૨૦૧૩માં પ્રખર રેશનાલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરની ધોળા દહાડે બંદૂકના ધડાકે થયેલી હત્યાથી આપણે સૌ હચમચી ગયા હતા. આ હત્યા વિશે એ સમયે મેં એક લેખ લખેલો. લેખ લખતી વખતે એવી આશા તો હતી જ કે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય માટે આજીવન લડનારા આ વિચારયોદ્ધાના હત્યારાઓને, સરકારીતંત્ર ઝડપભેર પકડી પાડશે અને એ હાથા પાછળના ષડ્યંત્રનો પર્દાફાશ થશે.
હત્યારા પકડાશે એવી આશમાં ઇન્તેજાર કરતાં હતાં, તેવામાં કોલ્હાપુરના પ્રગતિશીલ લેખક, કર્મશીલ, વકીલ અને રેશનાલિસ્ટ કોમરેડ ગોવિંદ પાનસરેની હત્યા ડૉ. દાભોલકરની જેમ જ ઘરની નજીક જ સવારે પત્ની સાથે મૉર્નિંગવૉક પતાવી પાછા આવતા હતા, ત્યાં રસ્તામાં જ મોટરસાઇકલ, હત્યારાઓએ સાવ નજીકથી ગોળીએ ઉડાવ્યા.
હત્યાના આ બીજા બનાવે સ્તબ્ધ થઈ જવાયું. જેમને ન્યાય નથી મળતો, જેમના હત્યારાઓ નથી પકડાતા એવા બનાવો વિશે છેવટે આ કલમે ક્યાં સુધી લખ્યા કરવાનું? એના, પ્રશ્નાર્થોએ દિલ-દિમાગને ઉદાસ કરી નાંખ્યાં. પરંતુ, ક્રાંતિકારી ગીતો લખવા અને લોકોની વચ્ચે મુક્ત મને ગાવા માટે થઈ મુંબઈની જેલમાં સબડતા કબીર કલામંચના મરાઠી કવાન દલિતકવિ ગાયક સચીનનું ડૉ. દાભોલકરની હત્યા સંદર્ભે દુનિયાભરના વિચારયોદ્ધાઓના બલિદાનને સાંકળીને જેલમાંથી લખીને મોકલાવેલું ગીત; મુંબઈ-મહારાષ્ટ્રમાં કબીર કલામંચ દ્વારા ગુંજતું થતું એ વાંચીને, સાંભળીને ફરી એક નવા ક્રાંતિકારી ઉત્સાહ સાથે મેં એક ગીતલેખ લખ્યો.
અરે! હજી તો ડૉ. દાભોલકર ને કોમરેડ પાનસરેના હત્યારા પકડાયા નથી ત્યાં તો વરસ-દોઢ વરસ વીતતાં જ કન્નડ ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન, સંશોધક, શિક્ષણશાસ્ત્રી પ્રા. એમ. એમ. કલબુર્ગીને તેમના ઘરે જ સવારમાં જ ડોરબેલ વગાડીને બારણું ખોલતાં જ ગોળીઓથી વીંધી નાંખ્યા!
તર્ક-વિચારના સહારે સામાજને આગળ વધારવા મથતાં આ ત્રણેય આગેવાનોનાં એક જ ‘મોડસ ઑપરેન્ડી’થી ખૂન અને એકેયના હત્યારા હજી પકડાયા નથી. સરકારીતંત્રો- પોલીસતપાસ બધાંય માને છે કે સનાતનમાર્ગીઓનો તેમાં હાથ છે પણ કોઈને હજુ સુધી પકડ્યા નથી! મહારાષ્ટ્રમાં જ્યારે ડૉ. દાભોલકરની હત્યા થઈ, ત્યારે કૉંગ્રેસની સરકાર હતી, કર્ણાટકમાં અત્યારે કૉંગ્રેસની સરકાર છે જ અને હાલ મહારાષ્ટ્રમાં ભાજપા શિવસેનાની સરકાર છે.
ત્રણેય જન્મે હિંદુ પણ જાતને અવર્ણ ગણનારાનાં મોતના જવાબદાર આતંકવાદીઓને જે-તે સરકારની પોલીસ પકડી શકી નથી. પણ દેશ આખામાં આ ત્રણ હત્યાઓએ બૌદ્ધિકો, સાહિત્યકારો, કલાકારોને હચમચાવી મૂક્યા.
કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મેળવનારા પ્રો. કલબુર્ગીની હત્યાને વખોડવાનો સમય અકાદમીના સૂત્રધારોને ન મળ્યો ને આ તો એક ‘સત્યઘટના’ છે તેમ કહી તેની ઉપેક્ષા થતાં દેશની ૨૪ ભાષાના ૪૧-૪૨થી વધુ અકાદમી ઍવૉર્ડ મેળવનારા લેખકોએ અવમાનના, ઉપેક્ષા અને જે પ્રકારનું દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, તેની સામે વિરોધમાં ઍવૉર્ડવાપસીનું આંદોલન છેડ્યું.
આઝાદ ભારતના કટોકટીકાળ ઇમરજન્સી પછીની આ પહેલી ઘટના છે, જ્યારે વાણીસ્વાતંત્ર્યના મુદ્દાને લઈ સ્થાપિત હિતો અને સરકારને પડકારવાનો મિજાજ આ ઍવૉર્ડવાપસી-આંદોલનથી ઊભો થઈ રહ્યો. સાથેસાથે સહિષ્ણુતાની ભવ્ય પરંપરા અને વિવિધતામાં એકતાની સંસ્કૃિત સામે દેશ આખામાં ઊભા થયેલા ખતરાને લઈ સૌ કોઈના મનમાં ચાલતી મૂંઝવણ અને મથામણ પણ દેખાતી રહી છે. ચારેકોર કાળાં ડિબાંગ વાદળાં છવાયાં હોય, બધું જ ઘનઘોર હોય ત્યારે વિષાદ સાથે ખેદ અનુભવાય કે શું કરવું? ક્યાં જવું?
આવા સવાલોની વચ્ચે જ અમે ગુજરાતના કેટલાક લેખકો, કલાકારો ને કર્મશીલોએ દક્ષિણાયનનો કાર્યક્રમ વિચાર્યો. ગુજરાતથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની મુલાકાત લેવી, હત્યાના ભોગ બનેલા આ ત્રણેય મહાનુભાવોના પરિવારની મુલાકાત લેવી. વિગતે જાણકારી મેળવવી અને સાથે સાથે ત્યાંના લેખકો, કલાકારો, ફિલ્મકારો ને કર્મશીલોને મળવું.
અમે ગુજરાત ને મુંબઈના મિત્રો પૂણે પહોંચ્યા ત્યાં ડૉ. દાભોલકરના દીકરા ડૉ. હમીદે અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું. શનિ-રવિના દિવસો ન હોવા છતાં ય એસ.એમ. જોશી સભાગૃહમાં મોટી સભા થઈ. જેમાં એક સત્રમાં ગુજરાતી લેખકો-કલાકારો અને મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા-નિર્મૂલન સમિતિ દ્વારા આયોજિત આ સભામાં આજની સાંપ્રત સ્થિતિ વિશે વિગતે વાત થઈ.
‘વિજ્ઞાન, નિર્ભયતા, નીતિ’ એવા વિચારસૂત્ર સાથે કામ કરતી આ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા-નિર્મૂલન સમિતિના અગ્રણી તરીકે ડૉ. દાભોલકરની સેવાઓ બહુમૂલ્યવાન છે. અને વિશેષ તો મહારાષ્ટ્ર રાજ્યમાં ‘ચમત્કારો ને જાદુટોણા વિરોધી કાનૂનને મંજૂર કરાવવા વર્ષો લગીની મહેનત માટે ડૉ. દાભોલકરનો આખો ઋણી રહેશે.’
આ સભામાં સ્વાગત કરનાર અને દૃઢતાપૂર્વકનું ઉત્સાહવર્ધક વક્તવ્ય ડૉ. દાભોલકરના દીકરા ડૉ. હમીદનું હતું. આ દેશની વિવિધતામાં એકતાના મંત્રને જીવનમાં ઉતારનાર ડૉ. નરેન્દ્ર દાભોલકરે પોતાના દીકરાનું નામ સહેતુક જ ‘હમીદ’ રાખેલું. સભામાં સમાજના પ્રવર્તમાન અસહિષ્ણુતાના માહોલની મુદ્દાસર વાત થઈ પણ તેમાં ક્યાંક હો-હા કે ઉશ્કેરણીજનક કે બરાડા પાડીને ‘જેવા સાથે તેવા’ના ભાવની કોઈ ભાષા કે વિધાનો ન હતાં. તમામ વાતો એક ખાસ બૌદ્ધિકસ્તરની અને શાંતિપૂર્ણ અને તર્કબદ્ધ રહી.
યુવાન લેખિકા પ્રદ્ન્યા દયા પવારથી માંડી પીઢ પત્રકાર દિલીપ પડગાંવકર ને અન્ય ફિલ્મકારો ચિત્રકારોની વાતો, આપણે સૌ એક છીએ, એવી ઉદ્દાત્ત ભાવના વ્યક્ત કરનારી અને અરસપરસને ઉષ્મા આપનાર બની રહી.
અને કોલ્હાપુરમાં પણ એવો જ માહોલ ને ઉમળકાભેર આવકાર અમને સૌને મળ્યો. કોલ્હાપુર એટલે મરાઠી નાટક, ફિલ્મ ને સંગીતના કલાકારોનું શહેર. અમે કોમરેડ ગોવિંદ પાનસરેના ઘેર ગયા. શ્રીમતી ઉમા પાનસરે અને પુત્રવધૂ મેઘા પાનસરેએ સહજ રીતે જ, પરિવારના પરિચિતો જ જાણે કે પોતાના ઘરે આવ્યા હોય એમ અમને સૌને આવકાર્યાં. ઘરથી પચાસેક પગલાં દૂર રસ્તા પર જ્યાં પાનસરેજી અને તેમનાં પત્ની મૉર્નિંગવૉક પછી ઇડલીની એક રેંકડીએથી સવારનો નાસ્તો પતાવીને પાછાં ઘરે આવી રહ્યાં હતાં, ત્યારે મોટરસાઈકલ સવારોએ તેમનું નામ પૂછી ખરાઈ કરી અને ત્યાં જ આ પાનસરે દંપતી પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો.
ગળામાં, છાતીમાં, માથામાં બધે જ પિસ્તોલના ધડાકા! શ્રીમતી પાનસરેના માથામાં ગોળી ઘૂસી પણ સફળ ઑપરેશનને કારણે તેઓ બચી ગયાં પણ પાનસરેજીને બચાવી શકાયા નહીં. હત્યાની જગ્યાએ ઊભાં-ઊભાં જ ખૂબ જ સ્વસ્થાતાપૂર્વક મેઘા પાનસરે એ આ વાત અમને વિગતે કરી.
કોલ્હાપુર યુનિવર્સિટીમાં રશિયન ભાષા ભણાવતાં મેઘા પાનસરે સક્રિય કાર્યકર છે. પાનસરેના યુવાન પુત્રનું ૨૦૦૭માં હાર્ટફેઈલના કારણે અવસાન થયેલું. તેઓ પણ જાહેરજીવનમાં હતા. હવે આ બધી જ જવાબદારી મેઘાએ ઉપાડી લીધેલી છે. એ પછી અમે પાનસરેજીની ઑફિસમાં ગયા. દુનિયાભરના ક્રાંતિકારીઓના ફોટાઓ વચ્ચે ભારતીય સામ્યવાદી પક્ષના આગેવાનો, સ્થાનિક નાટ્યકલાકારો, લેખકો દ્વારા અહીં નાનકડી મિટિંગ થઈ. પાનસરેજી લિખિત પુસ્તકો અમને ભેટ અપાયાં.
અને પછી ‘નાટ્યઘર’ના મોટા હૉલમાં સ્થાનિક સાહિત્યકારો, નાટ્યકર્મીઓ, વિદ્યાર્થીઓ પર્યાવરણવાદીઓ સાથેની મિટિંગ-ચર્ચા અને પ્રેસ-કૉન્ફરન્સ અને સાંજ પડે પાછી જાહેરસભા પણ યોજાઈ. અહીં પણ સ્વસ્થતાભર્યું વાતાવરણ ને સાથેસાથે પાનસરેજી પ્રત્યેના દાયકાઓથી અપાતાં પ્રેમ અને સન્માન દેખાયાં! પાનસરેજીની જાહેર હત્યા થઈ, ત્યારે આખુંય કોલ્હાપુર લાગલગાટ ત્રણ દિવસ લગી સંપૂર્ણ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહ્યું હતું.
અમને જાણવા મળ્યું કે આમ તો કોલ્હાપુર એ કૉમર્શિયલ શહેર છે. શેરડી સાથે સંકળાયેલા ઉદ્યોગોનું શહેર, પણ અહીં ક્યારેય કોઈ પણ પ્રકારનાં કોમી તનાવ કે છમકલાં થયાં નથી. એ દૃષ્ટિએ આ એક ‘સંસ્કારી’ શહેર છે. ક્રાંતિકારી રાજર્ષિ શાહુ મહારાજની પરંપરા પણ આજ સુધી આ શહેર સાથે જોડાયેલી રહી છે.
એક બીજી રસપ્રદ વાત જાણવા મળી કે અમને જ્યાં રાજર્ષિ શાહુ સ્મારકભવનમાં ઉતારો આપવામાં આવ્યો હતો, એ નાટ્યગૃહમાં નીચે રંગમંચ અને ઉપરના બે માળે ટીવી-ગીઝર સાથેના ૨૦થી ૨૫ રૂમ હતા. જેમાં નાટક ભજવવા આવેલાં કલાકારો રોકાઈ શકે. વળી, આ નાટ્યગૃહ બનાવવામાં પણ કોમરેડ પાનસરેજીના ટ્રેડયુનિયનની અગત્યની ભૂમિકા હતી. ટ્રેડયુનિયન સાથે સંકળાયેલા દરેક મજૂરના એક-એક રૂપિયાના ફાળા સાથે આ હૉલ બાંધવામાં આવ્યો હતો.
જ્યારે મહારાષ્ટ્ર છોડીને કર્ણાટકના ધારવાડમાં પહોંચ્યા, તો ત્યાં એક અદ્ભુત શૈક્ષણિક નાનકડું શહેર અમે અનુભવ્યું ભીમસેન જોશી, મલ્લિકાર્જુન મન્સૂર અને ગંગુબાઈ હંગલ જેવાં મોટાં ગજાંના સંગીતકારોનું શહેર.
અહીં અમે પહેલા તો, પ્રો. એમ.એમ. કલબુર્ગીના નિવાસસ્થાને ગયા. જ્યાં શ્રીમતી કલબુર્ગી અને તેમના દીકરા વિજય સાથે મુલાકાત થઈ. આ ધારવાડમાં અમારી સાથે મરાઠી ઉપરાંત ગોવાના કોંકણી ને કર્ણાટકના કન્નડ લેખકો પણ સામેલ હતા.
હત્યારાઓએ જે બારણાંની ડોરબેલ વગાડી પ્રા. કલબુર્ગીને બોલાવી, ત્યાં જ હત્યા કરી નાંખી હતી, તે બારણાંમાંથી અમે તેમના ડ્રૉઇંગરૂમમાં પહોંચ્યા અને શ્રીમતી કલબુર્ગીની સામે જ્યાં જગા મળી ત્યાં ગોઠવાયા. સૌમ્ય ચહેરા સાથેનાં શ્રીમતી કલબુર્ગી અને તેમનાં દીકરા સાથે વાતચીત થઈ. હું જ્યાં નીચે બેઠો હતો, ત્યાં સામે શ્રીમતી કલબુર્ગીની નજીક એક તરુણી ગુલાબી કપડાંમાં બેઠેલી હતી. મને એમ કે તે એક કલબુર્ગી પરિવારની સદસ્ય હશે.
પણ પછીથી ખબર પડી અને પરિચય થયો કે આ સત્તર વર્ષની મુદુએ પણ તેના નિબંધસંગ્રહ માટે મળેલો કર્ણાટક સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પરત કરેલો છે. કર્ણાટકના એક નાનકડા ગામ થર્તા-હલ્લીમાં રહેતી અને કૉલેજમાં ભણતી આ મુદ્દુએ નવલકથાઓ લખી છે અને તેની એક નવલકથા પરથી કન્નડ ફિલ્મ પણ બની ચૂકી છે. તેના ફૅમિલી બ્રેકગાઉન્ડને જાણવાને માટે થઈ મૃદ્દુની સાથે આવેલાં તેનાં માતાપિતા સાથે વાતો કરી. ખાસ તો નાનકડા ગામમાં ગૃહિણી તરીકે કાર્યરત તેની મમ્મી સાથે વાતચીત કરી. આ તેજસ્વી લેખિકાને એક તરુણી તરીકે ગામના સંકુચિત વાતાવરણમાં કેવા કેવા સંઘર્ષ કરવાં પડે છે, તે વાતેય ચોંકાવનારી હતી.
ધારવાડના એક વિશાળ હૉલમાં સભા થઈ. જેમાં આ મુદ્દુ થર્તા-હલ્લીએ પણ છટાદાર વક્તવ્ય આપ્યું અને ઍવોર્ડ પરત કરવા વિશેની વિગતે માહિતી આપી. ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના પ્રતિનિધિઓએ પણ સાંપ્રતસમાજ અને અસહિષ્ણુતાના મુદ્દે પોતાનાં મંતવ્યો મૂક્યાં. આ રજૂઆત કરનારાઓમાં ૧૧ લેખકો એવાં હતા જેમણે અકાદમી ઍવૉર્ડ પરત કરેલા છે. ધારવાડમાં પણ અમે એક સહજ, સરળ ને સ્વસ્થ વાતાવરણનો અનુભવ કર્યો.
આ ત્રણેય શહેરોની મુલાકાત બાદ એટલી વાત તો અનુભવી કે આ હત્યા કરનારાઓ એક જ જૂથના છે. એ બધાને વ્યવસ્થિત વૈચારિક અને રાજકીય સથવારો છે.
પૂણેના ડૉ. દાભોલકરજી આખા ય દેશમાં સતત લડનારા એક વિરલ રેશનાલિસ્ટ હતા, તેઓ આ દેશના તર્ક-વિચાર સાથે કામ કરનારા હજારો કર્મશીલો માટે આદર્શ ને પથદર્શક હતા. તેમને ખતમ કરાય તો રેશનાલિસ્ટ આંદોલનોમાં ધર્મઝનૂનીઓ સામે લડનારાઓમાં ભય ફેલાય એવો મુદ્દો જણાય છે.
જ્યારે કોલ્હાપુર જેવા શહેરમાં ડાબેરી ચળવળની સાથેસાથે રેશનાલિસ્ટ પ્રવૃત્તિઓ અને વિશેષ કરીને ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં જેમનાં મૂળિયાં ઊંડાં ઊતરેલાં છે અને મહારાષ્ટ્રના લાખો લોકો જેમાંથી પ્રેરણા લે છે, તેમને ખતમ કરી નાંખવાથી આ બધાં આંદોલનો પર દાબ આવે અને કોલ્હાપુરમાં એક શૂન્યાવકાશ ઊભો થાય, તો તેનો કોમવાદી-ધર્મ-ઝનૂનીઓ લાભ લઈ શકે એવી ગણતરીએ તેમને ખતમ કર્યા. અને ધારવાડ જે કલા-બૌદ્ધિક પ્રવૃત્તિઓનું શિક્ષણકેન્દ્ર રહ્યું છે, તેને પ્રગતિશીલ વિચારો, સાહિત્યનાં મૂલ્યાંકનો અને ખાસ કરીને ધર્મસંપ્રદાયો વિનાનાં તર્કબદ્ધ અભિગમની દિશા અને ભારતીય ખંડન-મંડનની પરંપરાને છંછેડવા માટે જ જાણે કે ઠેઠ પ્રા. કલબુર્ગીના ઘરના બારણે જઈ તેમનું ખૂન કરી નંખાયું.
આ ત્રણેય બૌદ્ધિકોને ખતમ કરીને ચોક્કસ કટ્ટરવાદીઓ-ધર્મઝનૂનીઓએ ધાર્યું નિશાન પાર પાડ્યું છે.
પાર્લામેન્ટરી પોલિટિક્સમાં પડેલાં રાજકારણીઓ કરતાં આજના સમયમાં વૈચારિક રીતે કટીબદ્ધ વ્યક્તિઓ, જેમનો છ-સાત દાયકાઓથી લોકો પર પ્રભાવ છે, તેઓ સ્થાપિત હિતોને વધુ ભય ઉપજાવનારા અને પડકારરૂપ લાગે છે. અને એટલે જ આ વિશિષ્ટ રીતે અલગ-અલગ બૌદ્ધિક વૈવિધ્ય ધરાવતી વ્યક્તિઓને ખતમ કરવાનું પૂર્વઆયોજિત ષડ્યંત્ર હતું એ વાત અમે સૌએ અનુભવી.
પણ સાથેસાથે એ ત્રણેય શહેરોના કલાકારો, લેખકો અને બૌદ્ધિકોને મળીને સ્વસ્થતા અને મક્કમતાથી કેવી રીતે આ ઉશ્કેરણી ફેલાવનારા, ભય ફેલાવનારા સામે લડી શકાય, તેના પાઠ ભણવાનું પણ મળ્યું. એ સાથે એવું પણ અનુભવ્યું કે અસહિષ્ણુતાની પેલે પાર પણ આમજન સમુદાયમાં અને બૌદ્ધિક સમુદાયોમાં હજી ય સહિષ્ણુતાની પરંપરાની ધારા વહી રહી છે અને મક્કમપણે અસહિષ્ણુતાની સામે લડત આપનારી જણાય છે.
આ ક્ષણે ડૉ. આંબેડકરનું એ વિધાન યાદ આપે છે –
“ઉન્હોંને મૂઝે મિટ્ટી મેં દબાને કી
બહુત કોશિશ કી
લેકિન ઉન્હેં માલૂમ નહીં થા કી મૈં બીજ હૂઁ !”
મહારાષ્ટ્ર ને કર્ણાટકની ટૂંકી મુલાકાત દરમિયાન આ વિધાન અમને તો આશ્વાસન આપનાર ને આત્મવિશ્વાસ વધારનાર લાગ્યું છે અને તે જ મુદ્દે આશા તો અમર છે, એવું ગણગણી લઉં છું.
૨૪/૨૪૯, પરિશ્રમ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ રોડ, અમદાવાદ-૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 11-13