એક કાવ્યનું નવ-સંસ્કરણ :
નેવુંમે વર્ષે • દીપક બારડોલીકર
નેવું થયાં
હા, નેવું થયાં છે.
અને
આ જીવનસેતુ તળેથી
વહી ગયાં છે પુષ્કળ પાણી.
ઊછળતાં પાણી
કાંઠા ફલંગતાં પાણી.
પાણી અખૂટ પદારથ
અનન્ય, અમૂલ પદારથ
‘પાણી જીવન
જીવન પાણી’
હું પણ પાણી, તું પણ પાણી
વેલી-વેલા, તરુવર પાણી
પાણીનો છે ખેલ આ દુનિયા
વન-વગડે ને ઘર ઘર પાણી
પાણીને મેં ચાહ્યાં છે
જાણ્યાં છે
માણ્યાં છે
પાણી નરદમ, હરદમ વહેણ
પાણી છે એક ગેબી કહેણ !
પાણી તો એક અદ્દભુત શક્તિ
પાણી મસ્તી
પાણી ભક્તિ
પાણી રંગ – સુગંધની છોળ
કલરવ ને કેકા તરબોળ
પાણી બાગ – બગીચા
મનમાં વસતા, રગ રગ ધસતા
મખમલિયા ગાલીચા
પાણી સૃષ્ટિનો શણગાર !
પાણી કણ કણનો આધાર !
પાણી મોતી
જાણે જ્યોતિ, અદ્દભુત દ્યૂતિ
પાણી અંદર, પાણી બાહર
પાણી સ્વર, શ્રુતિનો સંગમ
પાણી નિર્ઝર, પાણી સમદર
પાણીને ના પહોંચે કોઈ
પાણી સૌ પ્રશ્નોનો ઉત્તર !
પાણીને સહયોગે માણસ
બની જતો ઝળહળતું ફાનસ
ખેંચે અંધકારની ખાલ
ખોલે નવ્ય જગતનાં દ્વાર !
સાહસ એના ચરણને ચૂમે
સિદ્ધિ એની અપેક્ષા પૂછે
પાણીનો સહયોગ હતો કે
જીવનભર મેં કરી કવિતા
છલકાવી છે શબ્દસરિતા
ઊથલપાથલ પણ કરી મેં
સિંહો-શા સંજોગો સાથે બાથ ભરી મેં
ચઢ્યો તો હું પછડાયો પણ
ને લોહીમાં ખરડાયો પણ
તો ય, વળી કળ ને હું પાછો
સિંહની સામે સિંહ થયો છું
આકરી એવી ભીંસ થયો છું
પણ હવે તો થયાં છે નેવું
અને કહ્યું છે કોકે એવું
કે ચઢે નહીં −
નેવનાં પાણી પાછાં મોભે !
તો વળી આ
ભીતર કોઈ કહે છે આમ
હામ પકડ, ભૈ, હામ
હું પણ પાણી, તું પણ પાણી
પાણી તો આકાશે ઊડે
પૂરવ ને પચ્છમમાં ઘૂમે
કાળી ઘટાઓના જંગલમાં નાખે ત્રાડ
જાણે કો વીફરેલો વાઘ !
પાણી ઝબક – ઝબૂકતો સાદ
સુખનો સ્વાદ
નભપરસાદ
ઝીલો ઝીલો રે વરસાદ
મીઠો મીઠો રે વરસાદ
પાણી બંબાકાર !
પાણી અપરંપાર !
પાણી ધસમસ પૂર
જાણે રણમાં કોઈ શૂર
ધરતીના કણ કણને ઢૂંઢે
પાણી તો પાતાળે પૂગે
પાણી માટીની મગદૂર
જાણે ચેતનઘટ ભરપૂર
ના, પાણી રોકાય નહીં
ના, પાણી ખોવાય નહીં
પછી ભલે ને
થાય એ નેવું કે નવ્વાણું !
[નવેમ્બર 2015]