
રવીન્દ્ર પારેખ
વિદેશમાં સિમોન-દ-બોવારેએ ‘સેકન્ડ સેક્સ’ દ્વારા સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતાનો સંકેત આપ્યો. એ ખરું કે સ્ત્રી બીજા નંબરની નાગરિક જ રહી છે ને એમાં આજ સુધી બહુ ફરક નથી પડ્યો. એવો ઊહાપોહ ભારતમાં કોઈ એક લેખિકાએ જગાવ્યો હોય, તો તે પંજાબની અમૃતા પ્રીતમે –
બ્રિટનના ગુજરાંવાલામાં 31 ઓગસ્ટ, 1919માં જન્મેલી અમૃતા, રાજ બીબી અને નંદની દીકરી બની. રાજ બીબી ગુજરાતની હતી. પિતા નંદ, દયાળજીના ડેરામાં ‘બાલકા સાધુ’ તરીકે જાણીતા હતા. એમની કવિતા સાંભળતાં રાજ બીબી ખેંચાઈ ને દયાળજીએ નંદને કહ્યું કે ‘જોગ’ તારે માટે નથી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. અમૃતા મોટી થતી ગઈ તેમ તેમ પિતા નંદના ધાર્મિક પ્રભાવની બહાર હઠપૂર્વક રહેતી થઈ. તે સ્વપ્નશીલ હતી, તો કલ્પનાશીલ પણ ખરી. તેનું મોટા ભાગનું સર્જન એક પ્રકારના અભિનિવેશનું પરિણામ છે.
અમૃતાએ ‘રસીદી ટિકટ’ આત્મકથા પંજાબીમાં લખી. તે પછી તેનો હિન્દી, ગુજરાતીમાં પણ અનુવાદ થયો. અમૃતા અને ખુશવંતસિંહ મિત્રો હતા. આત્મકથા સંદર્ભે તેમણે અમૃતાને ટકોર કરેલી કે તારે આત્મકથામાં વધારે તો શું કહેવાનું હોય ! એ તો રેવન્યૂ સ્ટેમ્પ જેટલી જગ્યામાં પણ આવી જાય. એ પરથી આત્મકથાનું નામ રેવન્યૂ સ્ટેમ્પ / રસીદી ટિકટ રખાયું. આત્મકથા પત્ર, ડાયરી સ્વરૂપે, તો ક્યાંક કાવ્ય અને તેના અનુવાદ તરીકે પણ ગતિ સાધે છે. અનુવાદ પંજાબીનુમા હિન્દીમાં છે એટલે પંજાબીની છાંટ વર્તાય છે. તેનું ગદ્ય સોંસરું, વેધક અને કાવ્યાત્મક છે.

સાહિર લુધિયાન્વી અને અમૃતા પ્રીતમ
અમૃતાએ કવિતાઓ, વાર્તાઓ, નવલકથા, નિબંધ … નાં સોએક પુસ્તકો લખ્યાં ને ઘણાંના હિન્દી, અંગ્રેજી, ગુજરાતીમાં અનુવાદો પણ થયા. તેની નવલકથા, ’પિંજર’ પરથી એવોર્ડ વિનિંગ ફિલ્મ બની. એ ઉપરાંત ‘ડાકુ’, ‘કાદંબરી’ જેવી ફિલ્મો પણ તેની કૃતિઓ પરથી બની છે. તેનો વિરોધ પંજાબમાં વધારે થયો, પણ પંજાબની બહાર તે વખણાઈ, વંચાઈ વધારે. આ જીવ જન્મજાત અજંપ જ રહ્યો. એ સમયના પંજાબમાં ધર્મ અને હિંસાનો એવો પ્રભાવ હતો કે તેની બહાર વિચારનાર-વર્તનારને માથે માછલાં જ ધોવાતાં. તેણે આસપાસના જગતના એટલા પ્રતિબંધો, નકાર ને વિરોધ અનુભવ્યા કે શ્વાસોમાં આગ લાગી જતી. જાણનાર તો ટીકા કરતાં જ, પણ ન જાણનાર પણ કરતાં. સ્ત્રીઓની સ્થિતિનો તેણે લેખનથી એવો પડઘો પાડ્યો કે દેશ આખામાં સંભળાયો.
તેનાં સર્જનથી તે વિવાદોમાં રહી જ, પણ વધુ ચર્ચામાં તો તે પ્રેમ અને લગ્નને મામલે રહી. ઘણા કવિઓ, અફસરો તેનાં તરફ ખેંચાયા. લાહોર રેડિયોના એક અફસરે તો તેને ત્યાં સુધી કહ્યું કે મેં તમને થોડાં વર્ષ પર જોયા હોતે, તો હું મુસલમાનથી શીખ થઈ ગયો હોત કે તમે શીખથી મુસલમાન થઈ ગયાં હોત ! એક સાપ્તાહિકના સંપાદકે તો એમ કહ્યું કે ભાગલા ને અપમૃત્યુ એટલે થયાં કે અમૃતાએ તેમની મૈત્રી નકારી. ભાગલા વિષે અમૃતાએ લખ્યું છે કે તેણે લાશો જોઈ હતી ને લાશો જેવા માણસો જોયા હતા. એ કત્લેઆમ પરથી જ તેણે હીરને માટે લખનાર વારિસ શાહને કવિતામાં પૂછ્યું કે પંજાબની એક દીકરી રડી તો લાંબી દાસ્તાન લખી, આજે લાખો દીકરીઓ રડી રહી છે, તો કબરમાંથી બોલો ને જુઓ કે ચિનાબ લોહીથી છલકાઈ ઊઠી છે.
અમૃતાનાં લગ્ન તો થયાં, સંતાનો પણ થયાં, પણ લગ્ન ટક્યાં નહીં. તે પછી એક શાયર ને હિન્દી ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવીનો અમૃતાની જિંદગીમાં પ્રવેશ થયો. સાહિર અને અમૃતા એકબીજાના પરિચયમાં ભાગલા પહેલાંથી હતાં. સાહિર પહેલીવાર ઘરે આવે છે તો અમૃતા કહે છે, ‘ મેરી દહલીજોં ને પહલી બાર ઇસકે કદમ છુએ ..’ સાહિરને મળવામાં ઘણીવાર તો મહિનાઓ વીતી જતા ને કોઈ વાર આવી ચડતો તો લાગતું, ‘મારી કાળી રાતો પણ સપનાનાં કદમો નીચે ચાંદની બિછાવી’ રહી છે. એકવાર સાહિર તેની નઝમ વાંચવા આપે છે, તે વાંચીને કાગળ અમૃતા પાછો આપે છે, તો સાહિર કહે છે, ‘હું આ પાછો લઈ જવા નથી લાવ્યો.’ અમૃતાને લાગે છે કે એ રાત્રે તારાઓ તેનાં હૃદયની જેમ ધડકતા હતા ને પછી જ્યારે પણ નઝમ લખતી તો થતું કે તે સાહિરને પત્ર લખે છે.
એક પુસ્તકનાં ટાઇટલ નિમિત્તે, ઇમરોઝનો પ્રવેશ થાય છે – અમૃતાની જિંદગીમાં. ઇમરોઝ ચિત્રકાર હતો તેણે કેનવાસમાં જ નહીં, અમૃતાની જિંદગીમાં પણ સજીવ રંગો ભર્યા. અમૃતાનાં અનેક ચિત્રો એવી રીતે કર્યા કે ચિત્રો જ ઘર થઈ ઊઠ્યાં ! અમૃતા તો 31 ઓક્ટોબર, 2005ને રોજ ગુજરી ગઈ, પણ ઇમરોઝ માટે એ વધારે સજીવ થઈ ઊઠી. ઇમરોઝનું મૃત્યુ 97 વર્ષની વયે થયું, પણ અમૃતા મૃત્યુ પામી છે, એવું ઇમરોઝને પોતાનાં મૃત્યુ સુધી લાગ્યું જ નહીં, તે એ હદે કે અમૃતા લખતી હતી, તો તે ગઈ પછી ઇમરોઝે લખવાનું શરૂ કર્યું. ચિત્રકાર, કવિ પણ થયો. તે છેવટ સુધી અમૃતાનું એક્સટેન્શન જ બની રહ્યો. આમ તો પોતાને, અન્યને સમર્પિત કરવાનું અઘરું છે, પણ પ્રેમમાં એ કેટલું સરળ હોઈ શકે, તેનું ઇમરોઝથી મોટું ઉદાહરણ જડતું નથી.
અમૃતાનાં જીવનમાં સાહિર અને ઇમરોઝ પ્રવેશ્યા, તો અમૃતા પણ તેમની જિંદગીમાં શબ્દો ને રંગો થઈને પ્રવેશી. બંનેનાં જીવનમાં અમૃતકાળ થઈને જ રહી અમૃતા ! ત્રણે ધરતી પર રહ્યાં, પણ આકાશથી ઓછું તેમને કૈં પરવડ્યું જ નહીં ! અમૃતા રહી ઇમરોઝ સાથે, પણ સાહિરનુ રટણ તો રહ્યું જ, તે ત્યાં સુધી કે પાછલી સીટ પર બેઠેલી અમૃતા આંગળી વડે ઇમરોઝની પીઠ પર નામ સાહિરનું લખતી. જો કે, સાહિરના પ્રેમમાં એસ્થેટિક ડિસ્ટન્સ હંમેશ રહ્યું. સાહિરનું વલણ ગીતોમાં, ‘ચલો એક બાર ફિરસે, અજનબી બન જાયે હમ દોનો …’, કે ‘તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમ કો, મેરી બાત ઓર હૈ, મૈંને તો મુહબ્બત કી હૈ ..’ જેવું રહ્યું. સાહિરનું માનવું એ રહ્યું, ’વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા ..’
– ને સાહિરનું હોવું ‘એક ખૂબ સૂરત મોડ’ પર જ રહ્યું.

અમૃતા પ્રીતમ – ઈમરોઝ
આમ તો અમૃતા, સાહિર ને ઇમરોઝ વચ્ચે સીધો સંવાદ ઓછો જ રહ્યો છે. સાહિરે કવિતા દ્વારા અમૃતાને જેટલું કહ્યું છે, એટલું સીધું બહુ કહ્યું નથી. અમૃતાએ જ સાહિર માટે લખ્યું છે, ‘યહ ખામોશી કા હસીન રિશ્તા થા.’ એ ખામોશીને કારણે જ અમૃતા લખીને જેટલી વ્યક્ત થઈ છે, એટલી સાહિર સામે થઈ નથી. સાહિરના મૃત્યુના સમાચાર અમૃતાને મળે છે, તો પહેલી એશિયન રાઇટર્સ કોન્ફરન્સનો એક પ્રસંગ તેને યાદ આવે છે. કોન્ફરન્સ માટે બધાંને બેજ આપવામાં આવેલા. સાહિરે પોતાનો બેજ અમૃતાને લગાવ્યો ને અમૃતનો પોતે લગાવ્યો. ઘણાંએ કહ્યું પણ કે બેજ બદલાઈ ગયો છે, પણ બંનેએ બેજ ધરાર ન જ બદલ્યો. એ બેજ પરથી મૃત્યુ પોતાને બદલે સાહિરને તો નહીં લઈ ગયું હોય ને એવો અફસોસ અમૃતાને થયો. કૈંક અંશે ઇમરોઝનું ઉચ્ચરિત શબ્દોમાં અભિવ્યક્ત થવાનું ઓછું જ રહ્યું છે. બીજી ઘણી વાતો થાય છે, પણ લાગણી તો રંગોમાં ને પછી કવિતામાં જ વ્યક્ત થાય છે. અભિવ્યક્તિ ત્રણેની ઘણું ખરું અવ્યક્તિ સામે જ રહી છે. એ વિચિત્ર લાગે, પણ એ જ આ ત્રણેને અપૂર્વતા પણ બક્ષે છે.
અમૃતા તો ગદ્ય અને પદ્ય બંનેમાં સક્રિય છે, પણ સર્જકને સર્જન ધારીએ એટલું સરળ હોતું નથી. તેણે એક નવલકથા લખી ‘યાત્રી’. તેનું એક પાત્ર તે ‘સુન્દરાં’. બિલકુલ કાલ્પનિક. વાસ્તવ જીવન સાથે કોઈ સંબંધ નહીં. ક્લ્પનામાંથી સીધી જ પાનાંઓ પર ઊતરી. આ નોવેલ ઇમરોઝને સંભળાવતી વખતે સુન્દરાંનો ઉલ્લેખ આવતાં જ અમૃતાને એક ટીસ ઊઠી ! એમ લાગ્યું જાણે અમૃતા પોતાની નાડી તપાસી રહી છે.
સાધારણ રીતે એવું બનતું હોય છે કે સર્જકનાં પાત્રો હૃદય કે ચિત્તમાં ઘડાઈને કાગળો પર અવતરતાં હોય છે, પણ સુન્દરાંની બાબતમાં ઊલટું થયું. તે કાગળોમાંથી ઊઠીને મન-મસ્તિષ્ક પર છવાઈ ગઈ. એકદમ લાગ્યું કે આ સુન્દરાં ‘હું’ છું. અચેતન મનથી રચાયેલું પાત્ર ચેનતવંતું થઈ ઊઠ્યું. એવું એ જ નવલકથામાં એક મહંતનું પાત્ર અમૃતાએ સર્જ્યું ને વર્ષો પછી એ વાંચ્યું તો લાગ્યું કે પાત્ર પિતા થઈ ઊઠ્યું છે ! પાત્રો કલ્પનામાં મળ્યાં હોય ને નવલકથામાં સજીવ થઈ ઊઠે, હાડમાંસના અનુભવાય કે ક્યારેક વાસ્તવિક જીવનમાંથી ઉપાડાયેલું પાત્ર કલ્પનામાં વિહરવા લાગે છે. એવું બને છે કે કોઈ કાલ્પનિક પાત્રનો વ્યવહાર નવલકથામાં થઈ ચૂક્યો હોય ને એવો જ વ્યવહાર કોઈ વાસ્તવિક પાત્ર અજાણતાં જ કરે ત્યારે સવાલ થાય કે જે ઘણું વહેલું થઈ ચૂક્યું છે, તે વ્યવહાર જગતમાં શક્ય કોણ કરે છે? સર્જન પ્રક્રિયા એટલી જટિલ છે કે તે સાચાખોટામાં પડતી નથી, તે તો સર્જે છે ને તેનું અસ્તિત્વ એવું કલાત્મક રૂપ ધારણ કરે છે કે દરેકને તે પોતીકું લાગવા માંડે છે. એટલે જ તો ફિલ્મનું પાત્ર આપણું સગું નથી, પણ તે હસે છે તો આપણે ખુશ થઈએ છીએ ને રડે છે, તો આંખો ભીની થઈ જાય છે.
અમૃતા પ્રીતમને દેશ-વિદેશમાં જ્ઞાનપીઠ, પદ્મ પુરસ્કારથી માંડીને અનેક માન-સન્માન મળ્યાં, અનેક ડેલિગેશનમાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કર્યું. આટલું સન્માન ભારતમાં ને ભારતની બહાર કોઈ લેખિકાને મળ્યાનું જાણમાં નથી. આટલા વિરોધ અને આટલા વખાણનું આનાથી ઊજળું ઉદાહરણ જડવું મુશ્કેલ છે. અમૃતા,અ-મૃતા છે તે એ નથી ત્યારે પણ સાચું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જૂન 2025