Opinion Magazine
Number of visits: 9449953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાવન પ્રસંગો

છગનલાલ જોશી|Gandhiana|26 May 2025

છગનલાલ જોશી

1920માં અસહકારના આંદોલન સમયે મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સંશોધન અર્થે શિષ્યવૃત્તિ મળતી હતી તે છોડી હું ગાંધીજીને મળ્યો. બાપુએ મને સદ્ભાગ્યે અપનાવ્યો ને સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રીય શાળાના નાનકડા શિક્ષકથી મેં જીવનની શરૂઆત કરી. 1930માં સત્યાગ્રહ આશ્રમમાંથી ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી ત્યારે હું આશ્રમમાં વ્યવસ્થાપક પદે પહોંચી ગયો હતો.

આ દાયકામાં મારું જીવન-ઘડતર થયું. એ સમયના બાપુ સાથેના નાના મોટા બધા પ્રસંગો અત્યારે ન વર્ણવતાં જે પ્રસંગોની છાપ મારા જીવનમાંથી આજે પણ ભૂંસાઈ નથી અને જે પ્રસંગોથી આશ્રમ વ્રતોનું મહત્ત્વ હું સમજ્યો છું તે તાજા કરવાં યોગ્ય લાગે છે.

હું છેલ્લાં પચીસ વરસથી સૌરાષ્ટ્રમાં હરિજન સેવક તરીકે કામ કરું છું. તેનો પહેલો પાઠ મને પહેલે જ દિવસે ગાંધીજીએ આશ્રમમાં આડકતરી રીતે આ રીતે ભણાવ્યો.

સાબરમતી આશ્રમમાં સંયુક્ત રસોડામાં પ્રોફેસર ભણસાળી રશિયાના પ્રવાસેથી નવા જ આવેલા, શ્રી બદરુલ – ‘યંગ ઇંડિયા’ના મદદનીશ તંત્રી, દારુ ને અફીણથી હિંદ કેવું બરબાદ થઈ રહ્યું છે, તેના સમર્થ વિવેચક -, અને હું હૃદયકુંજની પડથાર પર સાંજે જમતાં જમતાં અંગ્રેજીમાં દેશ પરદેશની મલકની ચોવટ કરતાં ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. અમારા સામે ઉત્તર ગુજરાતના ગામડામાંથી આવેલા બે વણકરો બેઠા હતા. અમે પાટલા પર બેઠા હતા, આ વણકરો જમીન પર નીચે બેસી જમતા હતા. ત્યાં ગાંધીજી હાથ મોં ધોઈ અમારા આગળથી પસાર થતાં મને કહે, “કેમ છગનલાલ, ખીચડી ભાવે છે કે?” મેં હા જી કહી ડોકું ધુણાવ્યું. ત્યારે તો બાપુ મોઢું મલકાવી અંદરના ઓરડામાં ચાલ્યા ગયા.

પણ બીજે દિવસે સવારે 4 વાગ્યાની પ્રાર્થના પૂરી થઈ ને બાપુએ પ્રવચન શરૂ કરતી વખતે પહેલાં જ પૂછ્યું કે, ‘છગનલાલ જોષી અહીં છે કે?’ મેં હાજરી પૂરાવી. ને બાપુનો વાક્ પ્રવાહ શરૂ થયો.

‘સમૂહ ભોજનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કાં તો ભોજન સમયે બધાંની સગવડ ને શાંતિ માટે મૌન જાળવવું જોઈએ; અને વાતો કરવાની હોય તો વાતો એવી કરવી જોઈએ કે જેમાં વધારે જમનારા રસપૂર્વક ભાગ લઈ ભળી શકે. ગઈ કાલે, તમે બધા ભણેલાઓ અંગ્રેજીમાં અલક મલકની વાતો કરતા હો ને તમારી સામે બેઠેલા હરિજનો જોઈ ગમાર છે એમ જાણી તેની સામુંયે ન જુઓ. તમે પાટલે બેસો ને હરિજન વણકર નીચે બેસે! આ ભેદભાવ આપણા આશ્રમ જીવનને બંધબેસતો નથી.’

આવી મતલબનું ગાંધીજીનું પ્રવચન 39 વરસ પહેલાં મેં સાંભળ્યું છે. પણ તે મીઠો ઠપકો જીવનમાં ત્યારથી સોંસરવો ઊતરી ગયો છે.

– 2 –

આશ્રમમાં અસ્પૃશ્યતાનિવારણનો, અહિંસાનો જે પહેલો પાઠ શીખ્યો તે પરથી ગાંધીજીએ સૌરાષ્ટ્રની યાત્રા કરી ત્યારે હરિજન સેવક તરીકે કામ કરવાનું બળ મેળવી શક્યો.

પણ આમ છૂટા છૂટા પ્રસંગો ટાંકવાને બદલે એકાદશ વ્રતનાં જે કેટલાંક ઉદાહરણ બાપુના જીવનમાં મેં જોયાં તે જ નોંધું.

અહિંસા :

અહિંસાનું જ્યાં સામ્રાજ્ય જામે ત્યાં વૈરત્યાગ સ્વાભાવિક થઈ જાય છે એવા બ્રહ્મસૂત્રો પર બાપુ આશ્રમમાં પ્રવચનો કરતા નહિ; પણ મેં બાપુજીને આશ્રમની ગૌશાળામાં મરણપથારીએ પડેલા વાછડાની કલાકોના કલાક સુધી ભાવપૂર્વક સેવા કરતા જોયા છે. આશ્રમની સાયં પ્રાર્થના વખતે બાપુની પછેડી પર સર્પ ચડેલો હતો તે જરા પણ ગભરાયા વિના ખંખેરી નાખતા જોયેલ છે. આશ્રમમાંથી નાની મોટી ચોરી કરનાર એક ચોક્કસ કોમની વ્યક્તિઓને પકડીને બાપુ પાસે રજૂ કરવામાં આવતા તેમને સમજાવીને જમાડતા બાપુને મેં નજરોનજર જોયા છે. 

રક્તપિત્તથી પીડાતા પરચૂરે શાસ્ત્રીના ઘા ધોતા તો મારા જેવા ઘણાંએ જોયા છે. આશ્રમમાં મારી દીકરીને સખ્ત શીતળા નીકળ્યા હતા ત્યારે બાપુને છોકરાઓની શારીરિક શુશ્રૂષા કરતા આશ્રમવાસીઓએ નિહાળ્યા છે. બાપુના પ્રેમ નાના છોકરાથી માંડી કોઈ અજાણ્યા આગન્તુક મહેમાન પર એક જ પ્રકારનો વરસતો. આશ્રમવાસીઓ રોજ એ જોતાં. યરવડા જેલમાં એક કેદીને વીંછી કરડેલો તેનું ઝેર બાપુએ અંગૂઠો ચૂસીને ઉતારેલું એ તે હવે સૌ કોઈ જાણે છે.

આશ્રમમાં ગિરિરાજ પત્નીના મૃત્યુ બાદ પોતાના 3 થી 5 વરસનાં પુત્ર-પુત્રીને લઈને આવેલા. આ બાળકોને આશ્રમની બહેનો પોતાનાં જ સંતાનોની પેઠે  ઉછેરતી થઈ ગઈ હતી

નેપાલમાં એક વીર ગુરખા દત્તબહાદુરગિરિએ બહેનોની રક્ષા માટે મૃત્યુને અપનાવ્યું. તેનું કુટુંબ સાબરમતી આશ્રમમાં બધાંની સાથે એક કુટુંબીજન તરીકે ભળી ગયું હતું.

આવા પ્રસંગો રોજીંદા જીવનનો ભાગ હોવાથી 1930માં આશ્રમની બહેનો પોતાનાં નાનાં બાળકોને આશ્રમમાં રાખી દારુનિષેધની ચળવળમાં પૂ. બાની સરદારી તળે ચાલી નીકળીને જેલવાસને મંદિરની જાત્રા સમાન ગણી શકી હતી.

– 3 –

સત્ય:

આશ્રમ રાષ્ટ્રીય શાળામાં રાષ્ટ્રીય સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી અખંડ રેંટિયો ચલાવતા હતા. સામાન્ય રીતે આ દિવસોમાં બધાં ભાઈ બહેનો ઓછામાં ઓછા આઠ કલાક તો કાંતણ યજ્ઞ કરતા જ હતાં. પણ આવા તારની નોંધણીમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઈરાદાપૂર્વક, સરસાઈ દાખવવા માટે ખોટા વધારે તાર લખાવ્યા છે એવી બાપુને ખાતરી થતાં બાપુ અત્યંત દુઃખી થયા હતા અને આશ્રમના વિદ્યાર્થીઓના અસત્ય માટે મોવડી તરીકે પોતે જવાબદાર છે એમ જાહેર કરી સાત અપવાસ કર્યા હતા. આ શુદ્ધિ સપ્તાહ દરમિયાન આશ્રમ ને શાળામાં ઘણીએ ત્રુટિયો પ્રસિદ્ધ થઈ અને અંતે વાતાવરણમાં નવો પ્રાણ ધબકવા લાગ્યો હતો.

ગાંધીજી તે દિવસોમાં રોજ 160 તાર કાંતા હતા. મોટા રેંટિયા પર બાપુ રોજ બપોરે જમીને ને રાત્રે સૂતા પહેલા કાંતતા હતા. 160 તાર ગણાતા ને બે ચાર તાર ઓછા હોય તો ફરી રેંટિયા પર માળ ચડાવી પાટલી પર બેસી યજ્ઞ પૂરો કરતા હતા એ મેં સાક્ષાત અનુભવ્યું છે.

આશ્રમવાસી નાનો હોય કે મોટો, કે પછી આશ્રમનો વ્યવસ્થાપક હોય, કે પૂ. બા હોય, તેમની નાનકડી જેટલી ભૂલ થઈ ગઈ હોય; હિસાબમાં રૂપિયા બે રૂપિયાની અનિયમિતતા થઈ હોય તો બાપુ છુપાવતા નહિ. એટલું જ નહિ, પણ સત્યમેવ જયતે એ સત્યનો જ જય થાય છે એમ સમજી જાહેર છાપામાં પોતાની ભૂલોનો એકરાર કરતા હતા. 

એથી અમે આશ્રમવાસીઓ ઘણી વાર કહેતા હતા કે સૂર્ય પાસે રહેવા જતાં ક્યારેક બળીને ભસ્મ થઈ જવાય છે. પણ તો ય તેની ઉષ્માથી માણસ જીવંત રહી શકે છે. તેમ બાપુના સાન્નિધ્યમાં રહેનારે તો અસિધારા પર ટકવું પડે તેમ સતત જાગૃત રહેવું પડતું હતું

1921મા કાઁગ્રેસની વિષયવિચારિણી સમિતિમાં હું મેળવવાથી હાજર રહી શકયો હતો. પણ ખેડા જિલ્લા સમિતિના પ્રમુખે વિષયવિચારિણી સમિતિમાં ભાગ લેવા ખોટા પાસનો ઉપયોગ કર્યો તેની જાહેરાત નવજીવનમાં કરી કાઁગ્રેસીઓને બાપુએ જાગ્રત કર્યા હતા.

– 4 –

અસ્તેય:

બાપુને દક્ષિણ આફ્રિકામાં જે કોઈ માનપત્રો, હારતોરા, કાસ્કેટ ભેટ મળ્યા હતા તેની તો ત્યાં જ હરરાજી કરી સાર્વજનિક કાર્યોમાં એ રકમનો ઉપયોગ થયો હતો એ તો જગ જાહેર છે. 

એક વખત વહેલી સવારે બાપુ સાથે હું આશ્રમનો વ્યવસ્થાપક હતો ત્યારે ફરતા ફરતા મને કહેવા લાગ્યા કે આશ્રમના ચોપડામાં આજે નોંધ કરી લેજો કે મારા મરણ પછી મારી અંગત માલિકીની એકેએક વસ્તુ આપમમાં જવી જોઈએ. પણ વસ્તુત: બાપુ પાસે ઘડિયાળ, ફાઉન્ટન પેન કે બે ચાર પંચિયા સિવાય કોઈ ચીજ જ નહોતી.

બાપુને જે પુસ્તક ભેટ તરીકે મળતા તે કાળજીપૂર્વક આશ્રમની લાયબ્રેરીમાં જમા થઈ જતા.

ગાંધીજી પાસે લાલ પેન્સિલ યરવડા જેલમાં વપરાતાં વપરાતાં ત્રણેક ઇંચ જેટલી ટચૂકડી રહી હતી તે ગાંધીજીએ ‘પર્ણકુટી’માં રહેવા ગયા બાદ, યરવડા જેલમાં મારી પાસેથી શોધાવીને મેળવી હતી.

પગ ધોવા માટે નાનો પથરો ખોવાઈ ગયો હતો તે ગાંધીજીએ મનુબહેન પાસે નોઆખલીમાં ગોતાવી મેળવ્યો હતો. ચાર આંગળનો રૂમાલ આડોઅવળો થઈ જાય તો તે શોધી કાઢવા માટે પ્યારેલાલને ઠપકો દેતા મેં જોયા છે.

જમનાલાલજીનાં માતુશ્રી હાથે કાંતીને ખાદીની ચાદર વાપરતાં હતાં. ગાંધીજીને ભેટ મળેલી તે ચાદર વરસો સુધી એમણે કાળજીપૂર્વક વાપરી હતી.

લાખો રૂપિયાનો વહીવટ કરનાર ગાંધીજી પાઈ પાઈનો હિસાબ રાખતા અને તેઓ દરિદ્રનારાયણના સાચા સેવક છે એ એમની સાથે રહેનારા રોજ અનુભવતા.

બ્રહ્મચર્ય:

આશ્રમમાં ગાંધીજીએ પોતાના પુત્ર રામદાસ, પૌત્રી રામીબહેન, ઈમામ સાહેબની પુત્રી ફાતિમા, અમીનાબહેનના લગ્નવિધિ સાદાઈથી ઉકેલ્યા હતા. પણ આશ્રમવાસીઓની સાધના બ્રહ્મચારી બનવાની હતી.

આશ્રમમાં આશ્રમની શાળામા મોટાં છોકરા છોકરીઓના જાતીય સબંધ શુદ્ધ નથી રહી શક્યા એમ ગાંધીજીને ખાતરી થતાં 7 અપવાસ કર્યા હતા.

ગાધીજી બ્રહ્મચર્ય પાલન વિષે વ્યાખ્યાન કે ઉપદેશ આશ્રમમાં ભાગ્યે જ આપતા પણ આશ્રમની રહેણી કરણી આખા દિવસની એવી કટ્ટર નિયમોથી બાંધી દીધી હતી કે સામાન્ય રીતે માણસ જાગૃત રહી શકતા હતા,

આશ્રમમાં કાકાસાહેબ કાલેલકર, મગનલાલભાઈ ગાધી, કિશોરલાલભાઈ મશરૂવાલા સપત્ની રહેતાં હોવાં છતાં તેમનું દાંપત્ય જીવન બ્રહ્મચારીને ધડારૂપ બને તેવું હતું.

અસંગ્રહ:

1929માં ગાંધીજી એક વરસ લગાતાર આશ્રમમાં રહ્યા હતા ત્યારે આશ્રમવાસીઓ વિષે એક નિયમ કરવામાં આવ્યો હતો કે આશ્રમવાસીના હાથે જો ત્રણ ભૂલ થાય તો પોતાની મેળે આશ્રમમાંથી, ઉદ્યોગમંદિરમાંથી રજા લઈ મુક્તિ મેળવે.

સમૂહ પ્રાર્થના, સમૂહ ભોજન, સમૂહ કંતાઈ યજ્ઞના કામમાં લશ્કરી તાલીમની જેમ મિનિટે મિનિટ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું.

આ તો બાહ્ય નિયમો થયા. જે આશ્રમવાસી પાસે અંગત પૈસા હોય તે પૈસા આશ્રમમાં જમા કરવાના રહેતા. આ નિયમને આધારે છગનલાલભાઈ ગાંધી પાસે દક્ષિણ આફ્રિકાની કમાઈ હતી તે આશ્રમમાં જમા થઈ. નરહરિભાઈ પાસે વીમા પોલીસી હતી તે પેઈડ અપ કરી તેના નાણાં તથા મણિબહેન (પરીખ) ને દુર્ગાબહેન (દેસાઈ)ના દાગીના આશ્રમની તિજોરીમાં જમા થયા.

તે વખતે આશ્રમવાસીઓને સંયુક્ત રસોડે જમવાનું હતું ને વ્યક્તિ દીઠ 12 રૂ. ખર્ચ આવતું હતું. બાળકોને દૂધ-ફળ મળતાં હતાં.

ઘરવખરી, ચીજવસ્તુઓ ઓછી પણ સફાઈ અપરંપાર એ જીવનનો આદર્શ ગણાતો હતો.

આજે વધુ કોણ કમાય છે તેની પ્રતિષ્ઠા સમાજમાં થાય છે. ગાંધીજી પાસે કોણ સમાજના હિતાર્થે વધારે ત્યાગ કરે છે તેની કિંમત અંકાવા લાગી હતી.

-5-

શરીરશ્રમ :

જ્યારે હું સાબરમતી આશ્રમમાં વ્યવસ્થાપક બન્યા હતો ત્યારે ગાંધીજી 60 વરસના થઈ ગયા હતા. છતાં રોજ નિયમિત પીંજવાના, વણાટના ડેલામાં આવતા. સવારે શાક સમારવા, ભાજી સાફ કરવા સંયુક્ત રસોડામાં અર્ધો કલાક ગાળતા. સવાર સાંજ અવશ્યમેવ ફરવા જતા. રાતના દસ વાગે ટ્રેનમાં આવે તો પણ તેઓ અરધો કલાક ચાલતા જ. વરસાદ હોય તો પડસાળમાં ફરી લેતા. 1928માં એક વાર અમદાવાદમાં સખત હિમ પડયું હતું. પણ નિયમ પ્રમાણે પ્રાર્થના સમાપ્ત થયા પછી સવારે પાંચ વાગે તેમની સાથે ઠૂંઠવાઈ જવાય એવી કડકડતી ઠંડીમા ફરવા જવાનો લહાવો મને પણ મળ્યો હતો.

ગાંધીજીનું પાયખાનું સ્વચ્છતાનો નમૂનો ગણાતું, ને તેથી જ રમૂજમા ગાંધીજી પાયખાનાને લાઇબ્રેરી તરીકે ઓળખાવતા હતા.

અસ્વાદ વ્રત: 

આશ્રમમાં એક જ સંયુક્ત રસોડું થઈ જવાથી અસ્વાદ વ્રત કેળવવામાં મુશ્કેલી નહોતી આવતી. સામાન્ય રીતે દાળ શાક બાફેલાં બનતાં. વઘાર વર્જ્ય ગણાતો. કોળાનું શાક નિયમિત બનતું. પણ આ ખોરાક બધાંને સદી ગયો હતો. આશ્રમમા રહેનારાઓ ગોસેવામાં માનનારા હોવાથી ગાયના દૂધ ઘી સિવાય બીજા દૂધ ઘીનો આશ્રમમાં ત્યાગ હતો. 

ગાયનું ઘી તે જમાનામાં સહેજે મેળવવું મુશ્કેલ હતું. પ્રયોગવીર વિનોબાજીએ વર્ધામાં પોતાના શરીર પર પ્રયોગ કરી સાબિત કરી બતાવ્યું હતું કે ખોરાકમાં તલ કે મગફળીના તેલને બદલે અળસીના તેલનું સેવન કરવામાં આવે તો શરીરનુ વજન વધારી શકાય છે. એ રીતે વિનોબાજીએ બે માસમાં બાવીસ રતલ પોતાનું વજન વધાર્યું હતું. પછી અળસી તેલને પ્રયોગ આશ્રમના રસોડામાં શરૂ થયા ને ઘીને બદલે કડવું અળસીનુ તેલ રોટલી પર તરબોળ ચોપડીને અમે ખાવા લાગ્યા હતા. 

જીવનની સાધનામાં અસ્વાદ વ્રતની ઘણી મોટી કિંમત છે તેમ પૂ. સરદાર સાહેબ પણ ગાંધીજીના સત્સંગથી સમજવા લાગ્યા હતા. ગાંધીજીના સહવાસમાં આવ્યા બાદ સરદારશ્રીએ સિગારેટ છોડી. એટલું જ નહિ, પણ રોજ સાંજે ક્લબમાં ભજિયાં-ભેળ ખાતા તેને સાવ વિદાય આપી; ને છેવટે બાફેલાં ભાજી શાક ખાઈ નિસર્ગોપચાર કરી ઘણાં રોગમાંથી તેમણે મુક્તિ મેળવી હતી.

-6-

અભય:

હું નવો નવો આશ્રમમાં આવ્યો હતો અને તરત જ નાગપુર કાઁગ્રેસમાં જવાનું ભાગ્ય પ્રાપ્ત થયું. ત્યાં એક બપોરે બંગાળી વિપ્લવવાદીઓ ગાંધીજીને એમના તંબુમાં મળવા આવ્યા હતા. હું ખૂણામાં બેઠો બેઠો વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. બાપુ સાથે ચર્ચાઓ બાદ  પ્રફુલ્લ ઘોષ,  સુરેશ બેનરજી વગેરે ભાઈઓની અહિંસામાં, ગાંધીજીના જીવંત તણખામા શ્રદ્ધા પ્રગટી; ને હિંસામાં શ્રદ્ધા રાખનાર આ તેજસ્વી વિદ્વાનોએ આશ્રમ સ્થાપી ખાદીકામને અપનાવ્યું. ગાંધીજીએ આ આશ્રમનું નામાભિધાન ‘અભય આશ્રમ’ કર્યું.

ગાંધીજી ઘણી વાર કહેતા કે પોતાને જે સાચું લાગતું હોય તે કહેવામાં ભલે ભૂપ પણ સામો આવે તો પણ ગભરાવું નહિ. દૈવી સંપત્તિમાં અભયની સૌથી મોટી ગણતરી છે એ ત્યારથી સમજાઈ ગયું છે.

રાજકોટ સત્યાગ્રહ વખતે ત્યાંના રાજા ને દીવાન વીરાવાળાની પેરવીથી અમુક લોકો બાપુ સામે ધૂળ ઉડાડવા લાગ્યા હતા, પથ્થરમારો કરવા લાગ્યા હતા ત્યારે અમને બધાને દૂર ખસેડી બાપુ સામે પગલે દોડતા ગયા હતા એ નજર આગળ આજે તરવરે છે.

બંગાળમાં માનીકાદામાં ગાંધી સેવાસંઘના વાર્ષિક સમારંભ સમયે સીઆલ્ડા સ્ટેશન પર એક નેતાના સાથીઓ કાળા વાવટા લઈ ‘ગાંધીવાદ ધ્વંસ હો’ એવા નારા પોકારતા સેંકડોની સંખ્યામાં ધસી આવ્યા હતા; ત્યારે પણ ગાંધીજી તેમની સામે હસતે મોઢે તેમનો સત્કાર કરવા ગયા હતા. તે જોઈ બંગાળના પોલીસ અમલદારો મોઢામાં આંગળાં ઘાલી ગયા હતા.

સર્વધર્મ સમભાવઃ 

આશ્રમમાં ઈમામ સાહેબ, બૌદ્ધ સાધુ કેશવ, એન્ડ્ર્યૂઝ, મીરાબહેન, એલ્વિન, અમતુલ બહેન, અબ્દુલ ગફાર ખાન, કોસાંબીજી, પૂંજાભાઈ, કેદારનાથજી, સ્વામી આનંદ વગેરે જુદા જુદા ધર્મોના અને નિરાશ્વરવાદના અનુયાયી હોવા છતાં એક જ કુટુંબના જન તરીકે વરસો સુધી રહી શક્યા ને દરેક ધર્મની મહત્તા ને ખૂબી સમજીને પોતાનું જીવન વિકસાવી શક્યા હતા એ તો અમે રોજ જોતા હતા. આશ્રમની રાષ્ટ્રીય શાળામા બધા ધર્મોના મુખ્ય મુખ્ય ઉત્સવો ઉજવાતા ને આશ્રમની પ્રાર્થનામાં તમામ ધર્મના શ્લોકો ઉમેરી ધર્મની સંકુચિત ભાવનાને તોડી નાખી હતી.

-7-

સ્વદેશી:

 બાપુની રેંટિયા વિષેની અનન્યભક્તિ જાણીતી છે. ગાંધીજીની હત્યા 1948ની 30 જાન્યુઆરીના રોજ થઈ તે ગોઝારા દિવસે પણ બાપુ કાંત્યા વિના રહ્યા નહોતા. ગાંધીજી 21 અપવાસ દરમિયાન પણ રેંટિયો કાંતવાનું ભૂલ્યા નહોતા. હું યરવડા જેલમાં મહાદેવભાઈ, સરદાર સાહેબ ને બાપુજી સાથે હતો ત્યારે મહાદેવભાઈને ફ્રેન્ચના અભ્યાસને કારણે એક વખત કાંતવાનું રહી ગયું; ને તે સમયે જે બોધપાઠ આપ્યો હતો તેનો હું સાક્ષી છું. ગાંધીજી જ્યાં જતા ત્યાં બધે ખાદીનો આગ્રહ રાખતા. 1921માં અમદાવાદની કાઁગ્રેસમાં પહેલી વાર ખાદીના તંબુનો વપરાશ થયો હતો.

બાપુ જે વાળંદ ખાદી ન પહેરે તેની પાસે હજામત ન કરાવતા. 

દક્ષિણ ભારતમાં પલનીનું મોટું મંદિર હરિજનો માટે ખુલ્લું મૂકાયું ત્યારે બાપુ ત્યાં ગયા હતા. ત્યાં ઠાકોરજીને શુદ્ધ ખાદીના વાઘા ચડાવવામાં આવતા.

બાપુના ખાદીના આગ્રહથી પંડિત જવાહરલાલ નહેરુ યુ.પી.માં, ને રાજેન્દ્રપ્રસાદ બિહારમાં, ને તામિલનાડુમાં ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ધુરંધર રાષ્ટ્રનેતાઓ ચરખા સંઘના એજન્ટ બન્યા હતા. તે દિવસો દરમિયાન કાઁગ્રેસના મેમ્બર થવા માટે મહિને ૨,૦૦૦ વાર સૂતર કાંતીને આપવાનું રહેતું.

આવી ભાવના જ્યાં પ્રગટતી હોય ત્યાં સ્વદેશીનું વાતાવરણ જામ્યા વિના કેમ રહે?

સ્પર્શભાવના:

આ વિષે તો મને આશ્રમમાં પહેલે જ દિવસે દીક્ષા મળી તે મેં આગળ કહ્યું છે. જેને બાપુએ પોતાને જીવન સિદ્ધાંત માન્યો તેમાંથી કોઈ રીતે તેઓ ચલાયમાન થતા નહીં એનો એક દાખલો યાદ આવે છે. ગૂજરાત વિદ્યાપીઠના ફાળામાં મુંબઈના એક વૈષ્ણવ ભાટીઆ ગૃહસ્થે મોટી રકમ આપવાની ઈચ્છા સ્વર્ગસ્થ મણિલાલ કોઠારી દ્વારા જાહેર કરી. પણ તેમાં શરત હતી કે એ રકમ હરિજનોના શિક્ષણમાં કે લાભમાં ન વપરાય ગાંધીજીએ એ લાખ રૂપિયા વિદ્યાપીઠ માટે ન સ્વીકાર્યા.

આશ્રમમાંથી પોતાનાં મોટાંબહેન રળિયાતબહેને લક્ષ્મીના દત્તક લેવાવા બાદ વિદાય લીધી; પણ હરિજનો તો આશ્રમના મૂળ અંગ તરીકે રહ્યા જ.

આશ્રમવાસીની લાયકાત સાબિત કરવા માટે નવા-જૂના કાર્યકર્તાઓએ પાયખાના સફાઈનું કામ નિયમિત કરીને પોતાની શક્તિ પૂરવાર કરવાની રહેતી હતી.

ઉપનિષદ અને ગીતાના અભ્યાસી ભાઈ સુરેન્દ્રજીને બાપુજીએ ચમારનું કામ સુપ્રત કર્યું હતું. કુદરતી મૃત્યુથી મરેલાં ગાય-બળદનાં ચામડાં ઉતારવાનું કામ જ્યાં બ્રાહ્મણ આશ્રમીઓ કરતા હોય ત્યાં આભડછેટને તો અલોપ થયે જ છૂટકો.

-8-

1921માં ગાંધીજીએ ચૌરીચોરાના હત્યાકાંડને લીધે સત્યાગ્રહની લડત મોકુફ રાખવાનું જાહેર કર્યું ત્યારે હિંદના પ્રથમ પંક્તિના નેતાઓ બહુ નારાજ થયા હતા. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલ તો ‘નારાયણ નારાયણ’ બોલતા જતા ને કહેતા જાય કે આ ડોસાને સ્વરાજ કરતાં સત્યોપાસના અને આત્મજ્ઞાનની વધારે પડી લાગે છે. પણ બાપુ તો ભારતીયોને સ્વરાજને લાયક બનાવવા માગતા હતા.

એકાદશ વ્રત અને પ્રાર્થના બાપુજીના જીવનમાં કેવા ઓતપ્રોત થઈ ગયા હતા તેનું માત્ર સ્મરણ કરું છું ત્યારે પણ એક જાતની મહત્તા અનુભવું છું. અને રોજ બ રોજના જીવનમાં અણીને ટાંકણે આપણે કેવી અજબ રીતે મોહ અને લાલચમાં સપડાઈ જઈએ છીએ એ વિચારવા બેસું છું ત્યારે હું મારા પંડથી શરમાતો હોઉં ને, એમ લાગે છે.

વધુ વિચારતાં એમ પણ પ્રતીત થાય છે કે તે દિવસોનો પ્રભાવ માત્ર સ્વપુરુષાર્થનો નહોતો જ. જેમ વંટોળિયો ઊડે ને ઝંઝાવાતમાં નાના મોટા વેલા, ઝરઝાંખરાં ને ખરી પડેલાં પાંદડાં પણ ઊંચે ઊડવા લાગે તેમ આપણે ઉપર ઊંચે ઊડવા મંડ્યા હતા. ઝંઝાવાત શમી જતાં પાંદડાં મોટા છોડવા હેઠા બેસી જાય છે તેમ ગાંધીજી ગયા ને દુર્ભાગ્યે તેમની સાથે અહિંસક સત્યવીરની મરદાનગી ને ખુમારી પણ આપણે ખોઈ બેઠા હાઈએ તેમ લાગે છે.

પણ જરૂરી છે કે વ્રતપાલનમાં આવેલી શિથિલતા ખંખેરી સાચા માનવ બનવાનો પ્રયાસ કરીએ.

બાપુજી, આપ તો મહાત્મા છે, અમે પામર જીવ છીએ; અમારાથી આવા ભગીરથ કામ ન થાય- એમ કોઈ કહે ત્યારે બાપુને આ વચનો ગાળ જેવા લાગતા હતા. બાપુ પુરુષાર્થથી બધું સાધી શક્યા હતા. તો આપણે પણ બાપુએ ચીંધેલ માર્ગે ચાલવાનો દૃઢ સંક૯પ કરીએ. 

(સમાપ્ત)
19 — 26 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 317 થી 324

Loading

26 May 2025 Vipool Kalyani
← ગુજરાતીપણાનું ગૌરવ લેવાય તો ગુજરાતી ભાષાનું કેમ નહિ !!!
જાવેદ અખ્તર અને કપિલ સિબ્બલનો સાર્થક સંવાદ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved