અમારા તણછા ગામનું યુવક મંડળ ગામસફાઈ, ગામ રચના, વ્યસનમુક્તિ, ગ્રામરક્ષણના રચનાત્મક કાર્યક્રમો અને નાટકો ભજવવાનું કામ કરે. તણછા યુવક મંડળનો આમોદ તાલુકામાં પ્રભાવ ઊભો થતાં તણછાએ આદર્શ ગામ તરીકેની ખ્યાતિ મેળવી. નાટક પ્રવૃત્તિના દિગ્દર્શક સ્વ. હિંમતસિંહ રાજ અને સહાયક દિગ્દર્શક તરીકે હું હતો.
તા. ૧-૫-૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જુદુ થયું. તેનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું. અને ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થયા.
જે તે વખતના આમોદ તાલુકાના મામલતદારશ્રીએ યુવકમંડળને કહેણ મોકલાવ્યું કે તા. ૧-૫-૧૯૬૦ના રોજ આમોદ તિલક મેદાનમાં તમારે નાટકનો સાંસ્કૃિતક કાર્યક્રમ કરવાનો છે. સરકાર તરફથી યુવક મંડળને રૂ. ૨૦૦/- મળશે. અમે હા પાડી. મામલતદારશ્રીએ તાલુકાના ગામોમાં જાહેરાત કરી. અમારી માંગણી મુજબનુ સ્ટેજ તૈયાર થયું.
તે દરમિયાન એક અફવા ફેલાવવામાં આવી કે આમોદ ગામમાં યુવક મંડળ છે. તેને મામલતદારે નાટક કરવાનું ના કહ્યું અને તણછા યુવક મંડળને કહ્યું તેથી નાટકના કાર્યક્રમો વખતે વિરોધ વ્યક્ત કરીશું અને શ્રોતાઓમાં ભય ઊભો કરીશું, તેમ છતાં અમોએ મામલતદારશ્રીને બાંહેધરી આપી કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ નાટક ભજવીશું જ. નાટક હતું ‘મોતી બહારવટિયો’ ગામડાનાં સ્થાપિત હિતોનો હાથો બનેલા મોતીએ લૂટફાટ ધાક-ધમકી અને ખૂનોની પરંપરા ચાલુ કરી, વિસ્તારમાં આતંક ફેલાવ્યો. એ નાટકમાં મોતી બહારવટિયાનું મુખ્ય પાત્ર મારું હતું તાલુકા સ્થળે પાંચ હજાર ભાઈ-બહેનો વચ્ચે નાટક-ગરબા, પ્રદર્શન, દેશભક્તિ ગીતોના કાર્યક્રમો પૂરા થયા. લોકો ખુશ થયા. તાળીઓના ગડગડાટ સતત ગુંજતા રહ્યા.
આમોદ, તાલુકાનું મોટું બજાર અને સરકારી, અર્ધસરકારી, સહકારી બેંકોના કામે અવાર-નવાર જવાનું થાય. ત્યારે મને જોઈને બજારના વેપારીમિત્રો કહે ‘અલ્યા! દુકાનો બંધ કરો, પેલો મોતી બહારવટિયો બદરી આવ્યો છે. આમ પ્રત્યક્ષ ભજવાઈ ગયેલા નાટકનો પ્રતિભાવ વ્યક્ત કરતા.
૧૯૬૭માં હું તણછા ગ્રામપંચાયતનો પાંચ વર્ષ માટે બિનહરીફ સરપંચ બન્યો. તે સમયમાં ૧૯૬૭થી ૧૯૭૨માં વડનગરના સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોશી અને અમદાવાદના અંબાલાલ શાહ ભૂદાન અને ગ્રામસ્વરાજના વિચારપ્રચારના રચનાત્મક કામો કરવા આવતા. (આમોદ-વાગરા જંબુસર અને ભરૂચ તાલુકામાં) તેઓની સાથે ગામે ગામ જતો. ગૃપચર્ચાઓ અને સભાઓ થતી રહી. સર્વોદય વિચાર, ગ્રામસ્વરાજનું પ્રશિક્ષણ સારુ એવું થયું. તે દરમિયાન આમોદ તાલુકાના બાજુના આદિવાસી ગામો રાણીપુર, કાંકરિયા, વાડિયા, ભીમપુરામાં ગયા ત્યારે જાણવા મળ્યું કે આદિવાસી, નાના સીમાંત ખેડૂતોની જમીનો આમોદના વહેપારીઓને ત્યાં ગીરો હતી. સ્ટેમ્પ પર ગીરોખત કરેલા અને ગાંધી કરિયાણા, કાપડ વગેરેના વેપારીઓએ સો-બસો રૂપિયાનું ઉધાર આપેલું તેના વ્યાજના બદલામાં તેમની જમીનો લઈ વેપારીઓ પોતે ખેડે, આવું ઘણાં વર્ષોથી ચાલે. જેથી જમીનવિહોણા થયેલા ખેડૂતો ખેતમજૂરી અને ચોરીચપાટી કરતા. આ માહિતી જાણ્યા પછી લેણદાર-દેવાદાર વચ્ચેની રકમની યાદી બનાવી લેણદાર વેપારીઓને મળ્યા અને સમજાવ્યાઃ તમોએ ઘણાં વર્ષોથી જમીનની ઉપજ લીધી છે. આદિવાસી ખેડૂતો છે. કોઈ પણ વળતર વગર જમીનો પાછી આપી દો, તો અમારે ખરેખર મોતી બહારવટિયાનો ખેલ કરવો ન પડે! ડૉ. દ્વારકાદાસ જોષીની લાગણીસભર વાત કરવાની રીતથી બધા લેણદારો સમજ્યા અને દસ્તાવેજો ફાડી જમીનો જે તે આદિવાસી ખેડૂત મિત્રોને પાછી આપી.
ડૉ. દ્વારકાદાસ જોશીની સમન્વયકારી ભૂમિકા અને મોતી બહારવટિયા નાટકથી ઊભા થયેલા પ્રભાવથી અને પાયાનું રચનાત્મક હૃદયપરિવર્તનનું કામ થયું. મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ગરીબ આદિવાસી ખેડૂતોને જમીન પરત મળી.
આ એક વિસરાઈ ગયેલો મહત્ત્વનો પ્રસંગ યાદ આવ્યો જેથી મિત્રોની જાણકારી માટે પ્રગટ કર્યો છે.
તણછા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 19