સુપ્રીમ ટકોર
સહયોગી સમવાયતંત્ર ક્યાં ખોવાઈ ગયું?
2014માં સહયોગી સમવાયતંત્રની રંગદર્શી વાતો કર્યા પછી વિપક્ષી રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર ધોંસ ને ભીંસના રાજકારણ સામે સર્વોચ્ચ અદાલતે ધરેલ લાલબત્તી ન જોવી હોય તો જ ન જોવાય એવી છે. આશા છે તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધોરણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

પ્રકાશ ન. શાહ
સત્તા માત્રની પ્રકૃતિ કેન્દ્રીકરણની હોય છે એટલે સ્વાભાવિક જ લોકશાહી બંધારણમાં અંકુશ અને સમતુલાની તરેહવાર જોગવાઈ થકી આ એકહથ્થુ શક્યતા સામે નાગરિકની અને નાગરિક સંસ્થાઓની સ્વાયત્તતાની બાલાશ જાણવાની કોશિશ રહેતી હોય છે.
આપણા જેવા વિશાળ દેશમાં કાયદા ઘડનારી સંસ્થા, કાયદા પળાવનારી સંસ્થા અને નાગરિકના સંદર્ભમાં એ બંનેની ભાળસંભા રાખનાર ન્યાયપાલિકા, આ ત્રણ – લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી – તો હોય જ. પણ તે સાથે દેશભરનાં જે રાજ્ય એકમો, એમનાં ક્ષેત્ર પરત્વે સમાદરની દૃષ્ટિએ સમવાયી વ્યવસ્થા પણ હોય જ.
રાષ્ટ્રીય ધોરણે રાજ્યકર્તા પક્ષ અને જે તે રાજ્યના સત્તાપક્ષ જ્યારે અલગ અલગ છાવણીના હોય ત્યારે, ખાસ કરીને રાજ્યોના અધિકારક્ષેત્રની જાળવણીમાં સમવાયી અભિગમ ને આગ્રહ જરૂર બની રહે છે.
લગભગ પાઠ્યપુસ્તકિયા કહી શકાય એવો આ મુખડો બાંધવા પાછળનો ધક્કો દેશની સર્વોચ્ચ અદાલતના બે તાજેતરના ચુકાદાઓથી લાગેલો છે, અને તે સાથે એ પણ સમજવાને સમજાવવાનો સ્વાભાવિક ખયાલ છે કે બંધારણ એ કોઈ સૂફિયાણી સલાહ આપતી ડાહી ડોશી માત્ર નથીઃ નિયમસરની કારવાઈ માટે ફરજ પાડી શકે એવી એક યંત્રણા (મિકેનિઝમ) એ ચોક્કસ છે.
સંખ્યાબંધ ગેરભા.જ.પી. રાજ્યોમાં, વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર રાજ્યપાલો ચપ્પટ બેસી રહે એ હમણેનાં વારસોનો ધરાર રવૈયો રહેલ છે. ખરું જોતાં, સામાન્યપણે, રાજ્યપાલ એમને જરૂરી લાગે તો જે તે ખરડાને પુનર્વિચાર માટે મોકલી જરૂર શકે છે. પણ ધારાગૃહ એ ફરીને મોકલે તો રાજ્યપાલે એના પર હસ્તખત કરી પ્રક્રિયા પૂરી કરવી રહે. છેલ્લા દસકામાં કેન્દ્રનીમ્યા રાજ્યપાલો ગેરભા.જ.પી. રાજ્યોના ચોક્કસ ખરડાઓ પર લાંબા ગાળા લગી ચપ્પટ બેસી રહ્યાનો જે સિલસિલો ચાલ્યો તેમાં સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા પછી એક મુક્તિદ્વાર ચોક્કસ જ ખૂલ્યું છે અને સમવાયતંત્રનાં ધારાધોરણ તેમ જ ભાવનાનો ભંગ કરી કેન્દ્રની ધોરાજી ચલાવવા સામેની બંધારણીય જોગવાઈએ પોતાનું શહુર ને શક્યતા દાખવ્યાં છે.
તામિલનાડુ સરકાર અને બીજાઓએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી એક યાચિકાના સંદર્ભમાં જે ચુકાદો આ દિવસોમાં સાધ્યો છે એમાં પણ સમવાયતંત્ર સહજ સ્વાયત્તતાનો સ્વીકારપુરસ્કાર માલૂમ પડે છે. કેન્દ્રનીમ્યા રાજ્યપાલો દિલ્હીના પક્ષીય દબાણથી રાજ્યવિધાનસભામાં પારિત ખરડા દાબી રાખે એ જેમ ખોટું હતું અને છે તેમ રાજ્ય અંતર્ગત અપેક્ષિત કારવાઈમાં કેન્દ્રીય સંસ્થાઓ ભીંસ ને ભરડાનું રાજકારણ ખેલવા માટે હાથાની ગરજ સારે તે બિલકુલ દુરસ્ત નથી. પણ છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકાર હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) થકી આવી ચેષ્ટા ખાસી વધી ગઈ છે. કેન્દ્ર સરકારને ઇશારે હાથ ધરાતી આવી કામગીરીમાં વાજબીપણું કેટલું ઓછું હશે અને મનમુરાદશાહી કેટલી બધી હશે એનો અંદાજ એ એક સાદી પણ બુનિયાદી વિગત પરથી સરળતાથી મળી રહે છે કે ઇ.ડી.એ સહસા ખાબકી અને ત્રાટકી ચક્રવ્યૂહ રચ્યો હોય, તપાસને નામે બરાબર ભીંસ ને ભરડાની જમાવટ કરી હોય, એવી ઘટનાઓમાં તપાસને અંતે વાસ્તવિક સજાનું પ્રમાણ એક ટકાથી વધુ કિસ્સામાં નથી. છેલ્લાં દસ વરસની ઈ.ડી. કારવાઈનું આ સરવૈયું કેન્દ્ર સરકારની મનમુરાદશાહીનું એટલું બોલતું ઉદાહરણ છે કે એને વિશે કદાચ કશું જ વધુ કહેવાની જરૂરત ન હોવી જોઈએ.
2014માં સત્તારૂઢ થયા પછી વડા પ્રધાન મોદીએ સંસદમાં અને બહાર એક શબ્દ જોડકું ઉત્સાહભેર રમતું મેલ્યું હતું – કો ઓપરેટિવ ફેડરલિઝમ, સહયોગી સમવાયતંત્ર. જો કે, કમનસીબે આ દસકાનો અનુભવ સતત એથી વિપરીત તરેહનો રહ્યો છે. અગાઉની કેન્દ્ર સરકારો પરત્વે પણ આવા પ્રશ્નો નહીં થતા હોય એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ, આ દસકો સમવાયતંત્રના સતત ભંગનો રહ્યો છે અને વિધાનગૃહોમાં પક્ષીય બલાબલ બદલા વાસ્તવિક લોકચુકાદો બચાડો માર્યો ફરે એવી હીન અવસ્થા બલકે અનવસ્થા સરજવાની રાજનીતિનો રહ્યો છે.
આશા અને ઉમેદ એટલી જ રહે કે સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધુરીણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025