
રવીન્દ્ર પારેખ
પ્રજા અત્યારે તો ઓપરેશન સિંદૂરના કેફમાં છે ને સરકાર વિજયી ઉન્માદમાં બિહારની ચૂંટણી જીતવાની પેરવીમાં છે. વિજયી ઉન્માદે એટલું તો સિદ્ધ કરી દીધું છે કે દેશમાં વિપક્ષ તરીકે કાઁગ્રેસ જ સક્રિય છે, બાકીનાને, પોતાની જ ન પડી હોય, ત્યાં દેશની કેટલી પડી હોય તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસના વિરોધમાં તથ્ય હોય તો પણ, કેવળ વિરોધ જ તેનું લક્ષ્ય હોય, એ પણ બરાબર નથી. એ સારી વાત છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિપક્ષો સહિત સૌ સરકારની સાથે છે, પણ સરકાર પણ પ્રજાની સાથે હોય એય જરૂરી છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરની પાકિસ્તાનને આગોતરી જાણ કરી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કર્યો, તો એનો એમ કહીને બચાવ થયો કે એર સ્ટ્રાઈક પછી હુમલાની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હતી, નહીં કે તે પહેલાં ! સવાલ તો એ પણ છે કે પહેલાં કે પછી, દુ:શ્મનને એર સ્ટ્રાઇકની જાણકારી આપવાની જરૂર જ શી હતી? એવો કોઈ કરાર હતો કે દુ:શ્મનને ઓપરેશન સિંદૂરની જાણ કરવી જ પડે? પહેલગામમાં આતંકી હુમલો વરદી આપીને કરવામાં ન આવ્યો હોય તો ભારતે ઓપરેશન સિંદૂરની પહેલાં કે પછી જાણકારી આપવાની જરૂર ન હતી.
એ ખરું કે રાહુલ ગાંધીને સરકારના કોઈ ખુલાસા ગળે ઊતર્યા નથી. તેમણે તો એ રટણ ચાલુ જ રાખ્યું છે કે આગોતરી જાણકારી આપવાને લીધે દુ:શ્મનને સાવધ કરવા જેવું થયું છે ને ભારતે વધુ નુકસાન વેઠવાનું આવ્યું છે. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું છે કે જાણકારી મળી જવાને કારણે પાકિસ્તાને ભારતના કેટલાં જેટ તોડી પાડ્યાં? જો કે, ચર્ચામાં તો 6 જેટ તોડી પાડ્યાની વાત છે. આટલી ચર્ચા કાઁગ્રેસ કરે છે, પણ તેનાં સમર્થનમાં કે વિરોધમાં અન્ય વિપક્ષોએ કૈં કહેવાનું નથી તેનું આશ્ચર્ય જ છે. એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વાત કરે છે, પણ એ તો થાય ત્યારે ખરું.
વારુ, જેટ સંદર્ભે જે વિવાદ ઊભો થયો, તેનો ખુલાસો પણ આવ્યો છે. સિંગાપોરમાં બ્લૂમ બર્ગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-CDS-અનિલ ચૌહાણને સોંસરું પૂછ્યું છે કે પાકિસ્તાને ભારતીય જેટ તોડી પાડ્યાં છે, એ સાચું છે? એનો જવાબ આપતા CDS ચૌહાણે કહ્યું કે સવાલ એ નથી કે કેટલાં જેટ તૂટ્યાં, સવાલ એ છે કે એ શા માટે તૂટ્યાં ને એમાંથી આપણે શું શીખ્યા? જેટ શા માટે તૂટ્યાં એ મહત્ત્વનું હોય, તો કેટલાં તૂટ્યાં એ પણ મહત્ત્વનું છે જ ! બને કે CDSના હાથ-મોં બંધાયેલાં હોય, પણ સાહેબે એટલું તો સ્વીકાર્યું જ કે ભારતે પોતાની ભૂલો પ્રમાણી છે અને બે જ દિવસમાં તેને સુધારીને લાંબા અંતરથી શત્રુઓનાં મથકો પર નિશાન સાધ્યાં છે. એની પણ કમાલ જ છે કે ચાલુ હુમલાએ આપણે શીખી શકીએ છીએ અને સુધરી પણ શકીએ છીએ, બાકી, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે શીખવા-સુધરવાનો અવકાશ કેટલો હોય એ પ્રશ્ન જ છે. CDS ચૌહાણે એટલું તો સ્પષ્ટ કર્યું કે 6 જેટ તોડવાનો પાકિસ્તાનનો દાવો સદંતર ખોટો છે, પણ ખરેખર કેટલાં જેટ તૂટ્યાં તે અંગે સાહેબે ખુલાસો નથી કર્યો, એ પરથી પણ સાહેબ મોકળાશ અનુભવતા નહીં હોય એમ માનવું પડે.
CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી ને ત્યાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પાકિસ્તાન સાથેના સંબંધો પૂરા થયા છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલાએ કેટલીક વાતો વધુ સ્પષ્ટ કરી આપી છે. જેમ કે, 1. કાશ્મીર પર્યટન સ્થળ તરીકે નિર્ભય છે, એ ભ્રમ ભાંગી ગયો. 2. પાકિસ્તાન આતંકીઓને હજી પોષે છે. 3. આતંકવાદી માર્યો જાય છે તો તેની વિધિમાં પાકિસ્તાની નેતાઓ હાજરી આપે છે. 4. પાકિસ્તાનને શસ્ત્રો ચીન પૂરાં પાડે છે. 5. એ જાણવા છતાં કે પાકિસ્તાન એનો ઉપયોગ આતંકીઓને પોષવામાં કરશે, IMF પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરે છે અને 6. ભારતની અનેક મદદ ચાટીને નિર્લજ્જ તુર્કી પાકિસ્તાનને ખોળે જઈ બેઠું છે.
જગત આખું જાણે છે કે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો છે ને તેનો દુનિયામાં ફેલાવો કર્યો છે, છતાં ચીન જેવા કેટલાક દેશો પાકિસ્તાનને પડખે ઊભા છે અને એ રીતે તેઓ આતંકવાદનું પણ સમર્થન કરે છે. પાકિસ્તાન પોતે પણ જાણે છે કે આજના ભારત સાથે ટકરાવું અનેક રીતે જોખમી છે, એટલે એક યા બીજા દેશને ટેકે તે ભારતને શિંગડા ભરાવે છે. તેની પાસે ભારતને ડરાવવા અણુ ધમકી અને આતંકી પ્રવૃત્તિ છે. એ પણ લાચારી છે કે ભારત તેનો સફાયો કરી શકતું નથી. થોડા આતંકી મથકો તે જરૂર ઉડાવે છે, પણ બીજો હુમલો થાય ત્યાં સુધીમાં બીજા મથકો ને આતંકીઓ તૈયાર થઈ જાય છે. આ યુદ્ધ નથી, પણ યુદ્ધની સ્થિતિ ઊભી કરી આતંકીઓ બાજુ પર ખસી જાય છે અને ભારત-પાક સામસામે આવી જાય છે. વળી યુદ્ધ વિરામ થાય છે ને વળી થોડા વખતમાં આતંકી હુમલાઓ થાય છે ને એમ ચાલ્યા કરે છે. નથી એમાં આતંકી પ્રવૃત્તિઓ અટકતી કે નથી POK (પાકિસ્તાન ઓકયૂપાઈડ કાશ્મીર) હાથમાં આવતું. એમાં પાકિસ્તાન થોડી તોડફોડ સિવાય બહુ ખોટમાં નથી, પણ ભારતનો POK પરત લેવાનો વાયદો વર્ષો પછી પણ પૂરો થતો નથી તે હકીકત છે. આતંકી પ્રવૃત્તિ રોકવાની જાણે પોતાની ફરજ હોય તેમ ભારત તેમાંથી જ ઊંચે નથી આવતું. પાકિસ્તાનને પણ એ મામલે નિરાંત છે કે યુદ્ધ થવાનું નથી ને એર સ્ટ્રાઈકથી આગળ ભારત જવાનું નથી ને જાય તો યુદ્ધ વિરામ કરી-કરાવીને મામલો થાળે પાડી દેવાશે તેની તેને ખાતરી છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાન જેવા નાપાક રાષ્ટ્રને ખતમ કરવા સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. એ ખરું કે યુદ્ધ કદી ઇચ્છનીય નથી, પણ યુદ્ધ જેટલી ખુવારી ભારતે યુદ્ધ વગર ભોગવી હોય ત્યારે યુદ્ધવિરામ કર્યા કરવાનો અર્થ શો છે? સરહદી સૈનિકો યુદ્ધ વગર શહીદ થવા માટે જ છે? આપણી કાયરગતિ સૈનિકોની વીરગતિનું કારણ શું કામ બનવી જોઈએ?
એ રણનીતિનો ભાગ ન હોય તો, આપણા સેનાધિકારીઓ કે CDS સાચું ન કહી શકે એવાં દબાણ હેઠળ ન હોવા જોઈએ. એ હકીકત છે કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની માહિતી વહેલી કે મોડી મળ્યા પછી, જમ્મુ-કાશ્મીરમાં 8,000 ઘરોને અને શાળાઓને નિશાન બનાવાયાં છે, જેટ 6 નહીં તૂટ્યાં હોય, પણ તૂટ્યાં જ નથી, એવું ખોંખારીને CDS અનિલ ચૌહાણ કહી શક્યા નથી. 12 મેના રોજ એર માર્શલ અવધેશ કુમાર ભારતીને ઓપરેશન સિંદૂર સંદર્ભે પૂછવામાં આવેલું કે રાફેલ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું કે તોડી પાડવામાં આવ્યું હતું, તો ભારતીએ જવાબ ટાળતાં કહ્યું કે હજી યુદ્ધની સ્થિતિ ચાલુ જ છે, ત્યારે હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું. હું કૈં કહીશ તો એની વિપરીત અસર થશે. હું એટલું જ કહી શકું કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત પાછા ફર્યા છે. એનો આનંદ જ હોય કે લક્ષ્ય પ્રાપ્ત થયું ને બધા પાઈલટ્સ પાછા ફર્યા, પણ યુદ્ધની સ્થિતિ સંદર્ભે થતા સવાલો તો ત્યારે જ પુછાય ને ! યુદ્ધની સ્થિતિ ન હોય ત્યારે તો કોણ પૂછવાનું હતું? જો કે, સાહેબની વિપરીત અસરવાળી વાતોમાંથી જવાબ મેળવવાનું બહુ અઘરું નથી.
એ વાતે ભારત જરૂર ગૌરવ લઈ શકે કે સાઇબર અને અવકાશી યુદ્ધમાં સ્વદેશી ટેકનોલોજીએ, વિદેશી કંપનીઓ પર આધાર રાખ્યા વિના ઉત્તમ પરિણામો આપ્યાં છે. ભારતે જરૂરી નેટવર્ક અને રડાર સિસ્ટમ્સ પોતાની ક્ષમતા પર બનાવી ને એ સફળ રહી. CDS ચૌહાણે એ પણ સ્પષ્ટ કર્યું કે ખોટી માહિતી ને અફવાઓ પણ પડકાર બની રહે છે. એ ખરું કે બંને દેશોએ એકબીજા પર સાઇબર હુમલાઓ કર્યા, પરંતુ ભારતની લશ્કરી પદ્ધતિ ઈન્ટરનેટ સાથે જોડાયેલી નથી, તેથી તેઓ સુરક્ષિત રહ્યા. પણ, પરિસ્થિતિ એ છે કે એક તરફ ભારતના લશ્કરી અધિકારીઓ ખૂલીને વાત નથી કરી શકતા અને બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 દિવસમાં આઠ વખત યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે, તો તેને રોકી શકાતા નથી. તેમના આ દાવાથી છાપ એ ઊભી થાય છે કે ભારત અને પાકિસ્તાનને અમેરિકાના દબાણ હેઠળ યુદ્ધવિરામની ફરજ પડી છે. જો કે, ભારતે સોય ઝાટકીને કહ્યું છે કે યુદ્ધવિરામ બંને દેશોના DGMOની સંમતિથી થયું છે ને તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, તો ટ્રમ્પ શું કામ છાશવારે યુદ્ધવિરામનું શ્રેય લીધે રાખે છે? અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યું હોય તો કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસે એમ બને. એ અમેરિકાની ચાલ હોઈ શકે છે કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન પૂરતો સીમિત ન રાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવો ને જે નિર્ણય આવે તે સ્વીકારવાની ભારતને ફરજ પાડવી. ભારતે, કાશ્મીર મુદ્દે ત્રીજા કોઈ હસ્તક્ષેપને નકારવાની વાત કરી હતી, તેની આ પ્રતિક્રિયા હોઈ શકે છે. ઈચ્છીએ કે ભારતને અમેરિકી મૈત્રી મોંઘી ન પડે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જૂન 2025