકારથી સરળ બન્યો.
એસ.આઇ.બી.ના ચીફ પી.પી. મારુનો વ્યવહાર ખૂબ મૈત્રી ભર્યો રહ્યો. સી.બી.આઇ.ના યાજ્ઞિક, જ્યોર્જનાં કાગળો કે વાંધાજનક સાહિત્ય હોય તો ખૂબ જલદી તેનો નાશ કરી દેવો તેવાં સલાહ-સૂચન આપી જતા. સી.બી.આઇ.ની રેડ ઘરમાં પડી ત્યારે આ સર્વનો વ્યવહાર ખૂબ સારો હતો. ઘરની ચીજોને નુકસાન પહોંચાડ્યું ન હતું. પણ શ્રી યાજ્ઞિકે બેંકની પાસબુકો, જે થોડી ઘણી હતી તે જોઇને ટીકા કરી કે કિટીભાઈએ તમારે નામે લાખ રૂપિયા મૂકીને પછી આ બધું કામ કરવું જોઈએ.

કિરીટ ભટ્ટ અને જ્યૉર્જ ફર્નાડિસ
કટોકટીકાળ ક્યારે પૂરો થઇ એ કહેવું મુશ્કેલ હતું. જેલમાં મળવા જવું કે કોર્ટની તારીખ હોય ત્યરે કોર્ટમાં મળવા જવું આ ક્રમ બની ગયો હતો. જામીન મંજૂર ન થયા પણ આ કેસ લડવા માટે સ્વ. પ્રબોધભાઇ ભટ્ટજીને કેમ ભૂલાય? આ કેસની કારવાઇ જેલમાં જવાની તૈયાર સાથે જ શરૂ કરી હતી. કિરીટભાઇ, વિક્રમ રાવ, સ્વ. ગોવિંદભાઈ સોલંકી, મોતીભાઈ કનોજિયા, પ્રભુદાસ પટવારી આ સર્વને જ્યારે દિલ્હી તિહાર જેલમાં ખસેડ્યા ત્યારે ખૂબ ચિંતા થઇ – કટોકટીના નામે અને કામે કેટલા ય લોકોના જીવ ગયા છે. અને જૂની અદાવતોની વસૂલાત પણ કદી થતી હતી એટલે આનું પરિણામ શું હશે? તેની કલ્પના માત્ર ધ્રૂજાવી દેતી હતી. વળી છાપામાં સમાચાર સેન્સર થઇને આવતાં. બૉક્સમાં ‘આજનો સુવિચાર’ ઇન્દિરા ગાંધીને નામે અપાતો. આમ ગાડરિયા પ્રવાહની જેમ બધું ચાલતું. અહીંના ‘લોકસત્તા’ને જીવંત રાખ્યું હોય તો સ્વ શિવ પંડ્યાના કાર્ટૂનોએ. એં ઘણું કહી દેવાતું હતું.
કોઇ શુભ ચોઘડિયામાં ચૂંટણી જાહેર થઇ. લોક જુવાળ, પ્રજાની જાગૃતિ અને ઉત્તેજનાએ ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યાં. કેટલાક મહાનુભાવો જેલમાંથી ચૂંટણી લડ્યા કટોકટી હોવા છતાં કોઈ હિંસા કે અથડામણ વગર ચૂંટણી થઇ. અભૂતપૂર્વ મતદાનથી ન ધારેલા પરિણામો આવ્યા. ટ્રાન્ઝીસ્ટર સાથે જ રહેતો અને વહેલી સાવરે ઇન્દિરા ગાંધીની હારના સમચાર આવ્યા, ત્યારે મેહુલ-સિબિલને અવનીનો એક જ પ્રશ્ન હતો, હાશ, હવે પપ્પા ઘરે આવશેને? રાજનારાયણ સામેના ચૂંટણી લક્ષી કેસમાં ઇન્દિરાની હાર થઇ. ભગવાને ભારતમાં બાળકો, માતાઓ, પત્નીઓ અને બહેનોની પ્રાર્થના સાંભળી અને લોકસભાએ ઇતિહાસ સર્જ્યો.
મોરારજીભાઈની સરકાર રચાઇ – સુરંગ પ્રકરણ સમેટાઇ ગયું અને બધા સાથીઓ માનભેર છૂટીને વડોદરા પાછા આવ્યા, ત્યારે રેલવે સ્ટેશને અભૂતપૂર્વ સ્વાગત થયું. કેટલાક મિત્રોને વસવસો રહી ગયો કે અમને પણ સાથે લીધા હોત તો?”

જેલમાંથી છુટ્યા કેડે વડોદરા સ્ટેશન પરે લેવાયેલી છબિ
***
આ ઉપર તમે જે વાંચ્યું તે મારા મમ્મી પ્રજ્ઞા ભટ્ટે લગભગ એક દાયકા પહેલાં લખ્યું હતું. કિરીટ ભટ્ટ, ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’માં ચાર દાયકાથી વધુ સમય પત્રકાર તરીકે કામ કરનારા મારા પિતાની ઓળખ કટોકટી દરમિયાન જ્યારે તે શરૂઆતમાં વડોદરામાં હતા ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલના કાચ કેદી નંબર 1211 તરીકેની હતી. તિહાર જેલમાં પણ તેમણે જેલવાસ ભોગવ્યો. મેં મારા મોટા ભાઇ-બહેન અને મમ્મીને મોંએ સાંભળ્યું હતું કે રાજકીય કેદી – પૉલિટીકલ પ્રિઝનર હોવાને નાતે એક સમયે તેમની સાથેને વહેવાર સહેજ ઠીક થયો હતો પણ છતાં બરફની પાટો પર સુવાડવાથી માંડીને આંખો આંજી દે તેવી રોશનીના બલ્બો વચ્ચે, પોલીસનો માર પણ તેમણે વેઠ્યો હતો. મારાં માતા-પિતાએ આ સમય દરમિયાન એક બીજાને સતત પત્રો લખ્યાં. એ પત્રો વાંચીને સમજાય છે કે તેમની વચ્ચેનો સંબંધ કદાચ આ એક આધાતને કારણે બહેતર બન્યો. હું કટોકટીનાં અમુક વર્ષો પછીની પેદાશ છું, મેં જે સાંભળ્યું, જોયું એ મારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો કારણ કે પત્રકારત્વમાંથી નિવૃત્તિ લીધા પછી મારા પિતા સતત સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા. મારાં મમ્મી-પપ્પા વચ્ચેની દોસ્તી મેં જોઈ છે, તેમના ક્યારે ય નિરાશ ન થતા ચહેરાઓ તેમણે કરેલા સંઘર્ષની ચાડી ન ખાતા. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અનેક પરિવારો માટે કસોટી હતી, બીજા કોઈ વિશે બોલવાનો મને કોઈ અધિકાર નથી પણ મારાં માતા-પિતાએ જિંદગીના આ વળાંકને પોતાના સંબંધનું એક એવું સીમાચિહ્ન બનાવ્યું, જ્યાંથી બધું હંમેશાં બહેતર જ રહ્યું અને તેમણે એ જ અભિગમ અમને વારસામાં આપ્યો. કઠિન સંજોગોમાં સાંપડેલી નિરાશા સ્થાયીભાવ ન બનવો જોઇએ, બલ્કે તે સમયે કરાતું ચિંતન, ઝીલવો પડતો ઝુરાપો અને સંઘર્ષ તમને વધુ હકારાત્મક દૃષ્ટિકોણથી જિંદગી જીવતાં શીખવે છે. ધીરજ, આશા અને પ્રેમ અચોકસાઈના દરિયામાં જિંદગીના હોડકાંને સ્થિર રાખી શકે છે.
બાય ધી વેઃ

પ્રજ્ઞા ભટ્ટ
અહીં મારાં મમ્મી પપ્પાએ એકબીજાંને લખેલાં પત્રોનો અંશ રજૂ કરું છું. પત્ની જે નામ બદલીને નોકરી કરે છે, માથા ભારે સાસરિયાંઓનાં મ્હેણાં વચ્ચે ત્રણ સંતાનોને સાચવી રહી છે, જેને ખબર નથી કે પતિ ઘરે પાછા ફરશે. તેના કાગળોમાં નિરાશા, આશા, પ્રેમ, ઝંખના બધું જ દેખાઇ આવે છે. મારાં મા-બાપનો રોમાન્સ મને બહુ કિંમતી લાગે છે કારણ કે મમ્મીના કાગળની પહેલી લીટી કંઇક આવી છે … “કિરીટ, પત્રાવલી, મિલન, મુલાકાત આ બધું સ્મરણીય બની રહેશે. ક્યાંયે શબ્દાડંબર નહીં છતાં યે, શબ્દે શબ્દે ને વાક્યે વાક્યે લાગણીઓ ટીપે ટીપે ટપકે, લાગણીઓ સુક્ષ્મ અને શબ્દાતીત છે તેની સાચી અનુભૂતિ થાય છે. ઘર અને બાળકોની ફિકર કરશો નહીં, ગાડું ગબડે છે અને ગબડશે જ ! ભગવાન પર પૂરો ભરોસો છે છતાં ય 10મીની રાત્રે થોડું રડી લીધું છાનુંમાનું!” એક પિતા જેને નથી ખબર કે તે તેના સંતાનોને ફરી ક્યારે મળશે, તે ઇચ્છે છે કે તેના સંતાનોમાં અમુક ગુણ ચોક્કસ વિકસે અને એ માટે તે પોતાના પત્રમાં લખે છે કે, “બાળકો તંદુરસ્ત રહે, પ્રામાણિક, મહેનતુ, મહાત્ત્વાકાંક્ષી, હેતુલક્ષી, હિંમતવાળા અને ગૌરવશીલ થાય એવી ભાવના સાથે ઉછેરજે અને સંભાળજે. બાકીનું બધું આપોઆપ ઠીક થઇ જશે.”
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2025