
રમેશ ઓઝા
આજે ખ્રિસ્તી (કેથલિક) ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ વિષે લખવાનો ઈરાદો હતો, જેમનું ૨૧મી એપ્રિલે નિધન થયું. આ એક એવા ધર્મગુરુ હતા જે શુદ્ધ માણસાઈની વાત કરતા હતા અને એ પણ ધર્મગુરુ હોવા છતાં. ધર્મનાં બે પાસાં છે. એક આધ્યાત્મિક અને બીજુ ઓળખકેન્દ્રી સંખ્યાકીય. ધર્મનું પહેલું આધ્યાત્મિક પાસું માણસને જાત ભૂલાવી દે છે ત્યાં બાહ્ય ઓળખ અને તેનાં દ્વન્દ્વ તો બહુ દૂરની વાત છે. બીજાં પાસાંથી તો તમે સારી રીતે પરિચિત છો અને આજકાલ છાશવારે તેનો અનુભવ થઈ રહ્યો છે. પહેલગામમાં આનો અનુભવ થયો. ત્રાસવાદીઓએ નામ પૂછીને, પુરુષોનાં કપડાં ઉતારાવીને ૨૮ જણની હત્યા કરી. હત્યા કરનારાઓ કયા ધર્મના હતા અને જેની હત્યા કરવામાં આવી એ કયા ધર્મના હતા એ વિષે ફોડ પાડવાની જરૂર નથી, કારણ કે આખી રમત ધાર્મિક ઓળખની અને વેર વાળવાની હતી.
પોપ ફ્રાન્સીસને ધર્મનો આ ચહેરો ઈશુના અપરાધ જેવો લાગ્યો હતો અને એટલે તેમણે ધર્મના નામે તેમ જ ધર્મ આધારિત કહેવાતી મહાન સંસ્કૃતિના નામે કરવામાં આવતી “બીજા”ઓની સતામણી અકળાવનારી લાગતી હતી. પોપ પેલેસ્ટાઇનના પક્ષે, સમલિંગીઓના પક્ષે, ગરીબોના પક્ષે, સ્ત્રીઓના પક્ષે અને સમાજના તમામ દુબળા વર્ગની પડખે ઊભા રહેતા હતા. આજકાલના ધર્મગુરુની જમાતમાં નોખા પડે. સરેરાશ ધર્મગુરુ ઈશ્વરના બંદા નથી, ઈશ્વરના અપરાધી છે અને અનુયાયીઓ પાસે અપરાધ કરાવે છે. અને હવે તો ઓળખ આધારિત રાજકારણ કરનારા નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે ધરી રચાઈ છે.
પણ કોણે કહ્યું કે ઈશ્વરના પ્યારા બંદા બનવા માટે પોપ ફ્રાન્સીસ જેવા પ્રતિષ્ઠિત હોવું જરૂરી છે? પહેલગામનો ઘોડાવાળો સૈયદ આદિલ હુસૈન શાહ સાચો મુસલમાન નીવડ્યો કારણ કે એ સાચો માનવી હતો. તેણે ત્રાસવાદીઓને પડકાર્યા હતા, તેમાંના એકની રાઈફલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો, લોકોને તેમનો ધર્મ જોયા વિના બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાટામાં પોતાનાં પ્રાણ આપી દીધા હતા. કોમવાદી મુસલમાનોને માણસાઈ ધરાવનારો મુસલમાન ખપતો નથી. કોમવાદી હિંદુને માણસાઈ ધરાવનારો હિંદુ ખપતો નથી. આવું જ ખ્રિસ્તી અને બીજા ધર્મોના કોમવાદીઓનું. તેઓ તેમની અન્ય કોમના કોમવાદીઓ સાથેની પરસ્પર રમતમાં વિઘ્ન નાખે છે અને કોમવાદીઓને તે નડે છે.
પહેલગામમાં હિંસા કરનારા ત્રાસવાદીઓએ ધર્મ પૂછીને હત્યાઓ એટલા સારુ કરી કે સામેથી આવો જ પ્રતિસાદ મળે અને મળી પણ રહ્યો છે. માતમ કરનારાઓ એવી રીતે માતમ કરે કે એમાંથી વેર વાળવાની પ્રેરણા મળે અને વેરને ન્યાયી ઠેરવવાની વૃત્તિ જાગે. પ્રજામાં ધાર્મિક વિગ્રહ પેદા કરવા માટે ઓળખના આધારે હિંસા કરવી જરૂરી હોય છે. બન્ને પક્ષ એક જ લડાઈ લડતા હોય છે. ભારતમાં ગોદી મીડિયાએ અને સાયબર સેલે આ છેડાની રમત રમવાનું શરૂ કરી દીધું છે.
પણ કેટલાક સવાલો ઉપસ્થિત થાય છે.
પહેલો સવાલ એ કે આ હુમલો કર્યો કોણે? એમ લાગે છે કે આમાં પાકિસ્તાનનો સીધો અને સીધો નહીં તો આડકતરો હાથ છે. કાશ્મીરી ત્રાસવાદીઓનું આ કૃત્ય નથી. પહેલી વાત તો એ કે કાશ્મીરીઓએ હિંસા કરી હોય એવી અનેક ઘટના બની છે, પણ આવા બર્બર ત્રાસવાદનો માર્ગ હજુ સુધી તેમણે અપનાવ્યો નથી. એમાં પણ કાશ્મીર બહારના નાગરિકો(ટુરિસ્ટો)ને નિશાન બનાવ્યા હોય એવું છેલ્લા ત્રણ દાયકામાં જોવા મળ્યું નથી. આ સિવાય કાશ્મીરની ખીણમાં આવકનાં બે જ મોટાં સાધન છે. પહેલા ક્રમે ફળફળાદિ અને એ પછી પર્યટન. જો ટુરિસ્ટો આવતા બંધ થાય તો કાશ્મીરના લોકોને બે ટંકનો રોટલો રળવો મુશ્કેલ થઈ જાય એ કાશ્મીરીઓ ન જાણતા હોય એવું બને ખરું?
બીજું પાકિસ્તાનના ત્રાસવાદી જૂથે જવાબદારી પણ સ્વીકારી છે. આ ઉપરાંત પાકિસ્તાનની અત્યારની હાલત એટલી નાજૂક છે કે તેને પોતાની ત્યાંની પ્રજાનું ધ્યાન કાશ્મીર તરફ વાળવા માટે કારણ પણ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે અને આંતર્રાષ્ટ્રીય નાણાં નિધિની સહાયે તેને ટકાવી રાખ્યું છે. બલુચિસ્તાનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે મોટા પાયે અલગતાવાદી આંદોલન થઈ શકે એમ છે. પાકિસ્તાન બહુ ખરાબ સ્થિતિમાં છે અને તેમાં દુનિયામાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટ્રમ્પ માટે પાકિસ્તાન રતિભાર પણ મહત્ત્વ ધરાવતું નથી.
ગયા અઠવાડિયે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે પાકિસ્તાનની પ્રજાને કાશ્મીરની યાદ અપાવી હતી. તેમણે કાશ્મીરને પાકિસ્તાનની કંઠનળી તરીકે ઓળખાવ્યું હતું જેના દ્વારા પાકિસ્તાનને સિંધુ, જેલમ અને રાવી નદીનું પાણી મળે છે. તેમણે કહ્યું હતું કે તેઓ કશ્મીરની બહાદુર પ્રજાની સ્વતંત્રતા માટેની લડતમાં તેમની સાથે છે. એ નિવેદન પછી એક સપ્તાહની અંદર આ ઘટના બની.
ભારત શું વળતાં પગલાં લેશે એનાં હજુ સુધી કોઈ સંકેત મળ્યાં નથી, પણ ભારત જે કોઈ પગલાં લેશે તે વાજબી ગણાશે અને જાગતિક સમાજનો તેને ટેકો મળવાનો છે. આશા રાખીએ કે પાકિસ્તાનને ધડો મળે એવું કોઈક નજરે પડે એવું કદમ ભારત સરકાર લેશે.
પણ એકબે સવાલ ભારત સરકાર માટે પણ છે. પહેલગામ ભારત-પાકિસ્તાન બોર્ડર(લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ)થી અઢીસો કિલોમીટર દૂર છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ એટલે અંદર સુધી આવ્યા અને સફળતાપૂર્વક હુમલો કરીને જતા પણ રહ્યા? આવું કેવી રીતે બને? આપણને તો કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીની કૃતનિશ્ચયી સરકારે પાકિસ્તાન સાથેની સરહદ કાંટાની તાર દ્વારા જડબેસલાક બંધ કરી દીધી છે અને ચોવીસે કલાક પહેરો છે. ત્રાસવાદી તો ઠીક, પશુ પણ આવી શકે એમ નથી. ત્રાસવાદીઓ શસ્ત્રો સાથે અઢીસો કિલોમીટર દૂર સુધી આવે અને જતા રહે અને ગુપ્તચર ખાતાને કોઈ જાણકારી ન હોય કે માર્ગમાં સલામતી દળોનો ભેટો પણ ન થાય એ તો ગજબ છે.
બીજું કાશ્મીરની ખીણમાં અલગ અલગ સલામતી દળોના લગભગ ત્રણ લાખ જવાનો ફરજ પર છે. દર ૨૫ કાશ્મીરીએ એક જવાન. એવું કેમ બન્યું કે પહેલગામમાં જ્યાં આ ઘટના બની ત્યાં કોઈ નહોતું? બે કલાક સુધી કોઈ નહોતું. આ કઈ પ્રકારની સલામતી? ભારતની પ્રજાને તો કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે, જોઈએ એવી સલામતીની વ્યવસ્થા છે, ડરવાની જરૂર નથી અને લોકો કાશ્મીર જઈ શકે છે.
તમને યાદ હશે કે ૨૦૧૯માં પુલવામાં પણ આવું જ બન્યું હતું. પુલવામાં એલ.ઓ.સી.થી દોઢસો કિલોમીટર અંદર છે. દોઢસો કિલોમીટર અંદર ત્રાસવાદીઓ ૩૦૦ કિલો આર.ડી.એક્સ. સાથે ઘૂસે અને લશ્કરી કાફલા સાથે પોતાની ગાડી અથડાવે એ ઝટ ગળે ન ઉતરે એવી ઘટના હતી. તો પછી વધારે શક્તિશાળી કોણ? ભારત સરકાર અને તેનું લશ્કર કે ત્રાસવાદી?
ભારત સરકારે આ પ્રશ્નોના જવાબ ૨૦૧૯માં નહોતા આપ્યા. આજ સુધી નથી આપ્યા અને આના જવાબ પણ મળવાના નથી.
બાકી તો મથરાવટી મેલી હોય તો ભાતભાતની વાતો થાય અને થવા માંડી પણ છે. આમાં દુઃખ એક જ વાતનું છે કે ભારતના સલામતી જવાનોની ઈમેજ ખરડાય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઍપ્રિલ 2025