
રવીન્દ્ર પારેખ
મહિલા દિવસ આવ્યો અને ગયો. એમ જ આવશે અને જશે. આ દિવસ મહિલા જાગૃતિનું જ નહીં, સામાજિક જાગૃતિનું કામ પણ કરે તે અપેક્ષિત છે. એવું થશે તો અંગત ગણતરીએ થતાં કામ ઘટશે. મહિલા દિનની ઉજવણીનો ઇતિહાસ, સ્ત્રી સશક્તીકરણ, સ્ત્રીને પુરુષ સમોવડી કરવાની વાત, થોડી મહિલાનું અર્પણ ને થોડીનું તર્પણ, થોડીનું સન્માન ને થોડીનું (છાનું) અપમાન કરીને દિવસ પૂરો કરવાની નવાઈ નથી, પણ હકીકત એ છે કે સંતુલન બધે જ ખૂટે છે ને તે થાય એવું લાગતું નથી. બાર સાંધો ને તેર તૂટે – જેવી સ્થિતિ છે. ખરેખર તો આ ફૂલેલા ફૂગ્ગા જેવું છે. આ છેડેથી દબાવો તો બીજે છેડે ફૂલે ને બીજે છેડેથી દબાવો તો આ છેડે ફૂલે ને બંને છેડેથી દબાવો તો સંતુલન ફૂગ્ગાનાં ફૂટવામાં સધાય.
સ્ત્રી ઘરની બહાર નીકળી તો તેની મોકળાશ વધી. તે શિક્ષિત-દીક્ષિત થઈ, આર્થિક રીતે પગભર થઈ, છતાં તેનાં શોષણમાં બહુ ફરક ન પડ્યો. છૂટ વધી, તો છેડતી પણ વધી. શોષણ ઘર પૂરતું હતું, તે વ્યાપક થયું. એવું ન હતું કે મુક્તિનો અનુભવ ન હતો. હતો, પણ શિક્ષણે, સૂક્ષ્મ શોષણની દિશા પણ ખોલી આપી. શોષણ થઈ રહ્યું છે, એની ખબર પડે એ પહેલાં શોષણ થઈ ચૂક્યું હોય, એવી સ્થિતિનું નિર્માણ વધુ થયું. સ્ત્રીને પુરુષ સમોવડી કરવાનો પ્રયત્ન પણ થયો, પણ એમાં સ્ત્રી ઘટતી ગઈ અને પુરુષોના દુર્ગુણોનું ઉમેરણ વધતું ગયું. પુરુષ જેવા થવામાં ક્યાંક બાવાના બે ય બગડ્યા જેવું પણ થયું. પુરુષ સમોવડી થવામાં સ્ત્રીએ સ્ત્રી તો રહેવાનું જ હતું, તે ઘટ્યું. તે જાણે નાનમની કોઈ વાત હોય તેમ પુરુષપણું પ્રગટ કરવામાં જ ગૌરવ લેવાતું રહ્યું. એટલે સિદ્ધ તો એ જ થયું કે પુરુષ હોવામાં જ કશુંક વિશેષ છે ને એ વિશેષતા સ્ત્રી હોવામાં નથી. એમાં એટલું થયું કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું અને એ રીતે તે વિકસી પણ ખરી. સ્ત્રી વિકસી તે સાથે હકો વિષે સભાન થઈ અને ફરજ વિષે બેધ્યાન થઈ.
સ્ત્રી શોષિત હતી, તે તક મળતાં શોષણખોર પણ થઈ.
એક સમય હતો જ્યારે દહેજને નામે સ્ત્રીનું અને તેનાં પિયરિયાંનું શોષણ થતું હતું, તે સ્થિતિ બૂમરેંગ પુરવાર થઈ. પત્ની જ દહેજ માંગ્યાની વાત આગળ કરી સાસરિયાંને જેલની હવા ખવડાવતી થઈ. કેટલા ય કિસ્સાઓમાં એવું પણ થયું કે પત્નીને, સાસરામાં પતિ અને સંતાનો સિવાય, બીજું બધું કઠવા લાગ્યું. સંજોગો પણ એવા બદલાયા કે નોકરી, ધંધાને નિમિત્તે ઘરથી દૂર જવાનું પણ થયું. આ દૂરીએ વહુની સાસરિયાં પ્રત્યેની માયા ઘટાડી. ઘણી વહુને સાસરું જ કઠવા લાગ્યું. તેનો સંસાર પતિ અને એક બે બાળક પૂરતો જ સીમિત થઈ ગયો. ઘણી વહુને પતિ ખપતો હતો, પણ તેના પિતા કે માતા ખપતાં ન હતાં કે ન તો ખપતા હતા પતિના અન્ય સગાંસંબંધીઓ ! પત્ની, પતિનું એ રીતે બ્રેઇન-વોશ કરતી રહી કે તે પણ કુટુંબથી દૂર રહે ને માત્ર તેનો જ થઈને રહે. આવી સંકુચિતતાનાં પણ કારણો હતાં, સ્ત્રીઓ સમય જતાં વધુ અનુદાર થઈ, એટલું જ નહીં, કેટલાંક ઘરોમાં તો વહુને તેનાં સાસરિયાં શત્રુ હોય એ હદે અળખામણાં થઈ પડ્યાં ને આવું સ્ત્રીઓ જ્યાં શિક્ષિત હતી, ત્યાં વધુ થયું.
જો કે, આ બધું તેનાં પિયરમાં થાય તે તેને અસહ્ય હતું. તેની ભાભીએ તો તેનાં સાસુ-સસરાને, તેનાં દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, કુંવારી નણંદ કે અન્ય સંબંધીઓને સાચવવાનાં જ હતાં. પોતે જે સાસરામાં કરતી હતી, એવું પિયરમાં ભાભી વર્તે તો તે તેને જરા પણ મંજૂર ન હતું. ભાભી પોતાનાં પિયરિયાં જોડે સુમેળ રાખી શકતી ન હતી એ વાતે તે દુ:ખી હતી, પણ એ જ કામ તે તેનાં સાસરામાં કરતી હતી તેનો તેને અફસોસ ન હતો. આ વિરોધાભાસ એવી સ્ત્રીઓમાં જોવા મળતો હતો, જેની સાસરા અને પિયરને જોવાની દૃષ્ટિમાં આસમાન જમીનનું અંતર હતું.
હક વિષેની સભાનતાએ સ્ત્રીને હક ઉપરાંતનું માંગતી પણ કરી. આ બધી જ સ્ત્રીઓમાં ન હતું, પણ હતું ત્યાં શરમાવનારું હતું. સ્ત્રી પર દુષ્કર્મ થાય એ મોટે ભાગે ક્ષોભ જન્માવનારી ઘટના તરીકે જોવાય છે, પણ સ્ત્રી પોતે જ આઠ લોકો સામે એક સમાન રેપના કેસ કરે તો એ સમજવાનું મુશ્કેલ બને છે. સુપ્રીમ કોર્ટ એ વાતે આશ્ચર્યમાં પડી કે ફરિયાદી મહિલાએ તપાસમાં સાથ ન આપ્યો, એટલું જ નહીં, કોર્ટમાં હાજર થવાની નોટિસ મોકલવામાં આવી, તો ફરિયાદી મહિલા હાજર પણ ન થઈ. 2014થી 2022 સુધીમાં જુદાં જુદા જુદા આઠ પોલીસ સ્ટેશનમાં એક સમાન રેપના આરોપો મૂકી મહિલાએ ફરિયાદ નોંધાવી ને સુપ્રીમે એ મામલે ચિંતા પણ પ્રગટ કરી. તેમાં એક આરોપ તો સેનાના પૂર્વ કેપ્ટન પર લગાવાયો હતો. કેપ્ટને ફરિયાદ રદ્દ કરાવવા સુપ્રીમ સુધી ખેંચાવું પડ્યું. સુપ્રીમે વજૂદ ન જણાતાં ફરિયાદ રદ્દ કરી ને તમામ આરોપોમાંથી મુક્ત કરી તેમને નિર્દોષ ઠેરવ્યા. રેપની ફરિયાદ કરવાનું ઘણુંખરું મુશ્કેલ થતું હોય ત્યાં આઠ આઠ વ્યક્તિઓ પર આરોપ મૂકવાનું ગંભીર છે ને તે પણ સુપ્રીમ સુધી વાત પહોંચી હોય ત્યારે તો ખાસ ! અહીં પણ સ્ત્રી જ સ્ત્રીની વિરુદ્ધમાં પડી હોય તેમ સુપ્રીમને સહકાર નથી આપતી, એટલું જ નહીં, કોર્ટમાં હાજર પણ નથી થતી.
બીજો એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટનો છે, જેમાં મુંબઇમાં રહેતાં સંતાનોએ અમદાવાદમાં રહેતી સગી માને મિલ્કત માટે કોર્ટમાં ઢસડી છે. સંતાનો જે મિલ્કત માટે દાવો કરી રહ્યાં છે તે સંદર્ભે કોર્ટમાં માતાએ જણાવ્યું કે એ મિલ્કત પિતૃપક્ષ-પિયર તરફથી પોતાને મળી છે. એ મિલ્કત સાસરાપક્ષ તરફથી મળી નથી, એટલે તે પૈતૃક સંપત્તિ ગણાય નહીં. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે માતાને પિયર તરફથી મળેલી મિલ્કત તે ઈચ્છે તો જ સંતાનોને આપી શકે.
વિગતો એવી છે કે મૂળ મુંબઈની માતા છેલ્લાં 10 વર્ષથી અમદાવાદમાં રહે છે. સંતાનોમાં પુત્ર અને પુત્રી છે ને તેઓ મુંબઈમાં અભ્યાસ કરે છે. સંતાનોના પિતા અમેરિકા રહે છે ને તબીબી સાધનોનો ધંધો કરે છે ને વારંવાર ભારત આવતા રહે છે. થોડા સમયથી સંતાનો મુંબઇમાં એક એપાર્ટમેન્ટ લેવા માતાને આગ્રહ કરતાં હતાં ને તેને માટે મિલ્કત વેચવાનું કહેતાં હતાં. માતાએ મિલ્કત વેચવાની સ્પષ્ટ ના પાડી, એટલે દીકરા-દીકરીએ માતાને મિલકતમાં ભાગ આપવાની માંગ કરી. માતાએ તેની પણ ના પાડતાં સંતાનો હાઇકોર્ટ પહોંચ્યાં. કોર્ટમાં સંતાનોએ એવી રજૂઆત કરી કે થોડાં વર્ષ પહેલાં કરેલું વિલ માતાએ બદલી કાઢ્યું હતું. એ વિલમાં બંને સંતાનોનાં નામ ઉપરાંત તેમની મામીનું નામ પણ હતું. પછી વિલ નવું થયું તો તેમાં સંતાનોનાં નામ ન હતાં.
પિયરની વાત એવી હતી કે નાનાં ભાઇનું મૃત્યુ થતાં પિતાએ તમામ મિલ્કત, દરદાગીના, ડિપોઝિટ્સ વગેરે દીકરીને આપી, જેના પર તેનાં જ સંતાનો હકદાવો કરતાં હતાં. સંતાનોની માતાએ તેનું વિલ બદલીને સંતાનોને મિલ્કતમાંથી બેદખલ કર્યાં. નવાં વિલમાં માત્ર ભાભીનું જ નામ હતું. બે મકાનમાંથી એક મકાનમાં તેને અડધો હિસ્સો આપ્યો હતો. આ હિસ્સો આપવા સામે સંતાનોએ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો. તેથી માતા બગડી હતી ને તેણે સંતાનોને બેદખલ કર્યાં હતાં.
માતા એક સ્ત્રી છે, મામી એક સ્ત્રી છે ને દીકરી ને દીકરો સંતાનો છે. આમ જોઈએ તો બધાં એક બીજાની સાથે નથી. કદાચ વિરોધમાં છે. આ બધી જ ઘટનાઓ એક જ અઠવાડિયામાં સામે આવી છે. એ કેવું વિચિત્ર છે કે મહિલાઓ અધિકારનો ઉપયોગ કરવા કરતાં દુરુપયોગ વધારે કરે છે. છેલ્લાં ઉદાહરણમાં સંતાનોની ભૂમિકા આ ઘટના પૂરતી જ સાચી છે એવું નથી. કદાચ ઘણાખરાં સંતાનોની આ જ માનસિકતા છે. સંતાનો હવે ફરજ વિષે ઓછું ને અધિકાર વિષે વધારે જાણે છે. એમાં પણ વડીલોને ટેકો કરવાની વાત તો દૂર રહી, સંતાનો વડીલોને ટેકે આગળ વધવાની ઈચ્છા રાખતાં થયાં છે. કમાતાં સંતાનો પણ વડીલોને શું આપવું એની ચિંતા ઓછી કરે છે, પણ એમની પાસેથી શું મળશે એના દાખલા વધારે ગણે છે. હવે અધિકાર માંગવા કરતાં પણ, પડાવવાની દાનત વધુ હોય છે. આ સંતાનો એવાં ગરીબ પણ નથી, પણ વારસાઈ કોઈ પણ જતી કરવા કે તેમાં બાંધછોડ કરવા તૈયાર નથી. કોઇની પણ આશા રાખ્યા વગર, પોતાનાં કૌવતથી આગળ વધવાનું આત્મતેજ સંતાનોમાં ઉત્તરોત્તર ક્ષીણ થતું આવે છે ને એ વધારે દુ:ખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 09 માર્ચ 2025