‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા માર્ગો. પહેલા તેનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશવાનું જોખમ ખેડી રહ્યા છે
પંજાબના પાંચ યુવાનો પોતપોતાનાં કારણોસર લંડન જવા તલપાપડ છે પણ તેમની પાસે પૂરતું ક્વોલિફિકેશન નથી. તેઓ વિવિધ પદ્ધતિઓ અજમાવે છે પરંતુ વિઝા મેળવવામાં નિષ્ફળ જાય છે. એક એજન્ટ ઘણાબધા પૈસા લઈ તેમને ગેરકાયદેસર રસ્તાઓ દ્વારા ઇંગ્લેન્ડ લઈ જવા તૈયારી બતાવે છે. યાત્રા જોખમી છે, જેમાં રણ, પર્વતો અને 27 દિવસની ગૂંગળામણભરી કાર્ગો કન્ટેનર સફરનો સમાવેશ થાય છે. આ વાર્તા 2023માં રિલિઝ થયેલી, શાહરુખ ખાન, તપસી પન્નુ અને વિકી કૌશલ જેવા કલાકારો ધરાવતી રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી રુટ’ની છે. તેમાં ગેરકાયદેસર સ્થળાંતરની દુ:ખદ વાસ્તવિકતાઓ એક ઉદાસ ઉપસંહાર સાથે બતાવવામાં આવી છે.
દર વર્ષે દસ લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે સરહદો પાર કરે છે, ઘણા અજ્ઞાત મૃત્યુ પામે છે. પરિવારોને તેમના સમાચાર પણ મળતા નથી. ઘણા પહોંચે તો છે, પછી નાનામોટા વ્યર્થ કામોમાં અટવાય છે. થોડા પકડાય છે અને પાછા ફરે છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ પછી તરત જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પ અને ઘણાખરા અમેરિકનો માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસીને ગુના કરે છે. ઇમિગ્રન્ટ્સના કારણે અમેરિકનોને નોકરી મળવી મુશ્કેલ થાય છે. અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન પાંચમી ફેબ્રુઆરીએ 104 ભારતીય નાગરિકોને લઈને અમૃતસર શહેરમાં ઊતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી હતી. 16 ફેબ્રુઆરી સુધીમાં બીજાં બે વિમાન ભરીને અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના 18થી 30 વર્ષની વયના છે. આ બધા ડંકી રુટ દ્વારા ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા અને એ માટે તેમણે એજન્ટોને લાખો રૂપિયા આપ્યા હતા. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, 2023 સુધીમાં અમેરિકામાં 7 લાખથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયો છે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) અનુસાર, છેલ્લાં 3 વર્ષમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા 90 હજાર ભારતીય નાગરિકો ઝડપાયા છે.
‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી. ડંકી પંજાબી શબ્દ છે જેનો અર્થ એકથી બીજા સ્થળે કૂદાકૂદ કરવી એવો થાય છે. ડંકી રુટથી જનારા લોકો ઘણાબધા દેશોમાં થઈને, જીવના જોખમે અનેક હાડમારીઓ વેઠી ગંતવ્ય દેશમાં પહોંચે છે. પોલીસ અને સેનાની નજરથી બચી પોતાની જાતને છુપાવી એક સ્થળેથી બીજા સ્થળે ઘૂસવાનું હોય છે. ઘણીવાર નદી કે જંગલમાંથી પસાર થવું પડે છે કે પછી બરફ આચ્છાદિત વિસ્તાર પસાર કરવો પડે છે. પહેલા આ માર્ગનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, પરંતુ હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશ કરી રહ્યા છે
યુ.એસ. અધિકારીઓએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે નકલી શેંગેન વિઝા ધરાવતા પ્રવાસીઓને અઝરબૈજાન અથવા કઝાકિસ્તાન જેવા પ્રમાણમાં સુલભ યુરોપિયન દેશોમાં અને ત્યાંથી મધ્ય અમેરિકન અથવા કેરેબિયન દેશો જેવા કે ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવે છે.
અન્ય માર્ગમાં પ્રવાસી વિઝા પર તુર્કસ્તાન જવું અથવા વિઝા-ઓન-અરાઇવલ પર કઝાકિસ્તાન જવું અને ત્યાંથી રશિયાનો માર્ગ લેવાનો હોય છે. કેટલાક કિસ્સાઓમાં, પ્રવાસીઓ મેક્સિકો જતા પહેલા નકલી શેંગેન વિઝા મેળવે છે અને સરહદી પ્રદેશોમાં અનેક કિલોમીટરની મુસાફરી કરીને અમેરિકા પહોંચે છે.
ઇક્વાડોર, બોલિવિયા અને ગુયાના જેવા વિઝા-ઓન-અરાઇવલ દેશો ડંકી રૂટ માટે પ્રથમ પસંદગી છે. ભારતમાંથી સૌથી લોકપ્રિય ડંકી રૂટ લેટિન અમેરિકન દેશમાંથી પસાર થાય છે. બ્રાઝિલ અને વેનેઝુએલા સહિત કેટલાક દેશો ભારતીયોને સરળતાથી પ્રવાસી વિઝા આપે છે. પણ લેટિન અમેરિકન દેશો સુધી પહોંચતાં મહિનાઓ લાગી શકે છે.
કેટલાક એજન્ટો દુબઈથી મેક્સિકો સીધા વિઝાની વ્યવસ્થા કરે છે. જો કે સીધા મેક્સિકોમાં ઉતરાણ કરવું વધુ જોખમી છે. તેથી, મોટા ભાગના એજન્ટો તેમના ગ્રાહકોને લેટિન અમેરિકન દેશમાં લેન્ડ કરે છે અને પછી તેમને કોલંબિયા લઈ જાય છે. જેટલો દેશ યુ.એસ. બોર્ડરની નજીક, તેટલો ભારતથી વિઝા મેળવવો મુશ્કેલ. કોલંબિયાથી પનામામાં પ્રવેશવા માટે ખતરનાક જંગલો પાર કરવા પડે છે, જેમાં ડેરિયન ગેપનો સમાવેશ થાય છે. સ્વચ્છ પાણીનો અભાવ ઉપરાંત જંગલી પ્રાણીઓ અને ગુનાહિત ટોળકીના હુમલાનો ભય હોય છે. અહીં આચરવામાં આવતા ગુનાઓ નોંધાતા નથી, કોઈ સજા થતી નથી. જો બધું બરાબર ચાલે, તો પ્રવાસમાં આઠથી દસ દિવસ લાગે છે, જો કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કરવાનો કોઈ રસ્તો નથી.
કોલંબિયાથી બીજો રસ્તો છે જે પનામાના જંગલથી બચવા માટે સાન એન્ડ્રેસથી શરૂ થાય છે. સાન એન્ડ્રેસથી સ્થળાંતર કરનારાઓ મધ્ય અમેરિકાના દેશ નિકારાગુઆમાં બોટ લઈને જાય છે. ગેરકાયદેસર વસાહતીઓથી ભરેલી માછીમારી બોટ સાન એન્ડ્રેસથી લગભગ 150 કિલોમીટર દૂર ફિશરમેન કેમાં જાય છે. ત્યાંથી, માઇગ્રન્ટ્સને મેક્સિકો જવા માટે બીજી બોટમાં મોકલવામાં આવે છે. અમેરિકા અને મેક્સિકોને અલગ કરતી 3,140 કિલોમીટર લાંબી વાડ છે. પ્રવાસીઓએ તેને કૂદીને પાર કરવી પડે છે. ઘણા લોકો જોખમી રિયો ગ્રાન્ડે નદી પાર કરવાનું પસંદ કરે છે.
સરહદ પાર કર્યા પછી, સ્થળાંતર કરનારાઓને કેમ્પમાં રાખવામાં આવે છે. હવે, યુ.એસ. અધિકારીઓ તેમને આશ્રય માટે યોગ્ય માને છે કે કેમ તેના પર તેમનું ભાવિ નિર્ભર છે. આજકાલ, યુ.એસ. જવા માટેનો બીજો આસાન રસ્તો છે, જેમાં ઘણા માઇગ્રન્ટ્સ પહેલા યુરોપ જાય છે અને ત્યાંથી સીધા મેક્સિકો જાય છે. ડંકી માર્ગ પર મુસાફરીનો સરેરાશ ખર્ચ 15 લાખથી 70 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કેટલાક એજન્ટો વધુ પૈસાના બદલામાં ઓછી મુશ્કેલ મુસાફરીનું વચન આપે છે. ભારતના એજન્ટોનાં અમેરિકા સુધીના દાણચોરો અને માનવ-તસ્કરો સાથે જોડાણ છે.
ગેરકાયદેસર માર્ગો અપનાવીને વિદેશ જનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકી સરકારના આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પકડાયા છે. તેમાંથી કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અથવા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ આંકડા મુજબ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 96,1917 ભારતીયો ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં પ્રવેશતા પકડાયા હતા. તેમાંથી કેટલાકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અને કેટલાકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોવિડ પછી સરહદો ફરી ખૂલી. ત્યાર પછી માન્ય ડોક્યુમેન્ટ વિના અમેરિકા આવતા ભારતીયોની સંખ્યામાં અનેકગણો વધારો થયો.
ડંકી રુટ ખૂબ જોખમી છે. જાન્યુઆરી 2022માં ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડરથી 10 મીટર દૂર મળી આવ્યા હતા. આ લોકો બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. 2023 એપ્રિલમાં વધુ એક ગુજરાતી પરિવારનું મોત થયું હતું. અમેરિકામાં પ્રવેશતા પહેલા જ તેમની બોટ સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગઈ હતી. મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકો હતાં. અગાઉ જાન્યુઆરીમાં પણ અમદાવાદથી એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી.
સાહિર લુધિયાનવીએ બીજા સંદર્ભમાં કહેલો શેર ડંકી રુટના મુસાફરો માટે પણ સાચો છે :
કિસ મંઝિલ-એ-મુરાદ કી જાનિબ રવાં હૈં હમ,
કલ જિસ ચૌરાહે પર થે, આજ ભી વહીં હૈ…’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ફેબ્રુઆરી 2025