Opinion Magazine
Number of visits: 9446694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂફીમત : મૌલા મેરે…મૌલા મેરે…

તેજસ વૈદ્ય|Opinion - Opinion|27 November 2015

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેમ્બલી સ્ટેિડયમમાં પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે 'જગતને આજે સૂફી વિચારધારાનો વધુ ખપ છે.' એક તરફ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ઝનૂન વરસાવી રહ્યા છે, ત્યારે ઇસ્લામમાંથી જ સદિઓ પહેલાં પ્રગટેલા સૂફીમતે જગતને નિતાંત પ્રેમનો રાહ બતાવ્યો છે. મોઇનુદ્દીન ચિશ્તી હોય કે હઝરત અમીર ખુસરો, આ સૂફી સંતોએ ભારતમાં સૂફી વિચારને વિવધ રીતે ફેલાવ્યો છે. હિન્દી સિનેમામાં કવ્વાલી માધ્યમથી સૂફીસૂર ઝીલાયા છે. પ્રેમ અને સમર્પણથી છલોછલ સૂફી જીવનશૈલી શું છે? તેના ઉદ્દભવ અને વિકાસને સમજવાનો પ્રયાસ કરીએ.

હિન્દી સિનેમા શરુઆતનાં વર્ષોથી જ પોતાના સંગીતમાં સૂફી સૂરોને સાથે લઈને ચાલ્યું છે. ખાસ કરીને એ સંગીત કવ્વાલીરુપે જોવા મળતું હતું. આજે પણ ફિલ્મોમાં કવ્વાલી જોવા મળે છે. પરંપરાગતઢબે ગવાતી કવ્વાલી ૮૦ના દાયકા સુધી ફિલ્મોમાં અવારનવાર જોવા – સાંભળવા મળતી હતી. વર્ષે બે વર્ષે સરેરાશ એકાદ-બે ફિલ્મમાં કવ્વાલી હોય જ. કેટલીક ફિલ્મો આજે પણ તેમની કવ્વાલીઓથી મશહુર છે.

૮૦ના દાયકાના અંતમાં ફિલ્મોમાંથી કવ્વાલીઓ ઓછી થઈ ગઈ હતી. ૯૦ના દાયકામાં તો ફિલ્મોમાંથી કવ્વાલીનો કક્કો જ નીકળી ગયો હતો. ૯૦નો દાયકાનો મધ્ય ભાગ ભારતીય સંગીતમાં, ખાસ કરીને પોપ્યુલર સંગીતમાં એટલે કે ઇન્ડિપોપમાં મ્યુિઝક વીડિયો અને પ્રાઇવેટ આલબમોનો દૌર હતો (દલેર મેહદી, લકી અલી, શાન, શ્વેતા શેટ્ટી વગેરે ..). ૯૦ના જ દાયકામાં કેટલાંક પાકિસ્તાની ગાયકોની પણ મ્યુિઝક વીડિયો દૌરમાં, ભારતમાં રંગેચંગે પધરામણી થઈ હતી. અલી હૈદર, શફકત અમાનત અલી, અલી ઝફર, ઝુનૂન બેન્ડ વગેરેના પ્રાઇવેટ મ્યુિઝક આલબમો ભારતમાં રજૂ થયા હતા અને તેમનાં કેટલાંક ગીતો લોકોને ખૂબ પસંદ પડયા હતા. એમાંનું એક નામ સ્વર્ગીય ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનનું હતું. સંગીતમાં ખૂંપેલા લોકો માટે નુસરત ફતેહ અલી ખાનનું નામ નવું નહોતું. કારણ કે, તેમની કવ્વાલીની કેસેટો તો ભારતમાં વર્ષોથી સંભળાતી હતી. પરંપરાગત કવ્વાલીના શોખીન ભારતીયો માટે નુસરત ફતેહ અલી ખાનનું નામ જાણીતું હતું. રાજ કપૂરે તો પુત્ર રીશી કપૂરના લગ્ન વખતે તેમને ખાસ પાકિસ્તાનથી તેડાવીને લગ્નના સંગીતમાં તેમનો કવ્વાલીનો કાર્યક્રમ રાખ્યો હતો. એ ઉપરાંત, આપણાં કેટલાંક સંગીતકારો નુસરત ફતેહ અલી ખાનની ટયુન્સની તડફંચી કરીને પોતાના ફિલ્મી ગીતોમાં ઢાળી દેતા હતા.

નેવુંના દાયકામાં જ્યારે ફિલ્મોમાંથી કવ્વાલી ઓઝલ થવા માંડી હતી. ત્યારે એ દાયકાના અંતમાં નુસરત ફતેહ અલી ખાનની રચનાઓનું ભારતમાં ઓફિશિયલ આગમન થયું હતું. ૧૯૯૬માં જાવેદ અખ્તર સાથે તેમણે 'સંગમ' નામનું અદ્દભુત આલબમ આપ્યું હતું. ભારતમાં તેમણે કવ્વાલીના કાર્યક્રમો કર્યા હતા. 'બેન્ડિટ ક્વીન’, 'કચ્ચે ધાગે’, ‘… ઔર પ્યાર હો ગયા' જેવી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. તેમણે કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા. આમ ૨૦૦૦ના દાયકામાં ફરી સિનેમામાં સૂફી સૂર ઝીલાવા માંડયા. આ જે નવો દૌર શરુ થયો એનું ઘણુંખરું શ્રેય નુસરત ફતેહઅલી ખાનને જાય છે. એકાદ દાયકાના વિરામ બાદ સૂફી રંગત ફિલ્મીસંગીતમાં પાછી તો ફરી પણ આ વખતે કવ્વાલી કરતાં સૂફી ટચ ધરાવતાં પ્લે બેક ગીતો તરીકે વધુ જોવા મળ્યંુ. આજે દર ત્રીજી કે ચોથી ફિલ્મમાં તમને સૂફી તરજ ધરાવતાં ગીતો સાંભળવાં મળે છે. છેલ્લા દોઢ દાયકાથી સિનેસંગીતમાં સૂફી અસર પૂરબહારમાં છે. એ.આર. રહેમાન હોય કે પ્રીતમ, સચીન-જીગર હોય કે અમિત ત્રિવેદી. તમામે સૂફી તરજ આધારિત ફિલ્મી ગીતો કમ્પોઝ કર્યાં છે.

ભારતમાં કોઈ પણ વિષય હોય એનું સિનેમા સાથેનું ટયુનિંગ જામે એટલે એની સામાજિક પ્રસ્તુતી વધી જાય છે.

આટલી વિગતો માંડયા પછી હવે સૂફી તત્ત્વ અને ફિલસૂફી તરફ વળીએ. સૂફી એ જીવનશૈલી છે અને એ શૈલીમાં સંગીત વણાયેલું છે. સૂફી સંગીત એ સૂફીમતની કોઈ અલગ શાખા નથી. તેથી કોઈ 'સૂફી સંગીત' એવો શબ્દ પ્રયોગ કરતું હોય તો એ ખોટો શબ્દપ્રયોગ છે.

સ્વર્ગ નહીં સત્યની પરવાહ હોય એ સૂફી

સૂફી મતમાં બાહ્ય વ્યવહારનું કોઈ નિર્ધારિત બંધારણ નથી. કેટલાંક સૂફીઓ સતત પ્રવાસમાં રહેતા તો કેટલાંક કોઈ એક સ્થળ પર જ રહેવાનું પસંદ કરતા હતાં. કેટલાંક સાવ મૌનપસંદ હતાં, તો મુલ્લાં નસીરુદ્દીન જેવા સૂફીઓ લોકોને હસાવતાં હસાવતાં માર્મિક વાતો કહેતા હતા. આ તમામની દિશા એક જ હતી. નિતાંત પ્રેમ વહાવતાં વહાવતાં પરમ સત્યને પામવાનું. તેમનાં માટે પરમ સત્ય એ સ્વર્ગ કરતાં ય ચઢિયાતું હતું. સૂફી દરવેશોની ખેવના ક્યારે ય સ્વર્ગની રહી નથી. કારણ કે, સૂફીમતમાં ફળપ્રાપ્તિ માટે સારાં કાર્યો કરવાં એ નિયમ નથી. ફળમાં લાલચ હોય છે. લાલચ માત્રમાં દોષ છે. લાલચ સ્વર્ગની પણ ન હોવી જોઇએ. તેમનું કર્મ પુનર્જન્મ સારો મળે એ માટેની ફળઝંખના માટે નથી હોતું. અહમના અંશ માત્ર વગર સહજ અને પ્રેમમય રહેવું એ સૂફીઓનો સ્થાયીભાવ હોય છે. સૂફી મહિલા સંત રાબિયા કહે છે કે 'સૂફીને નર્કનો ડર નથી લાગતો કે સ્વર્ગની તેમની ઝંખના નથી હોતી.'

હુજવારી કહે છે કે "સૂફીવાદનો અનુયાયી એ છે કે જે સંઘર્ષ દ્વારા અહંકારનો નાશ કરે છે અને સત્યને વળગી રહે છે. જે આ સ્તરે પહોંચે છે એ સૂફી છે." તેથી એ રીતે જોઇએ તો ગાંધીજી, વિનોબા બાવે, સ્વામી આનંદ, દલાઈ લામા વગેરે સૂફીઓ જ કહેવાય. ગાંધીજી અહિંસાની વ્યાખ્યા કરતાં કહેતાં કે 'અહિંસા એટલે નિતાંત પ્રેમ.' તમારી સાથે કોઈ વ્યક્તિ ગમે તેવો વ્યવહાર કરે તો પણ તમે તો દરેકની સાથે પ્રેમમય વ્યવહાર જ કરવાના છો એ અહિંસા છે. સૂફીમત એ જ વાત કહે છે.

સૂફી મત ઇસ્લામની દેણગી છે પણ એને ઇસ્લામની શાખા ન કહી શકાય. જો શાખા કહીએ તો એની વ્યાખ્યા બાંધવી પડે. સૂફીમત કોઈ બંધનને તો વંદન કરતું જ નથી. સૂફી પરંપરાનાં કેટલાંક ક્રિયાવિધાન હિન્દુ પરંપરાને પણ મળે છે. જેમ હિન્દુ અધ્યાત્મમાં ગુરુશિષ્ય પરંપરાનું મહત્ત્વ છે એમ સૂફી મતમાં પણ ગુરુનું માહાત્મ્ય છે. હિન્દુ ધર્મમાં હરિનામ સ્મરણ – સંકિર્તનનો મહિમા છે એ રીતે સૂફી મતમાં 'જિક્ર' છે. જેનો અર્થ પરમાત્માનું સ્મરણ છે. ધર્મ અને ભારતીય અધ્યાત્મ મન, વચન અને કર્મની એકતા પર ભાર મૂકે છે. સૂફીમતમાં પણ વાણી અને આચાર વચ્ચે પૂર્ણ સંવાદિતાનું મહત્ત્વ છે. આમ આવું કેટલુંક સામ્ય છે.

કેટલીક ભિન્નતા પણ છે. જેમ કે, પરમ તત્ત્વની પ્રાપ્તી માટે હિન્દુ ધર્મ સંન્યાસ પર જે ભાર મૂકે છે એ સૂફીમતમાં જોવા મળતું નથી. સૂફીઓ કહે છે કે સંસારમાં રહીને પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે, એના માટે સંસાર છોડવાની જરુર નથી. સૂફીમત સંન્યાસ નહીં પણ આચરણ પર ભાર મૂકે છે. સૂફી મતની ભિન્નતા તો કેટલાંક પરંપરાગત મુસ્લિમ ક્રિયાવિધાનો સાથે પણ છે. અંતે તો સૂફી એ જીવનશૈલી છે, કર્મકાંડ કે ક્રિયાવિધાન કે મઝહબ નથી. સૂફીમતના બે મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો એટલે 'તવક્કુલ' અને 'જિક્ર'. તવક્કુલ એટલે ઇશ્વર પર સંપૂર્ણ ભરોસો અને જિક્ર એટલે ખુદાનું સતત સ્મરણ હોવું. વિશેષતા એ છે કે સૂફીમતમાં ખુદાપરસ્તીની જ વાત છે પણ એને ધર્મ કહી શકાય નહીં. કુર્રાન બહુસ્તરીય અર્થ ધરાવતો પવિત્ર ધર્મગ્રંથ છે. જેના રહસ્યવાદી અર્થને સૂફી પરંપરામાં વણી શકીએ.

'સૂફી' શબ્દનું ગોત્ર

'સૂફી' શબ્દની ઉત્પત્તિ પાછળ એક કરતાં વધુ થિયરી પ્રવર્તે છે. સૂફી શબ્દના મૂળ તરીકે અરબી શબ્દ 'સૂફ' ગણવામાં આવે છે. 'સૂફ'નો અર્થ ઊન થાય છે. પ્રાચીન મુસ્લિમ રહસ્યવાદીઓ ઊનના ઝભ્ભા પહેરતા હતા તેથી તેઓ સૂફી કહેવાતા હતા. એ સૂફીઓ ગરમ પ્રદેશમાં ઊનના ઝભ્ભા પહેરતા હતા અને પોતાની ફાકામસ્તીમાં લીન રહેતા હતા. તેમની ખુદની મસ્તીમાં તેઓ એટલા મશગુલ રહેતા હતા કે તેમને ગરમી અસર કરતી નહોતી. માણસ પોતાની મસ્તીમાં લીન હોય તો બાહ્ય પરિબળો અસર કરતાં નથી એવી ફિલસૂફી તેમના જીવનમાં વણાયેલી હતી.

એક માન્યતા એવી છે કે 'સાફ' કે 'સફવા' (પવિત્રતા) પરથી સૂફી શબ્દ આવ્યો છે. હિબ્રૂ શબ્દ 'એઇન – સોફ' જેનો અર્થ અનંત છતાં પૂર્ણ એવો થાય છે, એના પરથી સૂફી શબ્દની વ્યુત્પત્તિ થઈ છે એવું પણ કેટલાંક નિષ્ણાતો માને છે. જો કે, મોટા ભાગના વિદ્વાનો સૂફ એટલે કે ઊન પરથી સૂફી શબ્દ આવ્યો હોય એવું વધુ માને છે. એવું પણ માનવાનું મન થાય કે 'ફિલસૂફી' શબ્દ કદાચ 'સૂફી' પરથી આવ્યો હોય તો નવાઈ નહીં!

સૂફીઓને સમજવા માટે તર્ક તો કામે લાગતો જ નથી. સૂફીઓના બોધને પામવા માટે આત્મસૂઝ અને પ્રજ્ઞાની જરૂર પડે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન પછીનું પગલું. કહેવાય છે કે પ્રેમ અને સમર્પણ એ સ્ત્રીના મુખ્ય ભાવ છે. પ્રેમ એ સ્ત્રીના જીવન માટે સર્વસ્વ છે. પુરુષ માટે પ્રેમ એ તેના જીવનની એક શાખા છે, સર્વસ્વ નથી. સૂફીવાદ સમર્પણ પર ખૂબ જોર મૂકે છે. તેથી તેઓ ખુદાને પોતાના પ્રિયતમ અને ખુદને તેની સખી કે સજની તરીકે નિહાળે છે. સૂફીદરવેશો પોતાના કલામમાં ખુદને પ્રિયતમા એટલે કે સ્ત્રી તરીકે અને ખુદાને પ્રિયતમ તરીકે સંબોધે છે.

સન ૧૨૦૦થી ૧૫૦૦નો મહત્ત્વપૂર્ણ કાલખંડ

સૂફીમતનો શરૂઆતનો ગાળો ઈ.સ. ૬૨૦થી ૧૧૦૦ ગણાય છે. શરૂઆતી સૂફી ગુરૂઓ 'શેખ' કહેવાતા હતા. તેમણે સૂફી સંઘો શરૂ કર્યા હતા. રૂઢીચુસ્ત મઝહબીઓનો તેમણે વિરોધ સહન કરવો પડ્યો હતો. કટ્ટરપંથીઓને એવું લાગતું હતું કે તેઓ મઝહબનું ખોટું અર્થઘટન કરે છે. જેને પરિણામે કેટલાંક સૂફીઓએ તો મોત વ્હોરવું પડયું હતું. ઇરાકમાં બસરાના સૂફીસંત મન્સૂર-અલ-હલ્લાજ કટ્ટરપંથીઓનો શિકાર બન્યા હતા. સમય જતાં વ્યક્તિગત પવિત્રતા અને સતત પ્રેમ વહાવતી જીવનશૈલીને કારણે સમાજમાં તેઓ આદર પામતા ગયા હતા. રુમી, રાબિયા બસરી, હસન બસરી, જુનૈદ વગેરે સૂફીઓને લોકોએ ખૂબ આદર આપ્યો છે. સદીઓ વિતી છતાં આજે પણ તેમના જીવન અને બોધને લોકો સતત યાદ કરતાં રહે છે. તેમને આદર મળવાં માંડ્યો એ પછી સૂફી વિચારધારાનો વ્યાપ વધવા માંડ્યો હતો. ઈ.સ. ૧૨૦૦ની આસપાસ નોંધપાત્ર રીતે સૂફી સંઘો એટલે કે સૂફી ઘરાણા રચાયા. ૧૨૦૦થી ૧૫૦૦ દરમ્યાન દુનિયાભરમાં સૂફીમતનો ખૂબ પ્રચાર-પ્રસાર થયો. સૂફીમતનો એ મહત્ત્વપૂર્ણ કાલખંડ હતો. રાજાઓ અને સુલતાનોએ સૂફીદરવેશોને મઠ બાંધવા માટે બનતી તમામ મદદ કરતા હતા.

રુમી, ચિશ્તી, કાદરી …..

ઇરાનના સૂફી ગુરુ અબ્દુલ કાદિર ગિલાની દ્વારા કાદિરિયા સંઘ સ્થપાયો. મહાન સૂફી જલાલુદ્દીન રુમીએ ટર્કીમાં તેમનો સંઘ સ્પાપ્યો હતો. તેમનો સંઘ 'મેવલેવી' કહેવાયો. તમે ફિલ્મ 'જોધા અકબર' જોયું હોય તો એમાં 'ખ્વાજા મેરે ખ્વાજા …' ગીતમાં રિતિક રોશન સૂફીઓ સાથે એક હાથ આસમાન તરફ અને બીજો હાથ જમીન તરફ રાખીને ગોળ ગોળ ફરીને નૃત્ય કરે છે. એ નૃત્ય જલાલુદ્દીન રુમીની મેવલેવી સંઘનું પ્રદાન છે. રુમીએ રહસ્યવાદી નૃત્યને તેમની સાધનામાં સામેલ કર્યું હતું. ડાન્સ ઓફ વ્હીર્લીંગ એટલે કે એક હાથની હથેળી ઉપર અને બીજો હાથની હથેળી જમીન તરફ રાખીને ગોળ ગોળ ફરતાં દરવેશનું નૃત્ય. જમીન અને આસમાન વચ્ચે સંતુલન સાધીને જીવે વિહરવાનું છે એ તેની ફિલસૂફી છે. એ સક્રિય ધ્યાનનો પ્રકાર છે.

સુહરાવર્દીએ એશિયા માઇનોરમાં અને મોઇનુદ્દીન ચિશ્તીએ ભારતમાં તેમના સંઘ સ્પાપ્યા હતા. આ બધા સંઘ અલગ અલગ હતા પણ તેમની મૂળભૂત વિચારધારા એક જ હતી. સૂફી સાધકો નિત્ય પ્રવાસીઓ હતા અને એક કરતાં વધારે સંઘ સાથે સંકળાયેલા હતા.

સૂફીમત અત્યારે અને આવનારાં સમયમાં હંમેશાં પ્રસ્તુત રહેશે. જ્યાં સુધી માનવનું અસ્તિત્વ છે ત્યાં સુધી સૂફી વિચારધારા પ્રાસંગિક રહેશે. કારણ એ છે કે સૂફી વિચારધારા એવું માને છે કે સંસ્કૃિત સતત વિકસે છે. માનવપ્રજ્ઞા સતત વિકસી રહી હોવાથી સત્ય સૌ માટે પ્રાપ્ય છે, પણ તેનો આધાર વ્યક્તિગત સાધકની ચેતના પર છે.         

સાધનાના સાત સ્તર

સૂફીમત અનુસાર માનવ મનની સાધનાના સાત સ્તર છે. જેના માટે 'નફસ' એવો શબ્દ પ્રયોજવામાં આવે છે. નફસનો અર્થ અસ્તિત્વ થાય છે. વ્યક્તિના અસ્તિત્વને ક્રમિક રીતે ઉપર લઇ જતાં આ સાત સ્તર જોઇએ.

૧. નફસી-અમારા : જેમાં વ્યક્તિ સ્વયં પોતાના અંકુશમાં નથી હોતી. તેનું વ્યક્તિત્વ વિકસેલું નથી. તે એવું માને છે કે તેનું વ્યક્તિત્વ એકમદ સંવાદમય છે.

૨. નફસી-લવ્વામા : આ તબક્કે વ્યક્તિને પોતાના વિશે થોડી થોડી જાગૃતિ આવવા માંડે છે.

૩. નફસી-મુલ્હામા : આ તબક્કે વ્યક્તિના મનમાં સંવાદિતા સ્થપાવા માંડે છે. તે જાત વિશે વિચારે છે, આકલન કરે છે અને ઉચ્ચ સ્તર તરફ ગતિ કરે છે.

૪. નફસી-મુતમૈના : વ્યક્તિમાં શાંતિ અને સમતુલા સ્થપાય છે.

૫. નફસી – રાદિયા : વ્યક્તિ આધ્યાત્મિક અનુભવોના આયામ પર પહોંચે છે. જેનું વર્ણન તે શબ્દોમાં કરી શકાતું નથી. કબીર જેને અનહદનો નાદ કહે છે તે વાગવા માંડે છે.

૬. નફસી – ર્માિદયા : આ તબક્કે વ્યક્તિ જીવનમાં નવી પ્રકૃતિ – પ્રકાશ અનુભવે છે, જે અન્યના જીવનમાં પ્રકાશ પાથરે છે.

૭. નફસી-સાફિયા વા કામિલા : વ્યક્તિના જીવનમાં પૂર્ણત્વ પાંગરે છે. તે અન્યને સમજણ – શિક્ષણ આપી શકે એવી ક્ષમતાવાન થાય છે. જીવનમાં પ્રેમ અને આનંદ સિવાય કંઈ રહેતું નથી. ચિત્ત પરમાત્મામય રહે છે.

સૂફી ઘરાણા

વિવિધ સૂફીઓએ કેટલાંક ઘરાણા કે સંઘ સ્થાપ્યા હતા. જે પછી પ્રચાર-પ્રસાર પામ્યા હતા. એ ઘરાણા જે તે દેશમાં ભલે સ્થપાયા હોય પણ તેમના વિચારો સરહદો ઓળંગીને સુગંધની જેમ દેશવિદેશમાં ફેલાયા હતા. આજે ભારતની અંદર એવા કેટલાંક સૂફી પરંપરાના સંતો મળી આવે છે જેમનું ઘરાણું ટર્કી કે અફઘાનિસ્તાનમાં હોય. કેેટલાંક પ્રચલિત સૂફી સંઘો તરફ નજર કરીએ …

ચિશ્તિયા

ખ્વાજા અબુ ઇશાક શમીએ અફઘાનિસ્તાનના ચિશ્ત ગામમાં ચિશ્તી સંઘ સ્થાપ્યો હતો. દક્ષિણ એશિયામાં અને કાસ કરીને ભારતમાં ચિશ્તિયા સૂફીઓનો પ્રચાર-પ્રસાર થયો એમાં હઝરત મોઇનુદ્દીન ચિશ્તીનો મોટો ફાળો છે. મોઇનુદ્દીન ચિશ્તીએ બારમી સદીના મધ્યમાં અજમેર આવ્યા હતા. ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ રાજસ્થાન અજમેરમાં છે. એ દરગાહ પર હિન્દુ-મુસ્લિમ માથું ટેકવે છે. મોટા ભાગના સૂફી સંતોના સ્મારકો પર દરેક કોમના લોકો પ્રાર્થના કરવા પધારે છે.

મેવેલવી

મેવેલવી ઘરાણું જલાલુદ્દીન રુમીના વિચારોનું વહન કરે છે. તેરમી સદીના ઉત્તરાર્ધે ટર્કીમાં મેવેલવી ઘરાણાની સ્થાપના થઈ હતી. રુમીએ પોતાની રચનાઓ પર્શિયન ભાષામાં લખી હતી. એ કૃતિઓમાં રહસ્યવાદી ઊંડાણ એટલું છે કે એની રચનાઓ ગુજરાતી સહિત જગતની ઘણી ભાષાઓમાં અનુદિત થઈ છે. કેટલાં ય કવિઓ પર રુમીની ભારોભાર અસર રહી છે. બુદ્ધની જેમ રુમી પણ મધ્યામમાર્ગના હિમાયતી હતા. તેઓ માનતા કે બે અંતિમોની વચ્ચે મધ્યમમાર્ગ જ સાચો માર્ગ છે. ૧૨૭૩માં રુમીનો દેહાંત થયો એ પછી મેવેલવી ઘરાણું રચાયું હતું.

નક્શબંદી

નશબંદી અરબી શબ્દ છે. આ સંઘ ૧૩૮૦માં સ્થપાયો હતો. સૂફીઓમાં આ ઘરાણું સૌમ્ય અને મૌનપસંદ ઘરાણું છે. રશિયા, ઇજિપ્ત, ચીન, સીરિયા, ભારત સહિત અનેક દેશોમાં એનો ફેલાવ હતો. ૧૬મી સદીના ઉત્તરાર્ધે નક્શબંદી ઘરાણાની ભારતમાં શરુઆત થઈ હતી.

આ ઉપકાંત, ખાલિદિયા, નૈમતુલ્લાહી, નૂરબક્ષી, ઓવૈસા, સુહરાવર્દી વગેરે અન્ય સૂફી સંઘો પણ પ્રસાર પામ્યા છે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 25 નવેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3180300

Loading

27 November 2015 admin
← નેવુંમે વર્ષે
A SECULARIST RESPONDS TO MINISTER RAJNATH SINGH …. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved