
રાજ ગોસ્વામી
તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂંખાર લડાઈ થઇ અને પછી અમેરિકાની મધ્યસ્થીથી શસ્ત્ર-વિરામ થયો, તે દિવસે એક અનપેક્ષિત ઘટના બની હતી. ભારત અને પાકિસ્તાનના સેના અધિકારીઓ વચ્ચે સમજૂતી મુજબ તે દિવસે સાંજે પાંચ વાગ્યા પછી શસ્ત્રો મૌન થઇ જવાનાં હતાં. અર્થાત, બંને દેશો નિર્ધારિત સમય પછી સીમા પર એકબીજા વિરુદ્ધની તમામ કારવાઈ રોકી દેવાના હતા.
પરંતુ તે જ રાતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં તેની કારવાઈ ચાલુ રાખીને ભારતને આશ્ચર્ય અને આઘાતમાં નાખી દીધું હતું. લોકોમાં અને સરકારમાં બેઠેલા અમુક લોકોમાં ચિંતાની સાથે આક્રોશ પણ ફેલાઈ ગયો હતો. અચનાક એવું લાગવા માંડ્યું કે પાકિસ્તાન તેના વચનમાંથી ફરી ગયું છે. પરિસ્થિતિ ફરીથી અસ્થિર અને જોખમી થઇ ગઈ.
તે વખતે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મ ‘લક્ષ્ય’નો એક સંવાદ બહુ વાઈરલ થયો હતો. જાણે કે એ કોઈ ભવિષ્યવાણી હતી. તેમાં સૂબેદાર મેજર પ્રિતમ સિંહનો કિરદાર નિભાવતા સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પૂરી ફિલ્મના નાયક કરણ શેરગીલ(રિતિક રોશન)ને એક સલાહ આપે છે;
“મુજે ઉન લોગો કા તજુરબા હૈ. પાકિસ્તાની હારે તો પલટ કે એક બાર ફિર વાપસ આતા હૈ. અગર જીત જાઓ તો ફૌરન લાપરવાહ મત હો જાના. મેરી બાત યાદ રખના.” કરણ કહે છે, “યાદ રખૂંગા.”
સોશિયલ મીડિયા પર આ ક્લિપ પોસ્ટ કરીને લોકોએ લખ્યું હતું કે લક્ષ્યમાં ઓમ પૂરીએ સાચું જ કહ્યું હતું, પાકિસ્તાનીઓનો ભરોસો કરવા જેવો નથી. એક યુઝર્સે લખ્યું હતું, “કેવું કહેવાય? ઓમ પૂરીએ વર્ષો પહેલાં આ દુષ્ટ લોકોના વ્યવહારની ભવિષ્યવાણી કરી હતી.”
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષો પર બનેલી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ (2004) એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. યુદ્ધ પર બનેલી બીજી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ અલગ પડે છે. તે 1991ના આર્થિક સુધારા પછી જન્મેલી પેઢીની વાર્તા કહે છે. તમે એ ફિલ્મના મુખ્ય કિરદાર કરણ અને રોમિલા દત્તા(પ્રીતિ ઝિન્ટા)ને તે સમયના સોળથી વીસ વર્ષના યુવાનો સાથે સરળતાથી જોડી શકો છો.
1991 પછી ભારતે દુનિયા માટે તેના દરવાજા ખુલ્લા મુક્યા તેના પગલે નોકરી, ધંધા અને શિક્ષણમાં ધરખમ ફેરફારો આવ્યા હતા, રોજગારી માટે નવાં ક્ષેત્રો ખુલ્લાં હતાં અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો સામે આવી હતી.
તે સાથે જ યુવાનોમાં એક મૂંઝવણ પણ પેદા થઇ હતી; કેવી કેરિયર પસંદ કરવી? તેમના માટે શું બહેતર હશે? શેમાં ભવિષ્ય બનશે? એ મૂંઝવણમાં અનેક યુવાનો તેમના જીવન પથ અંગે નિર્ણય લઇ શક્યા નહોતા.
દિલ્હીમાં ખાતા-પિતા સુખી ઘરના ફરજંદ કરણ પણ એવો જ યુવાન હતો. તેનું કોઈ લક્ષ્ય નહોતું. તે રખડી ખાતો હતો. તેની ગર્લફ્રેન્ડ રોમિલા, જે પત્રકાર બનવા માંગતી હતી (તેનું પાત્ર ટેલિવિઝન પત્રકાર બરખા દત્ત પરથી પ્રેરિત હતું), તેને જીવનનો ધ્યેય નક્કી કરવા સલાહ આપતી હોય છે.
અંતત: કરણ તેનાં માતા-પિતાની નારાજગી વચ્ચે કમ્બાઈન ડિફેન્સ સર્વિસ મારફતે ઇન્ડિયન મિલિટરી એકેડમી માટે પસંદ થાય છે. પરંતુ ત્યાંની શિસ્ત અને કઠોર ટ્રેનિંગથી તે હતાશ થઇ જાય છે અને ત્યાંથી નાસી આવે છે.
તેનાં માતા-પિતા તેને પરિવારના ધંધામાં જોડાઈ જવાની સલાહ આપે છે, પરંતુ મહત્ત્વાકાંક્ષી રોમિલા તેની નાહિંમતથી નારાજ થઈને બ્રેક-અપ કરી નાખે છે. કરણ માટે તો હવે ના ઘરનો કે ન ઘાટનો જેવી સ્થિતિ સર્જાય છે.
તે તેની ગર્લફ્રેન્ડને પછી લાવવા માટે કમર કસે છે. તે પાછો એકેડમીમાં જાય છે. ત્યાં તે હસતા મોઢે નાસી જવાની સજા સ્વીકારે છે. તે મન દઈને ભણે છે, તાલીમ મેળવે છે અને અંતે ગ્રેજ્યુએટ થઈને લેફ્ટનન્ટ તરીકે સેનામાં દાખલ થાય છે. એ જ વખતે કારગિલ યુદ્ધ આવી પડે છે. રોમિલા પત્રકાર તરીકે એ જ યુદ્ધ કવર કરવા આવે છે. કરણને તેનું લક્ષ્ય મળી ગયું હતું. તે એ યુદ્ધમાં જાનના જોખમે શુરવીરતાનું પ્રદર્શન કરે છે અને દેશનું, પરિવારનું અને રોમિલાનું માથું ગર્વથી ઊંચું કરે છે.
ફરહાન અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ત્રણ દોસ્તોના જીવનની આંટીઘૂંટીઓની વાર્તા કહેતી ‘દિલ ચાહતા હૈ’ની અપાર સફળતા પછી ફરહાન પર એક એવી જ સાર્થક ફિલ્મ આપવાનો ભાર હતો. ‘દિલ ચાહતા હૈ’માં બાહ્ય જીવનની વાત હતી. એટલે ફરહાને ‘લક્ષ્ય’ના મધ્યમથી એવા જ એક યુવાનના ભીતરી સંઘર્ષની વાત કહેવાનું નક્કી કર્યું હતું.
એક ઇન્ટરવ્યુમાં ફરહાન કહે છે, “મોટા થવાનો અર્થ એ પણ થતો હોય છે કે જીવનમાં શું કરવું તેની સમજ ન હોય. હું એવા ઘણા લોકોને જાણું છું હું પોતે એમાંથી પસાર થયો છું – તમારા જીવનનું લક્ષ્ય શોધવાનું હોય, ખુદને શોધવાના હોય. લક્ષ્યની સ્ક્રિપ્ટમાં મને એ જ વાત ગમી હતી – તે ખુદને તલાશવાની વાર્તા હતી.”
ફરહાનના પિતા જાવેદ અખ્તરે 18 વર્ષ પછી પટકથા લેખનમાં વાપસી કરી હતી. તેમણે કારગિલ યુદ્ધમ ભાગ લેનારા સૈનિક અધિકારીઓ સાથેની ચર્ચાના આધારે આ વાર્તા લખી હતી. અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે સેનાને કારકિર્દી તરીકે પસંદ કરતા શિક્ષિત યુવાનોની સંખ્યા ઘટી રહી છે. જાવેદે તે વખતે ખાતરી આપી હતી કે તેઓ યુવાનો પ્રોત્સાહિત થાય તેવી એક ફિલ્મ લખશે.
તેમણે વિચાર કર્યો હતો કે યુવાનો સેનાને એક પસંદ નથી કરતા અને નવી પેઢીના છોકરાઓની જીવનના લક્ષ્યને લઈને શું સમસ્યા છે. તેમણે એક વાર્તા વિચારી હતી જેમાં એક યુવાન છોકરો સેનામાં એટલા માટે જોડાય છે કારણ કે તેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી. અને એ પછી જ તેને તેનો અસલી મકસદ મળે છે, જેમાં તે હીરો તરીકે બહાર આવે છે.
ફરહાન કહે છે, “આ એક આઈડિયા હતો, પણ મને તેનું હાર્દ સ્પર્શી ગયું હતું. હું જ્યાં સુધી ફિલ્મો બનાવતો થયો ન હતો ત્યાં સુધી મને પણ એ ખબર નહોતી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. અમે વાતચીત કરી અને પછી તેમણે (જાવેદે) આખો સ્ક્રિનપ્લે લખ્યો.”
‘લક્ષ્ય’ યુદ્ધની ફિલ્મ નથી. કારગિલનું યુદ્ધ તો ખાલી બેકગ્રાઉન્ડ છે. આ ફિલ્મ ખુદની તલાશ કરવા માટેનો, મહત્ત્વાકાંક્ષાને ઓળખવાનો અને જવાબદારીની ભાવનાને કેળવવાનો પ્રયાસ છે. ઘણા ખરા અંશે નવી પેઢીને આ ફિલ્મમાં ખુદનું પ્રતિબિંબ નજર આવ્યું હતું. જાવેદ અખ્તરે ફિલ્મના એક ગીતમાં આ વાતને ખૂબસુરતીથી પેશ કરી હતી :
અબ મુજકો યે કરના હૈ, અબ મુજે વો કરના હૈ
આખિર ક્યૂં મૈં ના જાનૂં, ક્યા હૈ કિ જો કરના હૈ
લગતા હૈ અબ જો સીધા કલ મુજે લગેગા ઊલટા
દેખો ના મૈં હું જૈસે બિલકુલ ઊલટા – પુલટા
બદલૂંગા મૈં અભી ક્યા
મૈં એસા ક્યૂં હૂં, મૈં વેસા ક્યૂં હૂં
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 28 મે 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર