Opinion Magazine
Number of visits: 9448572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રદ્ધા

અનિલ વ્યાસ|Opinion - Short Stories|27 May 2025

અનિલ વ્યાસ

પરાશર માટે લતાબહેને પાંચેક છોકરીઓ પસંદ કરી હતી. પરાશર એન્જિનિયર થઈ ભારતની મોટી ઓઇલ કંપનીમાં જોડાયો ત્યારથી એને પરણાવવા એ ઉતાવળા થયાં હતા. ઉતાવળ સાથોસાથ મોટા દીકરા વિવેકની પત્ની રક્ષાના અનુભવથી મન પાછું પણ પડતું હતું. રક્ષા ભણેલી ગણેલી અને વાણી વર્તનમાં ખૂબ જ હોશિયાર હતી. મળતાવડીએ ખાસ્સી, પણ લગ્ન પછી સાતેક વર્ષ સુધી સંતાન ન થયું. રક્ષાની તબીબી તપાસમાં ભાગ્યે જ જોવા મળે એવા ગર્ભાશયના રોગનું નિદાન થયું.  એ માતા બનવા સક્ષમ નથી એ જાણ્યા પછી એના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું. હવે એ ઓછું બોલતી. મોટે ભાગે કશું વિચાર્યા કરતી હોય એમ ફરતી. ઘણીવાર એવી બે-ધ્યાન હોય કે એને બે વાર બોલાવીએ તો જવાબ આપે. લતાબહેનને એ ગમતું નહીં. આખો દિવસ શું સોગિયું ડાચું લઈને ફરતી હશે! દીકરાનો સંસાર ન બગડે એટલે રક્ષાનું આવું તોછડું વર્તન એ જોયું ન જોયું કરી દેતાં. 

ધ્રુમનબહેન શ્રદ્ધાની દરખાસ્ત લાવ્યા ત્યારે કહે, 

‘ લતા, છોકરી પરાશર કરતાં બે વર્ષે નાની, નમણી, સપ્રમાણ ઉંચાઈ અને સરસ બાંધો છે.’ પછી ચાની ચુસ્કી લેતાં ઉમેર્યું, 

‘છોકરી સહેજ ભીનેવાન છે પણ પરાશર માટે આનાથી સારું સગું નહિ મળે. એના કુટુંબની ખાનદાની, વાણીમાં વિવેક અને પરગજુ સ્વભાવ તારા કુટુંબને તારી દેશે.’ 

‘હું સમજુ છું પણ પરાશરને તો રૂપાળી અને ગોરી છોકરી જોઈએ છે.’ 

‘તે એને શીખવાડ કે ધોળા તો ગધેડા ય હોય છે.’ બબડતાં ધૃમનબહેન ઊભાં થયાં. લતાબહેનના ખભો દબાવતા બોલ્યાં, ‘પરાશર મારી આંખ સામે નાનેથી મોટો થયો છે એટલે એ શેમાં સુખી થશે એ હું બરાબર જાણું છું.’

‘તારી વાત સાચી છે પણ છોકરાઓ મોટા થાય પછી આપણે એમના આગ્રહને માન આપવું પડે છે. છતાં તે કહ્યું છે એટલે હું પ્રયત્ન કર્યા વગર તો નહીં રહું.’

લતાબહેને શ્રદ્ધા વિશે વાત કરતાં પરાશરને કહી દીધું કે ‘જો ભાઈ છોકરી સ્હેજ શ્યામ છે.’

‘તો પછી આપણે જોવાની શું જરૂર?’

‘જો બેટા, એના વિશે બહુ ઊંચા અભિપ્રાય મળ્યા છે. વળી તારી ધ્રુમનમાસીની પસંદગી છે એટલે તું છોકરીને મળ એની સાથે વાતચીત કર, પછી નિર્ણય લેજે.’

‘હું એવી કાળી છોકરીને હા નહીં પાડું એ નક્કી છે.’ કહી પરાશર ઉંબરો ઓળંગી ગયો.

એક સાંજે શ્રદ્ધાને મળવાનું નક્કી થયું. વાતચીતની ઢબ અને વિલક્ષણ જવાબો જોઈ પરાશરને છોકરી સારી લાગી. દેખાવે ય કંઈ સાવ કાઢી નાખ્યા જેવી નથી, પણ આવી શ્યામલા તો નહીં ચાલે. એમ મનોમન નક્કી કરી મીઠું મલકાતાં એ ઊભો થયો. 

રાત્રે ઘરમાં ચર્ચા ઉકલી ત્યારે પડોશમાં રહેતી પરાશરની ખાસ મિત્ર યામિનીએ નાક ચઢાવતાં કહ્યું, 

‘એવી કાળી બિલાડી તારી જોડે? જો પરિયા મારી ના છે.’

સાંભળી, મોટાભાઈ વિવેકે તટસ્થપણું દાખવતાં કહ્યું, ‘જો, બરાબર વિચારી લે. એમ લાગતું હોય તો હજી એક વાર મળી જો.’

પરાશરે જવાબ ન આપ્યો. બે દિવસ પછી મોટીબહેન વંદના સાસરેથી આવી ત્યારે પરાશરને આદેશ આપતી હોય એમ બોલી. 

‘ભાઈ, તને મારી વાત પર ભરોસો છે ને?’

‘હાસ્તો. કેમ મોટી એવું પૂછે છે?’

‘તો શ્રદ્ધા માટે હા પાડી દે. તારા બનેવીએ બરાબર તપાસ કરાવી છે. છોકરી સો ટચનું સોનું છે.’

પરાશર કશું બોલ્યા વગર ઊભો થઈ ગયો ત્યારે લતાબહેને વંદનાને કહ્યું, ‘આ ગાંડિયાને કોણ સમજાવે?’

એ પછી બે ત્રણ મહિના સુધી શ્રદ્ધા વિશે કોઈ ચર્ચા ન થઈ. એ દરમિયાનમાં પરાશરે બીજી ચાર છોકરીઓ જોઈ. એના મનમાં જે રૂપનો ખ્યાલ હતો એમાં બંધ બેસે એવી કોઈ ન  લાગી.

વારંવાર ‘ના’ સાંભળતા લતાબહેનનો અવાજ સહેજ પલળી ગયો. એમની ડબ ડબ આખો જોતા પરાશરથી બોલાઈ ગયું

‘તને કેમ ઓછું આવે છે, હજુ મારી ઉંમર જ શું છે, મમ્મી?’ 

‘સવાલ ઉંમરનો નહીં બેટા, સમજણનો છે.’

‘એટલે તું જ્યાં કહે ત્યાં મારે હા પાડી દેવાની?’

‘તારા મનમાં જે હોય એમ કર. તારા પપ્પાના ગયા પછી ક્યાં કોઈ મારું સાંભળે છે? વંદનાએ જીદપૂર્વક પ્રેમ લગ્ન કર્યા, આ વિવેકને એક બાળક દત્તક લેવા કહું છું પણ એને ય સાંભળવું નથી, હવે તું પણ એ જ રસ્તે.’ બોલતાં અવાજ ડૂસકામાં ફેરવાઇ ગયો. એ પાલવના છેડાથી આંખો લૂછતાં હતાં. 

એમના આંસુ જોઈ પરાશરથી બોલાઈ ગયું, 

‘તું આમ રડીશ નહિ મને … એનો સ્વર કરપાઇ ગયો, આગળ ન બોલી શક્યો. થોડીવારે  નિશ્ચય કરતો હોય એમ કહે, ‘હવે તું  જ્યાં નક્કી કર તેની જોડે પાકું.’ 

‘મશ્કરી નથી કરતો ને બોલે બંધાયા પછી ફરાશે નહીં.’ 

‘તારા સમ. નહીં ફરું બસ’. 

‘તો શ્રદ્ધા માટે હા પાડી દે. મને એ છોકરી મનમાં વસી ગઈ છે.’

સાંભળી એક ક્ષણ પરાશરનું મોઢું પડી ગયું. એ જોઈ લતાબહેને કહ્યું, 

‘તને ફરી જવાની છૂટ છે. એમ કંઈ હું મરી જવાની નથી.’

‘મરવાની વાત શું કામ કરે છે? હા તો પાડી,’ સહેજ ફીકુ હસીને બોલ્યો, ‘તું આટલો આગ્રહ કરે છે એટલે નક્કી એનું નહીં જ ગોઠવાયું હોય.’

એના સ્વરમાં ભરેલો ઉપાલંભ જોઈ લતાબહેનને ખચકાટ થયો. પણ ઈશ્વરની મરજી હશે એ જ થશે એમ નક્કી કરી એમણે શ્રદ્ધાના ઘેર ફોન જોડ્યો . 

ત્રણેક મહિના પછી ’હા’માં જવાબ આવ્યો એ સાંભળી શ્રદ્ધા ચમકી. કશું આડું અવળું તો નહીં હોય ને? એણે ભરતભાઈને કહ્યું, ‘પપ્પા, હું પરાશરને એકવાર મળી લઉં પછી તમે નક્કી કરો તો સારું.’

એમ જ થયું. 

પરાશરને મળ્યા પછી શ્રદ્ધાને એવું લાગ્યું નહીં કે એને કશો વાંધો હોય. છતાં એણે પૂછી લીધું, ‘તમને હું પસંદ છું ને?’ પરાશરે પહેલીવાર એની આંખોમાં જોયું. એ કશું બોલ્યો ન હતો પણ શ્રદ્ધાને એટલું સમજાયું કે પરાશરની ના નથી. 

લગ્ન પછી ઘણીવાર પરાશરનો અતડો વ્યવહાર જોઈ શ્રદ્ધાને હ્રદય ચિરાતું અનુભવાતું. જો કે, એ કોઈને કળાવા દેતી નહોતી પણ જે પ્રેમાળ દાંપત્યની એણે મનમાં કલ્પના કરી હતી એ ચિત્ર લગ્ન પછી સાવ ઝાંખું ભાસતું હતું.

શ્રદ્ધા નવરાશનો સમય પુસ્તકો વાંચવામાં ગાળતી. કોઈ વાર થતું મારા હાથમાંનું પુસ્તક કદાચ પરાશરને મારાથી દૂર રાખતું હશે? બન્ને સાંજે ચાલવા ગયા હોય ત્યારે પરાશર ડાબી તરફના ઢોળાવો ઉપર પથરાયેલું ઘાસ જોયા કરતો. ચાલતાં ચાલતાં એ કોઈ વાર  શ્રદ્ધાનો હાથ પકડી લેતો અને વળતી જ પળે કોઈ ભૂલ થઈ ગઈ હોય એમ છોડી દેતો. શ્રદ્ધા એનો હાથ ફરી પકડવા પ્રયત્ન કરતી ત્યારે અસ્વસ્થ કરી મૂકે એવું જોતો. શ્રદ્ધાને એ જોઈ બહુ જ અકળામણ થતી, પરાશરને એ સમજતી નથી કે શું? 

શરૂઆતના મહિનાઓના એ કઠિન સમયમાં સૌથી વધુ સધિયારો રક્ષાભાભીનો હતો. એ ચૂપચાપ શ્રદ્ધાની વાતો સાંભળતાં. ‘પરાશર એકદમ સાલસ છે, તું ધીરજ રાખ.  એમ બેચાર મહિનામાં પ્રેમ ના થઈ જાય.’ એવું સમજાવતાં. આમ તો રક્ષાભાભી જેઠાણી પદનું વજન ઉપાડતાં હોય એમ મોટે ભાગે ભારમાં જ રહેતાં. વળી ક્યારે સાવ સુક્કા સ્વરે કશું બોલી બેસે એનું નક્કી નહીં. એકલી શ્રદ્ધા નહિ, લતાબહેન, વિવેક ભાઈ કે પરાશર સાથે પણ એ  ખપ પૂરતું જ બોલતાં. 

શ્રદ્ધાને સારા દિવસ રહ્યાનું જાણ્યા પછી અચાનક એમના સ્વભાવમાં એક પ્રકારનું અળગાપણું વર્તાયું. બળાપો કાઢતા હોય એમ વાસણો પછાડતાં, વોશીંગ મશીન બે કે ત્રણ વાર ફેરવતાં. મોટેભાગે એ શ્રદ્ધાની સામે આવવાનું ટાળતાં. પછી તો એનું મોઢું જોવું જ ના હોય એમ એ સામે આવે તો અવળા ફરી જતાં. પોતાને ચૂપચાપ સધિયારો આપતા રક્ષાભાભીના બદલાયેલા વ્યવહારથી કંટાળીને એણે પરાશરને વાત કરી. 

‘ભાભી કેમ મારી જોડે આવું વર્તન કરે છે?’

‘તારી વાત સાચી છે. મને  ય બહુ નવાઈ લાગે છે. હમણાંથી સાવ ચીડિયા થઈ ગયાં છે.’

‘હું એમને બોલાવું તો વાત કરવા ય ઈચ્છતાં ન હોય એવું કરે છે.’ 

કોઈ અવઢવમાં હોય એમ પરાશર થોડી વાર બારી બહાર જોઇ રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો,

‘કદાચ તું મા બનવાની છે એ એમનાથી નહીં સહન થતું હોય.’

‘કેમ એવું બોલો છો?’

‘તને કદાચ ખબર નહીં હોય,’ કહી પરાશરે રક્ષાભાભીની ગર્ભાશયની તકલીફ વિશે વિગતે જણાવ્યું. 

એ પછી શ્રદ્ધાએ રક્ષા ભાભીની વર્તણૂક તપાસવી શરૂ કરી અને એની સાયકોલોજિસ્ટ મિત્ર સુનિતા સાથે તે અંગે ચર્ચા કરી. 

આ દરમિયાન એક વસ્તુ સારી બની કે એ માતા બનવાની છે એ જાણ્યા પછી પરાશર એની વધુ નજીક આવ્યો હતો. શ્રદ્ધાને એ બહુ જ સારું લાગતું હતું. 

સુનિતાએ કહ્યું એ પ્રમાણે બારીકાઈથી રક્ષા ભાભીનાં વર્તનને જોતાં શ્રદ્ધાને સમજાયું કે પોતે માતા બનવા સક્ષમ નથી એ ઊણપને ભાભી ચીડ અને ગુસ્સાથી ઢાંકવાં મથે છે. એમના મૂળ સ્વભાવની ઋજુતા ડોકાઇ ન જાય એમ એને છણકા છાંકોટા પાછળ ઢબૂરી દે છે. 

‘ભાઈ ભાભી કોઈ સંતાનને તો દત્તક લે તો?’ 

‘મમ્મીએ પણ એમને સૂચવ્યું હતું, ધ્રુમનમાસીએ પણ કહ્યું. ખબર નહિ એ બંને જણ આ બાબતે થોડું જક્કી વલણ ધરાવે છે.’

શ્રદ્ધા ચૂપચાપ પરાશરને ખભે માથું ટેકવી બેસી રહી.

પરાશરને કહેવું હતું : તને એવું લાગે કે ભાભીનું વર્તન તારી પ્રત્યે ઓરમાયું છે પણ એમની તોછડાઈને તું મનમાં ના લઈશ. એ નાળિયેર જેવા છે …. પણ એ પ્રગટપણે કશું બોલી શક્યો નહીં.

અઠવાડિયા પછી સોનોગ્રાફીમાં જોડિયા બાળકો છે એમ જાણ્યું ત્યારે પડખે બેઠેલા પરાશરે શ્રદ્ધાની હથેળીઓ અપાર સ્નેહથી ભીંસી  લીધી હતી. પહેલીવાર શ્રદ્ધાને એનો પતિ પોતાનો હોવાનો અનુભવ થયો. 

ખોળો ભરીને પિયર જવાના સમયે વાહનમાં બેસવા માટે ટેકો કરતાં રક્ષાભાભીની ભીની આંખો જોઈ શ્રદ્ધાનું હૈયું ભરાઈ આવ્યું. એ જોઈ રક્ષાભાભીએ શ્રદ્ધાને માથે હાથ મૂકી સાંત્વન આપવા હાથ લંબાવી પાછો ખેસવી લીધો ત્યારે શ્રદ્ધા આંસુ ન રોકી શકી. 

પ્રસૂતિ પછી ભાભી હોસ્પિટલે આવ્યાં ત્યારે પારણામાં સૂતેલા બંને દીકરાઓ સામે જોયું ન જોયું કરી, એ પરાશર સાથે વાતે વળગ્યા હતાં. જો કે બહાર નીકળતાં પહેલાં પારણા પાસે અટકી ગયેલાં પગ ઉપાડતાં થયેલો ખચકાટ શ્રદ્ધાએ નોંધ્યો હતો.. 

બાળકોના જન્મના ત્રણ મહિના પછી રવિવારે શ્રદ્ધા સાસરે પરત આવવાની હતી. આગલી સાંજે પરાશર એને મળવા આવ્યો ત્યારે સહેજ ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો. શ્રદ્ધાને થયું કે નક્કી એ કશીક અવઢવમાં છે. ચાનો કપ મુકતા પરાશર બોલ્યો, 

‘તો હું નીકળું, કાલે મુહૂર્તના સમયે આવી જઈશ.’ 

શ્રદ્ધાએ ઊભા થવા જતા પરાશરનો હાથ પકડીને એને પલંગમાં બેસાડ્યો. 

‘શું થયું છે કો‘ને?’

‘કશું થયું નથી, કેમ એવું પૂછે છે?’ 

‘મને એવું લાગે છે કે તમારે કશું કહેવું છે પણ તમે બોલી શકતા નથી.’

‘ના હવે. ભ્રમ છે તારો.’

શ્રદ્ધાએ પરાશરની નજીક આવી પરાશરનો હાથ ખોળામાં સૂતેલા દીકરાને માથે મુકાવ્યો.

‘શું થયું છે, હવે બોલો.’

‘સાચુ કહું? કહેવાની હિંમત ચાલતી નથી.’

શ્રદ્ધા થોડીવાર પરાશરની હથેળી પંપાળતી રહી. પરાશર નીચું જોઇ બોલ્યો, 

‘તને કદાચ મૂર્ખામી જેવું લાગશે પણ મને વિચાર આવ્યો’ એ અટક્યો. શ્રદ્ધાએ ટેકો આપતી નજરે પરાશર સામે જોયું. 

સ્હેજ ખોડંગાતા અવાજે એણે કહ્યું, ‘ભગવાનને આપણને બે દીકરા આપ્યા છે. આપણે એક દીકરો ભાભીને આપી શકીએ?’ 

‘આટલી જ વાત? અરે, એક હોત તો ય આપી દેત.’ શ્રદ્ધાએ દીકરાના માથે મૂકાયેલા પરાશરના હાથ પર હાથ મૂક્યો. ‘લ્યો, આ ક્ષણથી આ દીકરો રક્ષાભાભીનો, બસ.’ 

પરાશરની આંખે એકદમ ઝાંખપ આવી ગઈ. એણે શ્રદ્ધાના ખભાનો ટેકો લઈ લેવો પડ્યો. પરાશરની આંખોના ભાવ પૂરા સમજી શકાય એમ નહોતા. ઓશિંગણ ભાવ સાથે છલક છલક પ્રેમ કે ધન્યતા? શ્રદ્ધાએ સાડલાના છેડાથી પતિની આંખો લૂછી, છતાં બંને રડતાં હતાં. પરાશરને થયું કે એ કશુંક બોલે પણ પછી થયું શું બોલે? બસ આમ જ શ્રદ્ધાને જોયા કરે. 

ભાભીએ ચાંદલો કરી ગૃહપ્રવેશ કરાવ્યો, ત્યારે પગે લાગવા વાંકા વળતા પહેલા શ્રદ્ધાએ દીકરો ભાભીના હાથમાં મુક્યો અને લતાબહેનને પગે લાગી. પછી પરાશરે તેડેલા દીકરાને લઈ ઉંબરો ઓળંગી ઘરમાં પગ મૂક્યો.

‘ભાભી તમારા હાથમાં છે એ મોટો. એની મકર રાશિ છે અને આ સુલય, દસ મિનિટ પછી જન્મયો એટલે એની કુંભ રાશિ આવી.’ 

‘આનું શું નામ પાડ્યું છે?’

‘અમે શું કામ પાડીએ? જેના હાથમાં હોય એ પાડે.’ 

‘એટલે?’ કહેતા લતાબહેને દીકરાને લેવા હાથ અંબાવ્યાં. 

‘બા. ભગવાને બે દીકરા એટલે આપ્યા કે ઘરમાં બે મા છે. એકની મા ભાભી ને એકના આપણે, લો તેડો તમારા કુંવરને.’

રક્ષા બોલવા ગઈ પણ ફાવ્યું નહીં એટલે એક પળ શ્રદ્ધા તો બીજી પળે અવાચક ઊભેલા વિવેક સામે જોઈ રહી. સુલયને છાતી સરસો રાખી ઊભેલાં લતાબહેન માન્યામાં ન આવતું હોય એમ હળવેથી ભોંયે બેસી પડ્યાં. એક ન સમજાય એવું વિસ્મય આખા ઘરમાં પ્રસરી રહ્યું. 

કલાકેક પછી રક્ષા દીકરાને શ્રદ્ધાના રૂમમાં મૂકી રસોડામાં આવી. થોડી વારે એના રડવાનો અવાજ આવ્યો. શ્રદ્ધાએ ઇરાદાપૂર્વક છોકરાને રડવા દીધો. રડવાનો અવાજ છેક રસોડા સુધી પહોંચ્યો એટલે રક્ષાએ બૂમ પાડી, ‘શ્રદ્ધા, જોતો આ કેમ આટલું રડે છે?’ શ્રદ્ધા સુલયને તેડી બહાર આવી, ‘મારો તો આ રહ્યો ભાભી, તમારો છોકરો રડે છે. જાવ દોડો.’

‘હે ભગવાન, આ તો નરદમ નકટી અને નફકરી છે.’ કહેતાં રક્ષા ભાભી ઉતાવળે અંદર ગયાં અને દીકરાને છાતીએ વળગાડ્યો. 

ચોથા દિવસે દીકરાનું નામ પાડ્યું, જૈમિન. પછી તો જૈમિન ક્યારે ‘તમારો છોકરો’ મટી રક્ષાનો છોકરો થઈ ગયો એ ન લતાબહેનને સમજાયું કે ના પરાશરને અને વિવેકની વાત રક્ષા જાણે. 

થોડા દિવસો પછી ચાલવા ગયાં ત્યારે અચાનક વરસાદ તૂટી પડ્યો. બન્ને એક છજા નીચેની દીવાલને ટેકે ઊભાં રહ્યાં. વાતવાતમાં પરાશરે શ્રદ્ધાને કહ્યું, ‘તારા માટે મમ્મીએ મારી પાસે દબાણપૂર્વક હા પડાવી હતી એ ખબર છે તને?’

‘મને વહેમ તો હતો જ, હજુ મોડું નથી થયું, હું તમને કાળી લાગતી હોઉં તો આપણે અવળા ફેરા ફરી લઈએ.’

પરાશરે શ્રદ્ધાના મોં પર હાથ મૂકી દીધો. થોડીવાર એમ જ રહેવા દીધો. એ પાછી ખસવા ગઈ પણ ન ખસાયું. ચહેરા પર વરસતો વરસાદ આંખોમાંથી વરસવા લાગ્યો.

*     *     *     *     *

8, Carlyon Close, Wembley, Middlesex Greater London- HA0 1HR
e.mail : anilnvyas@yahoo.co.uk

Loading

27 May 2025 Vipool Kalyani
← બે ચહેરા
રામચંદ્ર ગુહા: ગાંધીજીના જીવનચરિત્રનો લહિયો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved