
રવીન્દ્ર પારેખ
17 મે, 2025ને રોજ બે ઘટના સામે આવે છે. એકમાં, ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા 40 સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. સાત ટીમના નેતાઓ તરીકે રવિશંકર પ્રસાદ, શ્રીકાંત એકનાથ શિંદે, શશિ થરૂર જેવા સાત નેતાઓ પસંદ થયા છે. શશિ થરૂર કાઁગ્રેસના નેતા છે એ ખરું, પણ તેઓ કાઁગ્રેસની પસંદગી નથી. કાઁગ્રેસ પાસેથી નેતૃત્ત્વ માટે ચાર નામો મંગાયેલાં, પણ કાઁગ્રેસે આપેલાં નામોમાં થરૂરનું નામ ન હતું. કાઁગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૂરનું નામ પસંદ કર્યું, એટલે કાઁગ્રેસનાં ભંવાં ચડે તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસે આપેલાં નામોમાંથી કોઈ પસંદ થયું હોત, તો પક્ષનું માન જળવાયું હોત, પણ સરકારે થરૂરનું નામ પસંદ કરીને નબળી પસંદગી કરી છે એવું તો કાઁગ્રેસ પણ કહી શકે એમ નથી. એ વાત જુદી છે કે થરૂરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કાઁગ્રેસની ગુડ બુકમાં તેઓ ન જ હોય. અધૂરામાં પૂરું કાંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કાઁગ્રેસની મનસા પર થરૂરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. એ સ્થિતિમાં કાઁગ્રેસ પોતાના તરફથી ટીમના નેતા તરીકે થરૂરનું નામ સૂચવે એ શક્ય જ નથી. વળી કાઁગ્રેસી થઈને થરૂર ઓપરેશન સિંદૂર સંદર્ભે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે તે કાઁગ્રેસી આકાઓને ન જ ગમે. તેથી થરૂરની પાત્રતા ઘટી જતી નથી. કાઁગ્રેસના જ નહીં, થરૂર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે.
એ ખરું કે કાઁગ્રેસે સૂચવેલાં નામોમાં થરૂરનો સમાવેશ ન થયો, એમ જ કેન્દ્ર સરકારે સાત ટીમોના જે નેતાઓ પસંદ કર્યા છે, એમાં પણ વધુ સારી પસંદગીને અવકાશ હતો. બૈજયંત પાંડા, સુપ્રિયા સૂલે, શ્રીકાંત શિંદેને બદલે વધુ સારી પસંદગી થઈ શકી હોત. કૈં નહીં તો ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે તો ખરું જ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. એટલીસ્ટ, ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાય છે, એવા દુષ્પ્રચારનો વિદેશમાં ઓવૈસી સબળ જવાબ હોત ! ખાસ કરીને પાકિસ્તાનને તેનું સ્થાન બતાવવામાં ઓવૈસીએ આક્રોશપૂર્ણ રીતે વ્યક્ત થવામાં કોઈ કસર રાખી નથી, એટલે ટીમના લીડર તરીકે એ વધુ પ્રભાવક રહ્યા હોત ! જો કે, ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. એ પણ ખરું કે આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ માનવાની જરૂર નથી. એ તો વળી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં છે. તે એટલે કે બંકરમાં છુપાવા છતાં, પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. બને કે શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા ને તેવું મુનીર ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી. એ તો ઠીક, પણ વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે.
બીજી તરફ ભારતમાં પણ, કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાત વિસારે પડતી આવે છે. ખાસ કરીને કાઁગ્રેસની ભૂમિકા સંદિગ્ધ છે. થરૂરની ઘટના પહેલી બની કે ભારતના વિદેશ મંત્રી જયશંકરની વાત પહેલી સામે આવી તે સ્પષ્ટ નથી, પણ બંને વાતો એક જ દિવસે સામે આવી છે, એટલે કાઁગ્રેસની પ્રતિક્રિયા ઇરાદાપૂર્વકની છે કે યોગાનુયોગ છે, તે નક્કી કરવાનું મુશ્કેલ છે. 17 મે, 2025ને રોજ જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશ મંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? આવી જાણકારી કોને પૂછીને આપવામાં આવી? ઓપરેશન સિંદૂર શરૂ કરતાં પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો છે. જો કે, વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશ મંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. જયશંકરે ઓપરેશન સિંદૂરનો મેસેજ શરૂ થતાં પહેલાં નહીં, પણ શરૂ થતાંની સાથે કર્યો છે. જો કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને વિદેશ મંત્રાલયના ખુલાસાથી સંતોષ નથી. તેમણે એ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે.
રાહુલ ગાંધીનો બીજો સવાલ એ હતો કે આ રીતે જાણકારી પાકિસ્તાનને આપવાથી ભારતે વાયુસેનાનાં કેટલાં વિમાન ખોયાં? રાહુલ ગાંધીએ એ વીડિયો ટાંકતાં કહ્યું કે એમાં જયશંકર એવું કહેતાં દેખાય છે કે અમે સેના પર નહીં, પણ આતંકી ઢાંચા પર હુમલો કરી રહ્યા છીએ. એક વાત સ્પષ્ટ છે કે પહેલગામમાં હુમલાખોરો વરદી આપીને આવ્યા ન હતા, તો પાકિસ્તાનને હુમલા પહેલાં કે પછી જાણ કરવાની જરૂર ન હતી. ભારત સેના પર નહીં, આતંકી થાણાં પર હુમલો કરે તો પાકિસ્તાન ભારતીય સેના કે રહેણાંકો પર હુમલો ન જ કરે એવી નીતિમત્તા પહેલેથી ધરાવતું નથી. છેલ્લી એર સ્ટ્રાઈક વખતે જમ્મુ-કાશ્મીરમાં 8 હજાર ઘરોને તેણે નિશાન બનાવ્યાં જ છે. પૂંછમાં જ 6 હજાર ઘરોને અને 7 શાળાઓને નિશાન બનાવાઈ છે. એ ખરું કે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો, પણ પાકિસ્તાન જાત પર ગયું જ નથી એવું નથી. આમ પણ ભારતના હુમલા વગર સરહદી હુમલાઓની નવાઈ નથી, એટલે પાકિસ્તાન સામે ભલમનસાઈ બતાવવાનો વિદેશ મંત્રી જયશંકરનો પ્રયત્ન પથ્થર પર પાણીથી વધારે કૈં નથી.
રાહુલ ગાંધીની એ દલીલ કે અગાઉથી જાણ કરવાથી પાકિસ્તાનને તૈયારીનો સમય મળી ગયો, એમાં વજૂદ નથી. આમ પણ પહેલગામ હુમલા પછી ભારતે તરત હુમલો કર્યો નથી ને પાકિસ્તાનને એ અંદેશો હતો જ કે આતંકી હુમલા પછી ભારત શાંત નહીં રહે, એટલે એ ભારત હુમલો કરે પછી જ તૈયારીમાં લાગે એવું નથી. એ કાયમ તૈયારીમાં જ હોય છે. તૈયારી ન હોય તો અણુ હુમલાની ધમકી આપીને કે આતંકી હુમલાઓ કરાવીને તે ભારતને ઉશ્કેરવાનું ન જ કરે.
એ દુ:ખદ છે કે પાકિસ્તાનને તૈયારીનો સમય ભારતે આપ્યો એ વાતે રાહુલ ટસના મસ થતા નથી, એટલું જ નહીં, પાર્ટી પ્રવક્તા પવન ખેરાએ તો વિદેશ મંત્રી જયશંકર પર અગાઉથી પાકિસ્તાનને માહિતી આપી દેવાની વાતે ‘મુખબિરી’નો આરોપ મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકીઓને બચાવવાનું કામ કર્યું છે. આવી હરકતોનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની મીડિયાએ તેને પોતાની ફેવરમાં ગણીને વટાવી ખાધું. આટલું થવા છતાં કાઁગ્રેસને આમાં કશું ખોટું થયાનું લાગતું નથી. બને કે સર્વદલીય ડેલિગેશન માટે કાઁગ્રેસે આપેલાં નામો અવગણીને થરૂરની વરણી થઈ, તેની આ પ્રતિક્રિયા હોય ! એવું હોય તો શરમજનક છે.
આની સામે ભા.જ.પ.ના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કાઁગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશ મંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક અને દેશને ઉઘાડો પાડવા જેવું છે. કાઁગ્રેસ ઉપરાંત તૃણમૂલ કાઁગ્રેસનાં મંત્રી એવી વાહિયાત દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. મમતાનાં દબાણમાં સાંસદ યુસૂફ પઠાણે તો ડેલિગેશનથી જ કિનારો કરી લીધો. દેશનો દુંશ્મન બાજુ પર રહી જાય અને ભા.જ.પ. અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય નથી. આતંકી થાણાં પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને હજી સાથે જ હોય, કારણ, ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તો આવા આક્ષેપો દેશહિતની વિરુદ્ધ જાય છે ને એથી દુ:શ્મન તો નબળો પડતો નથી, પણ આબરૂ દેશની દાવ પર લાગે છે, એ કહેવું પડે એ દુ:ખદ છે. એ પણ કહેવું પડશે કે કોઈ પણ સંજોગોમાં રાજનીતિ એવી ન હોવી જોઈએ, જે દેશહિતની વિરુદ્ધ હોય? દરેક પક્ષોએ પોતાને પ્રમાણિકતાથી, સોગંદપૂર્વક પૂછવું જોઈએ કે વર્તમાન સંજોગોમાં જે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનું વાતાવરણ ઊભું થયું છે, તેનાથી દેશનું કોઈ હિત સધાય છે ખરું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2025