મે 2025માં GPSC સામે તીવ્ર ઊહાપોહ થઈ રહ્યો છે. ખાસ કરીને ઓરલ-મૌખિક ઈન્ટરવ્યૂને લઈને વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેમાં જાતિવાદનું તત્ત્વ પણ જોઈ રહ્યા છે. આ આખી બાબતને સવાલ જવાબ રૂપે સમજીએ :
[1] શું GPSCમાં જાતિવાદ થાય છે?
GPSCમાં જાતિવાદ થાય છે તેનો સીધો પુરાવો નથી. પરંત મૌખિક ઈન્ટરવ્યૂમાં કોઈ ઉમેદવારને અન્યાય થાય તો જાતિવાદનો આક્ષેપ થાય તે સ્વાભાવિક છે. કોઈ ઉમેદવાર UPSCમાં પાસ થઈ જાય અને GPSCમાં મૌખિક ઈન્ટરવ્યૂમાં બહુ ઓછા ગુણ હોય તો શંકા કરવાનું કારણ રહે છે. વળી આવા એકથી વધુ કિસ્સાઓમાં થયું હોય તો GPSCમાં અન્યાય થાય છે તે સ્વીકારવું પડે.
[2] શું મૌખિક ઈન્ટરવ્યૂમાં આઘુંપાછું થાય છે?
ચોક્કસ થાય છે. મેં પોતે GPSC વર્ગ-1ની પરીક્ષા 1985થી 1990 દરમિયાન આપેલ. તે વખતે એન્ટ્રન્સ એક્ઝામ / મેઈન એક્ઝામ / ઓરલ ઈન્ટરવ્યૂની પ્રથા હતી. એન્ટ્રન્સ એક્ઝામના 100 ગુણ હતા. મેઈન એક્ઝામના 600 ગુણ હતા, અને ઓરલ ઈન્ટરવ્યૂના 200 ગુણ હતા. મેઈન એક્ઝામ તથા મૌખિક ઈન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બને. 200 ગુણમાંથી અમુકને 20-25 ગુણ મળે અને ‘ખાસ’ ઉમેદવારને 120-125 ગુણ મળે ! આમ 100 ગુણના તફાવતના કારણે ‘ખાસ ઉમેદવારો’ પસંદ થતા હતા. આથી 200 ગુણના મૌખિક ઈન્ટરવ્યૂ સામે ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે કહ્યું કે 80 ગુણનું જ મૌખિક ઈન્ટરવ્યૂ હોવું જોઈએ. જેનો અમલ થતાં હું પસંદગી પામ્યો હતો. આ જ મુદ્દો આજે છે. લેખિત પરીક્ષાના ગુણની સરખામણીમાં મૌખિક ઈન્ટરવ્યૂના 10% ગુણ જ હોવા જોઈએ. એટલે કે લેખિત પરીક્ષા 300 ગુણની હોય તો મૌખિક ઈન્ટરવ્યૂના 30 ગુણ હોવા જોઈએ. હાલ એક ચિંતા થઈ રહી છે કે GPSC વર્ગ-1ની પરીક્ષામાં, મૌખિક ઈન્ટરવ્યૂના 100 ગુણને બદલે 150 ગુણ કરવા ! જો આવું થશે તો GPSC બિલકુલ વિશ્વાસ ગુમાવશે.
[3] શું GPSCમાં અનામત નીતિનો અમલ થાય છે?
જો GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં અનામત નીતિનો અમલ ન થાય તો જાતિવાદનો આરોપ લાગશે જ. અનામત નીતિનો અમલ એટલે? SC / ST / OBC / EWS આ ચાર વર્ગની હાલ અનામત છે. તે સિવાયના ઓપન કેટેગરી કહેવાય. હવે માની લો કે GPSCની પરીક્ષામાં આ ચાર – SC / ST / OBC / EWS કેટેગરીનો કોઈ ઉમેદવાર ટોપર બન્યો તો તેને ક્યાં મૂકશો? તેને ઓપન કેટેગરીમાં મૂકવો પડશે, કેમ કે તે મેરિટમાં આવેલ છે. ઉદાહરણ તરીકે sv ઉમેદવારોની 5 જગ્યા છે, પરંતુ ટોપર ઉમેદવાર SC છે, તો અનામત બેઠક-5 થી 1 મેરિટવાળો SC ઉમેદવાર, એટલે કે કુલ SC ઉમેદવારો-6 પસંદ થશે. જો આ પ્રથા અમલી ન હોય તો GPSC સામે પ્રશ્નો ઊઠશે. આ અંગે પારદર્શિતા હોવી જોઈએ.
[4] શું મૌખિક ઈન્ટરવ્યૂ બોર્ડ વાસ્તવમાં તટસ્થ હોય છે?
મૌખિક ઈન્ટરવ્યૂની પેનલ હોય છે, જેમાં ચેરમેન તથા 2 વિષય નિષ્ણાત હોય છે. ઉમેદવારના નામ-અટક નહીં પણ કોડ હોય છે. ચિઠ્ઠી / ડ્રો સિસ્ટમ હોય છે. તેમ છતાં ગડબડ થઈ શકે છે. કઈ રીતે? ઈન્ટરવ્યૂમાં બેસતા સભ્યો ઉમેદવારના પરફોર્મન્સ અંગે ચર્ચા કરે છે અને ચેરમેન ગુણ મૂકે છે. સભ્યો ગુણ આપતા નથી તે માત્ર અભિપ્રાય આપે છે. આ પ્રથા ઉચિત કહી શકાય નહીં. 1990 પહેલાં તો પેન્સિલથી ગુણ મૂકતા, જેથી ‘ખાસ ઉમેદવારો’ના ગુણ સુધારી શકાય ! ભૂતકાળમાં વિષય નિષ્ણાત અને ઉમેદવારો અગાઉથી પરિચિત હોય / ઘેર જવાનો સંબંધ હોય / ઊજવણી સાથે કરતા હોય તેના પુરાવા સાથે રજૂઆત થયેલી છે. કોઈ વિષય નિષ્ણાત સંસ્થા કે કોચિંગ ક્લાસમાં જતા હોય અને GPSCના ઈન્ટરવ્યૂ બોર્ડમાં પણ હોય તેવું બન્યું છે. એટલે GPSC તરફ આંગળી ચિંધાય છે.
[5] શું GPSC પારદર્શક છે?
ના. GPSCના ચેરમેન દિનેશ દાસા હતા ત્યારે તેમણે ઉમેદવારો સામે હાઈકોર્ટમાં કેસ લડવા 1 કરોડ 51 લાખનો ખર્ચ કર્યો હતો. જે નાગરિકોના ટેક્સના પૈસા હતા. સામે ઉમેદવારો બેરોજગાર હોય છે. જો GPSCનો પારદર્શક વહીવટ હોત તો કોઈને હાઈકોર્ટમાં ન્યાય મેળવવા જવું પડે?
[6] મૌખિક ઈન્ટરવ્યૂ શા માટે હોય છે?
આ મૂળ મુદ્દો છે. ઉમેદવારોનું General Knowledge – સામાન્ય જ્ઞાન ચકાસવા માટે ઈન્ટરવ્યૂ નથી હોતું. મોટે ભાગે તેમને તેમના વિષય અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ માટે તો લેખિત પરીક્ષા છે જ. વાસ્તવમાં ઉમેદવાર જે તે જગ્યા પર ફરજ બજાવવા સક્ષમ છે કે નહીં? તેની અભિરુચિ છે કે નહીં? વાતચીત કૌશલ્ય, નિર્ણયશક્તિ અને પ્રામાણિકતા જેવા ગુણોનું મૂલ્યાંકન ઈન્ટરવ્યૂમાં કરવાનું હોય છે. પરંતુ આ નથી જોવાતું એટલે જ નાગરિકોને / વિપક્ષના ધારાસભ્યોને હડધૂત કરતા IPS / IAS અધિકારીઓ જોવા મળે છે.
[7] અશોકકુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા રાજ્યનો ચૂકાદો શું છે?
આ કેસમાં સુપ્રીમ કોર્ટે 10 મે 1985ના રોજ ચૂકાદો આપેલ. હરિયાણા સિવિલ સર્વિસ (એક્ઝિક્યુટિવ) અને અન્ય સંલગ્ન સેવાઓમાં ભરતી માટે હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) દ્વારા નિયુક્ત પસંદગી પ્રક્રિયામાં વિવાદ ત્યારે ઉદ્ભવ્યો જ્યારે લેખિત પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવ્યા હોવા છતાં, કેટલાક ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે અંતિમ પસંદગી યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પક્ષપાત, મનસ્વીતા અને વહીવટી ગેરરીતિના કારણે આ પસંદગીઓને રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા સામેની અપીલોને મંજૂરી આપી, જેનાથી હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવેલી પસંદગીઓને સમર્થન આપવામાં આવ્યું. જો કે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં પ્રક્રિયાગત ખામીઓ ઓળખી કાઢી, ખાસ કરીને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની વધુ પડતી સંખ્યા અને તેને આપેલ વધારે ગુણ અંગે. પરિણામે, સુપ્રીમ કોર્ટે HPSCને ભવિષ્યની પસંદગીઓ માટે ગુણની ફાળવણીને સમાયોજિત કરવાનો નિર્દેશ આપ્યો અને અગાઉ બાકાત રાખવામાં આવેલા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની તક પૂરી પાડી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં મૌખિક ઈન્ટરવ્યૂના ગુણ 12.2% છે તેનાથી વધુ ગુણ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના મૌખિક ઈન્ટરવ્યૂમાં ન હોઈ શકે.
[8] મૌખિક ઈન્ટરવ્યૂમાં 12.2%થી વધુ ગુણ ન હોવા જોઈએ તે નક્કી કોણ કરે?
આ કામ GPSCનું છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ અમલ કરવો જોઈએ. આમાં સરકારને પૂછવાની જરૂર નથી. જો કે ગુજરાત સરકાર આ બાબતે નિર્ણય લઈ GPSCને કહી શકે.
[9] GPSC/ સરકારે પોતાની ઈમેજ બગડતી અટકાવવા શું કરવું જોઈએ? :
આ પગલાં લઈ શકાય :
(1) પસંદગી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા લાવવી, મૌખિક ઈન્ટરવ્યૂને રેકર્ડ સાચવવું. (2) GPSC તેમ જ રાજ્યની તમામ ભરતીઓમાં SC/ST/OBC/EWSની અનામતનીતિનો જે ભંગ તાત્કાલિક બંધ કરવો. (3) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં જ્યાં 50% ઇન્ટરવ્યૂ ગુણભાર છે તેવી તમામ પરીક્ષાઓમાં સુધારો કરી તે 10% કરવો. (4) GPSC ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞો / એક્સપર્ટ દ્વારા જે સર્વસંમતીથી ગુણ આપવાનું ‘મેચ ફિક્સિંગ’ જેવી પદ્ધતિ છે તે બંધ કરવી. મૌખિક ઈન્ટરવ્યૂના માપદંડ નક્કી કરવા. (5) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં ગુણનું ગેપિંગ રોકવું. કોઈ ઉમેદવારને 5 તો કોઈ ઉમેદવારને 35 ગુણ એવો પક્ષપાત રોકવો. (6) GPSCના તમામ ઇન્ટરવ્યૂ-પૅનલોમાં SC/ST/OBCના તજજ્ઞો/ એક્સપર્ટનું પ્રતિનિધિત્વ રાખવું. (6) GPSC ચેરમેન અને એમની કમિટીમાં પણ SC/ST/OBCનું રોટેશન રાખવું. (7) GPSC ઇન્ટરવ્યૂ એક્સપર્ટ તેમના સગાં / સંબંધી / પરિચિતો / વિદ્યાર્થીઓ બાબતે બાંહેધરી લેવી. જે રીતે 10/12 ના સુપરવિઝન માટે બાહેંધરી લેવાનો નિયમ છે. ઇન્ટરવ્યૂ લેનાર એક્સપર્ટ રિટાયર્ડ ન હોવા જોઇએ, ચાલુ નોકરીમાં હોય તેમને જ બોલાવવા. જેથી જવાબદારી નક્કી કરી શકાય. ઇન્ટરવ્યૂ- એક્સપર્ટ માટે ધોરણો નક્કી કરવા.
[10] શું GPSCના ચેરમેન તરીકે રાજકીય પક્ષ / RSS સાથે સંકળાયેલ ચેરમેન હોવાથી ફાયદો થાય?
ના. બિલકુલ ન થાય. પસંદગી ખામીયુક્ત રહે. કઈ રીતે? મૌખિક ઈન્ટરવ્યૂમાં તમને પૂછે કે “આઝાદીના લડવૈયાઓમાંથી ત્રણ નેતાઓ નામ જણાવો જેમની વિચારધારા તમને સ્પર્શી ગઈ હોય?” તમારો જવાબ હોય કે ‘ગાંધીજી / નેહ રુ/ સુભાષચંદ્ર બોઝ !’ તો તમે ગયાં. તમે સાવરકરનું નામ લો તો જ પસંદગી પામો ! આ રીતે મૌખિક ઈન્ટરવ્યૂમાં ‘ખાસ ઉમેદવાર’ને ઓળખી કાઢવામાં આવે છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર