
નારાયણ દેસાઈ
ભારતીય ઇતિહાસમાં ભગવાન કૃષ્ણ પછી કદાચ ગાંધીજી જ અત્યંત નાટ્યાત્મક કર્મશીલ માનવી હતા. વિશ્વના ત્રણ ખંડોમાં એ પોતાની જાત પર સત્યના પ્રયોગોની અજમાયશ કરવામાં કાર્યરત રહ્યા. બીજી તરફ એ તે વેળા વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય, જ્યાં ‘સૂર્ય કદી આથમતો નહિ’, એની સાથે અવિરત લડત કરતા રહ્યા. ‘યંગ ઇન્ડિયા’ યા ‘હરિજન’નો કોઈપણ અંક લો, એમાં એમણે લખેલા પત્રો પૈકી કોઈપણ એક પત્ર વાંચો; તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સંખ્યાબંધ ક્ષેત્રો સાથે એ સંકળાયેલા હતા તેમ જ એમના જીવનમાં આવેલી કોઈપણ ક્ષણે કેટલી બધી સમસ્યાઓનો ઉકેલ એ કરતા રહેતા હતા. આ વ્યસ્તતા ક્ષણિક યા ટૂંકજીવી નહોતી. દિવસ ઊગે ત્યારથી તે આથમે ત્યાં સુધીમાં એ કેટલા કલાકો કાર્ય પાછળ ખર્ચતા એ ઘણું આશ્ચર્યજનક હતું. સાડાપાંચ દાયકાથી ય વધુ સમય સુધી એ ચાલ્યું.
લંડનમાં એ વિદ્યાર્થી હતા ત્યારથી જ એમનામાં સખત મહેનત કરવાની ટેવ જોઈ શકાતી હતી. એના નિયમિત અભ્યાસ ઉપરાંત ત્યાં એમણે ધર્મોના પ્રાથમિક અભ્યાસની શરૂઆત કરી હતી. હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધ ધર્મના અભ્યાસની શરૂઆત એ જ્યારે લંડનમાં હતા ત્યારે કરી; તો શાકાહાર અને આહારશાસ્ત્રમાં એમના રસનાં મૂળ પણ એ જ સમયમાં જોવા મળે છે. પોષક આહાર માટેની એમની આવશ્યકતા પૂર્ણ થાય એવી અનુકૂળ જગ્યાઓની શોધમાં એમને સંતોષ થયો નહોતો. કેવળ સંયોગવશાત્ એમના હાથમાં વનસ્પત્યાહાર વિશેની ચોપડી આવી. પુસ્તકમાંથી જે જે વાત ગમતી હોય એ દરેક વાત અમલમાં મૂકવાની એમની આદતે એમને શાકાહારીપણામાં ઊંડા ઊતરવા પ્રેર્યા. પોતાની માતાની આગળ લીધેલા શપથને લઈને જે ભોજનશૈલી પોતે અપનાવી હતી એની પાછળ ફિલસૂફી હતી એવું શોધતાં એમને સુખનો અનુભવ થયો હોઈ એમણે આ વિષયનો સળંગ અભ્યાસ કર્યો. એમની નવી શોધની ધગશને લઈને એમને ખભે ત્યાંની વનસ્પત્યાહારી મંડળીના મંત્રીપદની જવાબદારી આવી પડી, જ્યારે અગાઉ એમને જાહેરમાં બોલવાનો મહાવરો સુદ્ધાં નહોતો. લંડન છોડ્યા પછી પણ એમનો એ રસ જળવાઈ રહ્યો. દક્ષિણ આફ્રિકાથી પણ તેઓ સામયિક ‘વેજિટેરિયન’માં નિયમિત લેખો મોકલતા રહ્યા અને અમુક સમય સુધી એ વૃત્તપત્રના સંપાદનનો કાર્યભાર સુદ્ધાં એમણે સંભાળ્યો. એ પણ યાદ રાખવું રહ્યું કે એમની અભ્યાસની વ્યસ્તતા છતાં જ્યારે તેઓ લંડનમાં હતા ત્યારે પ્રતિદિન સરેરાશ દસેક માઈલ (સોળેક કિલોમિટર) ચાલવાની ટેવ એમણે જાળવી રાખી હતી.
દક્ષિણ આફ્રિકામાં તેઓ ઝાઝો સમય નિષ્ક્રિય રહી શક્યા નહિ. લગભગ ત્યાં આવતાંની સાથે જ એમનો ધર્મોનો અભ્યાસ શરૂ થયો. દક્ષિણ આફ્રિકામાં હિન્દી સમુદાયનું કામ ઉપાડી લીધા પછી એમણે સક્રિય જીવનમાંથી પાછું વાળીને જોયું નથી. એ દિવસોથી શરૂ કરીને એમના જીવન પર્યન્ત પંચાવન કરતાં વધુ વર્ષોનો એકેએક દિવસ અત્યંત વ્યસ્ત રહ્યો.
પરંતુ ગાંધી સક્રિય માણસ હતા. એટલે એ ઘણા વ્યસ્ત હતા એવો જ કેવળ અર્થ નથી. આપણે સમજવાનું એ, કે પગલું ભરવાની યા વિચાર કે માન્યતાઓને અમલમાં મૂકવાની વાતને અન્ય કંઈ પણ કરતાં પ્રાધાન્ય આપવું, તે એમના જીવનનું ચાલકબળ હતું. ‘ગીતા’ની રહસ્યોકિત અનુસાર એ પૂરેપૂરા કર્મયોગી હતા. એ એમના ભગવાન સાથે, એટલે કે કાર્ય દ્વારા સત્ય સાથે સુસંગત રહેવા પ્રયત્નશીલ રહ્યા. એમની સત્યની વ્યાખ્યા વિચાર, વાણી અને આચરણમાં સંવાદિતાની હતી એટલે એમને પોતાનાં વિચાર અને વાણીને કાર્યમાં મૂક્યા વિના જંપ વળતો નહોતો.
એવું જણાતું હતું કે જાણે ગાંધીએ વૈદિક પ્રાર્થનાઓમાં એક પંક્તિનું ઉમેરણ કર્યું હતું :
‘असतो मा सद्गमय। (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા.) तमसो मा ज्योतिर्गमय। (ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.)
मृत्योर्मा अमृतं गमय।’ (મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’)
ઉપલી ઉક્તિઓમાં નવું ઉમેરણ કંઈક આવું હતું : ‘અકર્માલસેથી કરમ સમીપે નાથ લઈ જા.’ – કાર્ય પરત્વે આળસમાંથી મને ઉદ્યમ તરફ લઈ જા.
દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાની સમુદાય દ્વારા અંગ્રેજોના રંગદ્વેષને કશા વિરોધ વિના સ્વીકારી લીધો હોવાનું એમણે જાણ્યું. એની વિરુદ્ધ થવાનું એમણે પ્રથમ પોતાનાથી શરૂઆત કરી ને એ રીતે સમગ્ર સમુદાયને એ માટે કાર્યરત કર્યો. જ્યારે એ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે જોયું કે કૉન્ગ્રેસી નેતાઓ કાઁગ્રેસ-પરિસરને સ્વચ્છ રાખવા પરત્વે પ્રમાદી હતા. આથી એમણે પોતાના હાથમાં સાવરણો પકડયો અને કચરો સાફ કરવાનું સ્વયં શરૂ કરી દીધું.
1909માં જ્યારે તેઓ ઇંગ્લૅન્ડની મુલાકાતે ગયા ત્યારે હિન્દુસ્તાનની આઝાદીની સૈદ્ધાંતિક ચર્ચા કરતા દેશબંધુઓને મળ્યા. ગાંધીએ દક્ષિણ આફ્રિકાની વળતી મુસાફરીમાં ‘હિન્દ સ્વરાજ યા ઇન્ડિયા હોમરૂલ’નો સરસ ગ્રંથ લખ્યો, જેના અંતમાં પોતાનું ‘હિન્દ સ્વરાજ’નું સમણું પૂરું કરવા માટે બાકીનું જીવન ખરચવાના શપથ લીધા, જે એમણે ખરેખર સિદ્ધ પણ કર્યા. જ્યારે ગાંધી કવિવર ટાગોરને પ્રથમવાર શાંતિનિકેતનમાં મળ્યા, ત્યારે એમણે જોયું કે શાંતિનિકેતન આશ્રમનું રસોડું પૂરેપૂરું નોકરો દ્વારા ચલાવાતું હતું. ગાંધી પોતાના ‘ફાર્મ’ના છોકરાઓની મદદથી પોતે રસોડું ચલાવવા પરવાનગી મેળવી. જ્યાં સુધી તેઓ ત્યાં રહ્યા તેમણે શાંતિનિકેતનને ‘શ્રમનિકેતન’માં ફેરવી નાખ્યું; ને શક્ય છે કે આમ કરીને તેમણે કવિવરને ગામડાંની સેવા સમર્પિત એવી ‘શ્રીનિકેતન’ સંસ્થા શરૂ કરવા પ્રેર્યા હોય.
વીસમી સદીમાં બીજા દશકની ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસમાં એમણે જોયું કે ઉદારમતવાદીઓ (મવાળ) સામાજિક સુધારા લાવવા આતુર હતા, પરંતુ રાજકીય મોરચે પગલાં લેવા ખાસ ઉત્સુક ન હતા; જ્યારે ઉગ્રવાદીઓ (જહાળ) રાજકીય બદલાવ અંગે ઉત્સુક હતા તેટલા સામાજિક સુધારા પરત્વે નહોતા. આ બન્ને જૂથો પાસે પોતા કાર્યક્રમોના અમલ માટેની કોઈ પ્રવૃત્તિ નહોતી, સિવાય કે ઠરાવો પસાર કર્યા કરવા ને લેખો લખ્યા કરવા.
ગાંધીજીએ કૉન્ગ્રેસ પાસે અસહકાર અંગેનો પ્રસિદ્ધ ઠરાવ પસાર કરાવ્યો તે અગાઉ ચંપારણના ખેડૂતો તેમ જ અમદાવાદ મિલમજૂરો વચ્ચે સક્રિયતા દાખવી હતી. સામાજિક સુધારણા લેખે જોઈએ તો એમણે પોતાના આશ્રમમાં એક ‘અસ્પૃશ્ય’ પરિવારને સાથે રહેવા નિમંત્રીને, એમની દીકરીને પોતાની તરીકે સ્વીકારીને દત્તક લીધી હતી. આથી આશ્રમમાં અને એ જ રીતે શહેરમાં ય હલચલ મચી ગયેલી. ગાંધી પ્રેરણા દ્વારા કૉન્ગ્રેસ એના પાંત્રીસ વર્ષોના અસ્તિત્વ પછી સાચા અર્થ સક્રિય બની.
એમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કૉલેજોના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો, વકીલો અને અન્ય વ્યાવસાયિકો તેમ જ સંસદના કામકાજમાં પ્રવીણ વ્યક્તિઓ, સૌ કર્મશીલતાના જુસ્સા સાથે થનગની ઊઠ્યા. ભારતીય ઇતિહાસમાં પ્રથમ વાર, ભણેલો નાગરિક પોતાની સ્વતંત્રતા ખાતર કે હુકમ દ્વારા થતી ધરપકડ વહોરી લેવામાં ગર્વ અનુભવતો થયો. ગાંધીજીનાં કાર્યોએ શહેરી બૌદ્ધિકોને રચનાત્મક કાર્યો કરવા દૂરદૂરનાં ગામોમાં પણ સેવા અર્થે વાળ્યા. એના પરિણામે ભારતીય મહિલાઓ ચૂલા-ચોકામાંથી બહાર આવીને પુરુષો સાથે ખભેખભો મેળવીને કામ કરતી થઈ. ગાંધીજીએ પૂરા દેશને કર્મશીલતાથી ધબકતો કરી દીધો.
એમણે કાંત્યું અને એમણે વણ્યું, એમણે ટાંકા-ટેભા લીધા ને એમણે સીવ્યું. એમણે ખેતરમાં કામ કર્યું અને જાજરૂ સાફ કર્યાં. એમણે પ્લેગના દર્દીઓની અને રક્તપિત્તિયાની શુશ્રૂષા કરી. એમણે રેલના અસરગ્રસ્તો વચ્ચે અને ભૂકંપને લીધે ઘરવિહોણાં થઈ ગયેલાં લોકો વચ્ચે જઈને કાર્ય કર્યું. તેઓ રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા અને ‘સૌથી નીચાં અને ભૂલાયેલાં’ વચ્ચે જઈને રહેતા. ધર્મ-ઝનૂનથી દેશમાં જ્યારે ઠેરઠેર આગજની થઈ ત્યારે દંગાપીડિત પરિવારો વચ્ચે એ નોઆખલીનાં ગામેગામ ઉઘાડા પગે ચાલતા ગયા. એમના મૌનનો સમય સુદ્ધાં એમના અંતરાત્માનો અવાજ સાંભળવાના પ્રસંગો બની રહેતો. એમના ઉપવાસના દિવસોમાં ય તેઓ સક્રિય રહ્યા હતા.
ગાંધીજીની આ કર્મઠતા પાછળનું રહસ્ય શું હતું?
એમણે બચપણથી એમને જે કંઈ સારું લાગતું તેને અમલમાં મૂકવાની ટેવ કેળવી હતી. એ કારણથી એમના બધા જ શુભ વિચારો કાર્યમાં રૂપાંતરિત થયા. એમની જેમ આપણામાંથી કેટલા પોતાના વિચાર, વાણી ને કર્મ વચ્ચે સેતુ રચી શકે છે?
જીવનને એમણે અંગત અને સામાજિક એમ બે ખાનાંમાં વિભાજિત પણ કર્યું નહોતું. એથી એમના જીવનની પ્રત્યેક ક્ષણ જીવંત થઈ ઊઠી હતી. ઉપદેશ કરતાં અમલ બહેતર છે એવી તેઓની માત્ર માન્યતા જ નહોતી, પરંતુ તેઓ જેમાં માનતા એ જ અમલમાં મૂકતા.
એમના કર્મ પાછળનું અન્ય રહસ્ય એ હતું કે સમયની પ્રત્યેક ક્ષણને એ એક સરખી મહત્ત્વની હોવાનું માનતા. આથી આ સમજને કારણે એમણે પ્રત્યેક ક્ષણે કાર્ય કર્યા કર્યું. આથી એમને થોડીક ક્ષણો પણ આળસમાં વેડફી દેવાનું પરવડતું નહિ. જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનને પ્રભુએ બક્ષેલું ન્યાસ (ટ્રસ્ટ) છે એમ માનતી હોય ત્યારે તે જીવનને વેડફી શકે જ નહિ.
એમને માટે ક્રાન્તિની શરૂઆત ઘરથી થતી હતી. એથી તેઓ કર્મની પહેલ બીજાઓ કરે એની રાહ જોતા નહિ. કાયમ એમના ચિત્તમાં એક વિચારનો પિંડ બંધાયો કે તરત એને અમલમાં મૂકવાનું એમણે શરૂ કર્યું. એમના તમામ વિચારો આખરે સત્ય તરફ જતા હોઈ સત્યના પ્રયોગો સાથે એમની જિન્દગી ઘડાઈ.
એમના માટે કાર્યપરિધિ ‘સ્વ’માંથી આગળ વધી, ‘વિસ્તીર્ણ પરિધિઓ’ સુધી વ્યાપીને છેવટે ‘ક્ષિતિજે’ જઈ વિરમતી હતી.
ગાંધી પોતાને ‘વ્યવહારુ આદર્શવાદી’ કહેતા. એના કારણે એમના પ્રત્યેક સિદ્ધાંતને કાર્યરૂપ આપવાની એમને ફરજ પડી. એમના મતે આદર્શ એટલે એવી ચીજ જે મળવાપાત્ર ખરી પણ કદી મળે નહિ; કંઈક એવી વસ્તુ જેને પામવા માટે માણસ હંમેશાં પ્રયત્ન કરી શકે. પરંતુ એ પ્રયત્ન પોતાનાથી શરૂ કરવાનો હતો. આથી એમનાં તમામ સૈદ્ધાન્તિક પગલાં વ્યવહારુ બન્યાં.
સામા છેડે જવામાં પણ એમને છોછ નહોતો. એમના જીવનના કોઈ પણ વળાંકે એમણે પારોઠનાં પગલાં ભર્યાં નહિ, કેમ કે એમનું દરેક પગલું પૂરેપૂરું અલગ હતું; કેટલીક વેળા તો એમના આગલા પગલાંની વિરુદ્ધનું સુદ્ધાં હતું.
ગાંધીના ‘આધ્યાત્મિક વારસદાર’ તરીકે વારંવાર ઉલ્લેખાયા છે તે વિનોબા ભાવે ન તો પોતે કોઈને ‘ગુરુ’ તરીકે સ્વીકારવામાં માનતા, ન તો પોતે કોઈના ગુરુપદે ગોઠવાવાની અપેક્ષા સેવતા. પરંતુ એમણે પોતાના જીવનમાં આભારસહ ત્રણ વ્યક્તિઓનો ઋણસ્વીકાર કર્યો છે : આદિ શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્વર અને ગાંધી. તેમણે ખાસ નોંધ્યું છે કે શંકરાચાર્ય પાસેથી એમને જ્ઞાન લાધ્યું, જ્ઞાનેશ્વર પાસેથી ભક્તિ પ્રાપ્ત થઈ અને ગાંધીજી પાસેથી કર્મ મેળવ્યું. વિનોબા એ પણ સ્વીકારે છે કે તેઓ શંકરાચાર્ય અને જ્ઞાનેશ્વર કરતાં ગાંધી પાસેથી ઘણું શીખવા પામ્યા, કારણ કે પ્રથમ બન્ને અંગે તો તેઓ કેવળ વાંચીને તથા ચિંતનમનન કરીને શીખ્યા, જ્યારે ગાંધીનું જીવન તો એમની સમક્ષ પ્રત્યક્ષ પ્રમાણ હતું.
‘ગીતા’માંથી ગાંધીએ તારવેલો વિશેષ સંદેશો ‘અનાસક્તિયોગ’ યા નિઃસ્વાર્થ કર્મનો હતો. જ્યારથી ગાંધીને ગીતાના અનાસક્તિબોધ યા કોઈપણ ચીજના અંગત રીતે માલિક નહિ થવા કે સંલગ્ન નહિ રહેવાના કેન્દ્રવર્તી વિચારની પ્રતીતિ થઈ, ત્યારથી એ હંમેશાં એવી જિંદગી જીવવા પ્રયત્નશીલ રહ્યા.
નિઃસ્વાર્થકર્મના વિચારને લીધે ગાંધીને એમની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ થયો. ઘણીવાર, એમને પ્રકાશનું કિરણ પણ લાધ્યું ન હોય, જાણે તેઓ અંધારામાં ફાંફાં ન મારતા હોય ! તો પણ એકે વખત એમણે શ્રદ્ધા ગુમાવી નહિ. એમની યાત્રાના અંતભાગે જ્યારે એમણે પોતાની નજર સમક્ષ પોતાનાં જીવનપર્યન્ત સેવેલાં સમણાં ચૂરચૂર થઈ જતાં જોયાં ત્યારે ય નહિ. એમની એ શ્રદ્ધાએ જ એમને સાંગોપાંગ ટકાવ્યા. પોતાના સર્જનહાર પર હતી એ જ શ્રદ્ધાએ એમને આત્મશ્રદ્ધા પઢ આપી, કેમ કે આખરે એમની પોતાની દૃષ્ટિએ તેઓ શું હતા? પોતે સમુદ્રમાં કેવળ એક બિન્દુસમાન હતા. પરંતુ એ બિન્દુમાં સમુદ્રની તમામ ગુણવત્તા સમાઈ હતી!
[‘મારા ગાંધી’]
24-25-26 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 264-265-266.