એમ વિચારવું સહેલું છે કે ISIS એ કોઈ મધ્યયુગીન કૅન્સર છે જેણે આજના જમાનામાં અચાનક ક્યાંકથી માથું ઊંચક્યું છે. દુનિયાની બાકીની પ્રજા જ્યારે સુખચેનથી જીવવા મથી રહી છે, ત્યારે આ સાવ અવળી દિશામાં ચાલતું, પ્રતિગામી વિચારને વળગેલું ભૂત આખી દુનિયાને ભસ્મ કરવા ઊઠ્યું છે.
પણ એમના ‘ભગવાનને નામે તો નહીં જઃ ધાર્મિક ક્રૂરતાના વિરોધમાં’ નામના પુસ્તકમાં તેજસ્વી યહૂદી ધર્મગુરુ (રેબાઈ) જોનાથન સાક્સ એવું સૂચવે છે કે ISIS તો આવતા કેટલાક દશકામાં પ્રત્યક્ષ થનારી હકીકતનો જ એક નમૂનો છે. તેઓ લખે છે કે એકવીસમી સદી એ ધર્મનિરપેક્ષતાની દ્યોતક નહીં હોય, પણ એવી નિરપેક્ષતાને ફગાવી દેનાર ધાર્મિક અથડામણોવાળી હશે.
કેટલેક અંશે જગતના ભિન્ન-ભિન્ન સામાજિક સ્તરની પ્રણાલીનો આ પ્રાદુર્ભાવ છે. ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર લોકોની વસ્તી વધતી જ જાય છે, જ્યારે નિધર્મીઓની સંખ્યા (બહુ) નથી વધતી. માઇકલ બ્લુમ નામના સંશોધકે પ્રાચીન ભારત અને ગ્રીક સંસ્કૃિતનો અભ્યાસ કરી તારવ્યું છે કે પ્રત્યેક નિધર્મી સમાજના લોકોની સંખ્યા કાયમ ઘટતી રહી છે.
મનુષ્ય પોતા આસપાસની પ્રત્યેક વાતનો અર્થબોધ શોધવા મથે છે. સાક્સ કહે છે, “આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ, જેમાં પસંદગી બેસુમાર છે પણ અર્થનો અભાવ છે.” કેટલીક વાર ધર્મને વળગી રહેનારા (ખાસ કરીને ઇસ્લામપંથીઓ) ઉગ્ર મતવાદી બને છે. આ બધું ધાર્મિક હિંસાને પ્રેરણા આપી રહ્યું છે. ૨૦૧૪ના માત્ર નવેમ્બર મહિનામાં જગતના ૧૪ દેશોમાં બધા મળી ૬૬૪ ધાર્મિક હિંસાના હુમલા થયા, જેમાં ૫,૦૪૨ લોકો માર્યા ગયા. ૧૯૮૪થી આજ સુધીમાં સુદાનમાં મુસ્લિમ હત્યારાઓને હાથે આશરે પંદર લાખ ખ્રિસ્તી માર્યા ગયા છે.
સાક્સ ભારપૂર્વક કહે છે કે ધર્મ પોતે હિંસા ફેલાવતો નથી. ‘યુદ્ધનો જ્ઞાનકોશ’ નામના પુસ્તકના લેખકો – ચાર્લ્સ ફિલિપ્સ અને એલન એક્સીલૉડ – એ ૧,૮૦૦ અથડામણનું સર્વેક્ષણ કરીને બતાવ્યું કે એમાંના ૧૦ % થી પણ ઓછામાં ધર્મ કારણભૂત છે. પરંતુ, ધર્મ જૂથબંધી પ્રેરે છે, અને જૂથબંધી પોતાના જૂથની બહારના લોકો સાથે વૈમનસ્ય પ્રેરે છે. ધર્મ ઘટ્ટ નૈતિકતાથી સંકળાયેલ સમાજ ઊભો કરે છે, પણ સાક્સ કહે છે કે એ જ ધર્મનો જ્યારે અતિરેક થાય, ત્યારે એમાંથી એવી માનસિકતા નીપજે છે, જે વિશ્વને ‘કદી ગુનેગાર ન ઠરાવી શકાય તેવા સજ્જનો’ અને ‘કદી માફ ન કરી શકાય તેવા દુર્જનો’ એવા બે ભાગમાં વહેંચી નાખે છે. આવી દ્વિધા મહેસૂસ કરનાર વિશ્વમાં ‘પોતે હડધૂત છે’ એવી લઘુતાગ્રંથિનો પોતાની સ્વધર્મ પ્રેરિત નૈતિક ઉચ્ચતા સાથે મેળ બેસાડી શકતો નથી. પરિણામે, એ ‘ખિલાફતનું પુનરુત્થાન’ કરવા જેવા કોઈક ધ્યેયનો પોતાના રાજકીય ધર્મ તરીકે અંગીકાર કરે છે. પછી, એ પોતાના આ ધ્યેયની વિરુદ્ધના સર્વનો જાણે કે પોતાની કને અંતિમ સત્ય છે એવા આવેશથી નાશ કરવા કટિબદ્ધ બને છે. સાક્સના શબ્દોમાં, આત્મસમર્પણની આ મનોવૃત્તિમાંથી જે ‘પરોપકારી નિષ્ઠુરતા’ અથવા અરાજકતાનાં કૃત્ય નીપજે છે તે આચરનાર એવું માની લે છે કે આવી નિર્દય ક્રૂરતા આચરવી એ તેમનો દૈવી અધિકાર છે.
આપણે પૅરિસમાં જે જોયું-અનુભવ્યું એ આ જ હતું.
સાક્સ સાચું જ કહે છે કે ISIS જેવા ધર્મઝનૂની લોકો સામેની લડાઈ જીતવા માટે શસ્ત્ર-સજ્જ મિલિટરી તો આવશ્યક છે જ; પણ એમની સાથે ચિરકાલીન શાંતિ તો વૈચારિક સંવાદ દ્વારા જ સાધી શકાશે. ધર્મનિરપેક્ષ વિચારધારા કે નૈતિક સાપેક્ષતા એનો અસરકારક પ્રતિકાર નહીં કરી શકે. ધાર્મિક લોકોના માનસમાં જરૂરી ફેરફાર કરવા માટે તો ધર્મશાસ્ત્રનો જ ફરી, નવેસરથી શાસ્ત્રાર્થ કરવો પડશે. એ માટે તો બાઇબલમાં, ‘અન્યમાં પણ ઈશ્વરને જોવાની’ ધર્મનીતિની જે પ્રેરણા છે એની સાચી સમજ જ આવશ્યક છે. સાક્સ પોતાના પુસ્તકમાં આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે.
બધા જ મહાન ધર્મનો આધાર પ્રેમ છે, અને એમાંથી જ માણસની સામાજિક ભૂખ સંતોષાય છે, પરંતુ પ્રેમને મર્યાદા છે. એ પસંદગી અને પોતાપણાથી મુક્ત નથી. પ્રેમમાં વેગળાપણું અને હરીફાઈ શક્ય છે. એક ધર્મપ્રણાલીના પ્રેમી માટે અન્ય પ્રણાલી અનુસરનાર પ્રત્યે સહિષ્ણુતા કેળવવી તે સહેલું નથી. બાઇબલમાં ઇશ્માએલ અને ઇઝાક, એસાઉ અને જેકબ, વગેરે ભાઈ-ભાઈ વચ્ચેના પ્રતિસ્પર્ધીપણાની અનેક કથા છે. માબાપનો અને ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવા માણસ-માણસ વચ્ચે કેવી હરીફાઈ થતી હોય છે, એ સત્યનું બાઇબલની અનેક કથામાં પ્રતિપાદન થયેલું છે. ઉપરઉપરથી જોતાં એવું લાગે છે કે બાઇબલમાં આવતી ભાઈ-ભાઈ વચ્ચેની હરીફાઈની વાતો સામાન્ય હારજીતની વાતો છે. પણ અબ્રાહમ પ્રેરિત ત્રણે ધર્મમાં વિવિધ સ્તરે, સુંદર સંદર્ભમાં ગૂંથેલી એવી વિભિન્ન પ્રણાલી છે, જે ધર્મઝનૂનીઓ માટે ભરપૂર સામગ્રી પીરસે છે.
પ્રેમ અંગેના નૈતિક સિદ્ધાંતની સાથેસાથે જ એમાં ન્યાય અંગેના નીતિ-સિદ્ધાંતને અનુસરવાનો આદેશ પણ છે. પ્રેમ વિશિષ્ટ વ્યક્તિ-લક્ષી સંવેદન છે, જ્યારે ન્યાય જગતલક્ષી વિચાર છે. પ્રેમ ઉત્કટ, તીવ્ર લાગણી ધરાવે છે. ન્યાય કોઈ પણ, લાગણીથી મુક્ત છે. ન્યાય અન્ય પ્રત્યે માનની અપેક્ષા રાખે છે. ન્યાય (વણલખ્યા) કરારબદ્ધ સમાજના લોકોની એ સામૂહિક સ્મૃિત પર આધારિત હોય છે કે એક કાળે કોઈ અપરિચિત પ્રદેશમાં આપણે સહુ પણ જોખમી અવસ્થામાં હતા.
ધર્મનો આદેશ કેવળ અજાણ્યા પ્રત્યે સમભાવ કે તાદાત્મ્ય દાખવવા પૂરતો મર્યાદિત નથી. એ તો બટકણો અને ક્ષણભંગુર નીવડી શકે. એ આદેશ તો એવી પવિત્ર સિદ્ધિ પામવાનો પ્રયત્ન કરવાની આજ્ઞા આપે છે, જેમાં પોતાની જાત સાથે સંઘર્ષ કરી પોતાની સ્વાર્થી વૃત્તિ પર વિજય મેળવવાની વાત છે. ઉપરાંત, ઈશ્વર તો ઘણીવાર આપણે કલ્પ્યું પણ ન હોય એવી જગ્યાએ – અપરિચિત વ્યક્તિના સ્વરમાં – ઉપસ્થિત થાય છે અને આપણને વિશ્વાસ કરાવે છે કે એ (ઈશ્વર) આપણી વ્યક્તિનિષ્ઠ લાગણીથી પર છે.
પ્રેમ અને ન્યાય વચ્ચે સુસંગતતા સાધવાનું કપરું છે,પણ શ્રદ્ધાળુ માણસ ધર્મગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને એ સાધી શકે છે. સાક્સનું સહુથી મહત્ત્વનું પ્રદાન “ધાર્મિક ઝનૂનનો સચોટ ઉત્તર આપણને કદાચ ધર્મમાંથી જ મળશે તથા જેઓ એ સમજે છે કે ધર્મ જ્યારે સત્તાનો ત્યાગ કરે છે, ત્યારે જ એની પ્રતિભા પાંગરે છે” આ બે વાતના સમર્થ નિર્દેશનમાં છે.
આપણને કદાચ અચરજ થશે કે વ્યાવહારિક વિજ્ઞાનના આ કાળમાં, સાક્સ આપણને સૂચવે છે કે પ્રાચીન કાળના ધર્મગ્રંથોમાં શાંતિની શોધ કરવાનું શક્ય છે. પણ સાક્સ ચીંધે છે એ પ્રમાણે અબ્રાહમ પાસે કોઈ ચમત્કારી શક્તિ ન હતી, કશું સૈન્ય ન હતું, અને સામ્રાજ્ય પણ ન હતું – માત્ર શ્રદ્ધા અને વિચારપૂર્વક, જીવન જીવવાની એક નિરાળી રીત હતી.
(૧૭મી નવેમ્બર, ૨૦૧૫ ના ‘ધ ન્યુયૉર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત થયેલ ડેવિડ બ્રૂક્સના લેખનો સ્વૈર અનુવાદ, : અશોક ગોપાળરાવ વિદ્વાંસ)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 04-05