પ્રકાશ ન શાહ, ગુજરાતનો વિચારપ્રકાશ. ‘નિરીક્ષક’ના તંત્રી. ‘નિરીક્ષક’ મારું પ્રિય વિચારપત્ર. તેઓ 09 ફેબ્રુઆરી 2025ના રોજ, ‘છળકપટ’ પુસ્તકના વિમોચન વેળાએ આવ્યા, ત્યારે પોતાનું પુસ્તક ‘તવારીખની તેજછાયા’ મારા માટે લાવ્યા હતા.
પ્રકાશભાઈ પોતાના લેખમાં એવા શબ્દો વાપરે જે અગાઉ ક્યારે ય જોવા મળ્યા ન હોય. એમના વિશે એવું કહેવાય છે કે પ્રકાશભાઈના ગુજરાતી લેખોનું ગુજરાતી ભાષાંતર કરવું પડે ! તેમનું લખાણ સમજવાની અને તેનો આનંદ માણવાની 6 ચાવીઓનો વિસ્તૃત ઉલ્લેખ પુસ્તકના આવકારમાં ઉર્વીશ કોઠારીએ કર્યો છે.
પ્રકાશભાઈ કહે છે : “સરજાતા ઇતિહાસમાં રહી પાછળ નજર કરતાં જવું, કંઈક નોળવેલની આરત, કંઈક દોષદુરસ્તીની ધખના. પાછળ નજર, આગળ જવા માટે.” પુસ્તકના વિષયો સાંપ્રત છે. પ્રકાશભાઈની સ્થિતિ આ છે : તીર પર કૈસે રુકું મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !
આ પુસ્તકની ખાસિયત એ છે કે ક્યાં ય પૂર્વગ્રહ નથી, સત્ય-વિશ્લેષણ છે. આવું લખવું એ જેવા તેવાનું કામ નથી. સત્તાની નારાજગી વહોરવી પડે. માન-અકરામની બિલકુલ લાલચ ન હોય તે જ આવું લખી શકે.
‘પ્રો. સાઈબાબા જીવતા બહાર આવ્યા એ એક અચરજની વાત છે’ આ લેખમાં સત્તા કેવી અને કેટલી હદે ક્રૂર બની શકે છે તે દર્શાવે છે, જે આપણને હચમચાવી મૂકે છે. બાળપણથી પોલિયોના કારણે પગ કામ કરતા ન હતા. આંધ્રના કિસાન પુત્ર. શારીરિક-આર્થિક મર્યાદા છતાં હાથે સ્લીપર પહેરીને ઘૂંટણિયે ચાલતાં ચાલતાં ડોકટરેડ થયા. દિલ્હી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા ત્યારે વ્હીલચેર મેળવી શક્યા. સાંઈબાબાને મહારાષ્ટ્ર સરકારે જેલમાં પૂર્યા. ‘CCTV કેમેરા ટોઈલેટની ક્ષણો ઝડપતો અને જેલર દફતરે નિત્યજોણું હતું.’ ગુનો શો હતો એમનો? ‘રાષ્ટ્ર સામે યુદ્ધે ચડવાની પેરવી કરતા હતા ! નક્સલ સાહિત્ય વાંચતા હતા, ડાઉનલોડ કરતા હતા !’ મહારાષ્ટ્ર હાઈકોર્ટે કહ્યું કે ‘આવું સાહિત્ય વાંચવું / ડાઉનલોડ કરવું તે ગુનો નથી, કાવતરું નથી. બૌદ્ધિક વિચારણાની દૃષ્ટિએ કોઈ રાજકીય સિદ્ધાંતમાં માને તેથી તે રાષ્ટ્ર વિરોધી ગુનો નથી.’ સાંઈબાબાને છોડી મૂક્યા તો મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જે સુપ્રીમ કોર્ટે કાઢી નાખી. પ્રકાશભાઈ લેખના અંતે કહે છે : ‘તમારો ને મારો ન્યાય મેળવવાનો અધિકાર અને તે માટેનો આપણો આગ્રહ એ હર સામાજિક-રાજકીય સંસ્થાની દૃષ્ટિએ જરૂરી છે.’
‘સોનમ વાંગચૂકનાં અનશન’ લેખમાં લખે છે : “સહજ સરળ સ્વસ્થ સ્વચ્છ અંગ્રેજી હિન્દીમાં લગારે આક્રોશ વિના એ પોતાની વાત મૂકે છે. 21 ઉપવાસ કેમ, તો કહે છે ગાંધીજીએ બાંધેલી મર્યાદામાં. ચાલુ અનશન અભિયાને પહેલો પડાવ પત્યો ને એમણે લોકજોગ જે સંબોધન કર્યું એને અંતે ‘જય હિન્દ’ પણ સહજ ક્રમે દડી આવ્યું હતું. ન દિલ્હીના દેવતાઓને, ન તો મેઇન સ્ટ્રીમ મીડિયાને આ અવાજ પહોંચે છે. આપણી કારુણિકા, બીજું શું.”
‘ઓહ બાંસવાડા, આહ બાંસવાડા’ લેખમાં લખે છે : “વડા પ્રધાને એમ કહ્યું કે આ અર્બન નક્સલો (કાઁગ્રેસ) વારસાગત સંપત્તિ લઈ તે વહેંચી મારશે. કોને વહેચી મારશે એનો પણ એમણે ફોડ પાડ્યો – મુસ્લિમોને. પછી વિશેષ ખુલાસો કર્યો, જેઓ વધારે છોકરાં પેદા કરે છે, જે ઘુસપેઠિયા છે.” એક ધર્મકોમને આમ નિશાન બનાવાય તે અલબત્ત, આચારસંહિતા તો શું સામાન્ય વિવેકનો ય ભંગ છે. પોતાનાં વિધાનોના સમર્થનમાં એમણે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના ઉદ્દગારો પણ ટાંક્યા કે મુસ્લિમોને પહેલો હક છે. ભાઈ, ‘ઓલ્ટ ન્યૂઝે’ અને બીજાઓએ મનમોહન સિઘનું એ વક્તવ્ય તરત સુલભ કર્યું છે. એ જોતાં સમજાય છે કે વિકાસની પ્રક્રિયામાં જેઓ પાછળ હોય એમને તકની અગ્રતા આપવી રહે છે – પછી તો આદિવાસીઓ હોય, અનુસૂચિત સમુદાય હોય કે લઘુમતી. શાંતિથી ને સમગ્રતામાં વિચારીએ તો ‘સબકા સાથ સબકા વિકાસ’નું જે સત્તાવાર સૂત્ર છે એને વ્યવહારમાં મૂકવાની રીતનું એક ઇંગિત મનમોહન સિંઘે આપ્યું છે, એટલું જ.”
‘કોમી મુદ્દે જુદી જુદી વાત : ઘોડો ક્યાં ને તબેલો ક્યાં’ લેખમાં લખે છે : “સપ્ટેમ્બર 2002ના ત્રીજા અઠવાડિયામાં ગૌરવ યાત્રા બેચરાજી પહોંચી ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી રાહત છાવણીઓ પર અક્ષરશ: ઊડ્યા હતા – અમારે શેના માટે આવા કેમ્પ ચલાવવા? ‘અમે પાંચ અને અમારા 25’ માટે? ગોધરા-અનુગોધરા એ નિ:શાસન અને દુ:શાસનનો દુર્દૈવ દોર હતો. જેમણે આશરો લેવો પડ્યો એમને અંગે આ પ્રકારના ઉદ્દગાર તત્કાલીન વડા પ્રધાન બાજપેયીની ‘રાજધર્મ-શીખ’થી વિપરીત હતા. જો કે, પછી જાહેર ખુલાસો આવી પડ્યો હતો કે મુખ્ય મંત્રી કુટુંબ નિયોજનની જરૂરત પર ભાર મૂકવા માગતા હતા !”
જ્યારે સત્તાપક્ષની ચાપલૂસીની હોડ લાગી હોય, પદ્મશ્રી / પદ્મભૂષણ આવી મળતા હોય, સરકારી હોદ્દા મળતા હોય; ભક્તો સતત ઢોંગી સેક્યુલરિયા, નકલી લિબરલની ગાળો આપતા હોય એવા માહોલમાં સત્યને ઉજાગર કરવું તે બહાદુરી છે; જે ‘તવારીખની તેજછાયા’ના પાને પાને જોઈ શકાય છે. પુસ્તક સ્વરૂપે આ લેખો સુલભ કરવા માટે ‘સાર્થક પ્રકાશન’ને પણ ધન્યવાદ ઘટે છે.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર