એકતાની તાકાત …

રાજ ગોસ્વામી
એક પરિવારમાં ચાર દીકરાઓ વચ્ચે કાયમ ઝઘડો ચાલતો હતો. પિતાએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી નહોતી.
વર્ષો વીતી ગયાં. પિતા બીમાર થઈને મરણ પથારીએ પડ્યા. તેમણે ઘણું કહ્યું કે તેના મર્યા પછી એક નહીં રહો તો ઘર તૂટી જશે. પુત્રોએ ત્યારે પણ વાત ન ગણકારી.
પિતાએ હવે પાઠ ભણાવાનું નક્કી કર્યું.
તેમણે ચારે દીકરાઓને બોલાવ્યા અને દરેકને દસ લાકડીઓનો ભારો આપીને કહ્યું કે તમારે આમાંથી દરેક લાકડીને તોડીને બે કટકા કરવાના છે. જે સૌથી પહેલાં બધી લાકડીઓને તોડશે તેને હું મારી સંપત્તિ આપીશ.
છોકરાઓએ તાબડતોબ દસે દસ લાકડીઓને તોડી નાખી અને કોણ પહેલું આવ્યું તેને લઈને ઝઘડવા લાગ્યા.
પિતાએ વચ્ચે પડીને કહ્યું કે હજુ પરીક્ષા પૂરી નથી થઇ – હું તમને હવે દસ લાકડીઓનો બીજો એક ભારો આપું છું, તમારે લાકડીઓ છૂટી પાડ્યા વગર આખા ભારાને બે ટુકડા કરવાના છે.
છોકરાઓ ઘણું મથ્યા પણ એકેનાથી ભારો તૂટી ના શક્યો.
પિતાએ કહ્યું – જોયું! છૂટી લાકડીઓને તમે આસાનીથી તોડી શક્યા પણ તે ભારામાં હતી તો તમે તેની છાલ પણ ઉકેલી ન શક્યા. તમારું પણ એવું જ છે. છૂટા રહ્યા તો તૂટી જશો, એક હશો તો મજબૂત રહેશો.
——————————-
અમેરિકા (અને દુનિયાભરમાં) અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ધામધૂમ ચાલી રહી છે. અમેરિકાનાં ‘ગીરવે’ મુકાયેલાં હિતોને પાછાં ચલણમાં લાવવાની પૂરજોશ કવાયત કરી રહી રહેલા ટ્રમ્પ ઘર આંગણે અને વૈશ્વિક સ્તરે ‘જૂની’ નીતિઓ, નિયમો અને રિવાજોને ભડાકે દઈ રહ્યા છે અને ‘અમેરિકા ફર્સ્ટ’ની વ્યવસ્થા માટે નવી ઇંટો મૂકી રહ્યા છે.
તેમના આ ધૂમધડાકામાં કવર ફાયરિંગ કરી રહ્યા છે જેડી વેંસ, ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ. ટ્રમ્પે જ્યારે વેંસને તેમના ડેપ્યુટી તરીકે પસંદ કર્યા ત્યારે ભારતને, લોકોને તેમની પત્ની ઉષા ચિલુકુરીના કારણે વેંસમાં રસ પડ્યો હતો.
ઉષાનાં માતા-પિતા ભારતમાંથી અમેરિકા સ્થળાંતર કરીને આવ્યાં હતાં. તે સાન ડિએગોમાં ઉછરી હતી. ઉષા અને વેંસની મુલાકાત 2013માં યેલ યુનિવર્સિટીમાં થઈ હતી. બંનેએ 2014માં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રો ઇવાન અને વિવેક, અને એક પુત્રી મિરાબેલ છે.
આમ તો દેશ-દુનિયાનું પૂરું ધ્યાન ટ્રમ્પ પર જ ખોડાયેલું છે, પણ તેમના પડછાયાની જેમ કામ કરતા આ જેડી વેંસ પણ એક દિલચસ્પ શખ્સિયત છે. કદાચ ટ્રમ્પ કરતાં પણ વધુ.
એક રીતે ટ્રમ્પની કહાનીમાં જો કોઈ બોધપાઠ લેવો હોય તો એ જ કે કોઈ બોધપાઠ લેવો ના જોઈએ. તેમની સરખામણીમાં જેડી વેંસની જીવનકથા કહે છે કે માણસ ધારે તો તેના પ્રતિકૂળ સંજોગોની બાવજૂદ પોતાનો રસ્તો ખુદ બનાવી શકે છે.
2000ની સાલમાં જો કોઈએ તેમને કહ્યું હોત કે તેઓ એક દિવસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનશે, તો વેંસે તેને મજાક ગણીને હસી કાઢ્યું હોત, પરંતુ આજે તેઓ એ સ્થાન પર શાનથી બેઠા છે એટલું જ નહીં, એવી પૂરી સંભાવનાઓ છે કે તેઓ ટ્રમ્પનો ‘વારસો’ ચાલુ રાખવા માટે ચાર વર્ષ પછી રાષ્ટ્રપતિપદ માટે પણ દાવો કરે.
વેંસ અનેક પારિવારિક ઊથલપાથલ વચ્ચે અહીં પહોંચ્યા છે. વ્યક્તિના જીવનમાં પરિવારનું મહત્ત્વ મોટું હોય છે, હકારાત્મક રીતે અને નકારાત્મક રીતે. એક તરફ તેમની માતા વેંસના જીવનમાં વિધ્વંસ બનીને આવી હતી, તો બીજી તરફ તેમની નાની ફરિસ્તા બનીને આવી હતી.
તેમણે તેમના જીવન પર 2016માં ‘હિલબિલી એલીજી’ નામનું એક સંસ્મરણ લખ્યું હતું. હિલબિલી એટલે અમેરિકાના કેંટુકી-ઓહાયોમાં એપલચિયન નામનો પર્વતીય મજદૂર સમુદાય. આ અમેરિકાનો સૌથી પછાત અને ગરીબ પ્રદેશ છે.
હિલબિલી એક રીતે ગાળ તરીકે વપરાય છે. તેનો અર્થ થાય છે ગામડિયો, અભણ અને ગંદો-ગોબરો માણસ. એલીજીનો અર્થ થાય છે કોઈ વ્યક્તિના મૃત્ય પછીનો વિલાપ, એક શોકગીત. આ પુસ્તક એક ગામડિયાનું શોકગીત છે.
જે.ડી. વેંસે આ આત્મકથામાં તેમના બાળપણથી જવાની સુધીના જીવનની બેવડી વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું; એક તરફ તેમને તેમના પછાત પણ મજબૂત સામાજિક બેકગ્રાઉન્ડનો ગર્વ છે અને બીજી તરફ એ સમાજના આર્થિક પતન, માણસોનાં વ્યસનો અને પરિવારોના વિખરાઈ જવાનો માતમ છે. ‘હિલબિલી એલીજી’ ઓહાયોના વર્કિંગ-ક્લાસ સમુદાયની સમસ્યાઓ અને અમેરિકન ગ્રામીણ જીવનની કઠણાઈઓને ઉજાગર કરતી આત્મકથા છે.
જેમ્સ ડેવિડ બોમન ઉર્ફે જે.ડી. વેંસનો જન્મ ઓહાયોમાં થયો હતો. વેંસની માતા બેવર્લી વેબ એઇકિન્સે પાંચ વખત લગ્ન કર્યાં હતાં. બેવર્લી એક નર્સ હતી, અને તેને પ્રિસ્ક્રિપ્શન દવાઓ મળતી હતી. ખરાબ લોકોની સંગત કહો કે ખરાબ સંજોગોની પીડા, તે ધીમે ધીમે નશીલા પદાર્થોની વ્યસની બની ગઈ હતી. તેઓ લખે છે કે માતાના વ્યસનનો ગાળો તેમના જીવનનાં સૌથી મુશ્કેલ વર્ષો હતાં. તેઓ કહે છે કે વ્યસન પરિવારમાંથી કંઈક એવું છીનવી લે છે, જેની ભરપાઈ થઇ શકતી નથી.
વેંસ 12 વર્ષના હતા, ત્યારે બેવર્લીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ લખે છે, ‘હું ખૂબ જ દુઃખી હતો અને ખૂબ જ એકલતા અનુભવતો હતો. હું એ જ પોલીસની ક્રુઝર કારની પાછળ બેઠો હતો, જેમણે મારી માતાની ધરપકડ કરી હતી.’ બેવર્લીની આવી હરકતો પછી જ તેમને નાના-નાની પાસે મુકવામાં આવ્યા હતા. જે.ડી.નો ઉછેર નાના-નાનીએ કર્યો હતો. વેંસ તેમને જ મમ્મી-ડેડી કહીને મોટા થયા હતા.
આવા અસ્થિર જીવનના કારણે જ ઓહાયોની મિડલટાઉન હાઈસ્કૂલમાં પૂરી કરીને કોલેજમાં જવાને બદલે તેઓ 2003માં યુ.એસ. મરિન કોર્પ્સમાં ભરતી થઇ ગયા હતા. તેના સૈનિક તરીકે તેમને ઈરાકમાં કામ કરવા મળ્યું હતું.
તે અનુભવે તેમને શિસ્ત, નેતૃત્વ અને સ્થિતિસ્થાપકતા શીખવી હતી – એ એવા ગુણો હતા જે પાછળથી તેમને લો સ્કૂલ અને રાજકારણ બંનેમાં સારી રીતે કામ લાગવાના હતા. ગામડાંની માનસિકતામાંથી બહાર આવવામાં પણ આ જ અનુભવ તેમને કામ આવ્યો હતો અને તેમણે ઉચ્ચ અભ્યાસ માટે મન બનાવ્યું હતું.
લશ્કરી સેવા પૂર્ણ કર્યા પછી, વેંસે 2007માં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, અને અહીંથી તેમનું જીવન બહેતર થવા લાગ્યું હતું. અહીં તેઓ એક શ્રેષ્ઠ વિધાર્થી તરીકે સાબિત થયા હતા. 2010માં, તેમને અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત યેલ લો સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. ઉષાનો ભેટો પણ અહીં જ થયો હતો.
લોમાં ગ્રેજ્યુએટ થયા પછી, વેંસ કોર્પોરેટ લોની નોકરીમાં જોડાઈ ગયા હોત અને એક સ્થિર પગારવાળું જીવન જીવી શક્યા હોત, પરંતુ 2016માં તેમણે તેમની આત્મકથા ‘હિલબિલી એલીજી’ લખવાનું નક્કી કર્યું.
પુસ્તક બેસ્ટસેલર સાબિત થયું એટલું જ નહીં, તેની લોકપ્રિયયતા વેંસને જાહેર જીવનના ક્ષેત્રમાં લઇ ગઈ. એ પછી – અંગ્રેજીમાં કહે છે તેમ – જે.ડી. વેંસે પાછળ વળીને ના જોયું. 2020માં, આ પુસ્તક પરથી એ જ નામની એક એવોર્ડ વિજેતા ફિલ્મ પણ બની હતી. તે નેટફ્લિક્સ પર, હિન્દી ઓડિયો સાથે, ઉપલબ્ધ છે.
દરિયાઈ યાત્રા માટે કહેવાય છે કે આજુબાજુ પાણી હોય છે એટલે જહાજો નથી ડૂબતાં, જહાજો ત્યારે ડૂબે છે જ્યારે પાણી તેની અંદર ભરાઈ જાય છે. આપણી આજુબાજુમાં જે ઘટતું હોય, તેના ભારથી આપણે દબાઈ ન જવું. તોફાનોમાં ટકી રહેવાનું ધૈર્ય અને દૃઢતા જ કામ આવે છે. જે.ડી. વેંસ તેનું ઉદાહરણ છે.
તેમના જીવન સંઘર્ષમાંથી પાંચ ચીજો શીખવા જેવી છે :
૧. ‘હિલબિલી એલીજી’ પુસ્તક અને ફિલ્મમાં એક મહત્ત્વની વાત સમજવા જેવી એ છે કે ગમે તેવી આકરી પરિસ્થિતિમાં શિક્ષણની તાકાત જબરદસ્ત છે. વેંસ કહે છે કે ઘરમાં ડ્રગ્સ, હિંસા, ડિપ્રેશન અને તૂટેલા સંબંધોનો હતાશાજનક માહોલ હતો, તેમ છતાં તેમણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત રાખ્યું એટલે તેમના માટે મરિન કોર્પ્સ, ઓહાયો વિશ્વવિદ્યાલય અને યેલ વિશ્વવિદ્યાલયના દરવાજા ખુલી ગયા હતા.
૨. વેંસની કહાની લવચીકતા(સ્થિતિસ્થાપકતા)નું ઉત્તમ ઉદાહરણ છે. વેંસ બાળપણ અને યુવાનીમાં ઘર-સમાજની અનેક મુસીબતોનો સામનો કર્યો હતો, તેમાં છતાં તે તેનો ભોગ બનીને તૂટી ગયા નહોતા. તેઓ કહે છે કે તે હિંસા વચ્ચે પણ સ્થિર રહી શક્યા તે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
૩. પરિવારનું કેટલું મહત્ત્વ છે તે વેંસથી વધુ સારી રીતે કોણ જાણે! તેમનાં નાના-નાનીએ જો તે અણીનાં વર્ષોમાં તેમની સંભાળ ન રાખી હોત, તો વેંસ કાં તો ચોરી-ચપાટીમાં પડીને અપરાધી બની ગયા હોત કે પછી નશેડી બનીને બરબાદ થઇ ગયા હોત.
૪. કોઇપણ પરિસ્થિતિમાં આત્મ-નિર્ભરતા સૌથી કારગત શસ્ત્ર હોય છે. માણસે ભાવનાત્મક રીતે અને ભૌતિક રીતે જો સ્વતંત્ર રીતે જવાબદાર ન હોય તો તેને બીજા લોકોના ગુલામ થઇને રહેવું પડે છે. તેમની ગરીબી અને હતાશા માટે અનેક સામાજિક કારણો જવાબદાર હતાં, પરંતુ વેંસને બહુ વહેલાં એ ખબર પડી ગઈ હતી કે સંજોગો કે માણસોનો દોષ કાઢવાથી કોઈ ફાયદો નહીં થાય. તેમણે જ તેમના જીવનની કમાન સંભળાવી પડશે.
૫. ગરીબીમાંથી ઉભરવાનો એક માત્ર ઉપાય એ છે કે પૈસાની બચત અને કરકસર કરતાં આવડવું જોઈએ. તેમણે બેરોજગાર માતા અને વૃદ્ધ નાના-નાનીના ઘરની હાલત જોઇને એક બાબત સમજી લીધી હતી કે પછેડી જોઈને જ સોડ તાણવી પડશે અને આવનારા દિવસોનું આયોજન આજે જ કરવું પડશે. વેંસ આ નીતિના કારણે જ તેમના વિદ્યાર્થી કાળને કાર્યક્ષમ રીતે જીવી શક્યા હતા.
(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 05 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર