બિહારમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જયપ્રકાશે જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો

પ્રકાશ ન. શાહ
હવે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.
2025ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે 1974 અને 1975ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.
1975ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે.
મુદ્દે, આગલા વરસની, 1974ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જો કે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે – અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે.
નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા. બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું. મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું :
ખલક ખુદા કા, મુલુક બારશાકા
હુકુમ શહર કોતવાલકા
હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ
કિ ખબરદાર રહેં
ઔર અપને અપને કિવાંડો કો અંદરસે
કુંડી ચઢાકર બંદ કર લેં
ગિરા લેં ખિડકિયોં કે પરદે
ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં
ક્યોં કિ
એક બહત્તર બરસકા બૂઢા આદમી
અપની કાંપતી કમજોર આવાજ મેં
સડકોં પર સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!
જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં : ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં – એ લડાઈ સમાજ પરિવર્તનની હતી. વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આવાહનની પળ હતી – હાસ્તો, ’47નું ઊંધું ’74! 1974ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી … સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો!
બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા – ગર મૈં વહાઁ હોતા …
સામ્રાજ્ય પરિવર્તનના આંદોલનમાં સત્તા પરિવર્તન – વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.
ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે!
વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં – ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જે.પી. ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે.
એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ. કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો!
બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જે.પી.ના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે : ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી : ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’
જૂન ’74થી જૂન ’75 વચ્ચેની એક વરસની મજલમાં જે.પી. ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 જૂન 2025