નિરંજન ભગત વ્યાખ્યાનમાળા

જિમ ડબલ્યૂ. ડગ્લાસ
ગાંધીહત્યા સંદર્ભે ‘સત્યનો અંતિમ પ્રયોગ’ શબ્દો અમેરિકન લેખક જિમ ડગ્લાસે પોતાના એક પુસ્તકના શીર્ષકમાં વાપર્યા છે. પૂરું શીર્ષક છે, ‘ગાંધી એન્ડ ધ અનસ્પીકેબલ – હિઝ ફાઇનલ એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ’. મારે અનાયાસે જ આ પુસ્તકનો અનુવાદ કરવાનો થયો, પણ હું એ વ્યક્તિઓ અને એ સંજોગોની હંમેશાં ખૂબ આભારી રહીશ કેમ કે એમને લીધે કે મને એક ઉમદા કૃતિમાંથી પસાર થવાનું મળ્યું. અને એવી જ આભારી હું રાજેન્દ્રભાઈ અને આ વ્યાખ્યાન સાથે સંકળાયેલા સૌની રહીશ કે એમના લીધે મને આ વિષય પર ફરી એક વાર વાત કરવાની તક મળી.
ગાંધીહત્યાની વાત થાય એટલે જે મહિમાગાન અને શ્રદ્ધાંજલિઓનો અંબાર થાય એનાથી સત્ય ઢંકાઈ જાય છે. ગાંધીહત્યા વિષે ખૂબ લખાયું છે, ચર્ચાયું છે. તેમને ત્રણ ગોળી વાગી હતી કે ચાર અને તેઓ ‘હે રામ’ બોલ્યા હતા કે નહીં એના વિષેની ચર્ચાનો કોઈ અંત નથી. જગતના ઇતિહાસમાં કાયમી સ્થાન મેળવી ગયેલી, ઈસુના ક્રૂસારોહણ અને સોક્રેટિસના વિષપાન સાથે મૂકી શકાય એવી, ભારતના ઇતિહાસ પર એક પ્રશ્નચિહ્ન સમાન અંકિત થયેલી આ ઘટનાની આજે આપણે ફરી એક વાર પ્રતીતિ કરવાના છીએ. તે માટેનો આધાર છે એક અમેરિકન સર્જક જિમ ડગ્લાસનું આગળ ઉલ્લેખ કર્યો એ પુસ્તક.
જરા આ લેખકને ઓળખીએ. જિમ ડગ્લાસ એટલે કે જેમ્સ ડબલ્યુ. ડગ્લાસ અમેરિકન લેખક, સંશોધક, થિયોલોજિસ્ટ અને ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ છે. શાંતિ અને અહિંસા માટે કામ કરતા કર્મશીલ છે. અત્યારે 88 વર્ષની ઉંમરે પણ એમનાં શાંતિકાર્યો ચાલુ છે. એમનાં પુસ્તકોમાં સૌથી વધારે જાણીતું છે ‘જે.એફ.કે. એન્ડ ધ અનસ્પીકેબલ : વ્હાય હી ડાઈડ એન્ડ વ્હાય ઈટ મેટર્સ’
આ પુસ્તક વિષે પણ જરા જાણવું જોઈએ. 1947થી 1991 દરમિયાન અમેરિકા અને રશિયા આ બે મહાસત્તાઓ વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. આ ગાળામાં 1962ની સાલમાં અમેરિકા અને રશિયા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાનું જોખમ ઊભું થયું હતું. રશિયાએ ત્યારે મિસાઇલ બનાવી હતી. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી પર એમની સરકારના આગેવાનો દ્વારા રશિયાની મિસાઇલ સાઇટ્સ પર ઓચિંતો હુમલો કરવાનો હુકમ આપવાનું દબાણ થયું.
કેનેડી સમજતા હતા કે આવો હુકમ આપવો એટલે અણુયુદ્ધનું એલાન ને અણુયુદ્ધ એટલે મહાવિનાશ. એમણે આવો હુકમ આપતા પહેલા – ‘બિફોર ફાઇનલ ફેલ્યોર’ – એકવાર રશિયાના વડા પ્રધાન ખ્રુશ્ચેવને મળી અણુયુદ્ધ ટાળવાનો પ્રયત્ન કરવાનું નકકી કર્યું અને એ પ્રયત્ન સફળ પણ થયો. થોડી સિક્રેટ મિટિંગો થઈ અને અણુયુદ્ધ ટળી ગયું. પણ જે અમલદારો – અને એવા ઓછા નહોતા – રશિયાને પાઠ ભણાવવા અને દુનિયા પર છાક બેસાડી દેવા ખૂબ ઉત્સુક હતા, એમને કેનેડીનું આ પગલું વિશ્વાસઘાત જેવું લાગ્યું. ‘ડાર્ક અનસ્પીકેબલ ફોર્સિસ’ કામે લાગ્યા. શતરંજ બિછાવાઈ, પ્યાદાઓ શોધાયાં, ચલાવાયાં અને 1963ના નવેમ્બરમાં 46 વર્ષના જ્હોન એફ. કેનેડીની હત્યા થઈ, એમની પોતાની જ સરકારનાં કેટલાક સ્વાર્થપરસસ્ત-સત્તાપરસ્ત-અહંકારપરસ્ત તત્ત્વો દ્વારા. ત્યાર પછી એના પર ઘણું લખાયું, પણ બાર વર્ષની જહેમત પછી લખાયેલું જિમ ડગ્લાસનું પુસ્તક ‘જે.એફ.કે. એન્ડ ધ અનસ્પીકેબલ : વ્હાય હી ડાઈડ એન્ડ વ્હાય ઈટ મેટર્સ’ કદાચ સૌથી વધારે અગત્યનું ગણી શકાય. એ માટે એમણે બાર વર્ષ મહેનત કરી હતી, એટલા માટે નહીં. એમણે મહત્ત્વના અનેક સંદર્ભો અને રેકોર્ડેડ દસ્તાવેજો વગેરે મેળવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી, પણ એટલા માટે પણ નહીં. એમનું પુસ્તક ખૂબ અગત્યનું એટલા માટે છે કે એમાં શાંતિ માટે કામ કરનાર લોકો કેવી રીતે અનસ્પીકેબલ એટલે કે શબ્દોમાં મૂકવા મુશ્કેલ એવાં દુષ્ટ પરિબળોની હિંસાનો ભોગ બને છે એ અકથનીય સત્યનો વાચકો હચમચી જાય તે રીતે વિસ્ફોટ થયો છે. વાત એક ઘટનાથી પૂરી થતી નથી, દુષ્ટતા અને શાંતિ વચ્ચેનો જંગ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે અને ઇસુના ક્રૂસારોહણથી માંડી આજના શાંતિપ્રેમી આગેવાનોની હત્યા સુધી દુષ્ટ તત્ત્વો ફાવ્યાં પણ છે. આપણી દુનિયાની આ મોટી કમનસીબી છે. એનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવા સાથે લેખકે એમાં એક આશા, એક પ્રેરણાનો સંચાર જોયો છે અને આપણા સુધી પહોંચાડ્યો પણ છે, એ લેખકની સિદ્ધિ અને વાચકની પ્રાપ્તિ છે.
જ્હોન કેનેડીની હત્યા 1963માં થઈ. 1965માં 39 વર્ષના માલ્કમ એક્સની અને 1968માં એ જ ઉંમરના માર્ટિન લ્યુથર કિંગની હત્યા થઈ. એ જ વર્ષે 42 વર્ષના રોબર્ટ કેનેડી મરાયા. આ બધાની હત્યાનું કારણ પણ એ જ હતું કે તેઓ શાંતિ માટે કામ કરતાં હતાં. આ બધાની હત્યા પાછળ પણ શાંતિવિરોધી, ઉન્માદી, ‘ડાર્ક અનસ્પીકેબલ ફોર્સિસ’નો હાથ હતો. જિમ ડગ્લાસે આ હત્યાઓ વિષે લખવાનું નક્કી કર્યું. સંશોધન ચાલુ થયું. એમણે જોયું કે આ બધાએ ઈસુના ‘દુશ્મનને પ્રેમ કર’ એ શાશ્વત વચનનું પાલન કરવા ઇચ્છ્યું હતું. દુશ્મનને પ્રેમ કરવો – સૌના ભલા માટે, સત્ય ખાતર, નિર્બળ કે ઊર્મિલ થયા વિના. સંશોધન દરમ્યાન એમણે જોયું કે ઈસુના હિન્દુ શિષ્ય ગાંધીએ સત્યાગ્રહના ધર્મ તરીકે આ વિધાનને લીધું અને તેને સત્યબળ કે આત્મબળ તરીકે પરિવર્તિત કર્યું. ગાંધી પણ શાંતિકાર્યો કરતા હતા, એમના કિસ્સામાં પણ અનસ્પીકેબલ્સ કામે લાગ્યાં હતાં, એમની પણ હત્યા થઈ હતી. લેખકે પોતાના પુસ્તકમાં પશ્ચાદભૂમિકા તરીકે ગાંધીહત્યાનું એક પ્રકરણ મૂકવાનું નક્કી કર્યું અને ગાંધીની હત્યા પર પણ સંશોધન કરવા માંડ્યું. જેમ જેમ તેઓ એ વિષયમાં ઊંડા ઊતરતા ગયા, વાત વધતી ગઈ અને એક પ્રકરણથી એક પુસ્તક સુધી પહોંચી. આ છે ‘ગાંધી એન્ડ ધ અનસ્પીકેબલ – હિઝ ફાઇનલ એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ’ના સર્જનની પશ્ચાદભૂમિકા.
એટલે પુસ્તકનું ફોકસ ગાંધીહત્યાની કે છેલ્લા મહિનાઓમાં, છેલ્લા દિવસોમાં, હત્યાને દિવસે, હત્યા પછી શું શું થયું આ બધી વિગતો આપવા કરતાં વધારે એ ઘટનાની પાછળનાં અનસ્પીકેબલ બળો અને સત્ય, અહિંસા અને પ્રેમ લઈને એ બળોની મુખોમુખ થયેલા ગાંધી પર છે. ગાંધીજીના અંતિમ દિવસોના ઝીણવટભર્યો અભ્યાસ, એમના વધતા જતા પ્રભાવ સાથે એમની વિરુદ્ધ આકાર લેતા ગયેલાં નકારાત્મક પરિબળો, જટિલ પરિસ્થિતિઓ, ન ઉકલેલાં ‘ઓપન સિક્રેટ્સ’, ભરડો લેતાં ગયેલાં અનસ્પીકેબલ ફોર્સિસ અને આ બધાનો પોતાની અહિંસા દ્વારા ગાંધીજીએ કરેલો સામનો – લગભગ સવાસો પાનાંમાં આ બધું આલેખી લેખકે આખી ઘટના પર નવો પ્રકાશ પાડ્યો છે. અને એ એવી રીતે કે વાચક ખળભળી જાય, વ્યથિત બને, અનસ્પીકેબલ ફોર્સિસની તાકાતની પ્રતીતિ પણ પામે – પણ નિરાશ થવાને બદલે શ્રદ્ધા, આશા, સત્ય અને અહિંસા વડે પોતાની આસપાસના આજના અનસ્પીકેબલ્સનો સામનો કરવા કટિબદ્ધ થાય.
ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે હિંસાની તાલીમ લે તેણે મારવાની કળા શીખવી પડે તેમ અહિંસાની તાલીમ લે તેણે મરવાની કળા શીખી લેવી પડે. 1893માં 23 વર્ષના ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા અને તરત પીટરમેરિત્સબર્ગ ઘટના બની. ઠંડાગાર પ્લેટફોર્મ પર રાતભરના મંથન પછી એમણે આ ઘટના પાછળ રહેલા પદ્ધતિસરના દુષ્ટ બળ સામે લડત આપવાનો નિર્ણય કર્યો અને એક શરમાળ વકીલનું રૂપાંતર એક સંકલ્પબદ્ધ નેતામાં થયું. એમણે લખ્યું છે, ‘ત્યારથી મારી સક્રિય અહિંસાની શરૂઆત થઈ.’
અહિંસાની તાલીમ લેતાં લેતાં ગાંધીજી મરવાની કલા શીખી રહ્યા હતા. સત્યાગ્રહની શોધ થઈ એ પહેલાથી.
એમના પર સતત હુમલાઓ થયા છે. પીટરમેરિત્સબર્ગ ઘટના પછી ચાર વર્ષે ગાંધીજી કુટુંબને દક્ષિણ આફ્રિકા લઈ આવ્યા ત્યારે ઉશ્કેરાયેલા ગોરાઓના એક ટોળાએ એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ઇંગ્લેન્ડથી તપાસ કરવાનો હુકમ આવ્યો. જેમની નિગરાની અને પ્રોત્સાહનથી આ થયું હતું તે અધિકારી મિ. એસ્કોમ્બ ગાંધી પાસે આવ્યા, ‘હુમલાખોરોને ઓળખી શકશો?’ ‘બેચારને કદાચ ઓળખી શકું, પણ પહેલા જ એ કહી દઉં કે મારે એમના પર કામ ચલાવવું નથી.’ ‘કેમ?’ ‘એ લોકો તો હુકમના ગુલામ છે. ગુનો જો કોઈનો હોય તો તે તમારો છે, તમારી સરકારનો છે. એની સામે હું રાજકીય લડત આપીશ.’ એસ્કોમ્બ ત્યારે તો ગયા, પણ એમના મૃત્યુના આગલા દિવસે તેઓ ગાંધીજીને મળ્યા અને એમની સચ્ચાઈ અને ઉદારતાની પ્રશંસા કરી. માફી માગી. ગાંધીજીએ ‘હું તો એ ભૂલી જ ગયો છું.’ કહી એમનું નિખાલસ સ્મિત વેર્યુ.
1908માં મીર આલમે હુમલો કર્યો. ભાનમાં આવીને તરત ગાંધીજીએ પૂછ્યું, ‘મીર આલમ ક્યાં છે?’ ‘પકડાઈ ગયો છે.’ ‘એને છોડાવવો જોઈએ.’ ગાંધીજીએ વિલંબ કર્યા વિના પોતે કેસ કરવા માગતા નથી એવો તાર સરકારને કર્યો અને ભારતીયોને કહ્યું કે ‘મીર આલમ પર ગુસ્સે ન થશો. એ ગેરસમજનો ભોગ બન્યો છે, ગેરસમજ દૂર થશે એટલે સત્ય સમજશે.’ એ જ વર્ષે મિલી પોલાકે નોંધેલો છે એ પ્રસંગ બન્યો. એક માણસ છરી લઈને ગાંધીજીને મારવા આવેલો. ગાંધીજી એની સાથે થોડી વાત કરીને પાછા ફર્યા ત્યારે મિલીએ કહ્યું, ‘એના પર કામ ચલાવવું જોઈએ ને. આવો માણસ છૂટો ફરે એ ઠીક નથી.’ ગાંધીજીએ કહ્યું, ‘એને એમ હતું કે હું સરકાર સાથે ભળી ગયો છું, છતાં મૈત્રી અને શુભેચ્છાનો દેખાવ કરું છું … જો એને પકડાવું તો તે નક્કી મારો દુશ્મન બને. મેં એમ કર્યું નથી. હવે તે મારો મિત્ર છે.’
1908 અને 1909ના વર્ષોમાં દક્ષિણ આફ્રિકામાં ત્રણથી ચાર હજાર ભારતીયો નોંધણી અને પરવાનાના કાયદા સામે અસહકાર અને સત્યાગ્રહ કરી જેલમાં ગયા. 1910ના જૂનમાં થોડા રાજકીય ફેરફારો થયા અને જનરલ સ્મટ્સ દક્ષિણ આફ્રિકાના આંતરિક પ્રધાન બન્યા. 1913માં જસ્ટિસ માલ્કમ સિર્લેએ જાહેર કર્યું કે જે લગ્નો ખ્રિસ્તી વિધિથી ન થયાં હોય તે કાયદેસર નહીં ગણાય. આ ચુકાદાને ગાંધીજીએ સત્યાગ્રહનો વ્યાપ અને ઊંડાણ વધારવાના મોકા તરીકે જોયો. હવે સ્ત્રીઓ કસ્તૂરબાની આગેવાની નીચે જેલમાં ગઈ. પંદર વર્ષનો દીકરો રામદાસ પણ જેલમાં ગયો. બહેનો જેલમાં ગઈ અને ‘સૂકા ઘાસની ગંજીમાં દિવાસળી મૂકી હોય’ એમ સત્યાગ્રહ ફેલાયો. એ જ વર્ષે કોલસાની ખાણોના મજૂરો પર ત્રણ પાઉન્ડનો દમનકારી વેરો ઝીંકાયો. ઐતિહાસિક કૂચ થઈ. સત્યાગ્રહને ડામવા સરકારે ગાંધીજીને દૂરની જેલમાં પૂરી દીધા અને સત્યાગ્રહીઓ પર છૂટે હાથે અત્યાચારો કર્યા. સત્યાગ્રહીઓ ડગ્યા કે ડર્યા નહીં. દુનિયાના દેશો એમના આંદોલનને ટેકો આપવા લાગ્યા.
સરકારે ગાંધીજીને બિનશરતે છોડ્યા અને તપાસ-કમિશન રચ્યું. તેમાં એક પણ ભારતીય ન હતો. ગાંધીજીએ તેને સહકાર આપવાનો ઈનકાર કર્યો અને 1915ની શરૂઆતમાં પોતે નવી કૂચ ઉપાડશે એવી ઘોષણા કરી. પણ ત્યાર પછી રેલમાર્ગ બાંધનારાઓની રાષ્ટ્રવ્યાપી હડતાલને લીધે આફ્રિકાની સરકાર મુશ્કેલીમાં મુકાઇ ત્યારે ‘સત્યાગ્રહીઓએ વિરોધીની આકસ્મિક મુશ્કેલીનો લાભ લેવો જોઈએ નહીં’ કહી એમણે કૂચ મોકૂફ રાખી.
1914ની વસંત ઋતુમાં સમાધાન થયું. સરકારે ત્રણ પાઉન્ડનો વેરો રદ્દ કર્યો, ભારતીય લગ્નો માન્ય રાખ્યાં, ટ્રાન્સવાલ એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટ પાછો ખેંચ્યો અને આંદોલન બંધ થયું. પણ ત્યાંનાં મુસ્લિમોમાં થોડો વિરોધ જાગ્યો હતો. એમની એક સભામાં સાથીઓની ચેતવણી છતાં ગાંધીજી ગયા. ચર્ચાઓ ઉગ્ર બની અને એક માણસ ગાંધીજીને મારવા ધસ્યો ત્યારે એક ઊંચોપહોળો પઠાણ ઊભો થયો, એ માણસને ધકેલી મૂક્યો અને ગર્જના કરી, ‘ગાંધીભાઈને હાથ લગાડશે તેને હું એ જ ઘડીએ પૂરો કરીશ.’ એ હતો મીર આલમ. ગાંધીજીની અહિંસાએ તેને મિત્ર બનાવ્યો હતો.
ભારત આવ્યા પછી પણ હુમલાઓ થતા રહ્યા હતા. ચંપારણમાં, નોઆખલીમાં, બિહારમાં. કોઈ ગળું દબાવવા માગતું, કોઈ છરો બતાવતું. ગાંધીજી પ્રતિકાર ન કરતા, ભય ન પામતા અને સ્મિત વેરતા. હુમલાખોર ઢીલો થઈ ચાલ્યો જતો. ક્યારેક ટોળું આવતું ને પથ્થર, લાકડીઓ ફેંકતું. દિલ્હીમાં પાંચ યુવાનોએ ગાંધીજી પર હુમલો કર્યો હતો.
જેમણે ગાંધીજીની હત્યા કરી એમનો પણ આ પહેલો પ્રયાસ નહોતો. ગાંધીજી પોતાના હત્યારાઓને જાણતા હતા. જે માણસે તેમના પર ગોળી ચલાવી તેને તેઓ પહેલા મળી ચૂક્યા હતા. એ વખતે એ ગાંધીહત્યાના નિષ્ફળ પ્રયાસ પછી પકડાઈને છૂટયો હતો. ગાંધીજીએ તેને પોતાની પાસે અઠવાડિયું રહેવા બોલાવ્યો હતો. એ માણસની પાછળ રહેલા કટ્ટર હિન્દુવાદી આગેવાનને પણ તેઓ જાણતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદીઓની ઉગ્રતાથી તેઓ બરાબર પરિચિત હતા.
કોણ હતા આ કટ્ટર હિન્દુવાદીઓ?
1915માં ગાંધીજી ભારત આવ્યા તે પહેલા હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ ચૂકી હતી. ગાંધીજી ત્રણ ધ્યેય લઈ ભારત આવ્યા હતા. હિન્દુમુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી. હિન્દુ ઉગ્રવાદીઓને પહેલા બે સામે પહેલેથી જ વાંધો હતો. તો પણ ગાંધીજી આવ્યા પછી ઘણો વખત હિન્દુ હિતનું રાજકારણ સર્વધર્મસમાવેશક કાઁગ્રેસ સાથે ચાલી શક્યું કેમ કે હિંદુઓ બે પ્રકારના હતા. એક હિન્દુઓનું હિત ઈચ્છે પણ મુસ્લિમોને ન ધિક્કારે. બીજાનું સમીકરણ હતું હિન્દુ હિત = મુસ્લિમદ્વેષ. વિનાયક દામોદર સાવરકર બીજા પ્રકારના હિન્દુ હતા. તેથી હિન્દુમુસ્લિમ એકતાની વાત કરતા ગાંધીજી તેમને દેશદ્રોહી લાગતા. ગાંધીજીની અહિંસાની વાત પણ તેમને ગમતી નહીં. તેઓ કહેતા કે ગાંધી હરતાફરતા પ્લેગ જેવા છે.
સાવરકર અને ગાંધીજી લંડનમાં મળ્યા હતા, દક્ષિણ આફ્રિકાની પ્રજાની સમસ્યા રજૂ કરવા ગાંધીજી ઑક્ટોબર 1906માં અને જુલાઈ 1909માં લંડન ગયા હતા. પહેલી વાર ગયા ત્યારે થોડા દિવસ ઇન્ડિયા હાઉસ રહ્યા હતા. ત્યાં રહેતા યુવાનો સાવરકરના પ્રભાવમાં હતા તે તેમણે જોયું હતું. 1909માં ગયા ત્યારે કર્ઝન વાયલીની હત્યાનો બનાવ તાજો હતો. ઇન્ડિયા હાઉસમાં રહેતા 25 વર્ષના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મદનલાલ ઢીંગરાએ સાવરકરના દોરીસંચારથી કર્ઝન વાયલી પર ગોળી ચલાવી હતી. કર્ઝન વાયલી મદનલાલના પિતાના મિત્ર હતા. દીકરો લંડન આવ્યો ત્યારે પિતાએ મિત્ર કર્ઝન વાયલીને તેની ભલામણ કરી હતી. કર્ઝન વાયલીએ મદનલાલને ‘કામ હોય તો કહેવું’ એવો પત્ર પણ લખ્યો હતો. કર્ઝન વાયલી ભારતીય શાસનવ્યવસ્થાનું ‘આંખ અને મગજ’ ગણાતો. ઢીંગરાએ તેની હત્યા કરી ત્યારે સાવરકરે જેલમાં જઈ તેને અભિનંદન આપ્યાં અને પોતાની વગનો ઉપયોગ કરી બીજા દિવસે ‘લંડન ડેઇલી ન્યૂઝ’માં તેનું નિવેદન પ્રગટ કરાવ્યું કે ‘મેં મારા દેશના યુવાનોની હકાલપટ્ટી અને હત્યા કરતા શાસન સામે બદલો લેવાના નમ્ર પ્રયાસ રૂપે એક અંગ્રેજનું લોહી વહાવ્યું છે અને આ પ્રયાસમાં મારો આત્મા મારો માર્ગદર્શક છે.’ આ શબ્દો સાવરકરના હતા. મદનલાલ હત્યા પહેલા સાવરકરના આશીર્વાદ લેવા ગયો હતો. તેણે મિત્રોને કહ્યું હતું, ‘સાવરકરને કઈં થશે તો આપણે હજારો ભેગા થઈને પણ એક સાવરકર નહીં બનાવી શકીએ, પણ જો મને કઈં થયું તો સાવરકર સેંકડો મદનલાલ ઊભા કરી શકશે.’ હત્યા પછી કેસ ચાલ્યો અને દોઢ મહિને તેને ફાંસી થઈ.
ગાંધીજીએ હત્યા પછીનું વાતાવરણ, મદનલાલને ફાંસી, લંડનનો ખળભળાટ આ બધું જોયું. તેમણે કહ્યું, ‘મારા મતે ઢીંગરા પોતે નિર્દોષ છે. હત્યા એક પ્રકારના નશામાં થઈ છે. અર્થ વગરનાં લખાણોના અપચાનું આ પરિણામ છે. ઢીંગરાનો બચાવ પણ કોઈનો શીખવેલો, ગોખાવેલો લાગે છે.’ અગાઉના અનુભવ પછી વાયલીની હત્યામાં સાવરકરની ભૂમિકા કલ્પવી તેમને માટે અઘરી ન હતી.
1909ની 25 ઓકટોબર. દશેરાના દિવસે ઇન્ડિયા હાઉસમાં સાવરકરના ક્રાંતિકારી શિષ્યોએ ભોજનસમારંભ યોજ્યો. સાવરકરનું વ્યાખ્યાન હતું, ગાંધીજી ઓપનિંગ સ્પીકર હતા. ગાંધીજીએ પોતાના ભાષણમાં રામાયણનો ઉલ્લેખ સહન કરવાની કથા તરીકે કર્યો. ‘આ મહાકાવ્યનાં પાત્રોએ સહન કરીને મુક્તિ મેળવી છે. રામ ઈશ્વરનો અવતાર છતાં વનવાસે ગયા. સીતાએ રાક્ષસોની કેદમાં પણ ધૈર્ય ન ગુમાવ્યું અને લક્ષ્મણે વર્ષો સુધી તપોમય, સેવામય જીવન વીતાવ્યું. ભારતને સ્વાતંત્ર્ય આ જ માર્ગે મળશે.’ સાવરકરે આ જ વાર્તાને બીજી દૃષ્ટિએ બતાવી. કહ્યું, ‘રામે પોતાનું આદર્શ રામરાજ્ય સ્થાપવા અન્યાય અને દમનની મૂર્તિ સમા રાવણને હણ્યો. આ વાતને શબ્દશ: સમજજો. દુષ્ટતાને ખતમ કરવા દુષ્ટોને ખતમ કરવા પડે છે. રામ માટે રાવણનો વિનાશ જરૂરી હતો.’ રાત્રે પણ બંને વચ્ચે હિંસા-અહિંસાની ઉગ્ર ચર્ચાઓ થઈ. આ ઘર્ષણ કાયમનું બન્યું અને તેનો અંત તેમના શિષ્યો દ્વારા ગાંધીની હત્યા રૂપે આવ્યો. સાવરકર માટે ગાંધી રાવણ સમા હતા, જેમને હણ્યા વિના ચાલે નહીં. ગાંધીના રામે પણ રાવણ પર વિજય મેળવ્યો – શત્રુને હણીને નહીં, સત્ય ખાતર હસતા મુખે પોતાનું જીવન સમર્પીને.
1909ના નવેમ્બરમાં ગાંધીજી ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનમાં હિંસાના વધતા જતાં સમર્થનને જોઈ તેઓ ખળભળી ગયા હતા. આ ખળભળાટનું પરિણામ એક પુસ્તકમાં આવ્યું. ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકાની દરિયાઈ મુસાફરી દરમ્યાન એસ.એસ. કિલડોનન નામની સ્ટીમરમાં દસ દિવસ સતત લખીને તેમણે એ પુસ્તક પૂરું કર્યું. વિચારોના ધસમસતા પ્રવાહ સામે લખવાની ઝડપ ઓછી પડી જતી હતી. એક હાથ થાકે ત્યારે બીજા હાથથી ને બીજો થાકે ત્યારે પહેલા હાથથી તેમણે સતત લખ્યું. આ પુસ્તક અહિંસાના રસ્તે મળનારી ભારતની આઝાદીનો પૂર્ણ દસ્તાવેજ હતું. એમાં ક્રાંતિકારીઓની તર્કહીન, હત્યારી રણનીતિનો વિરોધ હતો.
દક્ષિણ આફ્રિકા આવી ગાંધીજી સત્યાગ્રહની લડતમાં પ્રવૃત્ત થયા. સાવરકરે હત્યાનો દોર ભારતમાં પણ ચાલુ રાખ્યો. 1909ના ડિસેમ્બરમાં નાસિક જિલ્લાના મેજિસ્ટ્રેટ એ.એમ.ટી. જેક્સનની હત્યા થઈ. આ એ જ મેજિસ્ટ્રેટ હતો જેણે સાવરકરના ભાઈ બાબારાવને જનમટીપની સજા ફરમાવી હતી. ગોળી છોડનાર હતો સોળ વર્ષનો અનંત કાન્હરે. તેની પિસ્તોલનું પગેરું છેક લંડનમાં સાવરકર પાસે નીકળ્યું.
1911માં સાવરકરને પચાસ વર્ષની કેદની સજા ફરમાવી આંદામાનની જેલમાં મોકલાયા. 1913માં તેમણે દયાની અરજી કરી કે જો સરકાર દયા દાખવી મને મુક્ત કરશે તો હું સરકારનો વફાદાર રહીશ. સાવરકરના ‘માઝી જનમટીપ’ પુસ્તક સહિત એકથી વધુ પુસ્તકોમાં આ વાત સંદર્ભ સહિત મળે છે. આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સંકેલી રહ્યા હતા. 1915ના જાન્યુઆરી મહિનામાં તેઓ ભારત આવ્યા. માર્ચ 1915માં કલકત્તાના ક્રાંતિકારી વિદ્યાર્થીઓની એક સભામાં તેમણે કહ્યું, ‘હત્યા-હિંસા એ ભારતની પેદાશ નથી. એ બહારથી આયાત થયેલી ભાવનાઓ છે. ક્રાંતિકારીઓની બહાદુરી અને દેશભક્તિ માટે મને ખૂબ આદર છે, પણ તેમની હત્યાઓ કરવાની તત્પરતા મને અયોગ્ય લાગે છે. તેમની બહાદુરી અહિંસક માર્ગે મરી ફીટવા તરફ વળે તો નક્કર પરિણામ આવે.’
1917માં ચંપારણ સત્યાગ્રહ થયો. ભારતમાં ગાંધીજીનો આ પહેલો સત્યાગ્રહ હતો. ગાંધી જેટલી જ મક્કમ નિર્ભયતાથી ગરીબ ખેડૂતોએ નીલવરો સામે અવાજ ઉઠાવ્યો. અન્યાયને સાથ આપવો નહીં અને એમ કરતાં જે વેઠવું પડે તે વેઠવું, જીવ આપવા પણ તૈયાર રહેવું એ ભાવના જાગી અને પ્રસરી. બ્રિટિશ સરકારના અંતનો આરંભ આ ઘટનાથી થયો.
જાન્યુઆરી 1930માં ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ હિંસા વિરુદ્ધ અહિંસાની પસંદગી વિષે લખ્યું, ‘આપણને અન્યાય કરતા હોય એમને ખલાસ કરી નાખવાથી નહીં, પણ તેમનામાં પરિવર્તન લાવવાથી જ યોગ્ય પરિણામ મળે.’ લેખનું શીર્ષક હતું, ‘ધ કલ્ટ ઑફ બૉમ્બ’. 1930ના મીઠાના સત્યાગ્રહ વખતે ભારતની પ્રજાએ બ્રિટિશ સામ્રાજ્યનો તમામ ડર ફગાવી મૂક્યો હતો. સત્યાગ્રહીઓ એવા ખીલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યએ અકળાઈને દમનના બેફામ કોરડા વીંઝ્યા માંડ્યા અને દુનિયામાં આબરૂ ગુમાવી. 1942માં ગાંધીજીએ એમને મંત્ર આપ્યો, ‘ડુ ઓર ડાય’. વિદ્રોહનો આ મંત્ર જીવનના અંત સુધી તેમનામાં ધબકતો રહ્યો હતો. પૂરી તાકાતથી, ખુલ્લેઆમ, નિર્ભયતાથી અન્યાયનો સામનો કરવો, પરિણામો આનંદપૂર્વક ભોગવવા અને જરૂર પડે તો ખપી જવું – ડુ ઓર ડાય.
1942ના આંદોલનના ‘ડુ ઓર ડાય’ સંકલ્પનું સૌથી મોટું આકર્ષણ સ્વરાજના માર્ગ પર આત્મબલિદાન દેવાનું હતું. દાયકાઓ સુધી પ્રાર્થના અને આત્મકેળવણીથી ગાંધીજીએ પોતાની જાતને ઈશ્વરની ઇચ્છાનુસાર અહિંસક મૃત્યુ માટે તૈયાર કરી હતી. ધરપકડના થોડા જ દિવસમાં તેઓ આમરણ ઉપવાસના નિર્ણય પર આવી ગયા. તેમણે નિર્જળા ઉપવાસ કરવાનું નક્કી કર્યું જેથી ઉપવાસ ‘ટૂંકા અને સરળ’ બને. મહાદેવભાઈને ડર હતો કે ટૂંકા અને સરળ ઉપવાસ ગાંધીજીને ઝડપથી મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે અને સરકાર એ સ્થિતિને જરૂર આવકારે. તેમને એ ડર પણ હતો કે સરકાર ગાંધીને જેલમાં જ મરી જવા દેશે અને દેશથી આ સમાચાર દેશથી છુપાવશે. આ ડરે જ તેમનો જીવ લીધો એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેમણે ગાંધીજીને સમજાવ્યું પણ ખરું, ‘તમે ઉપવાસથી બધું સરળ બનાવવા માગો છો પણ એ વિચારતા નથી કે વિશ્વ એની અગત્યતા સમજશે કે નહીં. ઉતાવળે આંબા પાકે નહીં એમ ઉતાવળે બલિદાન પણ ન અપાય.’ જેલમાં જતાંની સાથે ઉપવાસ પર ઉતરવાનો ગાંધીજીનો વિચાર કાઁગ્રેસ વર્કિંગ કમિટીને પણ રુચ્યો ન હતો. ગાંધીજીએ કહ્યું કે પોતે નિર્ણય પર નથી આવ્યા, પણ બંધાયા નહીં. મહાદેવભાઈએ દીકરા નારાયણભાઈને કહ્યું, ‘જો બાપુ ઉપવાસ પર ઊતરશે તો સરકાર તેમને મરી જવા દેશે. એ જોવા હું જીવતો નહીં રહું.’
અહીં આપણે નોંધવું જોઈએ કે એક તરફ સાવરકર-હિંદુ મહાસભાએ અને બીજી તરફ ઝીણા-મુસ્લિમ લીગે સ્વાતંત્ર્ય સંગ્રામથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું. ઝીણા એ નિશ્ચય પર આવ્યા હતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ હિંદુઓ છે અને સાવરકર પણ માનતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ મુસ્લિમો છે. આ બાજુ ગાંધી, નહેરુ, પટેલ, સુભાષચંદ્ર, મૌલાના આઝાદ અને અસંખ્ય ભારતીયો અંગ્રેજોને પોતાના અસલી દુશ્મન ગણતા અને માનતા કે બ્રિટિશરો એક દિવસ જશે અને હિંદુ-મુસ્લિમો મતભેદો છતાં એક થશે.
1944ના ઉનાળામાં અંગ્રેજો ભારતને સ્વતંત્ર કરવા તૈયાર થયા ત્યારે ગાંધીજી એકથી વધુ વાર એક કટ્ટર જૂથના હુમલાનો ભોગ બની ચૂક્યા હતા. આ જ જૂથમાંનો જ એક સાડાત્રણ વર્ષ પછી ગાંધીજી પર બંદૂક ચલાવવાનો હતો.
પહેલો બનાવ જુલાઇ 1944માં બન્યો. ગાંધીજી ત્યારે પંચગીની હતા. જેલમાંથી છૂટ્યા બાદ બીમારીમાંથી સાજા થઈ રહ્યા હતા. એક દિવસ વીસ યુવાનોની એક બસ પુણેથી આવી. ગાંધીવિરોધી સૂત્રો બોલતાં તેઓ ગામમાં ફર્યા. અમુક સાક્ષીઓ કહે છે કે આ જૂથનો આગેવાન નથુરામ ગોડસે હતો. અન્ય કહે છે કે આપ્ટે હતો. બંને ગાંધીજીના ભાવિ હત્યારાઓ હતા. બંને સાવરકરના જ શિષ્યો હતા. સાવરકરે જેલમાંથી છૂટીને હત્યારાઓની નવી પેઢીને તૈયાર કરવા માંડી હતી – પણ હવે નિશાન બદલાયું હતું.
1921માં સરકારે સાવરકરને આંદામાનથી રત્નાગિરિ જેલમાં મોકલ્યા. અહીં સાવરકરે હિન્દુત્વ પરનું તેમનું પ્રસિદ્ધ પુસ્તક લખ્યું. સાવરકર જેલમાં પણ ગાંધીજી અને તેમની લડતની ટીકા કરતા, ‘આ લડત સત્ય અને અહિંસાના વિકૃત નમૂના સમી છે. અસહકાર આંદોલન નિર્બળ છે અને એક દિવસ દેશને શક્તિવિહોણો બનાવશે. દેશને વાવાઝોડાની જરૂર છે જે બધું સાફ કરી નાખે. સત્યાગ્રહ એક રોગ છે, ભ્રમણા છે, સામૂહિક ગાંડપણ છે. ચરખાથી સ્વરાજ મેળવવાની વાત, ખિલાફતમાં મુસ્લિમોને ટેકો આપવાની વાત આ બધુ ધતિંગ છે.’
1924માં રત્નાગિરિની બહાર નહીં જવાનું અને રાજકીય પ્રવૃત્તિ નહીં કરવાની એ શરતે સાવરકર મુક્ત થયા. જેલબહાર જઈને તેમણે કટ્ટર હિન્દુ વિચારધારાનો ખૂબ પ્રચાર કર્યો. જાણે ‘ભાગલા પાડો ને રાજ્ય કરો’ એ બ્રિટિશ નીતિની ભારતીય આવૃત્તિ. 1925માં ‘હિન્દુત્વ’ પુસ્તકથી પ્રભાવિત થયેલા કે.બી. હેડગેવર એમને મળવા આવ્યા. બંને વચ્ચે હિન્દુ રાષ્ટ્રવાદ કેવી રીતે ફેલાવવો એની ખૂબ ચર્ચા થઈ. પરિણામે હેડગેવરે રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના કરી. આ સંસ્થા મુસોલિનીના ફાસિસ્ટ ‘બ્લેકશર્ટ્સ’ જૂથથી પ્રેરિત હતી.
1929માં વિનાયક ગોડસે નામના પોસ્ટ ખાતાના કર્મચારીની બદલી રત્નાગિરિમાં થઈ. તેનો 19 વર્ષનો દીકરો નથુરામ સાવરકરને મળ્યો, બંનેને એકબીજા સાથે ફાવી ગયું. જોતજોતામાં નથુરામ આર.એસ.એસ.ની એક શાખાનો વડો નિમાયો. 1930માં સાવરકરે હિન્દુ મહાસભાની સ્થાપના કરી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સાવરકરે હિન્દુ યુવાનોને બ્રિટિશ સૈન્યમાં જોડાવાની સલાહ આપી, જેથી તેઓ સૈનિક તરીકે તૈયાર થાય.
ગાંધીજીની હત્યાનો બીજો બનાવ સપ્ટેમ્બર 1944માં બન્યો. એ વખતે ગાંધીજી ઝીણા સાથે વાર્તાલાપ કરવાની તૈયારી કરતાં હતા. નથુરામ ગોડસે સહિત થોડા યુવાનો સેવાગ્રામ ગયા અને જાહેરમાં શપથ લીધા કે ગાંધીને ઝીણાને મળતા અટકાવવા તેઓ બધું કરી છૂટશે. એમાંના એક પાસે સાડાસાત ઇંચ લાંબો છરો મળી આવ્યો.
12 જાન્યુઆરી 1948ના દિવસે ગોડસે ગાંધીજીની હત્યા કરવાનો હતો. તે દિવસે ગાંધીજીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે પોતે આમરણ ઉપવાસ પર ઊતરવા માગે છે. દોઢ વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરસ્પર કત્લેઆમ પર ઊતરી આવ્યા હતા. બ્રિટિશ ભારત બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. નવા જન્મેલાં રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન એકબીજાનાં દુશ્મન હતાં. ગાંધીજી ખૂબ વ્યથિત હતા. મહિનાઓ સુધી નોઆખલી, બિહાર, કલકત્તા, દિલ્હી કોમી આગમાં સળગતા રહ્યા અને ગાંધીજી એને બુઝાવવા એ વિસ્તારોમાં ફરતા રહ્યા. એમની અહિંસાની આવી કસોટી આ પહેલા કદી નહોતી થઈ. એક બાજુ મુસ્લિમોની હિંસા હતી જે હિન્દુઓને પાકિસ્તાનમાંથી કાઢવા માંગતી હતી. બીજી બાજુ હિન્દુઓની હિંસા હતી જે મુસ્લિમોને ભારતમાં રહેવા દેવા માંગતી ન હતી. ગાંધીજી હિન્દુઓની બહુમતીવાળા દિલ્હીમાં મુસ્લિમોની રક્ષા કરવા પ્રયત્ન કરતા હતા. એ જ કારણે તેઓ જોખમમાં મુકાયા. ભારત સરકારમાં સાવરકરના ઘણા શિષ્યો વહીવટી અને રાજકીય હોદ્દા સાંભળતા હતા. ગાંધીના લોકશાહી આદર્શને નેવે મૂકી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગનારાઓની ખોટ નહોતી. ગાંધીજીના સિદ્ધાંતો એમના એક વખતના અનુયાયીઓ જે હવે સત્તા પર હતા, એમને પણ ફાવતા નહોતા. પરિસ્થિતિ ઘણી તંગ હતી, ગાંધીજીના આદર્શોનો અમલ મુશ્કેલ હતો. ગમે તેમ, એક મુસ્લિમપ્રેમી વૃદ્ધ સત્યાગ્રહીની જિંદગી બચાવવામાં કદાચ કોઈને ઝાઝો રસ ન હતો.
ગાંધીહત્યા ભાગલાની પરાકાષ્ટા હતી. ભાગલાનું ષડયંત્ર ગાંધીજીની પીઠ પાછળ રચાયું હતું. એમને તો જાણ પણ નિર્ણય લેવાઈ ગયા પછી થઈ. એમણે જોયું કે નહેરુ, સરદાર, ઝીણા અને માઉન્ટનેબેટને નિર્ણય લેતા પહેલા પોતાની સાથે મસલત કરવાની જરૂર જોઈ નથી. એમણે એ પણ જોયું કે મુસ્લિમ આગેવાનો પાકિસ્તાન ચાલ્યા ગયા એટલે સરદાર અને નહેરુ ભારતનું શાસન નિર્વિઘ્ને સંભાળવા આખરે મોકળા બન્યા હતા. સરહદની બંને તરફથી થનારી વસતિની ફેરબદલી વિષે જાણ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘લોહીની નદીઓ વહેશે.’ માઉન્ટબેટન, સરદાર અને નહેરુનો જવાબ એ હતો કે ‘અમે પહોંચી વળીશું.’
ભાગલા પછી તરત ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે ઉપવાસ કર્યા. સાવરકર અને એમના શિષ્યોનો નિશ્ચય આથી મજબૂત બન્યો. ગોડસે અને આપ્ટે હવે પુનાનું એક અખબાર ‘હિન્દુ રાષ્ટ્ર’ ચલાવતા. એમાં લડાયક હિન્દુત્વનો પ્રચાર થતો. દિગંબર બડગેને વિસ્ફોટકો અને હાથબોમ્બોનો ઓર્ડર અપાયો. 12 જાન્યુઆરીએ રાતે ગોડસે અને આપ્ટેએ ગાંધીજીના ઉપવાસના સમાચાર સાંભળ્યા અને 20મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા કરવાનું ગોઠવ્યું. ગાંધીજી સાથે સુહરાવર્દી અને નહેરુને પણ પતાવી દેવાના હતા. સુહરાવર્દીએ એમની નજર નીચે હિન્દુઓને મુસ્લિમોનો શિકાર થવા દીધા હતા, ને ગાંધીજી તો પણ એમની સાથે દોસ્તી રાખતા હતા એ એમનો મુદ્દો હતો. સુહરાવર્દી 1946-47 દરમ્યાન મુસ્લિમ લીગના વડા હતા. મુસ્લિમો હિન્દુઓ પર હુમલા કરે તેમાં તેમને છૂપો રસ હતો. ‘સીધા પગલા’ને પરિણામે ચાર દિવસમાં 4,000 હિન્દુઓ માર્યા ગયા અને 11,000 ઘાયલ થયા. સુહરાવર્દી સરકારે આંખ આડા કાન કર્યા, એથી હિન્દુઓમાં તેઓ કુખ્યાત હતા. પણ 1947માં તેઓ બદલાયા હતા, બંગાળને અખંડ રાખવા અને શાંતિ સ્થપાય એ માટે ગાંધીજીને કલકત્તા રાખવા મથતા હતા. ગાંધીજીએ ‘જૂનો સુહરાવર્દી ખતમ થઈ જવો જોઈએ’ એવી શરત સાથે કલકત્તામાં એમની સાથે રહેવાનું કબૂલ કર્યું. બંને મળીને શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા લાગ્યા. ગાંધીજીની હત્યા થઈ ત્યાં સુધી સુહરાવર્દીએ ગાંધી સાથે કામ કર્યું. પછી મધ્યસ્થી તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફંગોળતા રહ્યા. પાકિસ્તાનમાં લોકશાહી સંવર્ધન પ્રવૃત્તિઓ કરતા નેતા તરીકે સક્રિય રહ્યા. 1958માં એમણે અયુબખાનની સરમુખત્યારશાહીને ટેકો આપવાની ના પાડી. સરકારે રાજકારણમાંથી તેમની હકાલપટ્ટી કરી. તો પણ તેમણે વિરોધ ચાલુ રાખ્યો ત્યારે તેમના પર દેશદ્રોહનો આરોપ મૂકી એકાંતવાસની સજા ફરમાવી. સજા પૂરી થયા પછી એમનું ‘રહસ્યમય સંજોગો’માં મૃત્યુ થયું.
તો સુહરાવર્દી આમ હિન્દુઓના દુશ્મન હતા. નહેરુ દેશના વડા પ્રધાન હતા. ગાંધી અને નહેરુ બંનેની હત્યા થાય તો તાજી જન્મેલી લોકશાહી પર મરણતોલ ફટકો પડે. ત્યાર પછીની કટોકટીમાં હિન્દુ મહાસભા અને આર.એસ.એસ.નો સત્તા મેળવવાનો રસ્તો ખુલ્લો થાત.
ઉપવાસના ત્રીજા દિવસે સરકારે પાકિસ્તાનને એના પંચાવન કરોડ આપી દેવાની જાહેરાત કરી. પણ ગાંધીજી હજી ઉપવાસ છોડતા ન હતા. એટલે ઉપવાસ સરકાર પર પંચાવન કરોડનું દબાણ લાવવા માટે ન હતા એ સ્પષ્ટ હતું. ગાંધીજીને દિલ્હીના હિન્દુ-મુસ્લિમ-શીખો વચ્ચે હૃદયની એવી એકતા જોઈતી હતી જેને પાકિસ્તાન કે ભારતનું અશાંત વાતાવરણ તોડી ન શકે. ગાંધીજીનું જીવન જોખમમાં મુકાઇ રહ્યું હતું. દિલ્હીવાસીઓ દુશ્મનો પ્રત્યે કરુણાથી જોતા થયા હતા.
18 જાન્યુઆરીએ ગાંધીજીની સ્થિતિ ગંભીર હતી, હિન્દુ, મુસ્લિમ, શીખ, અને આર.એસ.એસ. અને હિંદુ મહાસભાના પ્રતિનિધિઓ સૌએ શાંતિકરાર પર સહી કરી. ગાંધીજીએ પારણાં કર્યાં.
ઉપવાસના આ દિવસો દરમ્યાન ગાંધીહત્યાની યોજનાને અંતિમ સ્વરૂપ અપાયું. 20 જાન્યુઆરીએ સાતે કાવતરાખોરો (શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહવા, દિગંબર રામચંદ્ર બડગે, નારાયણ આપ્ટે, નાથુરામ ગોડસે, વિષ્ણુ રમકૃષ્ણ કરકરે) દિલ્હીની મારિયાના હોટેલના એક કમરામાં મળ્યા. મદનલાલ હિન્દુ નિરાશ્રિત હતો. પ્રાર્થનાસભા ચાલતી હોય એ દરમિયાન તેણે બોમ્બથી પાછળની દીવાલ ઉડાવી દેવી, લોકો નાસભાગ કરે ત્યારે બડગે અને શંકરે નોકરોની ઓરડીઓમાંથી ગોળીઓ ચલાવવી ને દરેકે ગાંધી પર એક એક બૉમ્બ ફેંકવો આમ ગોઠવાયું.
મદનલાલે બૉમ્બ ફોડ્યો. બીજાઓએ કઈં કર્યું નહીં. મદનલાલ પકડાઈ ગયો, બાકીના છટકી ગયા. પોલીસની પૂછપરછ દરમ્યાન મદનલાલ જે માહિતી આપી શક્યો તે હુમલાખોરોને ઓળખવા માટે પૂરતી હતી. પોલીસે જડતી લીધી ત્યારે તેમને એક ટાઈપ કરેલો કાગળ મળ્યો, જે હિન્દુ મહાસભાના આગેવાન આશુતોષ લાહિરીએ મોકલ્યો હતો. એમાં લખ્યું હતું કે હિન્દુ મહાસભાએ ગાંધીજીની નવ મુદ્દાની પ્રતિજ્ઞા પર સહી કરી હતી તે પાછી ખેંચવી. હોટેલના એ કમરામાં રહેનારાઓએ પોતાના કપડાં ધોવા આપ્યાં હતાં તેના સહિત ત્રણ ચીજો પર ‘એન.વી.જી.’ (નાથુરામ વિનાયક ગોડસે) એવી છાપ હતી. મદનલાલે કહ્યું હતું, ‘એ લોકો પાછા આવશે.’ મદનલાલે મુંબઈના એક પ્રોફેસર જૈનને પણ આ વિષે કહ્યું હતું. ત્યારે તો પ્રોફેસરે વાત ગંભીરતાથી લીધી નહોતી, પણ ધડાકો થયો, મદનલાલ પકડાયો ત્યારે તેઓ ચોંક્યા અને મુંબઈ પ્રોવિન્સના નેતાઓ બી.જી. ખેર અને મોરારજી દેસાઈને જણાવ્યું. સાવરકરની ભૂમિકા સ્પષ્ટ હતી. મોરારજીભાઈએ ડેપ્યુટી પોલીસ કમિશનર જી.ડી. નગરવાલાને કામે લગાડ્યા અને 22 જાન્યુઆરીએ સરદાર પટેલને પણ આ માહિતી આપી. સરદાર તે વખતે કેન્દ્ર સરકારની સુરક્ષાવ્યવસ્થા સાંભળતા હતા. એમણે કહ્યું કે પ્રાર્થનામાં આવનાર દરેકની જડતી લેવાવી જોઈએ. ગાંધીજીએ કહ્યું, ‘મારી શ્રદ્ધા, જ્યારે હું ઈશ્વરને બધુ સોંપીને બેઠો હોઉં એવા પ્રાર્થનાના સમયમાં કોઈ મનુષ્યસર્જિત સુરક્ષા સ્વીકારવાની ના પાડે છે.’ સરદારે હથિયાર હેઠાં મૂક્યાં. જો કે સરદારે બિરલા હાઉસની આસપાસ ચોકી બેસાડી. ગાંધીજીએ કહ્યું, ‘હું એટલો ચિંતિત નથી, પણ જો હું ચોકી રાખવાની ના પાડું તો સરદાર અને નહેરુની ચિંતામાં વધારો થાય. એમને જે ગોઠવવું હોય તે ભલે ગોઠવે.’
પ્યારેલાલે કપૂર કમિશનને કહ્યું હતું કે પોલીસની સંખ્યા વધારવા સિવાય બીજી શી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તે પોતે જાણતા નથી, પણ એક વાત ચોક્કસ – મદનલાલે જે માણસ તરફ ઈશારો કર્યો હતો તેની ધરપકડ જો પોલીસે કરી હોત તો ગાંધીજી બચી જાત.
પોલીસે એવું કર્યું કેમ નહીં?
20 જાન્યુઆરીએ બૉમ્બ ફૂટ્યો. 21 જાન્યુઆરીએ દિલ્હી અને મુંબઈ બંને શહેરોની પોલીસ પાસે ગાંધીહત્યાના સૂત્રધારોની માહિતી હતી. મદનલાલનું નિવેદન હતું. દિલ્હી અને મુંબઈના પોલીસ અધિકારીઓ એકબીજાના સંપર્કમાં હતા. છતાં નવ નવ દિવસ સુધી હત્યારાઓ છૂટા ફરતા રહ્યા. એમાંના ત્રણ – ગોડસે, આપ્ટે અને કરકરે દિલ્હી આવ્યા, 30 જાન્યુઆરીની પ્રાર્થનાસભામાં ગયા અને ગોડસેએ ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી. દિલ્હીના ઇન્સ્પેકટર જનરલ ડી.જી. સંજેવી ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર પણ હતા. મુંબઈના પોલીસ અધિકારી યુ.એચ. રાણા અને સંજેવીની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. રાણા મુંબઈ પાછા આવીને નગરવાલાને પણ મળ્યા હતા.
કપૂર રિપોર્ટે ટીકા કરી છે કે આમાંના કોઈ મામલામાં જોઈએ તેટલા ઊંડા ઊતર્યા નહીં. પોલીસ તપાસ રાબેતા મુજબ ઢીલાશ, ટાળમટોળ અને અધિકારીઓના કાવતરાખોરોને પકડવાના માર્ગો વિશેના મતભેદમાં અટવાતી એની રીતે ચાલી. પાહવાએ કહ્યું હતું, ‘તેઓ ફરી આવશે.’ તેઓ આવ્યા. પોલીસે નિષ્ક્રિય રહીને તેમનો માર્ગ સાફ કરી આપ્યો.
કોર્ટમાં નગરવાલાને પૂછવામાં આવ્યું કે તેમણે શા માટે સાવરકરને પકડ્યા કે અટકાયતમાં રાખ્યા નહીં ત્યારે પડદો એક ક્ષણ માટે હટ્યો હતો. નગરવાલાએ કહ્યું, ‘હત્યા પહેલા જો અમે આ પગલું લીધું હોત તો મહારાષ્ટ્રમાં ધાંધલ થઈ જાત.’ સરદાર પટેલે પણ કબૂલ કર્યું હતું કે સરકારે મુસ્લિમોને તો ગુસ્સે કર્યા જ હતા, પછી હિન્દુઓનો રોષ વહોરી લેવાનું પરવડે એમ ન હતું. એટલે ત્યારે તો કશી કાર્યવાહી ન થઈ, અદાલતમાં પણ સાવરકરને નિર્દોષ ઠરાવાયા. જો એમને સજા થાત તો હિન્દુઓને કાબૂમાં રાખી શકાત નહીં. સરકાર આ સ્થિતિનો સામનો કરવા તૈયાર ન હતી.
27 જાન્યુઆરીની સાંજે ગાંધીજી વિન્સેન્ટ શીનને મળ્યા હતા. વિન્સેન્ટ શીન પ્રસિદ્ધ અમેરિકન લેખક અને પત્રકાર, વિશ્વપ્રવાસી અને વિદેશી સંવાદદાતા હતા. 50 વર્ષનો આ પત્રકાર ગાંધીજીને મળવાની જ્વલંત ઇચ્છાથી વરમોટના તેના ફાર્મહાઉસથી ભારત આવ્યો હતો. તેને ભય હતો કે ગાંધીની હત્યા થઈ જશે. તેને વિશ્વયુદ્ધ અને અણુબોમ્બ વિષે ગાંધીને પ્રશ્નો પૂછવા હતા. તેને થતું હતું કે હું પૂછીશ એ પહેલા જ ગાંધીને કઈંક થઈ જશે.
પ્રાર્થનાસભા પછી બંને મળ્યા. ગાંધીજીએ કહ્યું, ‘હું બીમાર પડું તો ડોકટરો મને બચાવવાના પ્રયત્ન કરે જ. પણ એવું બને કે હું મૃત્યુ પામું તેમાં માનવજાતનું ભલું હોય.’ અને શીન સામે નજર માંડીને પૂછ્યું, ‘તને સમજાય છે?’
શીને હા તો પાડી, પણ તેઓ ન બીજા વિશ્વયુદ્ધના વિચારમાં હતા. તેમણે કહ્યું, ‘ફાંસીવાદની દુષ્ટતાના નાશ માટે શરૂ થયેલા ન્યાયપૂર્ણ યુદ્ધનો આવો ભયાનક અંજામ કેમ આવ્યો?’ તેઓ હિરોશિમા-નાગાસાકીની વાત કરતા હતા.
ગાંધીએ ખૂબ સૌમ્યતાથી અને દુ:ખ સાથે કહ્યું, ‘તમારો હેતુ સારો હતો પણ સાધન ખોટાં હતાં.’
શીને કહ્યું, ‘અમારે ત્યાં તો ફળ મહત્ત્વનું છે. માર્ગ ગમે તે લો, ચાલે. તો શું અમે ખોટા છીએ?’
ગાંધીજી કહ્યું, ‘તમારે કુબેરપૂજા બંધ કરવી જોઈએ.’
‘તો તમે એમ કહો છો કે સત્તા ભ્રષ્ટ કરે છે?’
‘હા. હું એવું માનું છું કે સત્તા ભ્રષ્ટ કરે છે.’ ગાંધીજીને ખબર હતી કે તેમના અનુયાયીઓ કુબેરપૂજા અને સત્તાની લાલસામાં કેવા ફસાઈ ગયા છે. તો પણ તેઓ છેક સુધી એમને સમજાવતા રહેવાના હતા કે સત્તાને પચાવો, ભ્રષ્ટતાથી બચો. તેમણે પોતે તો સત્તાથી દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું. તેમણે ગરીબોમાં પણ જે ગરીબ છે તેમાં ઈશ્વરને જોયો હતો. હવે પછીનું પગલું એ હતું કે જે તેમની હત્યા કરવામાં આવે, જે તેમની હત્યા કરે તેનામાં પણ ઈશ્વરને જોવો. મૃત્યુને ભેટવાની પળે, મૃત્યુ સાથેનો અને હત્યારા સાથેનો તેમનો એ તેમનો આખરી પ્રયોગ હતો.
મુલાકાતના અંતે ગાંધીજીએ શીનને કહ્યું, ‘ફરી મળાશે તો મને આનંદ થશે. મારું કાયમી આમંત્રણ છે એમ સમજજે.’ અને ઉમેર્યું, ‘પણ કદાચ હવે વધુ સમય નથી.’ અને ફરી પૂછ્યું, ‘તને સમજાય છે?’ એમનો અવાજ ત્યારે શત્રુને પણ પીગળાવી દે તેવો હતો. આ ઘટના વિન્સેન્ટ શીને તેમના ‘લીડ કાઈન્ડલી લાઇટ’ પુસ્તકમાં નોંધી છે.
29 જાન્યુઆરીએ શીન નહેરુ સાથે હતા. ભારત-પાકિસ્તાનની સરહદ પાસેના એક સ્થળે સભા હતી. ચારેક લાખની મેદની ઊમટી હતી. એ સભામાં પહેલી વાર નહેરુએ જાહેરમાં કટ્ટર હિન્દુ સંગઠનોનો એમના નામ સાથે વિરોધ કર્યો હતો. ઇતિહાસના આ તબક્કે નહેરુના શબ્દો મહત્ત્વના હતા, પણ માઇક્રોફોન ‘બગડી ગયું’ અને એમના શબ્દો કોઈને પહોંચ્યા વિના હવામાં વિખેરાઈ ગયા.
એ રાત્રે સૂતા પહેલા ગાંધીજીએ પોતાના જગપ્રસિદ્ધ શબ્દો કહ્યા, ‘જો કોઈ મને મારી નાખવા ગોળીઓ ચલાવે અને હું એની ગોળી ઊંહકારો કર્યા વિના ઝીલું, મારા અંતિમ શ્વાસમાં ઈશ્વરનું નામ લેતો હોઉં તો જ હું મહાત્મા કહેવાવાને લાયક ગણાઉં.’
30 જાન્યુઆરીએ તેમનો પૃથ્વી પરનો અંતિમ દિન હતો. એ દિવસે તેમણે મહાસભાના કટ્ટર કૃત્યો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી, નોઆખલીમાં રચનાત્મક અહિંસાનાં કામો ચાલુ રહેવા જોઈએ તેવી તાકીદ કરી, સરદાર પટેલને રાજીનામું ન આપવા સમજાવ્યા, ‘દેશને તમારી અને નહેરુની બંનેની જરૂર છે.’ અને કાઠિયાવાડથી આવેલા આગેવાનોને પ્રાર્થના પછી આવવાનો સંદેશો આપ્યો, ‘જીવતો હોઈશ તો મળીશ.’
ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિન્સેન્ટ શીન ત્યાં હાજર હતા. એમને ખ્યાલ આવ્યો કે પોતાને ગાંધીજીની હત્યાનો જે અણસાર આવેલો એ સાચો હતો. તેના મગજમાં દરિયામાં જાગેલા તોફાન જેવાં મોટાં મોજાં ઊછળ્યાં. ગાંધીજીના શબ્દો તેના મનમાં પડઘાતા હતા, ‘એવું બને કે હું મૃત્યુ પામું તેમાં માનવજાતનું ભલું હોય.’
ગાંધીજીના મૃત્યુથી ભાગલાની આસપાસ ખેલાઈ રહેલું હિંસાનું તાંડવ એકાએક અટકી ગયું. ભય, ઝનૂન, નફરત બધુ ભૂલીને લોકો સ્તબ્ધ થઈ ગયા, સ્થિર થઈ ગયા. સરદાર-નહેરુ મતભેદો ભૂલીને એક થયા. ગાંધીજીએ જિંદગીભર જે કર્યું તે તેમના મૃત્યુએ વધારે પ્રભાવશાળી રીતે કર્યું.
જૂન 1948માં કેસ ચાલ્યો. મુખ્ય ન્યાયાધીશ આત્મચરણે ઉપસંહારમાં કહ્યું કે જાન્યુઆરી 20થી જાન્યુઆરી 30 દરમ્યાન પોલીસે અક્ષમ્ય બેદરકારી બતાવી છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી હત્યાના કાવતરામાં પોલીસના સહભાગ વિષે લખ્યું છે, ‘ગૃહ પ્રધાન સરદાર પટેલને આપવામાં આવેલા એક અહેવાલ મુજબ પોલીસ ખાતામાં ઘણા કર્મચારીઓ અને અમલદારો હિન્દુ મહાસભા અને આર.એસ.એસ.ના ગુપ્ત સભ્યો હતા. પોલીસે જે પગલાં લીધાં તેનાથી હત્યારાઓનો માર્ગ સરળ થતો ગયો. ગાંધીહત્યામાં પોતાની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે પોલીસ એટલી જ ગુનેગાર હતી, જેટલા હત્યારાઓ.’
અને સરકાર?
વડા પ્રધાન પંડિત નહેરુના સિક્યોરીટી ઇન-ચાર્જ જી.કે. હાંડુએ ગાંધીહત્યાની તપાસ કરવા નિમાયેલા કપૂર કમિશનને જણાવ્યું હતું કે ગાંધીહત્યા નિવારી શકાઈ હોત. સરકાર પાસે આવા પ્રસંગોએ શું કરવું તેની બ્લૂ પ્રિન્ટ હોય છે. જોખમ તોળાતું હતું ત્યારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં ગાંધીજીની સંમતિ જરૂરી ન હતી. પ્રાર્થનાસભામાં દાખલ થનારના શરીરની ઝડતી લેવાની વાત સરદારે ગાંધીજીને પૂછી તે બરાબર ગણીએ, પણ બીજી વ્યવસ્થાઓ માટે તેમને પૂછવા-કહેવા-રોકાવાનું ન હતું. ગાંધીજી પોતે પણ એટલા આગ્રહી ન હતા. સરદાર અને નહેરુનો બોજ હળવો કરવા તેમને જે પગલાં લેવા હોય તે લેવાની છૂટ એમણે આપી જ હતી.
તો પણ બૉમ્બવિસ્ફોટ અને ગાંધીહત્યા વચ્ચેના દસ દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવાયાં નહીં. નહેરુ અને સરદારે ગાંધીહત્યા પછી પોતાની સલામતી માટે પોલીસવ્યવસ્થા કરી જ હતી, પણ ગાંધીજીની હયાતીમાં તેમની સલામતી માટે એવી કોઈ વ્યવસ્થા કરવાનું તેઓ ચૂકી ગયા. નહેરુ અને સરદાર ગાંધીહત્યાથી ભાંગી પડ્યા હતા. ગાંધીની શહાદતે બંનેને સંપીને દેશની ધુરા સાંભળવા કટિબદ્ધ કર્યા. બંને એક થયા અને ત્રણ વર્ષ – સરદારના મૃત્યુ સુધી – બંને એક જ રહ્યા. આમ છતાં ગાંધીના મૃત્યુએ તેમને અમુક રીતે હળવા પણ કર્યા. શાસનની તેમની શૈલી ગાંધીવાદી ન હતી. કાઁગ્રેસના આગેવાનો હવે લશ્કર, અદાલત અને પોલીસના એ જ તંત્રના વડાઓ હતા જે તંત્રે લાખો સત્યાગ્રહીઓને જેલમાં પૂર્યા હતા. આ હિંસક માળખું ગાંધીના મૃત્યુનું અપરોક્ષ કારણ બન્યું. હત્યા પહેલા અને કેસ દરમ્યાન કોઈ અનસ્પીકેબલ તાકાત એમને અટકાવતી રહી. ગાંધી હત્યાનું કાવતરું થયું, નિર્વિઘ્ને પાર પડ્યું. સત્યનો ઢાંકપિછોડો થયો.
કેસ ચાલ્યો ત્યારે પણ અનસ્પીકેબલ બળો કામ કરતાં જ હતાં. સાવરકર ગાંધીહત્યાના એક આરોપી હતા. એમણે સત્તાવન પાનાંનું બચાવનામું તૈયાર કર્યું હતું ને સિદ્ધહસ્ત વક્તાની શૈલીમાં વાંચ્યું હતું. જાહેરમાં ગોડસેને ઓળખતા ન હોય એમ વર્ત્યા હતા પણ ગોડસેને એનું બચાવનામું તૈયાર કરવામાં પૂરતી મદદ કરી હતી. ગોડસેએ ખૂનની કબૂલાત કરી હોવા છતાં તેને પોતાના કાનૂની બચાવ માટે નવનવ કલાક બોલવા દેવાયો હતો. ગાંધીની હત્યા પછી ગાંધીવિચારની પણ હત્યા કરવાનો આવો મોકો તેને શા માટે અપાયો? કેસના અંતે સાવરકર દોષમુક્ત જાહેર થયા, તેના મુંબઈના ઘરે પાછા આવ્યા અને ત્યાર પછી સત્તર વર્ષ જીવ્યા. ગાંધીહત્યા પછીનાં વર્ષોમાં આર.એસ.એસ. ચીનના સમાજવાદી પક્ષ પછીની બીજી વિરાટ ચળવળ તરીકે વિશ્વપ્રતિષ્ઠા પામ્યું અને અનેક હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોના એકત્રીકરણ સમું બન્યું.
સાવરકરના મૃત્યુ પછી છેક 1966માં ગાંધીહત્યાના પુન:પરીક્ષણ માટે કપૂર કમિશન નિમાયું. એના આઠ વૉલ્યુમના અહેવાલમાં એવા ઘણા પુરાવા, એવી ઘણી વિગતો બહાર આવી જે કેસ દરમિયાન બહાર આવી ન હતી કે બહાર આવવા દેવાઈ ન હતી. સરકારને શું રોકતું હતું? સરકારને શાનો ભય હતો? સરકાર ગાંધીહત્યા રોકવામાં, હત્યાના સૂત્રધારને પકડવામાં અને હત્યા પાછળના સત્યને ઉજાગર કરવામાં નિષ્ફળ રહી. સાવરકરના શિષ્યોને તેમની પ્રતિમા નવેસરથી ઘડવાની મોકળાશ મળી ગઈ.
ગાંધીવિચારોની હત્યા આજે પણ ચાલુ છે. આમ કરીને આપણે શું મેળવવું છે તેની આપણને ખબર રહી નથી. સ્વાર્થ, લાલચ, દંભ, ભ્રષ્ટાચાર, ટૂંકી દૃષ્ટિ, અહંકાર, અજ્ઞાન, પૈસા અને સત્તા તરફનું આકર્ષણ અને જાતજાતની મજબૂરીઓ ભારતના લોકોને જેમ ફાવે તેમ ફંગોળી રહ્યાં છે. સંઘર્ષોમાં ભીંસાતી પ્રજામાં ઝાઝું વિચારવાની શક્તિ નથી. બૌદ્ધિકો અને વિચારશીલો મૌન ધારણ કરીને બેઠા છે અને વિધ્વંસક બળોનો કોલાહલ વધતો જાય છે. પ્રગતિ નથી થઈ એમ નથી, પણ વર્તમાન ધૂંધળો અને ભવિષ્ય અંધકારમય તો લાગે જ છે. કેટલા ય અદૃશ્ય બળો, કેટલા ય અકથનીય સત્યો આપણને ચારે બાજુથી ઘેરી રહ્યાં છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત આ તો નથી.
ગાંધીજીની આશા ભારતમાં એક સત્યાગ્રહી સમાજ તૈયાર કરવાની હતી જ્યાં સત્યની આંચમાં તપીને વિશુદ્ધ થયેલા લોકો સત્યની ઊર્જા વડે સક્રિય અહિંસાનાં આંદોલનો સર્જે અને અમેરિકા અને યૂરોપની લોકશાહીને સાચા માર્ગે દોરે. એમ ન થયું. ભારતની લોકશાહી બહુ ઝડપથી કપટ અને દમનના જોરે પ્રજાને અંધારામાં રાખવામાં પાવરધી થઈ ગઈ. લોકો પણ એટલી જ ઝડપથી આંખ પર અસમાનતા, આર્થિક શોષણ અને ભૌતિકવાદના પાટા બાંધીને જીવવા ટેવાઇ ગયા. ગાંધીહત્યા ભારતની લોકશાહી પર તોળાઈ રહેલા ભયાનક જોખમનું ચિત્ર આપે છે અને સાથે ત્યારે અને આજે ગાંધીહત્યાથી જેને લાભ છે એ બળો તરફ આંગળી ચીંધે છે. લેખકે કડીબદ્ધ વિગતો તો આપી જ છે, પણ એમની ખરી સિદ્ધિ વાચકોને ગાંધીહત્યામાંથી બહાર કાઢી જગતમાં ચાલતા સત્ય અને અસત્યના બે સનાતન પ્રવાહો સુધી લઈ જવામાં છે.
પુસ્તકના લેખકે સવાસો પાનાંના આ નાનકડા પુસ્તક માટે ‘પ્રિન્ટેડ રેકોર્ડ ઑફ મહાત્મા ગાંધી મર્ડર કેસ’નાં આઠ વૉલ્યુમ, તુષાર ગાંધીનું દળદાર પુસ્તક ‘લેટ્સ કીલ ગાંધી’, કપૂર કમિશનના અહેવાલનાં આઠ વૉલ્યુમ અને અન્ય પુસ્તકોનો આધાર લીધો છે. એક પણ વિગત સંદર્ભ ટાંક્યા વિના નથી આપી. પચાસ જેટલાં પાનાં તો રેફરન્સનાં છે. પુસ્તકમાં ગાંધીહત્યાનું એવું ચિત્ર મળે છે કે વાંચતાં વાંચતાં આંખ મટકું મારવાનું ભૂલી જાય, શ્વાસ થંભી જાય, મન વ્યથિત થાય, ઊંઘ ઊડી જાય. લેખક કહે છે, ‘ઇસુને ક્રોસ પર જડી દેવામાં આવ્યા હતા તેને મળતી આ ઘટના છે. ઇસુએ કહ્યું હતું, “ઈશ્વર, એમને માફ કરજે, તેઓ શું કરે છે તેની તેમને ખબર નથી.” ગાંધીજીએ પોતાના પર હુમલા કરનારને હંમેશાં માફીના અધિકારી ગણ્યા, “તેમણે જે કર્યું, અણસમજથી દોરવાઈને કર્યું.”’
પણ જે ગાંધીએ ભારતના લોકોને અંગ્રેજી શાસનમાંથી મુક્ત થવા પ્રેર્યા તે ગાંધી એમને સ્વરાજ્યનો સાચો અર્થ ન સમજાવી શક્યા. વિદેશી શાસનમાંથી મુક્તિ એ અડધું કામ હતું. સ્વ-શાસન શીખવાથી બાકીનું અડધું પૂરું થાત. પણ આપણે તો વિદેશી શાસનમાંથી મુક્ત થવાનું કામ પણ અડધુંપડધું જ કર્યું. સ્વ-શાસન તો જોજનો દૂર જ રહી ગયું. સ્વતંત્રતા મળી, પણ ખંડિત ભારત સ્વરૂપે અને લોહીની નદીઓ વહાવીને. પોતાની સરકાર બની, પણ એ બ્રિટિશ લોકોના માળખા પ્રમાણે ચાલી. સામ્રાજ્યવાદ રાજકીય રીતે ગયો, પણ સ્વતંત્ર ભારતમાં પશ્ચિમની વિચારસરણી, પશ્ચિમની જીવનશૈલી અને પશ્ચિમની ટેકનોલોજી માટે માનસિક ગુલામી ચાલુ જ રહી. જે ગાંધીને બ્રિટિશ શાસને આફ્રિકામાં 21 વર્ષ અને ભારતમાં ૩૩ વર્ષ સહી લીધા હતાં એ ગાંધીને એમના પટ્ટશિષ્યોની સરકારવાળું સ્વતંત્ર ભારત એક વર્ષ પણ સહી ન શક્યું. 1896માં તેમના પર હુમલો કરનાર ગોરા લોકોનું ટોળું હતું, તેને સ્થાનિક સરકારનું પીઠબળ હતું. પણ વાત લંડન પહોંચી ત્યારે એસ્કોકોમ્બ પાસે જવાબ માગવામાં આવ્યો હતો. આપણે ત્યાં આઝાદીની લડતના છેલ્લા તબક્કામાં ગાંધીજીનું કોઈ સાંભળતું ન હતું. અંગ્રેજોએ ગાંધી પર કેસ ચલાવ્યા, એમણે જેલમાં પૂર્યા, પણ મારી નહોતા નાખ્યા. આપણે ગાંધીજીને મારી નાખવાના કાવતરા કર્યા, આપણે ગાંધીજીને મારી નાખ્યા, આપણે ગાંધીજીને મરવા દીધા. અને હવે એમના વિચારોની, એમના સત્યની હત્યા કરીએ છીએ, થવા દઈએ છીએ.
આજે આપણી આસપાસ અનેક ડાર્ક અનસ્પીકેબલ ફોર્સિસ છે. ઘણું દેખાય છે, ઘણું દેખાતું નથી. ઘણું સમજાય છે, ઘણું સમજાતું નથી. ભયાનક પરિણામોને રોકી શકાવાનાં નથી. દુષ્ટ તત્ત્વો એટલા પ્રસ્થાપિત છે કે બલિના બકરાઓને પકડવા સિવાય શાસન કઈં કરી શકતું નથી. આજે હિન્દુત્વ એક રાજકીય મુદ્દો છે. ગોડસેનું મંદિર બનાવવાની કાર્યવાહી ચાલુ છે. ગાંધીજી પર ભાગલા અને મુસ્લિમ આતંકવાદનો ટોપલો ઢોળનારાઓની સંખ્યા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે છે. ગાંધીજીનો ભોગ લેનારાં અનસ્પીકેબલ્સની વચ્ચે જ આપણે જીવીએ છીએ.
આ પુસ્તકે મારી અંદર કઇંક પલટી નાખ્યું છે. અનુવાદ કરતી ગઈ તેમ હું અંદરથી ખૂબ ખળભળતી ગઈ. અંદર શરડીઓ ચાલી. લોહી વહ્યું. સાથે એક વેદનાભરી શાંતિનો પણ અનુભવ થયો. કેવું હશે એ માનવીનું મન જે સમગ્ર માનવજાતને ચાહતું હતું, તેના ઉત્કર્ષ માટે સર્વસ્વ અર્પણ કરવા તત્પર હતું, એ માર્ગમાં મળતા કાંટાઓ આઘાતો ને તોફાનોનો માર ઝીલતાં થાકતું ન હતું, જેણે સત્ય અને અહિંસાને પળભર પણ વિસારે પાડ્યાં ન હતાં, જેને આવી રહેલા મૃત્યુનો અણસાર આવી ગયો હતો અને જે પોતાના હત્યારાઓ પ્રત્યે પણ પ્રેમ અને ક્ષમાનો ભાવ સેવતું હતું!
અને આ માનવીનું આપણે શું કર્યું? શું કરીએ છીએ?
Download PDF————
નિરંજન ભગત વ્યાખ્યાનમાળા અંતર્ગત 29 એપ્રિલ 2025ના દિવસે આપેલું વ્યાખ્યાન
e.mail : sonalparikhluri@gmail.com