મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલિસ કમિશનરનું પૂતળું કેમ મૂકાવ્યું?
ઓપરેશન થિયેટરમાં બાવલા શેઠનો જાન બચાવવા ડો. એ. ફિડસન અને તેમના સાથીઓ જે કાંઈ કરી શકાય તે બધું કરી છૂટ્યા. પણ પછી ૧૩મી જાન્યુઆરી ૧૯૨૫ની વહેલી સવારે ડો. ફિડસન સામે ટાઈપ કરેલો એક અહેવાલ મૂકવામાં આવ્યો. પહેલાં તો આખો અહેવાલ જોઈ ગયા. પછી કાળા રંગની ફાઉન્ટન પેન ખિસ્સામાંથી કાઢી અને અહેવાલની નીચે પોતાની સહી કરી : Dr. A. Fidson. એ લાંબા અહેવાલને અંતે લખ્યું હતું :
Cause of Death: Death, in my opinion, was due to hemorrhage from gunshot injuries of liver. સહી કર્યા પછી ડોકટરે પોતાના હસ્તાક્ષરમાં નીચે તારીખ અને સમય લખ્યાં : ૧૩ જાન્યુઆરી, ૧૯૨૫, સવારે ૦૧.૧૫.
ઓપરેશન થિયેટર તૈયાર થાય ત્યાં સુધી બાવલાને બાજુના રૂમમાં પલંગ પર રાખ્યો હતો. એ વખતે એ કણસતો હતો, પણ પૂરેપૂરા ભાનમાં હતો. આ જોઈ પોલીસ સાર્જન્ટ વેટકિન્સે ડોક્ટરને પૂછ્યું : ‘હું બાવલા સાથે થોડી વાત કરી શકું?’ ડોકટરે હા પાડી. એક યુરોપિયન નર્સને બાજુમાં ઊભી રાખી અને સાર્જન્ટે પોતાના ખિસ્સામાંથી પોકેટ ડાયરી અને પેન કાઢ્યાં. સૌથી પહેલાં બાવલાએ કહ્યું : ‘હું ન બચું તો મારી સ્થાવર-જંગમ બધી જ માલમિલકત મારી માને મળશે. પણ તેમાંથી ફક્ત એક લાખ રૂપિયા મુમતાઝને આપવા.’ પછી સાર્જન્ટે પૂછ્યું : ‘તમારા પર જે હુમલો થયો તેનું કારણ તમે શું માનો છો?’ બાવાલાએ જવાબ આપ્યો : ‘આ બધું મુમતાઝને કારણે થયું છે. જેમને આ છોકરે જોઈતી હતી, તેમને મેં સોંપી નહિ એટલે તેણે અમારા પર આ હુમલો કર્યો. અને જેમણે હુમલો કર્યો તેમની પાછળ રહેલા હાથ બહુ લાંબા છે.’ બાવલાએ જે કંઈ કહ્યું તે બધું સાર્જન્ટે પોતાની પોકેટ ડાયરીમાં લખી લીધું. પછી તેની નીચે બાવલાની સહી લીધી અને સાક્ષી તરીકે યુરોપિયન નર્સની સહી લીધી. હવે બાવલાનું મૃત્યુ થયા પછી તેની આ જુબાની ‘ડાઈંગ ડેક્લરેશન’ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે.
સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો તે મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો. એટલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ લઈને વેટકિન્સ ઉપડ્યા ગામદેવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને એ સ્ટેશનના વડા ઈ.એ. ફર્નને મળીને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરાવ્યો. ૮/૧૯૨૫ નંબરવાળા આ રિપોર્ટમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન), ૩૦૭ (ઠાર મારવાના ઈરાદાથી કાતિલ હુમલો), અને ૩૬૫ (લબાડીના ઈરાદાથી અપહરણનો પ્રયત્ન) હેઠળ ગુના નોંધવામાં આવ્યા. આ મુખ્ય ગુના ઉપરાંત કલમ ૧૨૦ બ, ૧૧૪, ૧૦૯, ૫૧૧, ૩૨૬, ૩૦૨, ૩૦૭, અને ૩૬૫ હેઠળના ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ઘટના સ્થળેથી પોતે જપ્ત કરેલી જણસો પણ વેટકિન્સે ગામદેવી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી : પિસ્તોલ, ચાકુ, લાકડી, ઓટોમેટિક પિસ્તોલ, ખુકરી, છરા, બાંબુની લાકડી, બંદૂકની ગોળીઓ. આ બધું પતાવી સાર્જન્ટ વેટકિન્સ ઘરે પહોંચ્યા ત્યારે સૂરજ માથોડું ઊંચો ચડી ગયો હતો. ગામદેવી પોલીસ સ્ટેશન તરફથી માહિતી મળે તે પહેલાં જ છૂપી પોલીસના બાતમીદારો તરફથી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીને આ ઘટના વિશેની માહિતી મળી ચૂકી હતી. અને તેઓ કેસની ગંભીરતા અને મુશ્કેલીઓ તરત સમજી ગયા હતા.
મુંબઈના પોલિસ કમિશનર પેટ્રિક કેલી
હવે થોડી વાર માટે બાવલાને બાજુએ મૂકીને આપણે વાત કરીએ પોલીસ કમિશનર પેટ્રિક એ. કેલી વિષે. મુંબઈ પોલીસના ઘડવૈયાઓમાંના એક. મૂળ વતની આયર્લેન્ડના. ઈમ્પીરિયલ પોલીસમાં જોડાઈને ૨૨ વરસની ઉંમરે મુંબઈ આવ્યા. નાશિક, ખાનદેશ, કાઠિયાવાડ, ઠાણે, શોલાપુર વગેરે જગ્યાએ કામ કર્યા પછી મુંબઈ આવ્યા અને ૧૯૨૨ના જૂનની પહેલી તારીખે મુંબઈના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી. કેલી મરાઠી અને પુશ્તુ ભાષાઓ બહુ સારી રીતે બોલી શકતા. તેઓ મુંબઈ આવ્યા ત્યારે શહેરમાં પઠાણ શાહુકારોનો ખાસ્સો ત્રાસ. વ્યાજ અને મૂળ રકમ સમયસર ન મળે તો લેણદારના હાથ-પગ તોડતાં વાર ન લાગે. એ વખતે લોન આપતી સંસ્થાઓ લગભગ નહિ. એટલે ઘણા બધા પોલીસો પણ અવારનવાર પઠાણો પાસેથી બહુ ઊંચા વ્યાજે પૈસા ઉધાર લે. આથી જ એક જમાનામાં બહુ ઊંચા વ્યાજદર માટે ગુજરાતી-મરાઠીમાં ‘પઠાણી વ્યાજ’ શબ્દો વપરાતા. ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં મુંબઈમાં એવી અફવા ફેલાઈ કે પઠાણો બાળકોને ઉપાડી જતા હતા. પરિણામે શહેરમાં હુલ્લડ થયું જેમાં પરળ લાલબાગ જેવા વિસ્તારોમાં મિલ કામદારોનાં ટોળાંએ કેટલાક પઠાણોને મારી નાખ્યા હોવાની અફવા ફેલાઈ. પઠાણોનું એક ટોળું ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસે પહોચ્યું. દરવાજા આગળ રખેવાળી કરતા એક પોલીસને જમીન પર પટકીને બેફામપણે મારવા લાગ્યા. બીજા પોલીસો ત્યાં હાજર હતા પણ માર પડવાની બીકે આઘા રહ્યા. આ બધી ધાંધલનો શોરબકોર પહેલા માળ પર આવેલી ઓફિસમાં બેઠેલા પોલીસ કમિશનર કેલીના કાને પડ્યો. દાદરના બબ્બે પગથિયાં કુદાવતા દોડ્યા નીચે અને ભોંય પર પડેલા પોલીસ આડે જાતે ઊભા રહી ગયા અને તેના પર પડતા ઘા પોતે ઝીલવા લાગ્યા. અત્યાર સુધી ઊભા ઊભા તમાશો જોતા બીજા પોલીસો પણ સાહેબને આ રીતે લડતા જોઈ વહારે ધાયા અને હુમલાખોર પઠાણોને તગેડી મૂક્યા.
રસ્તા પરથી પોલિસ કમિશનરની ઓફિસમાં ખસેડાયેલું કેલીનું પૂતળું
કેલી મુંબઈના પોલીસ કમિશનર હતા એ વરસો એટલે દેશની આઝાદી માટેની લડતના વરસો. અવારનવાર સભા-સરઘસ થાય. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એટલે સભા-સરઘસ રોકવાં તો પડે. પણ કાયમ માટે કેલીની પોલીસ દળને સ્પષ્ટ સૂચના કે આવે વખતે બળનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. બંદૂક તો ખરી જ, પણ લાઠી ચલાવતાં પહેલાં પણ બે વાર વિચાર કરવો. આને કારણે આ અંગ્રેજ અમલદાર મુંબઈના રહેવાસીઓના મોટા વર્ગના માનીતા થઈ પડ્યા હતા. નોકરીનાં અઢી વરસ બાકી હતાં ત્યારે ૫૩ વરસની ઉંમરે વહેલી નિવૃત્તિ લઈ કેલીએ સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું. ૧૯૩૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે નિવૃત્ત થયા પછી કેલી સ્ટીમર દ્વારા સ્વદેશ જવા મુંબઈની હાર્બર પહોંચ્યા ત્યારે, કહે છે કે, હજારો લોકો તેમને વિદાય આપવા એકઠા થયા હતા. તેમના ગયા પછી મુંબઈ પોલીસે ક્રાફર્ડ માર્કેટ નજીક કેલીનું આરસનું પૂતળું મૂકવાનું નક્કી કર્યું. પોલીસ ખાતાએ તો આ માટેની રકમ ફાળવેલી જ. પણ એ વખતના મેયર ડો. મોરેશ્વર જાવલેની અપીલના જવાબમાં મુંબઈના લોકો તરફથી પણ ૧૩,૫૦૦ રૂપિયા દાનમાં મળ્યા. (૧૯૩૩-૧૯૩૪ના અરસાના ૧૩,૫૦૦ એટલે આજના કેટલા એ ગણી લેવું.) પૂતળું બનાવવાનો ઓર્ડર એ માટે જાણીતા મેસર્સ ગોરેગાંવકર બ્રધર્સને આપવામાં આવ્યો અને ૧૯૩૬ના સપ્ટેમ્બરની બીજી તારીખે એ વખતના મેયર અને આઝાદી માટેની લડતના એક નેતા બેરિસ્ટર જમનાદાસ માધવજી મહેતાને હાથે એ પૂતળાનો અનાવરણ વિધિ થયો. (આઝાદી પછી મલબાર હિલ વિસ્તારના એક રસ્તા સાથે જમનાદાસ મહેતાનું નામ જોડવામાં આવ્યું છે. પહેલાં એ રસ્તો ‘ઓલ્ડ ચર્ચ રોડ’ તરીકે ઓળખાતો.) એ વખતે આ પૂતળું ક્રાફર્ડ માર્કેટ સામેના ટ્રાફિક આયલેન્ડમાં મૂકવામાં આવ્યું હતું. પણ પાછળથી તેને પોલીસ કમિશનરની ઓફિસમાં ખસેડવામાં આવ્યું.
ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલિસની ઓફિસ અને ટી બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (લાલ વર્તુળમાં)
આવા બાહોશ અને વિચક્ષણ પોલીસ કમિશનર કેલી પાસે બાવલાનું ખૂન થયાના ખબર પહોંચ્યા કે તરત જ તેઓ સાવધ થઈ ગયા. આ કેસ ઉકેલવાનું કામ સહેલું નહિ બને એ વાત તરત જ સમજી ગયા. કારણ બાવલા અને મુમતાઝ વિશેની ઘણી માહિતી તેમની પાસે પહેલેથી જ હતી. ગુનો બન્યો છે મુંબઈમાં, બ્રિટિશ રાજ્યમાં, પણ તેની પાછળના હાથ ઘણા લાંબા હોવા જોઈએ અને પગેરું કોઈક એવી જગ્યાએ પહોંચતું હોવું જોઈએ કે જ્યાં જવાનું મુંબઈ પોલીસ માટે બહુ સહેલું નહિ બને. એટલું તો કેલી પહેલી નજરે જ સમજી ગયા. અને સાથોસાથ મનમાં પાકો નિશ્ચય કર્યો કે ભલે આ કામ ગમે તેટલું મુશ્કેલ હોય, ગુનેગારોને સજા કરાવીને જ રહીશ. પહેલું કામ કર્યું મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓની એક ખાસ ટુકડી બનાવવાનું. એ ટુકડીના વડા હતા ડેપ્યુટી પોલીસ કમિશનર ઈ.એલ. કોટી. બીજા સભ્યો હતા સુપરિનટેન્ડન્ટ સી.ડબલ્યુ. સાયકીઝ, ઇન્સ્પેક્ટર રોય બીશપ સ્મિથ, ઇન્સ્પેક્ટર સી.આર. જાફરીઝ, ઇન્સ્પેક્ટર એન.પી. વાગળે, ઇન્સ્પેક્ટર એસ.સી. લ્યોન, ઇન્સ્પેક્ટર એસ. પટવર્ધન, અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુંદર ભટકળ.
મુંબઈના પોલિસ કમિશનરની ઓફિસનો દાદર
બાવલા અને મુમતાઝ પર હુમલો કરનારી મોટરમાં સાત-આઠ જણ હતા એમ નજરે જોનારાઓનું કહેવું હતું. પણ તેમાંથી ફક્ત એક જ ગુનેગારને પકડી શકાયો હતો. બાકીના બધા ભાગી છૂટ્યા હતા. પોલીસ કમિશનર બાવલા અને મુમતાઝ અંગે ઘણું જાણતા હતા એટલે એ ભાગેડુઓ ક્યાં જઈને છૂપાયા હશે એનો અંદાજ તેમને હતો. પણ એ જગ્યાએ જઈને, તેમની ધરપકડ કરીને મુંબઈ લાવવાનું કામ સહેલું નહોતું એટલું તો કેલી પહેલેથી જ સમજી ગયા હતા. અને એટલે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું : Come what may, I will pursue this case till the end, and solve it.
ગુનેગારોને પકડવાનું કામ સહેલું કેમ નહોતું તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 એપ્રિલ 2025