ગુહાએ ગાંધી પર જે કામ કર્યું, એમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હક્કલડાઈના ઉગમકાળે સ્થાનિક કાળી પ્રજાથી, ‘કાફરા’થી, કંઈક અંતર અને ધીરે ધીરે સુખ–દુ:ખના સાથીભાવની સમુત્ક્રાંતિનો અચ્છો ખયાલ મળે છે

પ્રકાશ ન. શાહ
હજુ તો ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદશી આપણી નાનકડી દુનિયાની મહાઘટના અને એના લેખક રામચંદ્ર ગુહા સાથે મુખોમુખ થયાની (કહો કે રામ અમલમાં રાતામાતા હોવાની) વાતે માહો સરચાર્જ હશે, પ્રત્યક્ષ વ્યાખ્યાન ઉપરાંત વળતી સવારે થયેલ સહજ ચર્ચાનોયે ખુમાર હશે – અને એને ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં લેખક પ્રવીણ ગઢવી આપણી વચ્ચે નહીં રહ્યાના સમાચાર વીસમી મેની સવારે મળ્યા … ગુહાનાં વ્યાખ્યાન અને વાર્તાલાપના કેટલાક મુદ્દા ફરતે સહવિચારની દૃષ્ટિએ કંઈક લખવાનું વિચારતો હતો, અને પ્રવીણ ગઢવી ગયાના સમાચારે તે પૈકી એક જ મુદ્દે મન કેન્દ્રિત થઈ ગયું.
ગુહા સાથેના વાર્તાવિનોદમાં નીકળેલો એક મુદ્દો ગાંધી-આંબેડકરને અંગે, સવિશેષ અલબત્ત દલિત બૌદ્ધિકોના ગાંધી વિષયક ટીકાભાવનો હતો. પ્રવીણ ગઢવીએ પોતાનું કથિત ઉજળિયાતપણું પરહરી દલિત હૃદયભાવ ધારણ કર્યો હતો – મિત્રો એમને સવાયા દલિત કહેતા – એ અર્થમાં ગુહા સાથેની ચર્ચામાં નીકળેલો એક છેડો, અહીં સહજ સંકળાઈ જાય છે.

રામચંદ્ર ગુહા
ગાંધી-આંબેડકર ચર્ચાએ ગુજરાતમાં, ખાસ કરીને અનામતવિરોધી ઉત્પાતના કાળથી જે દિશા પકડી છે, બે શત્રુઓ સામસામા દળકટક સાથે જાણે મેદાને જંગમાં હોય એવી, તેમાં કોઈક ક્ષણે તથ્યનો જય જણાય તો પણ સત્યનો ક્ષય થાય છે એ એક અવર્ણ/સવર્ણ તરીકે નહીં પણ નાગરિક તરીકે આપણા ખયાલમાં રહેતું નથી.
મારા સદ્દગત મિત્ર ભીમાભાઈ રાઠોડ (1949-1980) થોડાક સમય માટે ગુજરાત રાજ્યના બાબુભાઈ જશભાઈ મંત્રીમંડળના સૌથી યુવાન સભ્ય હતા ત્યારે અમારે કંઈક ચર્ચા થઈ અને એમણે સ્વહસ્તે (કોઈ માહિતી ખાતાની કરતબ-કામગીરી વગર) મારે માટે ‘નૂતન ગુજરાત’માં એક લેખ લખ્યો હતો. એમનો મુદ્દો એ હતો કે કૌરવ-પાંડવ સંગ્રામમાંથી ‘ગીતા’નો ઉદ્દભવ થયો જ્યારે અહીં તો બે ધર્મપુરુષો વચ્ચેની આપલે હતી, તો એમાંથી તો કંઈક અદકેરું અમૃત નીકળ્યું હોવું જોઈએ.
ગુહા-ગઢવી ઉલ્લેખે ફેરલાંગરું એ પહેલાં સંભારી લઉં કે છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન આપણા જાહેર જીવનમાં ગાંધી-આંબેડકર પ્રસંગમાં બે છેડાના ખાંડાં ખખડેલાં છે. ત્રણેક દાયકા પર અરુણ શૌરિ ‘વર્શિપિંગ ફોલ્સ ગોડ્ઝ’ લઈને આવ્યા અને એમણે આંબેડકરને સાવ ધોઈ નાખ્યા, બલકે ઝૂડી નાખ્યા. તો, ગુહા જેમને ‘અરુણ શૌરિ ઓફ ધ લેફ્ટ’ જેવી ઓળખે નવાજે છે એવાં અરુંધતી રોય હજુ ગયા દાયકામાં ‘ધ ડોક્ટર એન્ડ ધ સેઈન્ટ’ લઈને આવ્યાં અને એમણે સંતને (ગાંધીને) એક અર્થમાં ભોં ભેગા કર્યાનો લહાવો લીધો.
ગુહાએ ગાંધી પર જે કામ કર્યું, બે ખંડમાં (‘ગાંધી બીફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેઈન્જ્ડ ધ વર્લ્ડ’) એમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હક્કલડાઈના ઉગમકાળે સ્થાનિક કાળી પ્રજાથી, ‘કાફરા’થી, કંઈક અંતર અને ધીરે ધીરે સુખ-દુ:ખના સાથીભાવની સમુત્ક્રાંતિનો અચ્છો ખયાલ મળે છે. એ જ ધારીએ દેશમાં આવ્યા પછી દલિત બાંધવો સાથેના તાદાત્મ્ય સહિતના સમતા સંઘર્ષની એક પરિપાટી વિકસે છે.

પ્રવીણભાઈ ગઢવી
તેઓ સામસામા છતાં સાથે હોઈ શકે છે એ વાત ગાંધીસૂચને આંબેડકરની બંધારણીય કામગીરી નિમિત્તે સહસા સૌની સામે આવે છે. અરુંધતી રોય આ વિકાસયાત્રાને એની સમગ્રતામાં નહીં જોતાં કોઈ કોઈ વિગતને એના સંદર્ભથી નિરપેક્ષપણે ચગાવે છે અને સંતહન્તાની કીર્તિ રળ્યાનો ઓડકાર ખાય છે. સામે છેડે, શૌરિએ તો આંબેડકરને ધરાર ‘ફોલ્સ ગોડ’ (પથ્થરના દેવતા) જાહેર કર્યા જ છે.
ઊલટ પક્ષે, પ્રવીણ ગઢવી 2019માં ‘ગાંધી: પુનરવલોકન’ લઈ આવ્યા. એને ઊઘડતે પાને એમણે આંબેડકરનું વાયકોમ સત્યાગ્રહ વખતનું એ વિધાન ટાંક્યું છે કે ‘જ્યારે કોઈ આપણી પાસે આવવા રાજી નથી ત્યારે ગાંધીએ દાખવેલ આ સહાનુભૂતિ ઓછી મહત્ત્વની નથી.’ તે સાથે ગાંધીજીએ ક્યારેક આંબેડકરને ઉદ્દેશીને લખ્યું હતું તે પણ સરસ સંભાર્યું છે : ‘તમારી મહાન માનસિક અને કાર્યની શક્તિને હું પિછાણું છું અને તમને જો મારા સાથી તરીકે મેળવી શકું તો રાજી થાઉં.’
હવે થોડા શબ્દો ‘પુનરવલોકન’ના લેખકીય આમુખમાંથી :
‘હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મેં ‘સત્યના પ્રયોગો’ વાંચી. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પણ વાંચ્યો. ગાંધીજી ત્યારથી મારા દિલમાં વસી ગયા. પછીથી ભારતના ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચ્યો. સાવરકરનાં પુસ્તકો વાંચ્યા. ત્યારે ગાંધીજીમાંથી મારી શ્રદ્ધા સહેજ ડગી ગઈ હતી … કોલેજમાં હું કાર્લ માર્ક્સ અને આંબેડકરના વિચારોથી પરિચિત થયો. ગાંધીજી થોડા હાંસિયામાં હડસેલાયા. ત્યાં રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ જોઈ … અને રોમાં રોલાં અને લૂઈ ફિશરની ગાંધીકથાઓ વાંચી. મારામાં ગાંધીજીનું પુનરાગમન થયું. માર્ક્સ અને આંબેડકર સાથે ગાંધીજી ભળી ગયા! કોમરેડ બની ગયા …’
પ્રવીણ ગઢવીની આંબેડકર માટેની ચાહના તેમ ગાંધી-વિવેચના વિશે અહીં વિગતે લખવાનો અવકાશ નથી પણ એમનું એક અવલોકન અવશ્ય ટાંકું : ‘એ વાત સાચી છે કે બાબાસાહેબ આંબેડકરે આજીવન ગાંધીજી સાથેનું સમાધાન સ્વીકાર્યું નહોતું. પરંતુ ઇતિહાસને હવે તટસ્થતાથી જોવો મૂલવવો રહ્યો.’
આ અવલોકન ટાંકું છું ત્યારે ગોપાલ ગુરુનાં એ વચનો સાંભરે છે કે અમે વાંકમાં છીએ, અમારી જવાબદારી છે, એવું ઉજળિયાત નેતૃત્વમાં સ્વીકારનારા ગાંધી કદાચ એકલા હતા. એમાંથી એમની જે મથામણ આવી એને પામવામાં આપણે ઊણા પડ્યા છીએ તો વાત ગાંધીની બધી ટીકા પછી પણ ઊભી રહે છે.
તે સવારે ગુહાની સાથે વાતમાં ડી.આર. નાગરાજનોયે ઉલ્લેખ થયો હતો, પણ વધારે વાતનો અવકાશ ન ત્યારે હતો, ન અત્યારે છે. પણ ગાંધી-આંબેડકર સંદર્ભે વ્યાપક વિમર્શની દૃષ્ટિએ ક્યારેક તો આપણે નાગરાજની દેવડીએ પણ પૂગવું જોઈશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025