
રવીન્દ્ર પારેખ
જી.એસ.ટી. આમ તો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું ટૂંકું રૂપ છે, પણ તે ‘લાઈફ ટાઈમ સર્વિસ ટેક્સ’ છે, એટલે તેને ‘એલ.ટી.એસ.ટી.’ તરીકે ઓળખવો જોઈએ. એ આજીવન કેદની જેમ આજીવન કર છે. જેમ ‘નામ તેનો નાશ’ છે, તેમ ‘બિલ તેનો ટેક્સ’ પણ છે. ખાલી શ્વાસ પર ટેક્સ નથી એટલો સરકારનો ઉપકાર ! જો કે, ઓક્સિજન સિલિન્ડર લો તો ટેક્સ લાગે એ પણ ખરું. એટલે બધે રસ્તે ટેક્સ વસૂલાય છે કે વાત ન પૂછો. હોસ્પિટલમાં જન્મો તો બિલ પર જી.એસ.ટી. લાગે. પરણો ને પાર્ટીપ્લોટ, કેટરિંગ રાખો તો ટેક્સ, હનીમૂન હોટેલમાં થયું તો બિલ પર જી.એસ.ટી., જીવો તો જી.એસ.ટી., મરોને બારમા, તેરમાની ખરીદીનું બિલ બન્યું તો તેના પર 5 ટકા, 12 ટકા, 18 ટકા જી.એસ.ટી. સગવડ પ્રમાણે લાગે જ ! મર્યાં પછી પણ ટેક્સમાંથી મુક્તિ નહીં. મકાન, દુકાન, સ્મશાન એમ દરેક સ્થળે ટેક્સ લાગે જ ! જી.એસ.ટી.થી પૂરું ન થાય, તો બીજા અનેક નામે ટેક્સ લાગે તે પણ ખરું. આવક પર તો ઇન્કમટેક્સ લાગે, પણ જેની આવક મજૂરીમાંથી છે ને ટેકસેબલ નથી, તે પણ પારલેની બિસ્કિટ ખરીદે તો ટેક્સ લાગે. એ જ રીતે દવા લો, દારૂ લો, સોનું લો, ચાંદી લો … ટેક્સ લાગે લાગે ને લાગે જ ! તે જાહેરમાં જ લાગે એવું નહીં, ખૂણેખાંચરેથી પણ લાગે. આટલો બધો ને આટલી રીતે ચામડી ઊતરડી નાખે એટલો ટેક્સ લેવાય, એની સામે પ્રજાને મળે છે શું? એની હાલત તો બોર આપીને કલ્લી કાઢી લીધા જેવી જ છે. એવી કોઈ હાઈ ક્વોલિટી કે વર્લ્ડ ક્લાસ સર્વિસ સરકાર પ્રજાને આપતી નથી. ક્યાંક આપતી હોય તો તે પણ ટેક્સથી મુક્ત નથી. સર્વિસ અપાય કે ન અપાય, સર્વિસ ટેક્સ લાગે છે. જી.એસ.ટી. કલેક્શનની પાછી મોટા ઉપાડે જાહેરાત પણ થાય છે. જેમ કે, જી.એસ.ટી. કલેક્શન માર્ચ, 2025માં 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડથી વધુ છે. ગુજરાતની વાત કરીએ તો 73,000 કરોડ જી.એસ.ટી.ની આવક થતાં ગયાં વર્ષ કરતાં 14 ટકાનો વધારો થયો છે. કમનસીબી એ છે કે નાનામાં નાનો માણસ પણ જી.એસ.ટી.ની બહાર નથી, ભલે પછી તે સરકારી અનાજ મફત જ કેમ ન મેળવતો હોય. તે દવા ખરીદે કે દારૂ, ટેક્સ લાગે એ નક્કી !
ટેક્સનું આટલું પિંજણ એટલે કર્યું કે સરકાર જ નહીં, બેન્કો પણ સર્વિસને નામે અનેક રીતે જે ચાર્જ વસૂલે છે તે સામાન્ય ગ્રાહકને તો લૂંટવાનું જ કામ કરે છે. પહેલી એપ્રિલ, 2025થી મિનિમમ બેલન્સ ખાતામાં નહીં રહે તો દંડ લાગશે. એમ દંડ લાગતાં લાગતાં ખાતું ખાલી થઈ જાય તો નવાઈ નહીં ! બીજી બેન્કના એ.ટી.એમ.માંથી ત્રણ વખત પૈસા ઉપાડો તો ચાર્જ નહીં લાગે, પણ તે પછી ઉપાડ્યા તો એન્ટ્રી દીઠ 25 રૂપિયા ચાર્જ લાગશે. 1 મેથી ફ્રી લિમિટ પૂરી થયા પછી એ.ટી.એમ.માંથી દરેક એન્ટ્રી માટે વધારાના 2 રૂપિયા ચૂકવવાના થશે. મતલબ કે 17ના હવે 19 થયા. એ જ રીતે બેલન્સ ચેક કરવાના 6 રૂપિયા હતા, તે રૂપિયો વધીને 7 થયા. મિનિમમ બેલન્સ પેનલ્ટીના રૂપમાં વિત્તીય વર્ષ 2022’-23માં 3,500 કરોડ બેન્કોએ વસૂલ્યા છે. ધારો કે ખાતાનો ઉપયોગ ઓછો થાય છે તો ઈન એક્ટિવિટી ફી-ને નામે પણ 100-200 ચાર્જ વર્ષે લાગે છે. બેન્ક સ્ટેટમેન્ટ જોઈતું હોય તો સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવાનો ચાર્જ 50થી 100 રૂપિયા છે. SMS એલર્ટના માધ્યમથી ખાતાની સ્થિતિ જાણવાના દરેક ક્વાર્ટરના 20થી 25 વસૂલાય છે. ઓનલાઈન પેમેન્ટ હોય તો તેની ટ્રાન્જેક્શન ફી લેવાય છે. કેટલીક બેન્કો પરાણે લોન આપે છે ને ગ્રાહક તે લે, તો તેનો પ્રોસેસિંગ ચાર્જ 1થી 3 ટકા અલગથી વસૂલાય છે. ગ્રાહક લોન વહેલી ભરપાઈ કરવા માંગે તો પ્રિ-ક્લોઝર ચાર્જિસ લાગે છે. સહી બદલવી હોય કે નૉમિની ડિટેઇલ્સ ચેન્જ કરવી હોય તો 200 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન વસૂલાય છે. આમ અનેક રીતે ગ્રાહક ખંખેરાતો રહે છે ને ઘણી વાર તો ખંખેરાયા પછી ખબર પડે છે કે ખંખેરાયો છે. ટાર્ગેટ પૂરો કરવા ઘણી વાર બેન્કના સાહેબો ગ્રાહકને જરૂરી નહીં એવા પ્રોડક્ટ્સ વેચે છે. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનો રિપોર્ટ એવું કહે છે કે વાર્ષિક સાડા ત્રણ લાખ ફરિયાદોમાંથી વીસ ટકા ફરિયાદો આવી બિનજરૂરી પ્રોડક્ટ્સ ગ્રાહકોને વેચવાની છે. સેબીનો રિપોર્ટ કહે છે કે ત્રીસ ટકા ઈન્વેસ્ટર્સ મિસ લીડિંગ ઇન્ફોર્મેશનના શિકાર છે.
સાધારણ ગ્રાહક સરકારી બેંકમાં જાય છે તો તેનું પાસબુક કમ્પ્લિટ કરાવવા જેવું કામ પણ ધક્કા ખાવા સિવાય કે એક કાઉન્ટર પરથી અન્ય કાઉન્ટર્સ પર અટવાયા સિવાય થતું નથી. બેન્કો ગ્રાહકો પર નિર્ભર છે, પણ સ્ટાફનો વર્તાવ એવો હોય છે કે ગ્રાહકને બેન્કો નભાવે છે. એક સમય હતો જ્યારે બેન્કોમાં રિસેસ, ગ્રાહક સેવા ખોરવાય નહીં એ રીતે સ્ટાફ લેતો હતો, હવે તો રિસેસ વખતે શટર પાડી દેવામાં આવે છે ને ગ્રાહક સાથે કોઈ સંપર્ક રહે જ નહીં એમ સ્ટાફ રિસેસ ભોગવે છે. રિસેસ નથી હોતી, ત્યારે પણ સ્ટાફનાં વર્તનમાં ઝાઝો ફરક જણાતો નથી. આર.બી.આઈ.ના ગવર્નરે વિત્તીય વર્ષ 2023-‘24ના રિપોર્ટમાં કહ્યું છે કે 95 શિડ્યુલ્ડ કમર્શિયલ બેંકોમાં 1 કરોડથી વધુ ફરિયાદો કસ્ટમર સર્વિસની છે. ટૂંકમાં, 45 ટકાથી વધુ ગ્રાહકો બેન્કિંગ વ્યવસ્થાથી અસંતુષ્ટ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ આજે પણ દયનીય સ્થિતિમાં છે. આમ છતાં નાનામાં નાની સર્વિસ માટે પણ, ગ્રાહકોને લૂંટવાની એક પણ તક બેન્કો જતી કરતી નથી એ હકીકીત છે.
સવાલ એ થાય કે ગ્રાહક જોડે આવું ઓરમાયું વર્તન બેન્કો કેમ કરે છે? એનો સીધો જવાબ છે, મોટા લોનધારકો, ઉદ્યોગપતિઓ અને તંત્રો દ્વારા ઊભું કરાતું દબાણ. હાલ્યા માલ્યા જેવા કેટલા ય કહેવાતા ઉદ્યોગપતિઓ હજારો કરોડની મોટી લોન ભરપાઈ ન કરીને વિદેશ ભાગી ગયા ને વર્ષો સુધી ન તો એ પરત આવ્યા કે ન તો લોન પરત આવી. તે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા તે નથી ખબર, પણ બેન્કોને એને લીધે ફટકો તો પડ્યો જ ! હાલના નાણાં મંત્રીએ 26 માર્ચ, 2025ને રોજ કહ્યું છે કે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં લોન લઈને ભાગી ગયેલા નવ લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને 749.83 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ પણ દરિયામાં ખસ ખસ જેવું જ છે. સરકાર ભલે કહે કે સપ્ટેમ્બર, 2024માં શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્કોની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ઘટીને 2.5 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે ને ગયાં નાણાકીય વર્ષમાં બેન્કોએ 1.41 લાખ કરોડનો નફો કર્યો છે, પણ એ સામાન્ય ગ્રાહકો પાસેથી ખરી ખોટી રીતે નાના મોટા ચાર્જિસ વસૂલવાથી શક્ય બન્યું છે.
સાધારણ માણસને લોન આપતી વખતે જે ચીકાશ બેન્કો કરે છે કે 10 લાખની લોન ભરપાઈ ન કરનાર ખેડૂતનું ખેતર લીલામ કરી શકે છે, એવી ‘કાળજી’ મોટી લોન લેનાર ઉદ્યોગપતિઓની લેવાતી નથી. તે લોન ન ભરે કે અડધી પડધી ભરે તો પણ ચલાવી લેવાય છે કે પૂરી ન ભરે તો પણ માંડી વળાય છે. 10 વર્ષનાં શાસનમાં કેન્દ્ર સરકારે 16 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. રાઇટ-ઓફની સૌથી મોટી રકમ 2 લાખ કરોડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની છે. 2008માં યુ.પી.એ. સરકારે ખેડૂતોની 60,000 કરોડની લોન માફ કરી ત્યારે વિપક્ષોએ ભારે ટીકા કરી હતી, પણ હવે 16.11 લાખ કરોડની લોન માંડી વળાઈ છે, ત્યારે વિપક્ષો ચૂપ છે. સરકાર લોન માફ કરે છે ત્યારે ગજવું સરકારનું ખાલી નથી થતું, પણ બેન્કોની બેલન્સ શીટ પ્રભાવિત થાય છે. મોટી લોન માંડી વાળવાને કારણે બેન્કોનો નફો ઘટે છે, તે એટલે કે આ રકમ નફામાંથી વસૂલવામાં આવે છે.
નફામાં ખાધેલી ખોટ સરભર કરવા ગરદન નાના ગ્રાહકોને મારવામાં આવે છે. બચત ખાતામાં વ્યાજના દરો ઘટાડવામાં આવે છે, જેથી કરોડો નાના ખાતેદારો ઓછું વ્યાજ મેળવે. જે સેવાઓ મફત અપાતી હતી, એ સેવાઓ પર ચાર્જ લગાવવામાં આવે છે. એક કાળે ચેકબુકનો ચાર્જ વસૂલાતો ન હતો તે હવે વસૂલાય છે. એ જ રીતે મિનિમમ બેલન્સ ન રાખવા બદલ, પાસબુક પ્રિન્ટ કરવા બદલ એમ વિધવિધ વાનાં હેઠળ ચાર્જ વસૂલીને માંડવાળ થયેલી લોન સરભર કરવામાં આવે છે ને એનો ભોગ નાના ગ્રાહકો બને છે. આ ગાયને દોહીને કૂતરાંને પાવા જેવું છે. એમાં કૂતરાં તો તગડાં થાય જ છે, પણ દૂધ નથી આવતું તો ય લોહી દોહવાનું ચાલે છે તે દુ:ખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,04 ઍપ્રિલ 2025
 

